Wednesday, October 23, 2013

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગૉત્સવ - ઑક્ટોબર, ૨૦૧૩


ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગૉત્સવનાંઑક્ટોબર, ૨૦૧૩સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ મહિનાનાં સંસ્કરણમાં આપણે વધારે વિવિધતાની નજરે ગુણવત્તાની વાત કરીશું. 


ઇવાન મૅથ્યુસ સૅન્ડર્સ The Better Man Project પર "એક સારા માનવ બનવાની અને તેમાંથી મળતા બોધપાઠની" સફર માંડી છે. આજે આપણે તેમણે રજૂ કરેલ The Finest Momentમાં ગુણવત્તાનો સંદેશ વાંચીશુઃ
 
આપણા ભૂતકાળમાંથી વર્તમાનમાં થઈને
ખાંખાંખોળાં કરતાં આપણો હાથ
જ્યારે ભવિષ્ય પર જઈ ચડે છે
તે આપણી શ્રેષ્ઠ ઘડી છે
પરંતુ તે સમયે આપણી
દીર્ઘદૃષ્ટિ સ્થિર થવી જોઈએ
બધાં દુન્યવી આકર્ષણોથી પર
આપણાં સુનિશ્ચિત ધ્યેય પર. 

TED Talksના SCIENCE વિભાગમાં, એક બીજા લેખમાં જેસ્સીકા ગ્રૉસ જીવશાસ્ત્રી સ્ટુઅર્ટ ફાયરસ્ટાઈનનાં વ્યક્તવ્ય "અજ્ઞાનની પ્રશંસા /In praise of ignorance”ને રજૂ કરે છે. સ્ટુઅર્ટ ફાયરસ્ટાઈનનું કહેવું છે કે વિજ્ઞાન આમ તો અજ્ઞાન સાથે ગાઢપણે સંકળાયેલું કહી શકાય. તેમનું કહેવું છે કે " આમ તો વિજ્ઞાન દુનિયાને સમજવા માટેનું અને હકીકતો તેમજ આંકડાકીય માહિતી એકઠી કરવા માટેનું એક સુગઠીત તંત્ર કહેવાય છે.” તેઓ સમજાવે છે કે: "મારૂં કહેવું એમ છે કે ઉતારી પાડવા લાયક નહીં તેવું અજ્ઞાન તો જે હજૂ જાણવા યોગ્ય ગણાયું જ નથી કે પૂરતું જાણી નથી શકાયું કે જે વિષે ખાસ કોઇ આગાહી નથી કરી શકાતી એવી આપણી સામુહિક ખાધમાંથી જન્મે છે." આપણે જેમ જેમ વધારે જાણતાં જઇએ છીએ તેમ તેમ આપણને વધારે ને વધારે ખ્યાલ આવે છે કે હજૂ ઘણું વધારે શોઘી કાઢવાનું બાકી છે. 

ગુણવત્તા અને તંદુરસ્તી / સલામતી વિષયનાં વ્યાવસાયિકોને રસ પડે એવો એક નવો સ્ત્રોત છે ધ આર્ટ ઓફ મૅન્લીનેસ પર જેરેમી ઍન્ડરબર્ગનો લેખ 'Survival Lessons from World War Z ' આ નવલક્થા એ આ પ્રકારમાં લખાતી એક આગવી કથા છે. આવી પરિસ્થિતિઓમાં વ્યક્તિ કે સમુદાયો કે સરકારો કેમ વર્તે છે તેનાં વર્ણનને કારણે તે આ પ્રકારનાં અન્ય સાહિત્યથી અલગ તરી આવે છે. એક રીતે તો તેને કાલ્પનીક નવલકથા કહેવાને બદલે સમાજશાત્રનું કાલ્પનીક પાઠ્યપુસ્તક કહેવું જોઇએ.
કોઇ મોટા પાયા પરનાં કુદરતી સાક્ષાતકારીય હોનારત કે કોઇ સ્થાનીય અણધારી આફત, જેમ કે થોડા દિવસો પહેલાં ઓડીશા / આંધ્રના તટીય વિસ્તારો પર આવી ચડેલ સમુદ્રી તોફાન, જેવા સમયના સંદર્ભમાં આ કથામાં એવા બહુ જ સરસ બોધપાઠ છે, જે દરેકને, આ પ્રકારની કોઇપણ આકસ્મિક ઘટના સમયે બહુ જ ઉપયોગી નીવડી શકે છે. 

 •  'જો અને તો'ની વાત નથી, વાત છે 'ક્યારે'ની - મોટા ભાગનાં લોકો, જ્યાં સુધી એ ઘટના ખરેખર થાય નહીં ત્યાં સુધી આવું કશું થઇ શકે તેમ માનવા તૈયાર જ નથી હોતાં. આમાં કોઇ જ મુર્ખામીની વાત નથી, માણસનો સ્વભાવ જ એવો છે. - World War Z by Max Brooks 
 • ઝૉમ્બીને તમારાં પાવરપોઈન્ટ કૌશલ્યની કંઇ જ પડી નથી - ઔદ્યિગિકરણ પછીના યુગની આપણી દુનિયા સેવાઓ અને જ્ઞાનનો યુગ બની ગઇ છે. હવે દરેક વ્યક્તિ એક બહુ જ મર્યાદીત ક્ષેત્રમાં નિષ્ણાત હોય છે. એથી વિશેષ તે કંઇ જ જ કરી નથી શકતી... જ્યારે આવી ઘટનાઓ સમયે હાથ ગંદા કરવા તૈયાર હોય તેવાં અનેક લોકોની પણ જરૂર પડે છે. 
 • જરૂર પડે તે પહેલાં સ્વ-નિર્ભરતાનો પૂરતો અભ્યાસ કરી લેવો જોઇએ - પોતાના હાથથી કામ પાર પાડવાની આવડત સમગ્ર સમુદાય માટે તો ઉપકારક નીવડે જ છે, સાથે સાથે સ્વ-નિર્ભરતા માટે પણ તે બહુ જ મહત્વની આવડત બની રહે છે. 
 • બુનિયાદી શારીરીક ચુસ્તતા સહુથી મહત્વની બની રહે છે - કોઇ પણ કાળે ભુલાય નહીં કે આપણે બે પગની મદદથી જ ચાલતાં શીખ્યાં છીએ. આ પ્રકારના સંજોગોમાં વાહનો ક્યાં તો કામ નહીં આવતાં હોય કે ક્યાં તો માઇલો લાંબી કતારોમાં ફસાયેલાં પડ્યા રહી શકે છે. એવા સમયે આપણા બે પગ એકદમ ચુસ્ત અને તૈયાર હશે તો જ તેમની પાસેથી કામ લઇ શકાશે. 
 • અકલ્પનીય સુખ કે અવર્ણનીય દુઃખના સાક્ષાત્કાર સમયે પણ સંબંધો જ કામ આવે છે - આપણાં વ્યાવસાયિક જીવનમાં તો આપણે સુનિશ્ચિત અધિક્રમીક વ્યવહારોથી ટેવાયેલાં થતાં ગયાં છીએ. આ જડતામાંથી બહાર આવવાની જરૂર છે જ, પણ તે ઉપરાંત તમારી ઑફિસનાં કોઇ પણ 'નાનાં' માણસની સાથે તમારાં સમકક્ષની જેમ જ વર્તન કરવું જોઇએ. માત્ર સજ્જનતાની દૃષ્ટિએ જ નહીં પણ 'કોણ ક્યારે શું કામે આવી શકે' એવી દ્ર્ષ્ટિએથી પણ આમ કરવું હિતાવહ છે! 
 • સહુથી મહાન અથવા તો સહુથી આધુનિક ટેક્નૉલોજી જ એ કંઇ છેલ્લો શબ્દ નથી.- ટેકનોલોજીની આગેકૂચ ખરેખર અદ્‍ભૂત તો છે. મનોરંજન, આનંદપ્રમોદ, કાર્યદક્ષતા, સગવડ વગેરે જેવી કેટલીય બાબતોમાં તો તેને કારણે બહુ જ મોટા ફેરફારો થઈ ગયા છે. પરંતુ જાન સલામતીના ઘણા કિસ્સાઓમાં તેના ગેરફાયદાઓ પણ જોવા મળે છે. તેના પર બહુ વધારે પડતો આધાર મુકવાથી અણીના સમયે બચાવ કરવો મુશ્કેલ પણ બની શકે છે. જો કે હૅમ રેડિયો જેવી જૂની ટેક્નૉલૉજીએ ઘણી કુદરતી આફતોમાં સંદેશા વ્યવહારનાં જોડાણો જાળવી રાખવામાં બહુ મહત્વનો ફાળો ભજવ્યો છે. 

Learning is Changeપરના બિલ વાઇલ્ડરના લેખ - The Master's Lessons on Learning -માં લીઓનાર્દો દ વીન્સીનાં કથન "નવું શીખવાથી મગજને કદી થાક નથી લાગતો"નું અર્થઘટાન કરતાં લેખક કહે છે કે કદાચ તેમનો કહેવાનો ભાવાર્થ એમ હશે કે મગજને થાક ન લાગે તેવી, મજા પડતી, રીતથી જે કંઈ શીખવામાં આવે તે કદી થકવતું નથી.


ગુણવતા સાથેના આડકતરા, પણ બૃહદ સંદર્ભવાળા આ લેખો જોયા બાદ હવે આપણે ASQ's Influential Voices પર કાર્યરત એવાં લેખકોના ગુણવત્તા સાથે સીધો સંદર્ભ ધરાવતા કેટાલાક લેખો જોઇશું. 


Quality And Innovation પર નીકૉલ તેમના લેખ Expressing Your Needsની શરૂઆત કરતાં જણાવે છે કે વ્યક્ત કે અવ્યક્ત માંગની પૂર્તિ જ ગુણવત્તા છે (સંદર્ભઃ ISO 9000 para 3.1.5). મૂળભૂત એવી આ બાબતને તેઓએ સ્ટીવ પાવ્લીનના લેખ સાથે સાંકળી છે. એ લેખમાં સ્ટીવ પાવ્લીનનું કહેવું છે કે કોઈ પણ સમયે કોઇને કોઇ સંભવિત ભાગીદાર કે સહ-સર્જકનો એક સમુદાય આપણી માંગની પૂર્તતા કરવા તૈયાર તો હોય છે જ.પરંતુ આપણે આપણી માંગ એ સમુદાય સમક્ષ રજૂ નથી કરી હોતી, એટલે આપણને મદદ કરવા માંગતાં લોકો તેનાથી અજાણ હોય છે. જો કે આપણો સમાજ પણ આપણા મિત્રો, કુટુંબીજનો કે બીજાં કોઇ પણ પાસે આપણી જરૂરીયાતોનો ઢંઢેરો પીટવાની વાતને ઉત્તેજન નથી આપતો; તેમ વળી આપણને કંઇ પણ જોઈતું હોય તો આ બધા વિચક્ષણ માર્કેટીંગના નિષ્ણાતે તો અપણી જરૂરીયાતો ખોળી જ કાઢી હશે! અને આપણે તો બસ નાણાંના બદલામાં આપણી એ જરૂરીયાતોની પૂર્તતા કરતાં ઉત્પાદનો કે સેવાઓ ખરીદ જ કરવાનાં રહ્યાં. સમગ્ર ચર્ચાને અંતે, નિકૉલ જણાવે છે કે સહુથી પહેલાં તો આપણી જરૂરીયાતો કહેવામાં સંકોચ રાખવાનું બંધ કરવું પડશે અને જે કોઇ તેની પૂર્તતા કરી શકે તેમ હોય તેમની સાથે મુક્તપણે હળવું મળવું પડશે.

Qualty the Unfair Advantage પર અંશુમાન તિવારી, બહુ જ સ્પષ્ટપણે કહે છે કે 'ગુણવત્તા એટલે યોગ્ય કામ કરવું' એટલાં માત્રથી કામ નહીં થાય, ગુણવત્તાની અસર સંસ્થાની નાણાકીય પરિસ્થિતિ પર પણ જણાવી જોઇએ. આ માટે તેઓએ ASQના મુખ્ય સંચાલક પૉલ બોરવસ્કીના કૉર્નીગ ગ્લાસ પરના લેખનો આધાર લીધો છે. કૉર્નીગ ગ્લાસની સ્થિતિમાં થયેલા અદ્‍ભૂત સુધારાની કેસ સ્ટડી અહીં જોઇ શકાશે.
અહીં તેઓ એ આ કેસ સ્ટડીના મહત્વના મુદ્દાઓ સમજાવ્યા છે:

 •  બાલ્ડ્રીજ પુરસ્કાર જીતવો તે પૂરતું નથી - નવા પડકારોને પહોંચી વળવા નવા રસ્તા અખત્યાર કરવા જોઇએ. દડાને હાથમાં છોડી દીધા પછી તે કેટલો ઝડપથી નીચે પડવા લાગે છે તે જોવું હોય તો કૉર્નીગનો કિસ્સો હાથવગો જ છે.
 •  ગુણવત્તા એ નિયામક મડળની કક્ષાનો વિષય છે - કૉર્નીગ ગ્લાસના ઉદાહરણથી સ્પષ્ટ થઇ રહે છે કે સંસ્થાના અધિક્રમમાં ગુણવત્તા જેવું નીચું સ્થાન મેળવવા લાગે છે તે સાથે જ ગુણવત્તાનાં નબળાં પરિણામો જોવા મળવાનું ચાલુ થઇ જાય છે.
 • બૃહદ ગુણવત્તા અને ઉત્કૃષ્ટ કામગીરી - ગુણવત્તાનો સામાન્ય સંદર્ભ ઉત્પાદનોની ગુણવત્તા સાથે છે જ્યારે બૃહદ સંદર્ભ વ્યાપારની બધી જ પ્રક્રિયાને આવરી લેતી ગુણવત્તાના વ્યાપક સંદર્ભમાં છે. વ્યાપારની બધીજ પ્રક્રિયાઓ અને ગ્રાહકના અનુભવોની જ્યારે વિશદ્પણે ચર્ચા થાય છે ત્યારે સંસ્થામાં કામગીરીની ઉત્કૃષ્ટતાની ગુણવત્તાનું પ્રભાવ ક્ષેત્ર પેદા થાય છે.આ વાત કૉર્નીગે બરાબર સમજી લીધી હતી અને તેથી સંસ્થાનાં બધાં જં અંગોને ગુણવત્તા કાર્યક્રમ હેઠળ આવરી લેવાયાં હતાં. જેનાં પરિણામો બહુ જ ફળદાયી રહ્યાં.
 • ગુણવત્તા પ્રશિક્ષણને ન અવગણવું જોઇએ - બધાં જ પરિવર્તનોની શરૂઆત જ્ઞાનથી થાય છે. ફેરફારોને કારણે આપણે કયાં જોખમો લઈ રહ્યાં છીએ તે ન જાણવાથી બહુ માઠાં પરિણામો આવી શકે છે. પરિવર્તનો કરતાં પહેલાં કૉર્નીગે પ્રશિક્ષણનાં મહ્ત્વને સમજી લીધું હતું અને એટલે ૧૦૦૦થી પણ વધારે કર્મચારીઓ ને સીક્સ સીગ્મા કે લીન જેવા વિષયો પર તલસ્પર્શી પ્રશિક્ષણની વ્યવસ્થા કરાઈ હતી.
 • પધ્ધતિઓ અને સાધનોની પસંદગી બહુ સંભાળથી કરવી જોઇએ - કૉર્નીગે હાથમાં આવી તે બધી જ રીતો વાપરી નહોતી લીધી. તેમણે બધીજ ઉપલબધ રીતોનો પૂરતો અભ્યાસ કર્યો અને એક ઉપયુક્ત માળખું બનાવ્યું અને પછીથી તેને બરાબર અનુસરતાં રહ્યાં. કૉર્નીગનું કામગીરી-ઉત્કૃષ્ટતા મૉડેલ સહયોગ, નવપરીવર્તન અને સુધારણાને આવરી લે છે.
 •  ગુણવત્તા પૈસા કમાવી આપે તે જરૂરી છે.- ગુણવત્તા ‘વિના-મૂલ્ય’ જરૂર છે,પણ સખાવત નથી.
Quality Alchemist પર ડૉ. લૉટ્ટો લાઈ ૧૪મીથી ૧૮મી ઓક્ટૉબર, ૨૦૧૩ દરમ્યાન, બેંગકોક, થાઇલેન્ડમાં ભરાયેલ ‘The ANQ 2013’ના સંદર્ભમાં ગુણવત્તાનાં ક્ષેત્રમાં એશિયાઇકરણ (亞洲化)ને તેમના લેખ Asiaization is the Future of Quality માં સમજાવે છે. શાબ્દીક રીતે એશિયાઇકરણની વ્યાખ્યા - એશિયાની જેમ વર્તવું , પ્રક્રિયાઓ કરવી કે લીધેલાં પગલાંના પરિણામો આવવાં - કરી શકાય; જેમાં એશિયાની સંસ્કૃતિ અને ટેવોની દુનિયા પર પડતી અસરોનો અર્થ અભિપ્રેત છે. પ્રસ્તુત લેખમાં તેમણે બહુ જ વિગતવાર અને પધ્ધતિસર રીતે, ભારપૂર્વક, પ્રસ્થાપિત કરેલ છે કે ""ગુણવત્તાનાં ભવિષ્ય" પર એશિયાઇકરણ એ એક મહત્વનું પરિબળ બની રહેશે." 

જેમી ફ્લિન્ચબૌ, તેમના લેખ Lessons From the Road: Get the Most from Your Assessmentsમાં તપાસણી/Auditથી અલગ પડતાં આકારણી/ Assessmentનાં મૂલ્યની વાત કરે છે. તેમનું કહેવું છે કે આકારણી એ સતત સુધારણાનું એક એવું અંગ છે જે, સામાન્યતઃ લોકોને ઓછું પસંદ પડે છે. તેને કારણે તેમાંથી જે ફાયદો મેળવવો જોઇએ તે પણ મેળવાતો નથી. બહુ જ સારી રીતે કહેવાયેલ "જો કંઇ પણ કરવા લાયક હોય, તો પછી તે સારી રીતે જ થવું જોઇએ" વાત આ સંદર્ભમાં યાદ આવી જાય છે. લેખમાં તેમણે આકારણીનો ફાયદો લેવા માટે શું શું પગલાં લેવાં જોઇએ તેની પણ ચર્ચા કરી છે.


ડૉ. લોટ્ટૉ લાઇ આપણને ગુણવત્તા-લક્ષી જાહેર સંસ્થા - એશિયાના અલગ અલગ દેશોની સંસ્થાઓની ગુણવત્તા સંબંધીત પ્રવૃત્તિઓને સાંકળી લઇ અને સમગ્ર એશિયાના સ્તર પર કાર્યરત એવી એશિયન નૅટ્વર્ક ફૉર ક્વૉલિટી/Asian Network for Quality (ANQ)- -ની મુલાકાત તરફ પણ દોરી ગયા છે. ANQની સ્થાપના વર્ષ ૨૦૦૨માં થઇ હતી. ગુણવત્તાના સુધાર દ્વારા વિશ્વના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવામાં ANQ સક્રિય છે.
ANQ 2012નાં અધિવેશનમાંનાં ડૉ. નૉરીઆકી કાનોનાં અધ્યક્ષ વ્યક્તવ્ય - The First Ten Year Journey of ANQ દ્વારા આપણને ANQના વિકાસના પ્રથમ દાયકાની સફર કરવા મળે છે.
ANQ 2013 અધિવેશનનો મુખ્ય વિષય "એશિયાની તાકાતમાટે ગુણવત્તા / Quality for the Strength of Asia છે.
એશિયાની ગુણવત્તાનાં વ્યાવસાયિકોના સમુદાયનાં વધતાં જતાં મહ્ત્વનું દ્યોતક છે - ISQના સ્થાપક અધ્યક્ષ અને ISQની આંતરરાષ્ટ્રીય સંબંધોની સમિતિના વર્તમાન અધ્યક્ષ શ્રી જનક મહેતાનું International Academy of Quality (IAQ)ના અધ્યક્ષ તરીકે મનોનીત થવું. અકાદમીના ૪૫ વર્ષના ઇતિહાસમાં અમેરિકા, યુરોપ કે જપાનની બહારની વ્યક્તિ આ પદ પર મનોનીત થઈ રહી છે.
અને હવે આપણે આ સંસ્કરણના અંતની શરૂઆત કરીએ. 


સહુથી પહેલાં તો ASQ Influential voicesના દર મહિનાની એક વિષયપરની ચર્ચા પર નજર કરીએ. આ મહિને વિષય હતો The Challenges of Sustaining Excellence. દર વખતે જોવા મળે છે તેમ આ વખતની ચર્ચા પણ બહુ આયામી અને વૈવિધ્યપૂર્ણ રહી છે. લગભગ બધાંની જ લાગણીને વાચા આપતી ટીપ્પણીમાં સ્કૉટ્ટ રધરફૉર્ડનું કહેવું છે કે, "દરેક સંસ્થાઓને જ્વલંત સફળતાના ચડાવ અને ક્ષુબ્ધ સમયના ઉતારની પોતાની એક આગવી સંસ્કૃતિ હોય છે. પરંતુ, સંસ્થાકીય નેતૃત્વના પરિવર્તન કાળ દરમ્યાન સંકૃતિ, વ્યૂહરચના અને અમલીકરણની એક્સૂત્રતા, એ સંક્રાંતિ કાળમાં ટકી રહેવાની સંસ્થાની ક્ષમતામાં મહત્વનો ભાગ ભજવે છે. 


ASQ™ TV: Creating a Global View of Qualityના ASQ TV Episode 9: Process Improvement વૃતાંતમાં પ્રક્રિયા સુધારણાનાં ઘટકની વાત કહેવાઈ છે. મેક્ષિકોના એક ઑટોમોબાઈલ પાર્ટ્સ ઉત્પાદક તેમની સુધારણા દાસ્તાન રજૂ કરે છે. પરિવર્તનકારી વિચારધારાના એક વિશેષજ્ઞ આપણને ધોરણ સ્થાપન અને સમસ્યા નિવારણની પાર જોવા તરફ દોરી જાય છે. અને એક રૉક બૅન્ડ પ્રક્રિયા સુધારણાનાં તેમના અર્થઘટનનો આસ્વાદ કરાવે છે. 


આ મહિને ASQ's Influential Voicesનાં જિમેના કાલ્ફાની મુલાકાત લઈશું.

વ્યાવસાયિક કારણોથી હાલ અમેરિકામાં કાર્યરત એવાં જિમેના કાલ્ફા મૂળે આર્જેન્ટીનાનાં છે. ગુણવત્તા સૉફ્ટ્વેરમાં વિશેષજ્ઞતા ધરાવતાં એવાં સીસ્ટમ્સ એન્જીનિયર છે. ગુણવત્તા સાધનોના રોજબરોજના ઉપયોગો વિષે તેઓ Let’s Talk About Quality પર લખે છે. તેમની દૃષ્ટિએ "દરેક સંસ્થાની દરેક વ્યક્તિનાં જીવનનાં કોઇ પણ પાસામાં ગુણવત્તા બહુ જ મહત્વનો ભાગ ભજવે છે."
તેઓ તેમની ગુણવત્ત અંગેની સમજને ઍરિસ્ટોટલનાં આ કથન - ગુણવત્તા કૌશલ્ય પ્રશિક્ષણ અને ટેવ પાડવાથી કેળવાય છે. આપણે જે કંઈ આપણે વારંવાર કરીએ, તે પ્રમાણે જ થતાં જઇએ છીએ. એ રીતે ગુણવત્તા એ કોઇ ખાસ પ્રવૃત્તિ નથી, પણ આપણી ટેવો જ છે - વડે પુષ્ટિ કરે છે.
તે જ રીતે બ્લૉગ લખવાનાં તેમનાં કારણોને તેઓ ક્યુબાના લેખક યૉઝ માર્ટીના શબ્દોમાં, બહુ જ ભાવુકતાથી રજૂ કરે છે: "પૂર્ણ થવા માટે દરેક વ્યક્તિ એ એક વૃક્ષ વાવવું જોઇએ, એક બાળકને ઉછેરવું જોઇએ અને એક પુસ્ત્ક લખવું જોઇએ" આ ટૅક્નૉલોજીના યુગમાં, "પુસ્તક"ના સ્થાને તેઓ અહીં "બ્લૉગ" ને મૂકે છે.
તેમના બ્લૉગ - Let’s Talk About Quality - પર જૂદા જૂદા વિભાગો આ મુજબ છેઃ General Concepts - જ્યાં ગુણવત્તા વિષય પરના લેખો ; XX vs. YY -જ્યાં ગ્રાહક વિ. ખરીદાર જેવા લેખો ; Actuality - ASQ - લેખિકાનાં ASQ પરના સહયોગનું દસ્તાવેજીકરણ; Q & A - સવાલોના જવાબો; OFI - સુધારાં અંગેની તકને લગતા લેખો અને My Bookshelf - લેખિકાની પસંદગીનાં પુસ્તકોની યાદી . 


દર વખતની જેમ આ સંસ્કરણના અંતમાં આપણે Management Improvement Carnival # 200 ની મુલાકાત લઈશું.આ મહિનાનાં સંસ્કરણના અંત માટે મેં જેમ્સ ક્લીઅરનો Lifehackerનો લેખ - A Scientific Guide to Effectively Saying No - પસંદ કર્યો છે. ઘણા સફળ ઉદ્યોગસાહસિકો તેમણે ભોગવવેલી આપદાઓ માટે ના ન કહી શકવવાની અશક્તિને તેમની બહુ મહત્વની ભૂલ ગણાવે છે.

“હું નહીં કરી શકું” and “હું નહીં કરૂં” આમ તો બહુ સરખા જ દેખાય છે. ઘણીવાર એ બંને એકબીજાંની જગ્યાએ આપણે વાપરી પણ લેતાં હોઈએ છીએ.પરંતુ, માનસિક રીતે તે બંનેનો પ્રતિસાદ સાવ અલગ હોઈ શકે છે, જેને પરિણામે સાવ જ અલગ પ્રકારનાં કદમ લેવાતાં પણ જોવા મળે છે.

લાલચને અતિક્રમીને ભારપૂર્વક ના કહી શકવી તે માત્ર તંદુરસ્તી માટે જ સારૂં નથી, પણ દરરોજની ઉત્પાદકતા અને માનસિક તંદુરસ્તી માટે પણ બહુ સારૂં પડે છે.બહુ સીધી રીતે કહીએ તો આપણા જ શબો આપણને તારે કે ડુબાડે છે. સવાલ આપણે શું પસંદ કરીએ છીએ તેનો છે.

આ મહિનાનાં આ સંસ્કરણમાં 'ના પાડવાની કળા'ની વાત અને આપ સહુની આ મંચને વધારે રસપ્રદ, માહિતીજનક અને ઉપયોગી બનાવવા માટે સૂચનો કહેવાની 'હા' સાથે જોડી ન લેશો!
આપના પ્રતિસાદની રાહ જોઉં જ છું............. 
Post a Comment