'ચંદ્રભાગા નદીનાં કોતરો'માં થિયોડોલાઈટ માપણી પ્રેક્ટિકલ - ખોદ્યું કોતર અને નીકળ્યો રહસ્યમય ખજાનો
સિવિલમાં બીજો પણ
એક સ્થળ ઉપર જઈને કરવાનો બીજો એક પ્રેક્ટિક્લ થિયોડાલાઈટ વડે
માપણીની હતો. એ માટે સાબરમતી આશ્રમની પાસેના દાંડી પુલ (જે પરિક્ષિતલાલ
મજુમદાર પુલ તરીકે પણ ઓળખાય છે) પાસે સાબરમતી નદીને મળતી ચંદ્રભાગા નદીનાં બહુ
ઊંડા ભલે નહીં તો પણ પાણીનાં વહેણને કારણે પડી ગયેલાં કોતરોનાં ભુતળની માપણી
કરવાનો હતો.
'ચંદ્રભાગા નદીનાં કોતરો' શબ્દપ્રયોગને
વાંકા અક્ષરોમાં દર્શાવવા માટેની કારણ એ છે કે એ કોતરો એવી અનેક પૈકી એક ભૌગોલિક
વાસ્તવિકતા છે જેમને અમદાવાદના '૫૦ અને '૬૦ના દાયકા સુધીના તાજા ભૌગોલિક ભૂતકાળની વાસ્તવિકતાઓને '૮૦ના દાયકા પછી અમદાવાદના 'વિકાસ'ની સદાય અતૃપ્ત રહેનારી રાક્ષસી ભૂખે કાયમ માટે ભુંસી નાખી
છે.
ચંદ્રભાગાનાં એ
કોતરોને સાથે ઉગી નીકળેલાં કોંક્રિટના જંગલોની આજની સ્થિતિ અહીં રજુ કરેલાં તાજાં
સૅટેલાઈટ ચિત્રમાં જોઈ શકાય છે. આ ચિત્રમાં ચંદ્રભાગાનાં એ કોતરોના કંઈક અવશેશૉ
ભલે દેખાય છે પણ જમીની વાસ્તવિકતામાં તો તે હવે સાબરમતીને નદીને સતત પ્રદૂષિત
કરતાં અનેક ગંદા પાણીનાં નાળાંઓમાં જ પરિવર્તીત થઈને રહી ગયાં છે. ભારતના
સ્વાતંત્ય સંગ્રામમાં જેનું ઐતિહાસિક મહત્ત્વ કહી શકાય એવા દાંડી પુલને પણ આપણી
(જાહેર) બેકાળજીના ભરડાએ મરણતોલ દશામાં તો લાવી મુકેલ જ છે.
ખેર, એ અફસોસોને બાજુએ રાખીને આપણે આપણા આજના વિષય પર પાછાં ફરીએ.
સાબરમતી આશ્રમને અડી પસાર થતા આશ્રમ રોડની પેલે પાર આવેલાં આ કોતરોના લગભગ હજારેક ચોરસ વારના વિસ્તારની ભૂતલીય માપણી અમારે કરવાની હતી. કોઅતરો સાથેના ચંદ્રભાગાના પટનાં રડ્યાંખડ્યાં ક્યાંક હરિયાળાં ક્યાં સુકાઈ ગયેલાં ઝાડી ઝાંખરાંઓને બદલે જો કોઇ અન્ય 'હરિયાળા' 'ઉભારો'ની કોતરોની માપણી કરવા મળી હોત તો આ ફિલ્ડ પ્રેક્ટિકલની પિકનિક કેવી માણવા લાયક બની રહી હોત એ અફસોસને મમળાવતા અમે બધા એ કોતરોમાં ફેલાવા લાગ્યા.
જો કે અમારી
નિયતિએ આ ક્રૂરતાની સાથે થોડી દયાના અંશની પણ જોગવાઈ રાખી હશે એટલે અમારો એ દિવસ
સાવ નીરસ તો ન જ રહ્યો.
થોડેક દુર
ગયા પછી અમુક અમુક કોતરોમાં અમે ક્યાંક માટલાંઓ અને તેની આસપાસનાં કોઈક ઠરી ગયેલાં
કોઇક ચાલુ તાપણાંઓ જેવું ભાળ્યું. અમારી એ ખોજની જાણ અમારા સુપરવાઈઝર સાહેબોને
થતાં વેંત અમને કડક શબ્દોમાં ચેતાવણી મળી ગઈ કે આપણે એ બધાંથી દુર રહીને આપણું કામ
કરવાનું છે. એ દરમ્યાન આમારામાંના કેટલાક જાણતલ જોશીડાઓએ તો આ 'કૌતુકો'ને દેશી દારૂ ગાળવાના 'ગૃહ ઉદ્યોગો"ની ભઠ્ઠીઓ તરીકે ઓળખી કાઢ્યાં હતાં
એટલે તેની
સાથે ચેડાં કરવાનાં જોખમો વિષે આછો પાતળૉ ખયાલ હોવા છતાં, આસપાસ કોઈ માનવ હાજરી દેખાતી નહોતી એટલે અમારામાંના કેટલાક ઉત્સાહી પરાક્રમીઓએ
એકાદ માટલાંને તોડી જોયું. તે સાથે જ એમાંથી માથું ભમાવી દેનારી દુર્ગંધ અમને અને વિસ્તારને ઘેરી વળી. અમારે હવે તો એ
દુર્ગંધથી જ અમારો જીવ બચાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ, એટલે હવે સાવચેતી અને બહાદૂરીથી અમે બધા ત્યાંથી આઘાપાછા થઈ ગયા.
એ પછી અમારા
એ પ્રયોગના બધા જ સમય દરમિયાન એ વસ્તુઓથી વગર કહ્યે જ અમે સલામત અંતર જ જાળવાતા
રહ્યા એ તો કહેવાપણું જ ન હોય!
ચેઈન લિંક
માપણી પ્રેક્ટિકલની જેમ અમે અમારો થિયોડોલાઈટ પ્રેક્ટિકલ પણ ખોડંગાતે ખોડંગાતે
પુરો તો કર્યો એ પણ વણકહ્યે જ સમજાઈ ગયું હશે. !!
હવે પછીના મણકામાં એંજિનિયરિંગ ડ્રોઈંગના પ્રેક્ટિકલોની ખાટીમીઠી યાદોને તાજી કરીશું.
No comments:
Post a Comment