એન્જિનિયરીંગના મારા પાંચ વર્ષના સ્નાતક અભ્યાસક્રમના
છેલ્લા સમેસ્ટરનું પરિણામ આવી ગયું હતું. એકંદર માર્કની દૃષ્ટિએ મારૂં પરિણામ
સારૂં એવું પ્રોત્સાહપ્રેરક રહ્યું હતું. જોકે, આ પરિણામ
મળ્યા પછીની મારી સૌ પહેલી પ્રતિક્રિયા મારી જાતને વેકેશન દરમ્યાન લાયબેરીમાં
પ્રવેશ પરીક્ષાઓની તૈયારીઓની તંદ્રામાંથી બહાર આવવાની હતી. અત્યાર સુધી તો એ
પરિણામ આવી જાયે એ પછી એના આધારે શું કરવું એનક્કી કરીશું એવી રાહ જોવાનું જે કારણ
હાથવગું હતું તે હવે ન રહ્યું. એટલે હવે પછી શું તે મારે, વધારે સમય ખોયા વગર, નકી કરવું કરવાનું હતું.
અત્યાર સુધી જે વિશે જરા પણ નહોતું વિચાર્યું એ, નોકરીની શોધ, એ જ સ્વાભાવિક રીતે પહેલી
પ્રાથમિકતા હતી. પણ, તે સામે વરવી
વાસ્તવિકતા એ પણ એટલી જ હતી કે આ બાબતે મને કંઈ જ ગતાગમ નહોતી. કેવા પ્રકારની
નોકરી કરવી છે, કોઈ પણ પ્રકારની નોકરીની શોધ
કેમ કરવી, એ માટેની અરજી કેમ લખવી જેમ સાવ
પ્રાથમિક બાબતોથી મારે શરૂઆત કરવાની હતી.
મારા પિતાએ તો તેમના સહકર્મચારીઓની સાથે આ દિશામાં
ક્યાં ક્યાં તકો હોઈ શકે વિશે ચર્ચાઓ કરવાનું શરૂ કરી જ દીધેલું. મારી તંદ્રાનો
સમય પુરો થઈ ચુક્યો છે તેવી એલાર્મની ઘંટડી મને પણ સંભાળાઇ ચુકી હતી, એટલે હું પણ જાગૃત તો થઈ જ ગયો હતો. 'નોકરીની શોધ' માટેની મારી
આળસ ખંખેરીને સૌ પહેલી શરૂઆત તો લાયબેરીમાં હવે પ્રવેશ પરીક્ષાની તૈયારીઓનાં વાંચન
સાથે આખાં ગુજરાતની 'જોઈએ છે' ની જાહેરાતો આવતી હોય એવાં
અખબારોનાં પાનાંઓ પણ મારાં વાંચનમાં ઉમેરી લીધાં હતા. મારા પિતા નવસારરીને જે કૃષિ
કોલેજમાં પ્રશાસન અધિકારી હતા, ત્યાંના ઘણા પ્રોફેસરો
અમારા પડોશીઓ હતા. એ બધા પોતપોતાના વિષયોમાં ડોક્ટરેટ કરેલા નિષ્ણાતો હતા. અત્યાર
સુધી તેમની સાથે મારી ચર્ચાના વિષયો તેમનાં ક્ષેત્ર વિશે જાણકારી મેળવવા અંગેના
રહેતા, પણ હવે નોકરી માટેની 'સારી' અરજી કેમ
લખવી એ બાબત પર ચર્ચાઓ ફંટાઈ ગઈ હતી. એ લોકોએ સમજાવ્યું હતું એમ એક મોટું કામ
મારાં બધાં પ્રમાણપત્રોની, સારી એવી
સંખ્યામાં, પ્રમાણિત નકલો બનાવી લેવાનું
હતું. નકલો કરવા માટે ફોટોકોપીઓ કરાવવાનો યુગ તો ત્યારે હજુ આવ્યો નહોતો. એટલે
દરેક પ્રમાણપત્રની નકલ ટાઈપ કરાવવાની હતી. જેમ જેમ એ નકલો તૈયાર થાય તેમ હું કોલેજ
જઈને જે કોઈ પ્રોફેસર પાસે સમય હોય તેમની પાસે નકલોને પ્રમાણિત કરાવવા લાગ્યો.
પ્રમાણિત નકલો વધારે 'વજનદાર' અને 'અસલ જેવી જ' લાગે એ માટે, એસ એસ સી બોર્ડની પરીક્ષાની તેમ
જ દસેદસ સમેસ્ટરની, માર્કશીટની
નકલો તો કોલેજના પ્રિન્સિપાલ પાસે જ
કરાવી એવો એ બધાનો આગ્રહભર્યો અભિપ્રાય હતો.
મારાં મનના વિચારોનાં વમળો આ બધી પ્રવતિઓનો વેગ પકડવા
લાગ્યાં જ હતાંં, એવામાં એક દિવસે બપોરે ટપાલીએ
રજિસ્ટર્ડ પત્રના સ્વરૂપે મને બીઆઈટીએસ, પિલાણીનું
કવર સોંપ્યું. ખોલીની જોયું તો એ તો બીઆઈટીએસ, પિલાણીના
એમબીએના બે વર્ષના અનુસ્નાતક કાર્યક્રમ માટે મેં જે અરજી કરેલ તેની પ્રવેશ કસોટી
માટે મારી પસંદગી થયેલ તેની જાણ કરતો એ કૉલ લેટર
હતો ! એ પત્ર વાંચતાંવેત જ હું તો મારા પિતાજીની ઓફિસે જવા નીકળી પડ્યો.
મારા પિતાજીએ પણ એ પત્ર ધ્યાનપૂર્વક વાંચ્યો. બહુ લાંબી ચર્ચા કર્યા વિના જ નક્કી થયું કે મારે એ પ્રવેશ પરીક્ષા આપવી.
પિલાણીની પહેલ વહેલી સફરની યાદો હવે પછી......
No comments:
Post a Comment