Sunday, March 10, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - માર્ચ ૨૦૨૪

 

ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫

ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮) તાલીમથી ઢોલકના વાદક હોવાની સાથે  સાથે તેમની સંગીતની આગવી આંતરસુઝને  કારણે લોકસંગીતનાં ડફ અને મટકા જેવાં તાલવાદ્યોની પણ તેમને સહજ ફાવટ હતી.

'મિર્ઝા ગ઼ાલિબ' (૧૯૫૪)નાં પ્રિમિયર સમયે
તેઓ પોતે, એક વ્યક્તિ તરીકે પણ તેમના સંગીત જેટલા જ સરળ અને સાદા હતા. શરૂઆતના મુશ્કેલ દિવસોમાં ઉસ્તાદ ઝંડે ખાન સાથે નૌશાદનો પરિચય ગુલામ મોહમ્મદે જ કરાવી આપેલો. તેમ છતાં કેટલી વક્રતા છે કે આજે હવે ગુલામ મોહમ્મદને વધારે લોકો નૌશાદના સહાયક તરીકે યાદ કરે છે. જોકે એ વાત હકીકત તો હતી જ , પરંતુ એ પણ હકીકત છે કે જે બાર  વર્ષો ગુલામ મોહમ્મદે નૌશાદના સહાયક તરીકે કામ કર્યું ત્યારે નૌશાદ દ્વારા 'સંગીતબદ્ધ' કરાયેલ ૨૦ ફિલ્મોની સાથે સાથે તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે ૯પોતે સ્વતંત્ર સંગીતકાર તરીકે કરેલી કુલ ૩૬ ફિલ્મોમાંથી ૧૭ ફિલ્મોનું સંગીત નિદર્શન પણ સંભાળ્યું હતું !

આવા બહુમુખી પ્રતિભાશાળી સંગીતકારનાં અંતકાલીન મહિનામાં તેમણે રચેલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ આપણે આ મંચ પર પ્રયોજેલ છે.  તદનુસાર સમયે સમયે તેમણે જે જે પાર્શ્વગાયકો સ્વરો દ્વારા એ ગીતોને વાચા આપી તેને કેંદ્રમાં રાખીને આપણી આ શ્રેણીની રચના કરેલ છે. અત્યાર સુધી આપણે  

વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં,

વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં, અને

વર્ષ ૨૦૨૩માં ૧૯૫૩ નાં

કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આજના મણકાંમાં આપણે ગુલામ મોહમ્મદે ૧૯૫૪માં સ્વરબદ્ધ કરેલ બે ફિલ્મો - ગુઝારા અને મિર્ઝા ગ઼ાલિબ-માં તેમના સહગાયકો દ્વારા ગવાયેલાં કેટલાંક ગીતો સાંભળીશું. 

રંગ રંગીલે પ્યારે પ્યારે લાયે હમ ખિલૌને - ગુઝારા (૧૯૫૪) - લતા મંગેશકર, હૃદયનાથ મંગેશકર - ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન 

પોતે બનાવેલ ચીજવસ્તુઓને શેરીએ શેરી વેચતા નીકળતા કારીગરોનાં ગીતોનો આ પ્રકાર એ સમયે બહુ પ્રચલિત હતો. 



ગીતના બીજા ભાગમાં બન્ને અંતરાઓની શરૂઆતમાં કિશોરાવસ્થામાં દાખલ થતા હશે એવડા હૃદયનાથ મંગેશકરને તેમના પુરુષ હોમોનની અસરમાં હજુ સુધી ન આવેલા અવાજમાં સાંભળી શકાય છે.


જ઼ૂઠી હૈ કહાની તેરી જ઼ૂઠી તેરી શાન ..... તુ કર નહી શકતા મુસ્કીલ કભી સાન - ગુઝારા (૧૯૫૪) - આશા ભોસલે - ગીતકારઃ મુનીર લખનવી 

ગીતના બોલ પરથી આ ગીત બેકગ્રાઉન્ડમાં ગવાતાં ગીતો પ્રકારનું જણાય છે.

https://www.youtube.com/watch?v=J4Ug7riA0eU

ઝૂમ ઝૂમ કર બહાર નાચે પવન ફુલ બરસાયે - ગુઝારા (૧૯૫૪) - શમસાદ બેગમ - ગીતકારઃ  ફૌક઼ જામી 

પ્રેમી યુગલ તેમનાં સહજીવનનાં સ્વપ્નોને વાચા આપે છે. ગીતની વાદ્યસજ્જામાં નૌશાદનાં ગીતોની છાયા કદાચ  અનુભવાય, પણ તાલ તો ગુલામ મોહમ્મદની આગવી શૈલીની જ મોહર ધરાવે છે.



શમશાદ બેગમ અને મોહમ્મદ રફીએ ગાયેલું રુલા રૂલાકે પેહલી આયી ઔર મિલી યે પગાર અને શ્યામકુમારે ગયેલું ઝમાને હૈ રે ઝાલિમ જ઼માને એ બે ગીતો યુ ટ્યુબ પર નથી મળી શક્યાં

મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) નું સંગીત ગુલામ મોહમ્મદની કારકિર્દીનું પ્રતિબંબ જ કહી શકાય. ફિલમાં જે અગિયાર ગીતો અને બે ગઝલ પઠન હતાં, તેમાંના આહ કો ચાઇયે એક ઉમ્ર અસર હોને તક, નુક્તા ચીં હૈ ગમ -એ દિલ, રહિયે અબ ઐસી જગહ જહાં કોઈ હો અને યે ન થી હમારી કિસ્મત (સુરૈયા), દિલ - એ નાદાં તુઝે હુઆ ક્યા હૈ (સુરૈયા, તલત મહમુદ) ઈશ્ક઼ મુઝકો નહીં વહસત હી સહી , ફિર મુઝે દિદા-એ-તર યાદ આયા (તલત મહમુદ) અને હૈ બસ કે ઉનકે ઈશારે પર નિશાં ઔર (મોહમ્મદ રફ) તો જબરદસ્ત સફળતા અને ચાહના વરેલાં ગીતો હતાં. આ ગીતોએ હિંદી ફિલ્મોમાં ગઝલ ગાયકીને એક આગવું સ્વરૂપ બક્ષ્યું હતું. ફિલ્મને પણ ૧૯૫૪ માટે રાષ્ટીય પુરસ્કાર સુદ્ધાં એનાયત થયેલા. એ વર્ષનાં ટિકિટબારી પર સફળ રહેલી ફિલ્મોમાં મિર્ઝા ગાલિબ ચોથા નંબરે રહેલ. અને તેમ છતા..... ગુલામ મોહમ્મદની કારકિર્દીને લાગેલું ગ્રહણ ન જ વિખરાયું. 

ગંગાકી રેત પર બંગલા છવાઇ દે સૈંયા તેરી ખૈર હો - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - સુધા મલ્હોત્રા - ગીતકાર શકીલ બદાયુની 

બહાદુર શાહ ઝફરના દરબારમાં નૃત્યની રજુઆત ચાલી રહી છે. ગીત થોડું આગળ વધે છે ત્યાં બાદશાહ આવાં રંગીલાં ગીતોથી કંટાળ્યા હોય તેમ ઊભા થાય છે અને તે સાથે જ મોતી બેગમ -મિર્ઝાનાં 'ચૌદહવીઁ- મિર્ઝા ગ઼ાલિબની રચના આહ કો ચાહિયે એક ઉમર અસર હોનેકો છેડીને બાદશાનું ધ્યાન મિર્ઝાની શાયરી દ્વારા બાદશાહની કેદમાં સબડતા મિર્ઝા તરફ ધ્યાન ખેંચે છે. 

હમને માના કે તગ઼ાફુલ ન કરોગે લેકિન, ખાક઼ હો જાયે હમ તુમકો ખબર હોને તક - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - સુરૈયા - ગીતકારઃ મિર્ઝા ગ઼ાલિબ 

મોતી બેગમ નિર્ઝાના બાહુપાશમાં છેલ્લા શ્વાસ લે છે. તેમના જનાજાની આખરી સફર સમયે મોતી બેગમ (સુરૈયા)નાં દિલમાંથી ફૂટા કરતી વેદના આ શેરો વડે પાર્શ્વભૂમાં સંભળાય છે.


આડવાત:

આ શેર આહ કો ચાહિયે એક ઉમર અસર હોનેકો  ગઝલનૉ જ ભાવનાત્મ્ક હિસ્સો છે.  એ ગઝલને ગીત રૂપે સમાવેલા શેર અહીં મૂળ ગઝલમાં આડા અક્ષરોમાં દર્શાવેલ છે.

आह को चाहिए इक उम्र असर होते तक

कौन जीता है तिरी ज़ुल्फ़ के सर होते तक

दाम-ए-हर-मौज में है हल्क़ा-ए-सद-काम-ए-नहंग

देखें क्या गुज़रे है क़तरे पे गुहर होते तक

आशिक़ी सब्र-तलब और तमन्ना बेताब

दिल का क्या रंग करूँ ख़ून-ए-जिगर होते तक

ता-क़यामत शब-ए-फ़ुर्क़त में गुज़र जाएगी उम्र

सात दिन हम पे भी भारी हैं सहर होते तक

हम ने माना कि तग़ाफ़ुल करोगे लेकिन

ख़ाक हो जाएँगे हम तुम को ख़बर होते तक

परतव-ए-ख़ुर से है शबनम को फ़ना की ता'लीम

मैं भी हूँ एक इनायत की नज़र होते तक

यक नज़र बेश नहीं फ़ुर्सत-ए-हस्ती ग़ाफ़िल

गर्मी-ए-बज़्म है इक रक़्स-ए-शरर होते तक

ग़म-ए-हस्ती का 'असद' किस से हो जुज़ मर्ग इलाज

शम्अ हर रंग में जलती है सहर होते तक

         આ ગઝલનાં મૂળ સ્વરૂપમાં 'હોતે તક' રદીફ તરીકે વપરાયેલ છે, પણ તેનાં ગાયન સ્વરૂપમાં        રદીફ તરીકે 'હોને તક' જ વપરાતું જોવા મળે છે.

નિગાહેં ફેર લીં સબને હૈં અશ્કકે ડેરે .......દીવાને યહાં તક પહુંચ આયે - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - બંદા હસન, મોહમ્મદ રફી - ગીતકારઃ શકીલ બદાયુની 

રજુઆતની દૃષ્ટિએ અલ્લાહના દરબારમાં ગવાતી અરજના સ્વરૂપની આ શદ્ધ પ્રકારની કવ્વાલી છે. જોકે કવ્વાલીના બોલ રૂપક તરીકે અલાહના દરબારમાં મિર્ઝાને બાદશાહની કેદમાંથી છોડાવવની અરજ લઈ આવેલ પત્ની (નિગાર સુલ્તાના) અને પ્રેમિકા મોતી બેગમ (સુરૈયા)ની લાગણીઓને પણ રજુ કરે છે.



નહીં ઈશ્ક઼મેં ઇસકા રંજ હમેં - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - મોહમ્મદ રફી - ગીતકારઃ બહાદુર શાહ ઝફર 

અહીં મૂળ ગઝલના ત્રણ શેરનું પઠન કરાતું બતાવાયું છે.



        આડવાત :

         આ ગઝલને ઘણા ગાયકો પોત્પોતાના અંદાજમાં ગાઈ છે. અહીં હબીબ વાલૉ મોહમ્મદની રજુઆત મુકી છે.



ચલી પી કે નગર અબ કાહે કા ડર હો મોરે બાંકે બલમ કોતવાલ - મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪) - શમશાદ બેગમ - ગીતકારઃ શકીલ બદાયુની 

લગ્નની તૈયારૉ ચાલતી હોય ત્યારે ગવાતાં ગીતોના પ્રકારનું આ ગીત હોવાથી તેની બાંધણી પણ લોકગીત શૈલીમાં જ કરાયેલ છે.



ગુલામ મોહમ્મદ અને તેના ગાયકોની આ સફર હજુ (આવતાં વર્ષોમાં) પણ ચાલુ જ રહે છે. 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: