Wednesday, January 31, 2024

મોહમ્મદ રફી - જન્મ શતાબ્દી : મોહમ્મદ રફી - 'એ' થી 'ઝેડ' પરથી શરૂ થતાં સૉલો ગીતો [૧]

મોહમ્મદ રફી હિન્દી ફિલ્મોના નિર્વિવાદપણે સૌથી સર્વતોમુખી પાર્શ્વગાયક છે. ભજન, કવ્વાલી, રોમેન્ટિક, દેશભક્તિ, ગઝલ, કોમેડીથી માંડીને શાસ્ત્રીય સંગીત પ્રકારનાં ગીતો કે ખુશી કે ગમનાં ગીતો હોય મોહમ્મદ રફી હિંદી ફિલ્મ સંગીતના સમગ્ર રંગપટ સમાન સહજતાથી છવાયેલા જોવા મળે છે. તેમના અવાજનું બીજું એક અનોખું પાસું એ હતું કે કોઈ પણ ખાસ પ્રયત્નો કર્યા વિના, તેઓ પરદા પર જે અભિનેતા અભિનય કરતા હોય તેની અભિનય શૈલીને પ્રતિબિંબ કરે એ રીતે ગીતને રજુ કરી શકતા. તેમની આ અનન્ય સામર્થ્યે દિલીપ કુમાર, શમ્મી કપૂર, રાજેન્દ્ર કુમારના અભિનયને સુરોની ઓળખ આપી. જોની વોકરનાં ગીતો તો સાંભળતાં વેંત જ તેમની પરદા પરની અદ્દલોઅદ્દલ તસ્વીર આંખો સામે આવી રહે. તો મેહમૂદ માટે તેમણે પોતાના અવાજને એટલી જ સહજતાથી ઢાળ્યો. તેમણે ગાયેલાં ૪૮૦૦ થી વધુ હિન્દી ફિલ્મ ગીતો, આંકડાની દૃષ્ટિએ પણ, કોઈપણ પુરૂષ પાર્શ્વગાયક દ્વારા ગવાયેલાં ગીતો કરતાં અનેક ગણાં વધુ છે, 'આરાધના' (૧૯૭૯) પછી પોતાની બીજી ઈનિંગ્સમાં નવી પેઢીઓના અભિનેતાના સ્વર તરીકે છવાઈ ગયેલા કિશોર કુમારનાં ગીત્ની સંખ્યાને પણ આ આંકડૉ બહુ પાછળ છોડી દે છે. તેમની સંખ્યા માત્ર બે મહાન મંગેશકર બહેનો - લતા મંગેશકર અને આશા ભોસલે કરતાં જ ઓછી છે.

તેમના સમકાલિન એવા મન્ના ડે, મુકેશ, હેમંત કુમાર અને તલત મહેમૂદ જેવા અન્ય પુરૂષ પાર્શ્વગાયકોનો પોત્પોતાનૉ આગવો, સશક્ત, ચાહક વર્ગ હતો. મજબૂત ચાહક વર્ગ હતો, સંખ્યાની દૃષ્ટિએ તેઓ રફી કરતાં લગભગ ચારથી દસના ગુણાંકથી પાછળ ભલે દેખાય પણ વિશિષ્ટ ગાયકો હોવાને કારણે એ દરેક ગાયકોની શૈલી અને મોહમ્મદ રફીની એ જ પ્રકારનાં ગીતો ગાવાની શૈલી સાથે સરખામણી અસ્થાને જ ગણાય.

મોહમ્મદ રફીનો જન્મ અમૃતસર જિલ્લાના કોટલા સુલતાન સિંહ નામના ગામના પંજાબી જાટ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમણે લાહોરમાં તેમના શરૂઆતના વર્ષો વિતાવ્યાં. શાસ્ત્રીય સંગીતના ઘણા દિગ્ગજ કલાકારો પાસેથી સંગીત શીખ્યા અને ત્યાં તેમના સંગીતની પ્રેરણા મેળવી. તેમણે કિશોરાવસ્થામાં જ ગાવાનું શરૂ કર્યું હતું. વારંવાર પુનરાવર્તિત થઈ ચુઈ હોવા છતાં તેમને જાહેરમાં પ્રસિદ્ધિ કે એલ સાયગલનાં ગીત ને અચાનક જ ગાવા મળેલ તકથી મળી એ ઘટના બહુ રોમાંચક જ બની રહે છે. એકવાર સુપ્રસિદ્ધ કે એલ સાયગલ લાહોરમાં જાહેર કાર્યક્રમ માટે આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માઈક ફેલ થતાં પ્રેક્ષકોમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે એક યુવાન છોકરા તરીકે રફીએ મંચ પર આવીને શ્રોતાવર્ગને જકડી રાખ્યો. તેમના ચાહક વર્ગ સાથેની તેમની આ પકડ ભરવરસાદ વચ્ચે નીકળેલી અંતિમ યાત્રામાં ઠલવાયેલી જનમેદની સુધી જીવંત રહી. માઈક વગર એ ગીતથી જે ભુરકી તેમણે તેમના ચાહક વર્ગ પર રાખી જ એ જ સંમોહક અસર તેમણે રેકોર્ડીંગ સમયે માઈક સાથેનાં અંતરની ખુબીઓને પોતાની ગાયકીમાં વણી લઈને વધુ નિખારી.

ફિલ્મ સંગીતના ક્ષેત્રે તેમનું પદાર્પણ લાહોરમાં સંગીતકાર શ્યામ સુંદરના નેજા હેઠળ પંજાબી ફિલ્મ ગુલ બલોચ (૧૯૪૪) માં થયું. શ્યામ સુંદરને ૧૯૪૪ની ફિલ્મ વિલેજ ગર્લ માટે મોહમ્મદ રફીનું પહેલ વહેલું ફિલ્મ ગીત રેકોર્ડ કરવાનું શ્રેય આપવામાં આવે છે. આ ગીત માટે તેમને રુ.. ૧૦નો પુરસ્કાર મળેલો. પરંતુ ફિલ્મ વિલંબમાં પડી અને ૧૯૪૫માં રિલીઝ થઈ. આ પહેલાં રફી સાહેબનો અવાજ પ્રથમ વખત સંગીત નિર્દેશક નૌશાદની ફિલ્મ 'પહેલે આપ' (૧૯૪૪)નાં સમુહ ગીત હિંદુસ્તાન કે હમ હૈ હિદોસ્તાં હમારા હિંદુ મુસ્લ્મીમ દોનોંકૉ આંખકા તારામાં સાંભળવા મળ્યો. સમય જતાં રફીનો સ્વર નૌશાદ માટે પ્રથમ પસંદગી બની ગયો. '૫૦ના દાયકાના મધ્ય સુધીમાં અન્ય ટોચના સંગીતકારો માટે પણ મોહમ્મદ રફીનો અવાજ પહેલી પસંદગીનો અવાજ બની ગયો. કિશોર કુમારના ખૂબ જ ચાક એવા એસ.ડી. બર્મને પણ તેમના અને રફી માટે લગભગ સમાન સંખ્યામાં ગીતો રચ્યા હતાં. એસ ડી બર્મને હંમેશા પોતાનાં જટિલ અને વિશેષ ગીતો રફી માટે અનામત રાખ્યાં..
રફીનું ૩૧મી જુલાઈ ૧૯૮૦ના રોજ અકાળે અવસાન થયું અને તેના લાખો ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા. તેમના પ્રચંડ પ્રશંસક અનુયાયીઓ હોવા છતાં, મોહમ્મદ રફી, અંગત તેમ્જ વ્યાવસાયિક એમ બન્ને દૃષ્ટિએ હંમેશાં વાસ્તવિકતાની જમીન પર જડાયેલા એક નમ્ર, ઈશ્વરથી ડરનાર, મિથ્યાભિમાન અને ઈર્ષ્યારહિત વ્યક્તિ જ રહ્યા. કારકિર્દીની ટોચ પર પહોંચ્યા પછી પણ કોઈ નવોદિત સંગીતકાર, ફિલ્મ નિર્માતા કે અભિનેતા માટે, નજીવા પુરસ્કારે પણ, તેઓએ અવિસ્મરણીય કહી શકાય એવાં ગીતો ગાયાં છે.

આજ કી રાત બડી શૌખ બડી નટખટ હૈ, આજ તો તેરે બીના નિંદ નહીં આયેગી - નઈ ઉમ્રકી નયી ફસ્લ (૧૯૬૫) - ગીતકારઃ નીરજ - સંગીતકારઃ રોશન

'એ' પર મોહમ્મદ રફીનાં બીજાં પણ ઘણાં ખુબ જાણીતાં ગીતો મળશે. ખુદ રોશનનું જ અબ ક્યા મિશાલ દું મૈં તેરે શબાબ કી (આરતી, ૧૯૬૨ - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી) જ જ પહેલું યાદ આવે ! પરંતુ આજ કી રાતના બોલ , ધુન અને રજુઆતમાં કંઈક અવર્ણનિય ચુંબકત્ત્વ છે.

પહેલાં એના બોલ જ યાદ કરીએ.

आज की रात बड़ी शोख बड़ी नटखट है
आज तो तेरे बिना नींद नहीं आयेगी
अ‍ब तो तेरे ही यहाँ आने का ये मौसम है
अब तबीयत न खयालों से बहल पायेगी

देख वो छत पे उतर आयी है सावन की घटा
दे रही द्वार पे आवाज़ खड़ी पुरवाई
बिजली रह रह के पहाड़ों पे चमक उठती है
सूनी आंखों में कोई ख्वाब ले ज्यों अंगड़ाई
कैसे समझाऊँ
कैसे समझाऊँ कि इस वक़्त का मतलब क्या है
दिल की है बात
हो दिल की है बात न होठों से कही जायेगी
आज तो तेरे बिना नींद नहीं आयेगी..

ये भटकते हुये जुगनू ये दिये आवारा
भींगते पेड़ों पे बुझ बुझ के चमक उठते हैं
तेरे आँचल में टके सलमे सितारे जैसे
मुझसे मिलने को बिना बात दमक उठते हैं
सारा आलम
सारा आलम है गिरफ्तार तेरे हुस्न में जब
मुझसे ही कैसे
हो मुझसे ही कैसे ये बरसात सही जायेगी
आज तो तेरे बिना नींद नहीं आयेगी..

रात रानी की ये भीनी सी नशीली खुशबू
आ रही है के जो छन छन के घनी डालों से
ऐसा लगता है किसी ढीठ झखोरे से लिपट
खेल आयी है तेरे उलझे हुए बालों से
और बेज़ार
और बेज़ार न कर मेरे तड़पते दिल को
ऐसी रंगीन ग़ज़ल रात न फिर गायेगी
आज तो तेरे बिना नींद नहीं आयेगी..

તારા શૂન્ય રાતનાં એકાંતમાં નાયક પોતાની એકલતાના વિચારોમાં ખોવાયેલો છે. વાંસળીના સુરો સિવાય ઓછામાં ઓછાં સંગીતથી રોશને એ એકલતાને ગહરી બનાવી છે. પરંતુ એ એકલતાને રોમાંચક બનાવે છે રફીની અદ્ભુત રજુઆત.

 બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બંજારા - રેલ્વે પ્લેટફોર્મ (૧૯૫૫) - ગીતકારઃ સાહિર લુધીયાનવી - સંગીતઃ મદન મોહન

રફીએ ગાયેલાં ટાઈટલ ગીતોમાં આ ગીત મોખરાનું સ્થાન ધરાવે છે. ટાઈટલ્સની સાથે ટ્રેનમાં આ ગીત ગાતા મનમોહન કૃષ્ણ બન્ને ગીતના બોલનાં રૂપક સ્વરૂપો છે. તેની સાથેના મુસાફરો કે સ્ટેશનોની પરિસ્થિતિઓથી અલિપ્ત થઈને માનવ જીવનની જેમ ટ્રેન પોતાના માર્ગ પર ચાલતી રહે છે. એ જીવનનો મુસાફર પણ ટ્રેનની એ નિર્લેપ ગતિ સાથે અવશપણે વહેતો રહે છે. ધન દોલત કે પીછે ક્યોં હૈ યે દુનિયા દિવાની, યહાંકી દૌલત યહાં રહેગી સાથ નહીં યે જાયેગી દ્વારા જીવનની ભૌતિકતાની નિરર્થકતા સમજાય છે.

સુનિલ દત્તે આ ફિલ્મથી ફિલ્મ જગતમાં પદાર્પણ કયું હતું.
ચલ ઉડ જા રે પછી અબ યે દેશ હુઆ વીરાના - ભાભી (૧૯૫૭) - ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ - સંગીતકારઃ ચિત્રગુપ્ત

પાર્શ્વભૂમિમાં ગવાતાં આ ગીતની સફળતાએ ચિત્રગુપ્તને અગ્રણી સંગીતકારોની હરોળમાં સ્થાન અપાવી દીધુ. એ પછી તો ચિત્રગુપ્તે મોહમ્મદ રફીના સ્વરમાં અનેક લોકપ્રિય ગીતોની વણઝાર સર્જી દીધી.

દિલકી મહેફિલ સજી હૈ ચલે આઈયે - સાઝ ઔર આવાજ (૧૯૬૬) - ગીતકારઃ ખુમાર બારાબંક઼્વી - સંગીતઃ નૌશાદ

‘ડી’ પર દીવાના મુઝ સા નહીં ઈસ અંબર કે નીચે. દેખી જમાનેકી યારી, દિલ જો ન કહ શકા, દિન ઢલ જાયે હાયે રાત ન જાયે એવાં અલગ અલગ મનોભાવનાં, અલગ અલગ સંગીતકારોનાં અઢળક ગીતો મળી રહે છે. પ્રસ્તુત ગીતની ખુબી એ છે કે નૌશાદ અહીં અલગ જ સંદર્ભમાં છે. પરદા પર તેમના દિલીપ કુમાર નથી. ગીતકાર પણ શકીલ બદાયુની નહીં, પણ ખુમાર બારાબંક઼્વી છે. પણ નૌશાદના આગવા સ્પર્શમાં રફી તો એટલા જ ખીલી રહે છે.

 એક હસીન શામકો દિલ મેરા ખો ગયા - દુલ્હન એક રાત કી (૧૯૬૬) - ગીતકારઃ રાજ અમહેંદી અલી ખાન - સંગીતઃ મદન મોહન

મદન મોહને રફીના સ્વરમાં બનાવેલાં અનેક અવિસ્મરણીય ગીતોનું પ્રતિનિધત્વ આ ગીત કરે છે.

ફલક પર જિતને ...... ગ઼મ ઉઠાને કો જીયે જાઉંગા મૈં - મેરે હઝૂર (૧૯૬૮) - ગીતકારઃ હસરત જય્પુરી - સંગીતઃ શંકર જયકિશન

શંકર જયકિશને પણ મોહમ્મદ રફી સાથે પોતાની ફોર્મ્યુલાની બહાર રહીને પણ સરસ ગીતો બનાવ્યાં છે.

ગુઝરે હૈ આજ હમ ઈસ મુકામ સે - દિલ દિયા દર્દ લિયા (૧૯૬૬) - ગીતકારઃ શકીલ બદાયુની - સંગીતઃ નૌશાદ

દિલીપ કુમાર માટે કમ સે કમ જે એક કરૂણ ગીત તો ફિલ્મમાં હોય તે ફોર્મ્યુલા પર નૌશાદની પોતાની હથોટી હતી.

હૈ દુનિયા ઉસીકી ઝમાના ઉસીકા - કાશ્મીર કી કલી (૧૯૬૪) - ગીતકારઃ એસ એચ બીહારી - સંગીતઃ ઓ પી નય્યર

પ્રેમનાં સ્વપનાંઓ ચકનાચુર થઈ ગયેલા પ્રેમીના દર્દને વાચા આપતાં આ ગીતને પર્દા પર શમ્મી કપુરનો અભિનય, દર્દ અને દારૂની અસરમાં ઘૂટાયેલો મોહમ્મ્દ રફીનો સ્વર અને મનોહરી સિંગનાં સેક્ષોફોનના સ્વરમાં ઉભરતો હતાશાનો સુર એ પૈકી ક્યાં કારણે આ ગીત સદાસ્મરણીય બની ગયું હશે તે કહેવું અશક્ય જ લાગે.

 ઇસ ભરી દુનિયામેં કોઈ ભી હમારા ન હુઆ - ભરોસા (૧૯૬૩) - ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ - સંગીતઃ રવિ

પર્દા પર અભિનય કરતા અભિનેતા માટે કરૂણ રસની અસર વધારે ઘેરી કરવાની જવાબદારીને મોહમ્મદ રફીની ગીતની ગાયકી ગણે અંશે સરળ કરી આપી શકતી.

જો બાત તુઝમેં હૈ તેરી તસવીરમેં નહીં - તાજ મહલ (૧૯૬૩) - ગીતકારઃ સાહિર લુધીયાનવી - સંગીતઃ રોશન

પ્રેમિકા સાથેનાં મિલનની પ્યાસ તસવીરની વર્ચ્યુઅલ રીઆલીટીમાં ઉપલ્બધીથી કેવી ઉણી રહે છે તેનું આવું સચોટ વર્ણન રફી સાહેબે માત્ર માઈકને સામે રાખીને કર્યું છે એ કલ્પી પણ શકાય?

કર ચલે હમ ફિદા જાન - ઓ - તન સાથીયોં, અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં - હક઼ીક઼ત (૧૯૬૪) - ગીતકારઃ કૈફી આઝમી - સંગીતઃ મદન મોહન

યોગાનુયોગ મોહમ્મ્દ રફીએ હિંદી ફિલ્મો માટે ગાયેલાં પહેલ વહેલાં ગીતથી લઈને પછીથી તેમણે ગાયેલાં દેશપ્રેમનાં દરેક ગીત દ્વારા રફીએ ગાયેલાં વિવિધ પ્રકારનાં ગીતોમાં દેશપ્રેમનાં ગીતોને અદકેરૂં સ્થાન જ મળતું રહ્યું છે.

લાખોં હૈ નિગાહ મેં ઝીંદગીકી રાહમેં સનમ હસી જવાં - ફીર વહી દિલ લાયા હું (૧૯૬૩) - ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી - સંગીતઃ ઓ પી નય્યર

ગીતના ભાવની અભિવ્યક્તિ મોહમ્મદ રફીના સ્વરમાંથી એવી પ્રતિબિંબ થતી કે પર્દા પર અભિનય કરતો કલાકાર એ ભાવને વ્યક્ત કરવા માટે કોઈ જ પ્રયાસ ન કરે તો પણ પ્રેક્ષકોને ઓછું ન આવતુ !

મૈને ચાંદ ઔર સીતારોંકી તમનાકી થી મુઝકો રાતોંકી સિયાહી કે સિવા કુછ ન મીલા - ચંદ્રકાંતા (૧૯૫૬) - ગીતકારઃ સાહિર લુધીયાનવી - સંગીતઃ એન દત્તા

એકે એક શબ્દની અદાયગીમાં અપેક્ષાઓથી તદ્દન વિરૂદ્ધ મળતી વાસ્તવિકતાઓની પીડા ટપકે છે.

મોહમ્મદ રફીનાં 'એન' થી ઝેડ' શબ્દથી શરૂ થતા ગીતો હવે પછીથી..........

મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Mohammad Rafi from A to Z   નો આંશિક અનુવાદ

No comments: