Sunday, April 7, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : પહેલવહેલી ખેપ

 BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : વણખેડેલી કેડીપરની સફરનાં મડાણ..... થી આગળ

મારો મુસાફરીનો દિવસ આમ તો બીજા દિવસો જેવો જ સામાન્ય હતો. પિતાજી તેમના નિયત સમયે તેમની ઑફિસ ગયા હતા. માતાજી પણ સવારથી તેમની નિયમિત દિનચર્યામાં જ વ્યસ્ત હતાં. મારૂં સવારનું જમવાનું પણ હંમેશ જેવું હતું. દરરોજની દિનચર્યામાં જો ફરક કહેવો હોય તો એટલો કે અન્ય દિવસો કરતાં મેં અર્ધો - પોણો કલાક વહેલું જમી લીધું હતું, જેથી નવસારી સ્ટેશન પહોંચવા માટે બીનજરૂરી ઉતાવળ ન કરવી પડે.

જોકે મુસાફરીનો દિવસ ખાસ ન હોય એમાં કંઈ નવું પણ નહોતું.

શૈક્ષણિક જીવન સંભવિત નવી, અને મહદ અંશે વણકલ્પેલી, સફરની શરૂઆત હોવા છતાં આ પ્રકારના દિવસ ખાસ ગણવો જોઈએ એવી કુટુંબની કોઈ પ્રથા જ નહોતી. પિતાજી મારી શૈક્ષણિક પ્રગતિમાં રસ જરૂર લેતા, પણ ભણતરને લગતી રોજબરોજની ઘટનાઓનો અમારે અમારી જાતે જ સંભાળી રહેવાની રહેતી.

મારાં ભણતર સાથે સંબંધિત (તથાકથિત) મહત્ત્વના સીમા ચિહ્નરૂપ પ્રસંગની ખાસ ઉજવણી હોય, કે તેને લઈને ખાસ ઉત્તેજના હોય એવું છેલ્લે, અને માત્ર એક જ વાર, બન્યું હતું એસ એસ સીની મારી પરીક્ષાના પહેલે દિવસે જ.  અમારે ગુજરાત કોલેજ (અમદાવાદ)ના કયા ખંડમાં પરીક્ષા આપવાની છે તે જોવા પરીક્ષા શરૂ થવાના આગલા દિવસે મારી સાથે મારા પિતાજી આવ્યા હતા. પહેલી પરીક્ષાને દિવસે બે પેપર હતાં પહેલાં અને બીજાં પેપર વચ્ચે ૧ કલાક સમયગાળો હતો. એ સમયે મારાં માતાજી થર્મોસ ભરીને ચા અને નાસ્તો લઈને આવ્યાં હતાં. જોકે, બીજા બધાં પરિક્ષાર્થીઓનાં તો આખાંને આખાં કુટુંબ ચા નાસ્તો લઈને આવ્યાં હતાં. વિદ્યાર્થી જીવનની એ સમયની એ પહેલી મહત્ત્વની પરીક્ષા હતી, પણ એ કલાક પુરતું વાતવરણ પરીક્ષાભાવથી બોજિલ બની જવાને બદલે કોઈ ઉત્સવ જેવું બની રહ્યું હતું.

મને યાદ છે ત્યાં સુધી પ્રાથમિક શાળાની શરૂઆત કે પછી મિડલ સ્કૂલની શરૂઆત જેવા પ્રસંગ તો ક્યારે આવ્યા ને ગયા એ જ ખબર નથી. પાંચમા ધોરણમાં અધવચ્ચેથી પિતાજીની બદલી, સૌ પ્રથમ વાર, રાજકોટ થઈ હતી. એટલે રાજકોટની બહુ જ પ્રતિષ્ઠિત ગણાતી વિરાણી હાઈસ્કૂલમાં પ્રવેશ લેવાનો હતો. એ શાળામાં પ્રવેશ લેવા માટે પણ (કદાચ) બે મુખ્ય કારણો તો ઘરની નજીક હોવું અને અમારા સંબંધી, શ્રી જનાર્દનભાઈ વૈદ્ય, ત્યં અંગેજીના શિક્ષક હતા એ સગવડ જ ગણી શકાય. પ્રવેશ મેળવવા માટે જનાર્દનભાઈ અને મારા પિતાજીને ઠીક ઠીક મહેનત પડી પણ તે પછી શાળાનો પહેલો દિવસ કે છેલ્લો દિવસ કંઇ ખાસ રહ્યો હોય એવું યાદ નથી. પ્રવેશ અંગે એવી જ દોડધૂપ અને માથાકૂટ પ્રિ. સાયંસ સમયે પણ થયેલી. ગુજરાત યુનિવર્સિટીમાં પવેશ માટે સોળ વર્ષ પુરાં થયાં હોવાં જોઈએ એવો નિયમ હતો. મને પંદર વર્ષ જ પુરાં થયેલાં, એટલે, તકનીકી રીતે, હું એ સમયે 'નાની વય'નો હતો. એ સમયે ચાલેલા તપાસના ચકરાવાઓમાંથી એટલું ફલિત થયું હતું કે વલ્લભ વિદ્યાનગરમાં પ્રવેશ માટે વય મર્યાદાનો નિયમ સ્નાતક કક્ષાએ પ્રવેશ માટે હતો. એટલે ત્યાં પ્રવેશ મેળવવા માટે પિતાજીએ બે એક ધક્કા ખાવા પડેલા. હું પણ તેમની સાથે જતો. તે જ રીતે પ્રિ. સાયંસનું વર્ષ પુરૂં થયા પછી  એમ એસ યુનિવર્સિટીમાં મેડિકલ અભ્યાસક્રમમાં મને આપોઆપ મળતા પ્રવેશ ન લેવા માટેના મારા આગ્રહ માટે પણ પિતાજીએ બે એક ધક્કા ખાવા પડેલા.

આમ, મારાં સમગ્ર જીવનકાળના સંદર્ભમાં આજે પાછળ નજર કરતાં એમ કહી શકાય કે આ બધા પ્રસંગો મારાં શૈક્ષણિક જીવનના 'સામાન્ય' પ્રવાહને બદલે (અસામાન્ય) 'ખાસ કારણો' વધારે ગણી શકાય. આજે હવે વિચારતાં એમ લાગે છે કે અમારાં કુટુંબની આવી વિચારસરણી મારા માટે તો છૂપા આશીર્વાદ સમાન જ નીવડી હતી, મારાં જીવનમાં મારા પોતાનાં બળે આગળ વધવાની જે કંઈ મારામાં આવડત કેળવાઈ તેનો પાયો નંખાવામાં આ બધી બાબતોનો ફાળો બહુ મહત્વનો રહ્યો છે તે હવે સ્પષ્ટપણે દેખાય છે.

જોકે, નવસારી સ્ટેશનેથી પશ્ચિમ એક્ષપ્રેસ ઉપડી ત્યારે હૃદયને ઊંડે ખૂણે મને એવી અનુભૂતિ તો થતી હતી આ સફર મને સૌ પ્રથમ વાર ગુજરાતની સીમાની પાર લઈ જઈ રહી છે. જોકે, એ પણ કબુલવું જ જોઈએ કે મારાં જીવનને આ સફર  નવો જ વળાંક આપશે એવી ધારણા હજુ નક્કર સ્વરૂપ નહોતી લઈ રહેલી. 

મુસાફરીનો સમય પસાર કરવા માટે મેં મારી સાથે ઇન્ડિયા ટુડે અને ધ વીકના બે છેલ્લા અંકો સાથે લીધા હતા. સામાન્ય જ્ઞાન પણ થોડું તરાશાતું રહેશે એવા આડફાયદાની પણ ગણતરી પણ હતી. જોકે મારાં મૂળ હથિયાર તરીકે તો મારી સાથે સમગ્ર ભારતનું રેલ્વે સમયપત્રક હતું જ.  વડોદરા પસાર થઈ ગયા બાદ હું હવે પછીનું સ્ટેશન કયું છે અને ત્યાં પહોંચતાં કેટલો સમય લાગશે એ તપાસતો રહેતો હતો. સાંજનાં જમવામાં તો મારે સાથે લાવેલો નાસ્તો હતો એટલે એ અંગે કશું વિચારવાપણું નહોતું. રાતે જ્યારે બીજાં સહપ્રવાસીઓ નીદ્રા શૈયાએ પોઢવા લાગ્યાં ત્યારે મેં પણ મારી બર્થ પર મારો વાંસો લાંબો કર્યો. પરંતુ મારી ઊં શ્વાનનિદ્રા જ હતી. કોટા ક્યારે આવશે તે તો હું તપાસતો જ રહો હતો.

કોટા પસાર થયા પછી તો હું શાબ્દિક, અને ખરા, અર્થમાં મારી સીટની ધાર ઉપર જ આવી ગયો હતો. કોટા આવતાં પહેલાંનો છેલ્લે અર્ધોએક કલાક તો, મારી બેગ સાથે, હું કોચના દરવાજા પાસે જ ઊભો રહ્યો. ટ્રેન સવાઈ માધોપુર બે મિનિટ જ રોકાતી હતી. એટલા સમયાં હું ટ્રેનમાંથી ઉતરી તો શકીશને એવી અવઢવ મારા ચહેરા પર પણ સ્પષ્ટ કળાતી હશે!

જોકે, ટ્રેનમાંથી ખરેખર ઉતરવાનું થયું ત્યારે સમજાયું કે અમુક ઘટનાઓના આગોતરા ભય જેટલી એ ઘટનાઓ ખરેખર મુશ્કેલ હોતી નથી. મારી સાથે, ઘણા બધા સામાન સાથે, બીજાં પણ ત્રણ ચાર મુસાફરો ઉતર્યાં અને લગભગ બીજાં એટલાં જ મુસાફરો ચડ્યાં પણ ખરાં. અને તેમ છતાં જાણે કલાકો ઊભવાનું છે એમ જ ટ્રેન નિરાંતે ઊભી જ હતી! ઉતરી ગયા પછી ટ્રેન ઊપડી ત્યાં સુધીમાં તો મને અમ લાગી આવ્યું કે આના કરતાં તો કદાચ વધારે વાર નવસારીથી કોટા પહોંચતાં લાગી હશે. આમ અજાણતાં જ મેં સાપેક્ષતાવાદના નિયમને સિદ્ધ કરતું ઉદાહરણ પ્રસ્થાપિત કરી દીધું હતું😊.

જોકે બ્રહ્માની બે ઘડીઓ જેટલી લાં  બી લાગેલી આ બે મિનિટોએ મને ચિડાવા માટેની ટ્રેનના ઉપડવા પહેલાં સવાઈ માધોપુર સ્ટેશને જે એક કલાક મળવાનો તેની કિંમત સમજાવી દીધી હતી.

હવે મેં પહેલું કામ ચિડાવા માટેની ટિકિટ લેવાનું કર્યું. જોકે એ તો દસ મિનિટ કરતાં પણ ઓછા સમયમાં પતી ગયું. હવે હું, સાવ, નિશ્ચિત હતો.  પ્લેટફોર્મ પરના નળ પર જઈને મેં નિરાંતે બ્રશ કરી,મોઢું ધોયું અને તાજો થયો. હવે થોડી ભૂખ પણ ઉઘડી હતી. સામે જ સ્ટૉલ પરના કુલ્હડમાં ભરેલ ગરમ ગરમ ચા અને એક સમોસો અને એક કચોરીના નાસ્તાને લિજ્જતથી ન્યાય આપ્યો. 

તેમ છતાં ટ્રેન ઉપડવાના સમય પહેલાં મારી ખાસ્સો એવો સમય બચ્યો હતો. ટ્રેન પ્લેટફોર્મ પર મુકાઈ ગયેલી એટલે સારો ડબ્બો જોઈને, ટ્રેનની સફરની દિશામાં બેસાય એમ, બાજુની એકલી બેઠક પર મેં મારી બેઠક જમાવી. પંદર - વીસ મિનિટનો એ સમય, મારી જિંદગીના સાવ ઉચાટ વગરના કેટલાક સમયમાંનો, કદાચ શ્રેષ્ઠ સમય હતો.

ચિડાવા સુધીની સફર તો યાદ રહે એવી કોઈ ઘટના સિવાયની જ રહી. પહેલૂં મોટું સ્ટેશન જયપુર આવ્યું. પણ મારા મનમાં અત્યારે તેનું કોઈ મહત્ત્વ નહોતું રહ્યું. ટ્રેનના ચાલવાને કારણે સાપેક્ષપણે દોડતી જણાતી આજુબાજુની દૃશ્યાવલી માણવા, કે ક્યારેક ક્યારેક એમનું ધ્યાન ન જાય તેમ સહપ્રવાસીઓને અવલોકવાની મજા માણવા, સિવાય મારી પાસે હવે બીજું  કંઈ કામ નહોતું.

બપોરના જમવાના સમયે કયું સ્ટેશન હશે એ તો યાદ નથી, પણ પુરી-ભાજીની એક પ્લેટ જમવા પેટે ખાધી. બપોરની ચાના સમયે કોઇ એક સ્ટેશન આવ્યું ત્યાં પગ લાંબા કરવા ઉતર્યો. ચાવાળાએ ત્યાંની સેવના વખાણ કરતાં કહ્યું કે આ સેવ ખાશો તો રતલામની સેવ પણ ભુલી જશો. રતલામની સેવ તો જોકે મેં હજુ સુધી ચાખી નહોતી, પણ તેના આગ્રહને માન આપીને, ચિડાવા આવે ત્યાં સુધી સમય પસાર કરવા, એક નાનું પેકૅટ સેવનું ખરીદી લીધું. 

આમ કરતાં કરતાં આખરે ચિડાવા રેલ્વે સ્ટેશન આવી જ ગયું. મારી સાથે બીજાં ડઝનેક મુસાફરો પણ ટ્રેનમાંથી ઊતર્યાં હશે. પણ મસ્ત્યવેધ માટે એકાગ્ર ચિત્ત કરેલા અર્જુનની જેમ મારૂં ધ્યાન પણ પિલાણી માટેની બસ શોધવાનુ હતું, એટલે એ સહપ્રવાસીઓમાં પિલાણીનાં અન્ય કોઈ વિદ્યાર્થૉ હતાં કે નહીં તે મારા ધ્યાનમાં ન આવ્યું.

પિલાણી માટેની બસ એ ખાનગી સેવા કંપની બસ હતી. મારી અત્યાર સુધીની જિંદગીમાં મેં તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર સેવા સિવાયની કોઈ બસમાં મુસાફરી કરી નહોતી, એટલે મેં રાજસ્થાન પરિવહનની કોઈ બસ શોધવા નજર દોડાવી.  જેમને પણ પુછ્યું એ બધાંએ તો બહુ સહજપણે જણાવ્યું કે અહીં તો આ બસ જ મળશે. આજે વિચાર કરતાં મને લાગે છે કે એ સમયે એ લોકોને હું ભુલો પડેલો પરગ્રહવાસી જ લાગ્યો હઈશ. જોકે પછીથી થોડા જ દિવસોમાં મને જ્ઞાન લાધવાનું હતું કે ઉત્તર ભારતનાં લગભગ બધાં જ રાજ્યોમાં જાહેર બસ પરિવહન સેવામાં ખાનગી ક્ષેત્રને તો ઘણાં વર્ષોથી સ્થાન મળી ચુક્યું છે..

ખેર, બીજા અર્ધા પોણા કલાકની સફર બાદ હું પિલાણી બસ અડ્ડા પર પહોંચી ચુક્યો હતો.

હવે પછી -

ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ: પ્રથમ દર્શન



 

No comments: