Sunday, March 3, 2024

BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : વણખેડેલી કેડીપરની સફરનાં મડાણ.....

 BITS, પિલાણીઃ વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - પિલાણી ભણી : વિચાર વમળો અને નિર્ણય..... થી આગળ

પિલાણી સુધીની વણખેડેલી સફર માટે મારી પાસે, કમસે કમ, એ સમયે આધાર માત્ર મને પ્રવેશ પરીક્ષા માટેનો કોલ લેટર હતો. એ પત્રમાં પિલાણી રાજસ્થાનમાં આવેલું છે એ સમજાતું હતું. તે ઉપરાંત એ પત્રમાં એક જ વાક્યમાં જણાવાયું હતું કે પિલાણી પહૉંચવા માટે  સૌથી નજદીકના  રેલ્વે સ્ટેશનો (જયપુરથી આવો તો) ચિરાવા અને (દિલ્હીથી આવો તો) લુહારૂ છે.

જોકે એ સમયે મારૂં જ્ઞાન તો શાળામાં ભણેલા એટલી જ ભુગોળ સુધીનું હતું કે રાજસ્થાન ગુજરાતને ઉત્તર-પશ્ચિમ સિમાડે આવેલું રાજ્ય છે. પિલાણી, ચિરાવા કે લુહારૂ તો નામ પણ સાંભળ્યાં નહોતાં. આમ પણ, મારી ત્યાર સુધી ૨૧ વર્ષની જિંદગીમાં મેં ટ્રેનની મુસાફરી પણ સુરતથી આગળ નહોતી કરી. નવસારી પણ પહેલ વહેલી વાર જ આવવાનું બન્યું હતું. એટલે જયપુર કે દિલ્હી પણ કેમ પહોંચી શકાય એ તો કલ્પના પણ નહોતી આવતી. પાછો નવસારીમાં પણ હું સાવ એટલો નવોસવો હતો કે આ બાબતે થોડી પ્રાથમિક માહિતી પણ ક્યાંથી મળે તેની પણ સુઝ નહોતી પડતી.

એટલું વળી સારૂ હતું કે મને રેલ્વનાં આખાં ભારતની ટ્રેનોનાં ટાઈમ ટેબલ વિશે ખબર હતી. એટલે આશાનું એટલું તરણું મનમાં હતું કે જો એ ટાઈમ ટેબલ મેળવી લઉં તો આ બન્ને શહેરો સુશી પહોંચવાના રેલ માર્ગની ભાળ તો મળી શકવી જોઈએ.

પિતાજી સાથેની ચર્ચાને અંતે પ્રવેશ પરીક્ષા આપવી એ નિર્ણય લીધા પછી તેમની ઓફિસમાં થોડી તપાસ કરવામાં જે પાંચ દસ મિનિટ ગઈ એટલામાં તો સ્પષ્ટ થઈ ગયું હતું કે હવે પછીનું પહેલું કામ નવસારી રેલ્વે સ્ટેશને જઈને આખાં ભારતનું રેલ્વે ટાઈમ ટેબલ ખરીદવાનું હતું. સ્ટેશન સુધી પહૉંચતાં જોકે થોડી શંકા થઈ આવેલ કે નવસારીનું સ્ટેશન આવી બાબતો માટે નાનું પડશે તો તો સુરત પણ કદાચ જવું પડે. ખેર, એવી શંકા તો ખોટી પડી અને નવસારી સ્ટેશન પરથી એ ટાઈમ ટેબલ તો મળી ગયું. નવસારી સ્ટેશન પર ટિકિટ બારીએ, અને સ્ટેશન માસ્તર પાસે, મેં પુછપરછ કરવાની તકો પણ નહોતી છોડી. જોકે તેમણે પણ આખાં ભારતનું ટાઈમ ટેબલ જ મદદરૂપ થશે એમ જ જણાવ્યું હતું.   

ટાઈમ ટેબલ ખરીદીને હું સીધો ઘેર પહૉચ્યો, ઘરે પહોંચીને પણ થોડોક સમય પણ બરબાદ કર્યા વિના જ, થોડા કોરા કાગળ અને પેન લઈને ટાઈમ ટેબલની મદદથી મારાં 'સંશોધન' પર જ બેસી ગયો. એ સમયે ગુગલ મેપ્સ જેવી ડિજિટલ સગવડ હોત તો કામ સરળ બનત, પણ અહીં તો જુદાં જુદાં ટાઈમ ટેબલોની, અને છેલ્લે આપેલા ભારતીય  રેલ નેટવર્કના નકશાની મદદથી શોધખોળ કરી ને કયો રેલમાર્ગ મળે છે અને સહેલો પડશે એ કામ કરવાનું હતું. 

બે એક કલાકની મથામણને અંતે ચિરાવા જવા માટે બે અને લુહારૂ જવા માટે એક એમ ત્રણ વિકલ્પ મળ્યાઃ



૧. નવસારી - અમદાવાદ - જયપુર - સવાઈ માધોપુર - ચિરાવાઃ 

આ માર્ગમાં નવસારીથી અમદાવાદ, અમદાવાદથી જયપુર અને છેલ્લે જયપુરથી ચિરાવા એમ મુસાફરી કરવાની થતી હતી. આ વિક્લ્પમાં સવાઈ માધોપુર જવાની જરૂર નહોતી રહેતી કેમકે સવાઈ માધોપુર - ચિરાવા ટ્રેન જયપુર થઈને જતી હતી. અમદાવાદ અને જયપુરમાં ટ્રેનો બદલવા માટે જે વધારાનો સમય જોઈએ તે સાથે કુલ મુસાફરી ૨૦થી ૨૪ કલાક + પાંચેક કલાક મળીને ૨૫થી ૩૦ કલાકની સફર થતી હતી. કુલ અંતર ૮૫૦ + ૨૦૦ કિમી જેટલું થતું હતું.

૨. નવસારી-વડોદરા-કોટા-સવાઈ મધોપુર-ચિરાવાઃ

નવસારીથી સવાઈ માધોપુર બોમ્બે - દિલ્હી માર્ગની મુસાફરી હતી. જો મુંબઈ- દિલ્હી પશ્ચિમ એક્ષપ્રેસ મળે તો લગભગ ૧૫ કલાક અને મુંબઈ-દહેરાદુન દહેરાદુન એક્ષપ્રેસ મળે તો લગભગ ૧૮થી ૨૦ કલાકની આ મુસાફરી હતી, જેમાં લગભગ ૭૦૦ કિમીનું અંતર કાપવાનું થતું હતુ> સવાઈ માધોપુરથી ચિરાવાની લગભ ૩૫૦ કિમીની સાતેક કલાકની વધારાની મુસાફરી તેમાં ઉમેરવાની થતી હતી.

લુહારૂ થઈને જવાનો વિકલ્પ તો ઊડી જ જતો હતો કેમ કે એ માટે પહેલાં નવસારીથી અમદાવાદ થઈને, કે બોમ્બે - દિલ્હી રૂટ પર સીધા જ, દિલ્હી પહોંચી અને પછી ત્યાંથી લુહારૂ માટે પાછા ફરવાનું થતું હતું.

આટલી માહિતી ગોઠવાઈ ગયા પછી હવે કયો વિક્લ્પ પસંદ કરવો એ નક્કી કરવા માટે કોઈ કમ્પ્યુટર કે લાંબી બુદ્ધિની જરૂર નહોતી. એટલે હવે ઊંઘી જતાં પહેલાં મનમાં નક્કી કરી લીધું કે બીજે દિવસે સવારે નવસારી સ્ટેશનેથી (અને નવસારી સ્ટેશનેથી ન મળે તો સુરત સ્ટેશનથી) સવાઈ માધોપુરની ટિકિટ લેવી. 

સવારે નવસારી સ્ટેશનની ટિકિટ બારી ખુલે તે પહેલાં જ હું પહોંચી ગયો હતો, તેમ છતાં હું લાઈનમાં પહેલો નહોતો. અર્ધોએક કલાકમાં મારો વારો આવી ગયો. ટિકિટની લેવાની વિધિ પતી ત્યાં સુધી તો મારો ચહેરો ખુશીથી ખીલી ઊઠ્યો હતો - મારે જે દિવસની ટિકિટ જોઈતી હતી તે મને મળી ગઈ હતી. જોકે મને જણાવવામાં આવ્યું હતું કે સવાઈ માધોપુર - ચિરાવાની ટિકિટ તો મારે સવાઈ માધોપુરથી જ લેવી પડશે. પરંતુ, મારા હાથમાં પશ્ચિમ એક્ષપ્રેસની નવસારી - સવાઈ માધોપુરની ટિકિટ આવી જવાથી મને હવે એટલો તો વિશ્વાસ હતો કે ક્યાં તો મારી આવડત ને ક્યાં તો મારૂં નસીબ મને એટલો સાથ તો હવે આપશે કે સવાઈ માધોપુર - ચિરાવાની ટિકિટ મેળવવામાં હું જરૂર સફળ થઈશ. 

No comments: