ભારતના કોઈ પણ ધોરી માર્ગ પર તમારી આગળ કોઈ ટ્ર્ક જતી હોય
તો તમારૂં ધ્યાન કમસે કમ એક વાર તો તેની પાછલી બાજુએ કંઇકને કંઇક કરેલાં ચિતરામણો
તરફ અવશ્ય દોરાશે. એ અવનવાં ચિતરામણોમાં સામાન્યપણે સૌથી વધારે જોવા મળશે - હોર્ન ઓકે પ્લીઝ. તેની સાથે ટાટા
પણ લખેલું જોવા મળી શકે છે.
આ ‘હોર્ન ઓકે પ્લીઝ’નાં
દર્શન મને, આ અઠવાડીયે, ઘરે બેઠે થયાં.
સામાજિક માધ્યમો પર ટાટા સન્સના બ્રાંડ કસ્ટોડિયન હરિશ ભટની કપિલ દેવ સાથેની એક મુલાકાતની પૉસ્ટ બહુ વાઈરલ થયેલી
જોવા મળી. આ વાત તેમને જ લખી છે કે કેમ તેની સચ્ચાઈ કરવા મેં ગુગલ માર્ગની સફર
આરંભી, અને એ પૉસ્ટ તો તેમણે જ લિંક્ડઈન પર પૉસ્ટ કરી છે તે તો પળવારમાં
સુનિશ્ચિત થઈ ગયું.
જોકે આ પૉસ્ટ તરફ મારૂં ધ્યાન ખેંચાવાનું મુખ્ય કારણ તો
તેના લેખક હરિશ ભટ હતા જેમના એક લેખ - Meet
Shakespeare, the manager’s guru - નો મેં ૨૦૧૬માં અનુવાદ કર્યો હતો. મારે તેમના બીજા લેખો વાંચવા હતા, એટલે હવે મારી ખોજ એ
દિશામાં વળી.
અહીં પણ પળ
વારમાં જ મારા હાથમાં, તેમણે લખેલાં પુસ્તકોમાંથી, “Tata
Stories", 40 timeless tales to inspire you હાથમાં આવ્યું. અને મજાની વાત તો એ કે
એ પુસ્તક પર પહેલી જ નજર કરતાંવેંત જોવા મળ્યું કે 'હોર્ન ઓકે પ્લીઝ'માંના 'ઓકે'નો સંબંધ તો ટાટા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ્સ લિ.(ટેલ્કો, હવે ટાટા મોટર્સ લિ.)ના
વિકાસનો પાયો નાખનારા દીર્ઘદૃષ્ટા, સુમન્ત મુળગાંવકર સાથે
નીકળે છે.
એ વાતના
પરિપ્રેક્ષ્યને ખરા સંદર્ભમાં સમજવા 'હોર્ન ઓકે પ્લીઝ' સાથે જોડાયેલ અન્ય કેટલાંક તાર્કિક અથઘટનો પર એક નજર કરવી
જોઈએ -
¾
બીજાં વિશ્વયુદ્ધ વખતે
ડિઝલની સખત ખેંચ હતી, એટલે ટ્રકોને
કેરોસીન પર ચલાવવાની છૂટ અપાયેલ. કેરોસીન અત્યંત જ્વ્લનશીલ હોવાથી એવી ટ્રકોથી
સલામત અંતર રાખવાના નિર્દેશ તરીકે એવી
ટ્ર્કોની પાછળ OK (Only Kersone) લખાતું.
હળવી આડવાત: પેટ્રોલ
હજુ 30 -40 રૂપિયે લિટર હતું ત્યારે ‘કેરોસીનીયા’ રીક્ષાઓનું વિચારબીજ આ OK માં તો નહીં
હોય ને!
¾ હજુ એકાદ દાયકા પહેલાં સુધી આપણા મુખ્ય ધોરી માર્ગો એક વાહન જ ચાલી શકે તે પ્રમાણે બનતા. વળી એ સમયે મોટા ભાગની ટ્ર્કોમાં રિયર વ્યૂ મિરર તો ભાગ્યેજ લગાવાતો. એટલે આગળ જતી ટ્રકને ઓવરટેક કરવી હોય તો હોર્ન વગાડવું પડતું. આગળ રસ્તો ચોક્ખો હોય તો ડ્રાઈવર ટ્રકને થોડી સાઈડમાં દબાવે, એટલે સમજી લેવાનું કે હવે ઓવરટેક કરાય. આ ઓવરટેક કરવાનું સબ સલામત સિગ્નલ હતું 'ઓકે'. કેટલીક ટ્ર્કોમાં તો 'ઓકે' લખ્યુ હોય ત્યાં એક લીલા રંગનો પ્રકાશ આપે એવા બલ્બની વ્યવસ્થા પણ રહેતી. એ ટ્ર્કનો ડ્રાઈવર 'ઓકે' કહેવા માટે એ લીલી લાઈટનું સિગ્નલ કરે એટલે તમે આગળ જઈ શકો.
¾ એક સમયે ટાટા ગ્રૂપની સાબુઓ વગેરે બનાવતી એક અન્ય કંપની ટાટા ઓઇલ મિલ્સ કંપની લિ. (ટોમ્કો) નહાવાનો, લાલ રંગનો, સાબુ 'ઓકે' બનાવતી, જે હિંદુસ્તાન લિવરના 'લાઈફ બૉય'ની સાથે સીધી સ્પર્ધામાં હતો. 'ઓકે' શબ્દનું અર્થસંધાન આપણે ત્યાં બધું ઠીકઠાક છે એવી સામાન્યવત સ્થિતિ સાથે થતું. આ 'ઓકે' સાબુ પણ મહેનતકશ આમજનતાને ધ્યાનમાં રાખીને બનાવાયેલો. એટલે તેના લૉગોને જો ટાટાની ટ્રકની પાછળ ચીતરવામાં આવે તો એ વર્ગનું આ બ્રાડ તરફ ધ્યાન આકર્ષાય અને ટાટાની ટ્રક જેવી ગુણવત્તા અને ભરોસો આ સાબુના વપરાશથી પણ મળશે એવું જણાવવાનો હેતુ અભિપ્રેત મનાતો.. ખેર, ‘ઓકે’ની સ્પર્ધા ખાળવા હિંદુસ્તાન લિવરે તો 'લાઈફબૉય'ની જાહેરાત જ 'તંદુરસ્તીકી સુરક્ષા'નાં સુત્રથી કરવાનું શરૂ કર્યું જેની સામે 'ઓકે' સાબુ સ્પર્ધા ન કરી શક્યો અને ધીમે ધીમે તેનું ઉત્પાદન બંધ કરી દેવાયું.
કેટલાંક વારસો બાદ ટોમ્કો પણ હિંદુસ્તાન લિવરે જ ખરીદી લીધેલી.
¾ પણ ટ્રકની સાથે એ અનુસંધાન એવું કાયમી બની ગયું કે ટાટા સિવાયની ટ્રકોની પણ પાછલી દિવાલ પર 'હોર્ન ઓકે પ્લીઝ ટાટા' જોવા મળવું એ બહુ સહજ ઘટના બની ગઈ. તેની વ્યાપકતા એટલી બધી છે કે હળવા સુરમાં કદાચ એમ પણ કહી શકાય કે ટ્રકની પાછળ એ મુજબનું ચિતરામણ ન હોય તો કદાચ આરટીઓ દ્વારા પણ એ ટ્રકને 'પાસ' ન કરાય!
એક રેસ્તરાંના ગેટની સજાવટમાં વપરાયેલ ;હોર્ન ઓકે પ્લીઝ' વાળું ટ્રકનું પછવાડું | તસવીર: Sankarshan
Mukhopadhyay/CC BY-SA 2.0
¾ ટ્રક્ની પાછળ લખાતું આ 'હોર્ન પ્લીઝ' તો ધ્વનિ પ્રદુષણ ફેલાવનારાં એક પરિબળ તરીકે પણ ઉભરી આવ્યું જ્યારે ૨૦૧૫માં મહારાષ્ટ્ર સરકારે કોઈપણ કમર્શિયલ વાહનની પાછળ આ પ્રકારનાં ચિતરામણો પર પ્રતિબંધ લગાવ્યો.
Tata
Storiesમાં આ વિષય
સાથે સંબંધિત વૃતાંતમાં જાણવા મળે છે કે સુમન્ત મુળગાંવકર ઉત્કૃષ્ટતા વિશે બહુ જ
આગ્રહી હતા. '૭૦ના દાયકામાં જ્યારે ટ્રકની
ઉપલબ્ધિની ખેંચ હતી ત્યારે ટાટા ટ્રક, બ્લૅકમાં, રૂ. ૪૦,૦૦૦નાં પ્રિમિયમથી વેંચાતી. આ
સંદર્ભે મુળગાંવકર પર ટ્રકના ભાવ જ વધારી દેવા માટે ચારેબાજુથી ખુબ દબાણ હતું.
પરંતુ તેમનો અભિગમ એકદમ સ્પષ્ટ હતો 'નફો ઉત્પાદકતામાંથી આવવો જોઈએ, બજારની સાનુકૂળતામાં નહીં. આપણી મોટામાં મોટી મુડી ગ્રાહકનો
સંતોષ છે.'
[નોંધ: આ આખું વૃતાંત એક અલગ જ ચર્ચાનો વિષય છે, જે વિશે કોઈ ઉચિત સમયે વાત કરીશું.]
'ઓકે' બ્રાંડ અને સાબુ, ખુદ ટોમ્કો, કે ટાટા મોટર્સની સુમન્ત મુળગાંવકરની જ યાદમાં નામકરણ
કરાયેલ 'સુમો' કે રતન ટાટાનાં સ્વપ્ન સમી 'નેનો'ની બજારમાં અસફળતા એક અલગ ચર્ચાનો વિષય છે જે અહીં પ્રસ્તુત
નથી. 'હોર્ન ઓકે પ્લીઝ ટાટા'નાં સંધાનને કારણે ટાટાની
ટ્રકોને પણ બજારમાં કેટલી સ્પર્ધાત્મક સરસાઈ મળી તે પણ અલગ સંશોધનનો વિષય છે.
પરંતુ 'હોર્ન ઓકે પ્લીઝ' ખુદ એક ચલણી બ્રાંડ બની ગઈ એ બતાવતાં તો અસંખ્ય ઉદાહરણો
જોવા મળશે. ૨૦૦૯માં 'હોર્ન ઓકકેકેકે પ્લીઝ' નામની એક ફિલ્મ બની, જે પણ ચાલી નહીં! ‘હોર્ન ઓકે પ્લીઝ' નામની એક મરાઠી ટીવી સિરિયલ પણ બની છે. વિશાલ ભારદ્વાજ જેવા 'હટકે' દિગ્દર્શક અને ગુલઝાર જેવા
ગીતકારે, તેમની ફિલ્મ 'ડેઢ ઈશ્કિયા'માં ટ્રક પરનું આખું ગીત જ હોર્ન ઓકે પ્લીઝ' બનાવી દીધું.
સ્વાભાવિકપણે જે બહુ લોકભોગ્ય બની ચૂકેલ છે.
એક રીતે જૂઓ તો આમ થવામાં આશ્ચર્ય પણ ન થવું જોઇએ. ટ્રક એ માત્ર માલ સામાનની
હેરફેરનું એક સાધન જ નથી કે વ્યવસાય પર નભતાં અનેક કુટુંબોની જીવાદોરીની કડી જ નથી
રહી, પણ (અખંડ) ભારતની સંસ્કૃતિનું
એક મહત્ત્વનું પ્રકરણ છે અને એટલે જ ટ્રક પરનું ચિત્રકામ આ ભાતીગળ
સંસ્કૃતિ દર્શાવતી લોકકળાનું અવિભાજ્ય અંગ છે. યુટ્યુબ પર જોવા મળતા અનેક માહિતી
સભર વિડીયો આ વાતની સાદેહી પુરે છે. શાંતનુ સુમને આ વિષય પર બનાવેલ એક દસ્તાવેજી ફિલ્મ તો આંતરરાષ્ટ્રીય પ્રખ્યાતિ મેળવી ચૂકેલ
છે.
HORN PLEASE from Shantanu Suman on Vimeo.
ટ્રકની પાછળ ચિતરાયેલું 'હોર્ન ઓકે પ્લીઝ' હવે પછી મારા માટે એક ‘જૂઓ અને ભુલી જાઓ’
પ્રકારનું ભીતસૂત્ર જ નહીં બની રહે પણ તેની સાથે એ આખું ચિતરામણ જ એ ચિત્રકાર, અને
કદાચ ટ્રક માલિકનાંએમ પણ, જીવન કથનને સમજવાનો આયામ પણ બની
રહેશે. .
No comments:
Post a Comment