Thursday, June 23, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - ઘરથી કૉલેજ અને કૉલેજથી ઘર સુધીની આવનજાવન : સાઈકલ સવારી

 

સાઈકલ ચલાવીને કૉલેજે જવું એ કદાચ જેટલી આર્થિક અનિવાર્યતા હતી જ એટલી જ એની સાથે ક્યાંકને ક્યાંક સંકળાયેલી ગૌરવ અને રોમાંચકતાની ભાવના પણ હતી. અમારા પિતાના એ સમયના અનેક સમકાલીનો ઑફિસ આવવા જવા માટે સાઈકલનો ઉપયોગ કરતા. એ સમયના મર્યાદિત પગારમાં તેને કારણે (મોટી) બચત થતી અને સાથે સાથે સમયમાં થતી બચત સાથે અન્ય નાની મોટી ખરીદીઓ કરવા જવામાં પણ તે બહુ હાથવગું સાધન પરવડતું.

તેને બીજે જ છેડે કહી શકાય એવાં ઉદાહરણ રૂપે મને યાદ આવે છે ગુજરાત લૉ સોસાયટી હાઈસ્કુલના મારા એ સહાધ્યાયીઓ સાઈકલ પર સ્કૂલ આવતાં એમાંના બે મિલમાલિકોના પુત્રો હતા, એક અમદાવાદનાં અગ્રણી અખબાર ગ્રૂપના માલિકનો દીકરો હતો અને બીજાં બે તો અમદાવાદના બહુ જ ખ્યાતનામ ઍડવોકેટનાં દીકરો અને દીકરી હતાં. પોતાની કાર લઈને પણ કદાચ તેઓ આવી જ શકત, પણ સાઈકલ પર આવવા જવામાં તેમને સાદગી દેખાડવાની કોઈ ગણતરી નહોતી, એટલે કંઈક રોમાંચ અને કંઈક સ્વતંત્રતાની અનુભૂતિ જેવાં જ પરિબળો હશે ને !

પોતાનું સંતાન કૉલેજમાં પગ મુકે એટલે આર્થિક રીતે મધ્યમ વર્ગનાં ગણાતાં ઘરમાં એના માટે સાઈકલ ખરીદવામાં આવે એ ઘટના એક ઉત્સવથી ઓછી નહોતી ગણાતી. ઘણા કિસ્સાઓમાં સંતાનને હવે પાંખ આવી ગઈ છે એવો અપ્રત્યક્ષ ભાવ પણ રહેતો હશે. કૉલેજ આવવા જવા ઉપરાંત કૉલેજકાળમાં ફુટેલાં પરિણયોનાં  અંકુરની સાથે, ડબલ સવારી સાથે થતી ચોરીછુપી મુલાકાતોનાં રૂપમા, જીવંત સંપર્ક રાખવામાં સાઈકલનો ઉપયોગ તો કરી જ શકાતો. એ સમયની ફિલ્મોમાં પણ હીરો અને હીરોઈનનાં પ્રેમને સાકાર કરવામાં સાઈકલના અવનવા પ્રયોગો જોવા મળતા. સાઈકલ પર ગવાયેલાં એ સમયનાં ગીત ભારતીય સિનેમાનાં કેટલાંક શ્રેષ્ઠ  રોમેન્ટિક ગીતોમાં આજે પણ યાદ કરાય છે.  

સાઈકલ સવારીની આવી બધી કથનીઓમાંથી આપણે તો જે ત્રણ યાદોની વાત કરીશું તેમાં સામાન્યસૂત્ર તો મધ્યમ વર્ગના કિશોરોને કૉલેજ જવા મળેલી સાઈકલોની વાતો જ છે. 

વસંત પુજારા[1]ના ઘરમાં એક સાઈકલ તો હતી, પરંતુ ઑફિસ આવવાજવા અને ઘરવપરાશની ચીજવસ્તુઓ લેવા જવાની પ્રાથમિકતાને કારણે તે તેના પિતાજી વાપરતા. વસંત કહે છે આમ પણ સાઈકલ વાપરવી એ તેના માટે થોડી મુશ્કેલ વાત જ હતી કેમકે ગુજરાત કૉલેજનાં વિશાળ પરિસરના નૈઋત્ય તરફના ખૂણે આવેલાં ક્વાર્ટર્સમાં તેમનું ઘર હતું. ત્યાંથી આપણી એલ ડી કૉલેજનો સહુથી ટુંકો રસ્તો ગુલબાઈ ટેકરા થઈને જતો અને તેનાથી એ ઢાળ પર સાઈકલ ચડાવી ન શકાતી. એટલે તેણે બસથી આવવા જવાનું રાખેલ. બસથી આવવા જવાના  એ સમયે અન્ય મિત્રોને અમુક બહુ જ ઇર્ષ્યા જગાવતા આનુષાંગિક લાભો છતાં વસંતને ભીડભાડ અને સમયના વ્યયને કારણે બસની આ દરરોજની સફરથી કંટાળો આવવા લાગેલો.

લગભગ એ જ અરસામાં બે સકારક પરિબળો સક્રિય થયાં. વસંતના પિતાજીની શિક્ષણ વિભાગમાં ગાંધીનગર બદલી થઈ, એટલે સાઈકલ વસંતના એકાધિકારમાં આવી, તે સાથે આપણી જ કૉલેજમાં બે વર્ષ પાછળ ભણતા એક વિદ્યાર્થીનો પણ સંગાથ થયો. આમ વંસત પણ હવે સાઈકલસવાર થઈને કૉલેજ આવતો જતો થયો. એ વિદ્યાર્થીને વસંત પાસેથી એન્જિનિયરિંગ ડ્રૉઈંગ પણ શીખવા મળતું. વસંત યાદ કરે છે કે ત્રણ વર્ષની એ સાઈકલસફરે તેના પગનાં સ્નાયુઓને એટલાં કસી આપ્યાં કે ગુલબાઈ ટેકરાનો ઢાળ તે આરામથી ચડી જવા લાગેલો. તે ઉપરાંત તેને આખી સાઈકલ ખોલી અને ફરીથી બરાબર કામ કરતી સ્થિતિમાં જોડી દેવાનો મહાવરો થઈ જવાનો અને સાઈકલનાં ફ્રીવ્હીલની રચનાને પાક્કી સમજી શકવાનો આડફાયદો પણ થયો.

આડવાત - કૉલેજ આવવાજવાની અમારી પાદસાવારીનો એક સાથી, અને અમે ચાર જીગરી મિત્રોમાંના એક મહેશ માંકડે (હવે સ્વર્ગસ્થ)તેનો અભ્યાસ પુરો કરીને નરોડાની એક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તેણે રાજદૂત મોટર સાઈકલ ખરીદી. પછીથી લગભગ દર રવિવારે તે તેઓ કોઈને કોઈ ભાગ ખોલીને 'સ્વયં-સર્વિસ' કરે. મોટા ભાગે એવું થતું કે ખોલેલા એ ભાગને ફરીથી ભેગો કરીને મોટર સાઈકલમાં બરાબર કાર્યરત કરવા મોટર સાઈકલને મિકેનિક પાસે જ લઈ જવી પડતી !

જોકે કોઈપણ નાનીમોટી અસફળતાની સામે હાર ન માનવાની તેની ખુમારીએ મહેશને તેની કારકિર્દીમાં આઈ એ એસ સુધીની સફળતા મેળવી આપેલી તેની અમે હંમેશાં સગર્વ નોંધ લેતા રહ્યા છીએ. 

જોકે મારા જેવા આર્થિક મધ્યમ વર્ગનાં સ્તરનાં મોટા ભાગનાં કુટુંબોમાં એ દિવસોમાં પુત્ર કૉલેજમાં આવે એટલે તેની ઉજવણી તેને માટે સાઈકલની ખરીદી થી થતી. (મને યાદ આવે છે ત્યાં સુધી દીકરીને આ લાભ ન મળતો.) પરંતુ એવી મોંધી જણસ ખરીદવા માટે જેટલાં વીસું જરૂરી હોય તે એકઠા કરવા એ પણ એટલી જ પેચીદી બાબત બની રહેતી. આવા એક ઘટનાક્રમને દિલીપ વ્યાસ બહુ સહજપણે યાદ કરે છે :

હું જ્યારે એસ એસ સીમાં હતો, ત્યારે મારાં માતાપિતાએ મને કહેલું કે જો ૭૦% માર્ક્સ આવે અને ઝેવિયર્સમાં પ્રવેશ મળે તો તેઓ મને સાઈકલ અપાવશે. મને તેનાથી વધારે માર્ક્સ પણ આવ્યા અને ઝેવિયર્સમાં પ્રવેશ પણ મળી ગયો. પરંતુ કૉલેજની ફી વગેરે ખર્ચાઓ કર્યા પછી નવી સાઈકલ ખરીદવા માટે કુટુંબનાં બજેટમાં ઘણાં તોડાંજોડાં કર્યા વિના રૂ.૨૭૫ જેવી માતબર રકમની એક ધડાકે ચુકવણી કરવાની જોગવાઈ કરવી એ એમને માટે કાઠું કામ હતું. કૉલેજ શરૂ થઈ એટલે મેં તો બસથી આવવાજવાનું શરૂ કર્યું.. પરંતુ, પહેલા જ એક બે દિવસમાં એ વિકલ્પ તો બહુ અર્થસભર ન લાગ્યો. ઘરેથી સચિવાલય સુધી ચાલો, ત્યાં બસની રાહ જુઓ અને યુનિવર્સિટી ઉતર્યા પછી પાછું કૉલેજ સુધી ચાલો, તે કરતાં તો ઘરેથી ચાલતા જ કૉલેજ જવું વધારે યોગ્ય જણાયું. વળી એમ કરવાથી ટિકિટના ૧૦ પૈસા પણ બચતા, જેના વડે ચિનાઈ સિંગ ખાવાની બાદશાહી પણ પોષાતી. એવી સીધી સાદી ચાલતી ઘટમાળમાં (સુખદ) ચમત્કારો પણ થતા !

તમને કદાચ યાદ હશે કે એ જ વર્ષે ભવન''કૉલેજ શરૂ થઈ હતી. પરંતુ કોઈક કારણસર છેક છેલ્લી ઘડીએ યુનિવર્સિટીએ તેના સાયન્સ વિભાગને જોડાણની મંજુરી ન આપી. એટલે ભવન'સમાં પ્રવેશ મળ્યો હતો એવાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓને સમાવી લેવા ત્યારની બીજી ચાર સાયન્સ કૉલેજોમાં વધારાનાં પચાસ વિદ્યાર્થીઓ સમાવી લેવાની યુનિવર્સિટીએ મંજુરી આપી. એ મંજુરી અન્વયે, આપણી એચ-એલ કૉલોનીના મિત્ર, ગિરિશ મકવાણા,ને ૫૫%એ પણ ઝેવિયર્સમાં પ્રવેશ મળી ગયો. આમ મને સંગાથ થઈ ગયો. તેથી પણ વધારે અગત્યનું એ હતું કે તેની પાસે સાઈકલ હતી. એટલે અમે હવે 'ડબલ સવારી'એ તેની સાઈકલથી કૉલેજ આવતાજતા થઈ ગયા. પહેલું વર્ષ પુરું થતાં સુધીમાં તો મારાં માતાપિતાએ પણ સાઈકલ ખરીદવા માટે જરૂરી નાણાંની જોગવાઈ કરી લીધી. એટલે પછી તો અમે બન્ને બીજાં વર્ષ સુધી પોતપોતાની સાઈકલ પર પણ આવતાજતા થઈ ગયા. એલડીમાં પ્રવેશ મળ્યા પછી મારી  સાઈકલ સવારી એકલ સફર બની રહી.

બીઈનાં છેલ્લાં વર્ષમાં એક બીજો ચમત્કાર થયો. મારા પિતાજીએ વર્ષો પહેલાં  સરકારી ક્વૉટામાં સ્કુટર નોંધાવ્યું હતું (ક્વૉટા રાજની એક આગવી મહેરબાની સ્વરૂપ)  તેની અચાનક ફાળવણી થઈ. સ્કુટર લેવું કે ન લેવું એની ખુબ અવઢવ પછી પિતાજીએ લોનની વ્યવસ્થા કરી અને અમારે ઘરે 'વેસ્પાની મોંઘી પધરામણી થઈ! પિતાજીને તો સ્કુટર ચલાવતાં આવડે નહીં, એટલે સ્કુટર ચલાવવાનો વિશેષાધિકાર, કુટુંબના પાટવી કુંવર હોવાને દાવે, મને મળ્યો. જોકે આટલાં મોંઘાં પેટ્રોલના પૈસા ખર્ચીને (મને યાદ છે એ સમયે એક લિટર પેટ્રોલના ઑઈલ સહિત .૭૫ રૂપિયા થતા!) કૉલેજ આવવાજવા માટે સ્કુટર લઈ જવાની મંજુરી નહોતી મળી.  પરંતુ હું, યેનકેન પ્રકારેણ, ક્યારેક ક્યારેક સ્કુટર પર કૉલેજ આવવાજવાની રાજાશાહી ભોગવી લેતો.”

મારા કિસ્સામાં સાઈકલની  ખરીદી માટે ત્રાજવાનાં પલડાંને ઝુકાવવામાં બીજાં પરિબળે ભાગ ભજવ્યો. એન્જિનિયરિંગના અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે અમે ગુજરાત સરકારની વર્ષે રૂ. ૮૫૦ની લોન સ્કૉલરશિપનો વિકલ્પ પસંદ કર્યો હતો. પહેલાં વર્ષે મને ડ્રોઈંગ બૉર્ડ, ડ્રૉઈંગ માટેનાં સાધનો સાથેનું બોક્ષ અને સ્લાઈડ રૂલ જેવાં સાધનો મારા માસા પાસેથી મળેલાં. પહેલા ને બીજા સમેસ્ટરનાં અમુક પાઠ્યપુસ્તકો અમારી ન્યાતનાં એસોશિયન દ્વારા ચલાવાતી 'પાઠ્યપુસ્તક લાયબ્રેરી' તરફથી મળ્યાં હતાં. એટલે લોન સ્કોલરશિપનો પહેલો હપ્તો મળ્યા પછી બીજી ટર્મના મધ્ય ભાગની આસપાસ એમ જણાયું કે બીજો હપ્તો મળે ત્યાં સુધી આવતાં વર્ષના ખર્ચ કાઢ્યા પછી પણ થોડી પુરાંત રહે એમ છે. એટલે એક દિવસે મહાનિર્ણય લેવાયો કે અશોકને આજે સાઈકલ અપાવી દઈએ. એ સમયે આવી બધી વસ્તુઓ પાનકોર નાકાના બજારેથી જ મળતી. એટલે અમે સાઈકલ લેવા ગયાં બસમાં, પણ વળતાં તો, પાનકોર નાકાથી એલિસબ્રિજના ટ્રાફિકમાંથી, હું મારી પોતાની સાઈકલ ચલાવીને ઘરે પહોંચ્યો.   

જોકે કૉલેજ આવવાજવા માટે સાઈકલનો ઉપયોગ કરવાનું તો મેં પછીના વર્ષે જ કર્યું કેમકે કૉલેજ જવા માટે એચ-એલ  કૉલોનીથી  ત્રણ ચાર મિત્રો હતા એટલે ચાલતા જવાનું અમને વધારે ફાવતું.

કૉલેજ આવવાજવાના પ્રત્યક્ષ લાભો ઉપરાંત વસંત પુજારાએ જણાવ્યા એવા મને પણ અમુક આનુશાંગિક લાભો હતા, પણ તેની વાત, આગળ જતાં, એ વિષયની જ વાત આવશે ત્યારે કરીશું.

સાઈકલ પ્રકરણ પુરૂં કરતાં,અમેરિકામાં સ્થાયી થયેલ પણ એ દિવસોમાં અહીં આવેલા, રમેશ દોશીને યાદ આવી ગયેલ એક બહુ જ આગવી પરિસ્થિતિની વાત કરવી જ જોઈએ. ગયે વર્ષે નવેમ્બરમાં LDCE71M બૅચના મુખ્યત્ત્વે અમદાવાદના મિત્રોનાં બપોર-ભોજનનાં મિલનથી અમે બન્ને પાછા આવી રહ્યા હતા.  બીઆરટીએસનાં હાલનાં 'એલ ડી કૉલેજ' સ્ટેન્ડ પાસે આવ્યા ત્યાં રમેશ અચાનક જ બોલી પડ્યા કે એ દિવસોમાં અહીં બસનાં ટાયરો હેઠળ ચળાયેલી કેટલી બધી ઝીણી માટીના થર રહેતા! પછી જેમ એ દિવસોમાં સરી પડ્યા હોય તેમ તે કહેતા રહ્યાઃ  એ ચળાયેલી માટીના થરમાંથી બસના ટાયરોએ પાડેલા બે ચોખ્ખા ચાસ પરથી સાઈકલને હેમખેમ કાઢવી એ બહુ દુષ્કર કામ હતું. ધ્યાન જરાક આઘુંપાછું થયું એટલે સાઈકલનું પૈડું ફસાયું જ સમજો. એવું થાય એટલે પગ ખુંપી જાય એવી માટીમાં સાઈકલ પરથી નીચે ઉતરવું જ પડે અને ફસાયેલું પૈડું ઊંચકીને બહાર કાઢીએ ત્યારે જ આગળ વધાય. મોટા ભાગે તો બેત્રણ જણા સાથે જ હોઈએ, એટલે વાત કરતાં કરતાં આમ ફસાવું એ કદાચ લગભગ રાબેતા મુજબનો ક્રમ પરવડતો.

મશીન ડિઝાઈનના એ વર્ષોના પ્રોફેસર કૅલોગનો પિરિયડ પહેલો  જ હોય અને જો કોઈ જરા સરખો પણ મોડો પડે તો તેને પ્રવેશ ન જ મળે. જોકે 'બસ મોડી પડી', 'સાઈકલમાં પંક્ચર પડ્યું હતું' એવાં ઘસ્યાંપીટ્યાં 'બહાનાં' સિવાયનું કોઈ વજુદવાળું કારણ હોય તો વળી તેઓ પ્રવેશ આપતા. 'માટીમાં પૈડું ફસાયું હતું' એ કારણસર તેઓ પ્રવેશ આપતા કે કેમ તે આજે યાદ નથી.  જોકે પ્રવેશ ન મળવા  માટેનાં બહાના અને મળવા માટેનાં કારણો યાદ આવે તો એ તો એક આખા મણકાની સામગ્રી થાય ! તમને કોઈને યાદ આવે છે?

હવે પછીના મણકામાં ચાલતા કૉલેજ આવવાજવાની કેટલીક યાદો તાજી કરીશું. તમે પણ તમારી આવી યાદો જરૂરથી મને મોકલજો

[1] વસંત પુજારા અમારો સહાધ્યાયી તો ખરો જ પણ વાત એટલેથી નથી અટકતી. LDCE71M બૅચને પચાસ વર્ષ પછી એક ડિરેક્ટરી અને વ્હૉટ્સએપ્પ ગ્રુપ દ્વારા ફરીથી સાંકળનારી એક સક્રિય કડી પણ તે છે. તેના આ પ્રયાસનાં ફળસ્વરૂપે અશોક ઠક્કરને LDCE71M બૅચની ૫૦ વર્ષની સાહસિક સફર'ને ગ્રંથસ્થ કરવાની પ્રેરણા મળી.

No comments: