Sunday, July 9, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૫ - પુરુષ સૉલો ગીતનું યુગલ કે કોરસ વર્ઝન :: [૨]

ગત અંકમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનાં યુગલ કે કોરસ ગીતનાં એ જ ફિલ્મમાં પ્રયોજાયેલાં બીજાં સ્વરૂપનાં ૧૯૪૧થી ૧૯૫૭ સુધીનાં ગીતો સાંભળ્યાં

આજે આ સફરને આગળ ધપાવીશું

કદમ બઢાયે જા તૂ ન ડર કદમ બઢાયે જા - બડા ભાઈ (૧૯૫૭)- નાશાદ

ફિલ્મમાં મોહમ્મદ રફી અને આશા ભોસલેના યુગલ સ્વરોવાળું સ્વરૂપ પહેલાં મુકાયું હોવું જોઇએ કેમ કે એ તબક્કે આખું કુટુંબ એક સાથે મળીને ખુશી ખુશીથી જીવનમાં આગળ વધવાનો નિર્ધાર વ્યક્ત કરતાં હોય તેમ જણાય છે.

મોહમ્મદ રફીના સ્વરનું સૉલો વર્ઝન ફિલ્મમાં પછીથી આવતું જણાય છે કેમકે અહીં હવે નાયક જિંન્દગીની મુશ્કેલો સામે એકલો લડી રહ્યો છે અને તે સમયે સારા સમયમાં બધાંએ સાથે મળીને આગળ વધવાનો જે નિર્ધાર કર્યો હતો તે હવે તેને આજની મુશ્કેલીઓ સામે લડવાનું બળ પૂરૂં પાડે છે.

હમ પંછી એક ડાલ કે - હમ પછી એક ડાલકે (૧૯૫૭) - એન દત્તા
હિંદી ફિલ્મોમાં છોકરાઓનો અવાજ પણ પુરુષ જેવો ઘેરો ન થયો હોય એ ઉમરનાં બાળકોનાં ગીતમાં સ્ત્રી પાર્શ્વગાયિકાઓના સ્વરનો જ ઉપયોગ કરાતો. આ ગીતમાં પણ આશા ભોસલે અને સાથીઓ (જેમાં શમશાદ બેગમ, સુમન હેમાડી(કલ્યાણપુર જેવાં નામો પણ છે એવી નોંધ પણ જોવા મળે છે)ના સ્વર-સમુહનો ઉપયોગ શાળાનાં બાળકો સમૂહ કાર્યયજ્ઞના એક સામાજિક કામમાં ભાગ લઇ રહ્યાં છે તે સમયે ગવાયેલ ગીત છે. 
પાછળથી હાસ્ય કલાકારો તરીકે નામ કાઢનાર કલાકારો જગદીપ અને મોહન ચોટી પોતાના મિત્રોને સમૂહ યજ્ઞ વખતે કરેલા નિર્ધારની ફરીથી યાદ અપાવે છે. મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ થયેલ સૉલો ગીતમાં એ નિર્ધારના અમલ કરવા માટેનો થનગનાટ ધબકે છે.


રાત ભર કા હૈ મહેમાં અંધેરા કિસકે રોક રૂકા હૈ સવેરા - સોનેકી ચિડીયા (૧૯૫૮) - ઓ પી નય્યર
સામાન્યતઃ હલકાંફૂલકાં ગીતો આપવા માટે જાણીતા ઓ પી નય્યરને જ્યારે જ્યારે અર્થપૂર્ણ ગીત આપવાની તક મળી છે ત્યારે તેમણે એ તકને બન્ને હાથોથી ઝડપવામાં નથી તો પાછી પાની કરી કે નથી તો સરખામણીના કોઈ પણ માપદંડમાં અંશ ભર પણ ઊણા ઉતર્યા.
મોહમ્મદ રફીનું સૉલો વર્ઝન રાતના અંધારાની ગમગીનીને હટાવી દેવાનો સંદેશો આપે છે.
મોહમ્મદ રફી અને આશા ભોસલેનું યુગલ વર્ઝન એકમેકના સાથથી દુનિયાની સામે લડી લેવા માટે એકબીજાંને બળ પૂરૂં પાડવાનો સંવાદ રૂપ છે.
બેદર્દ ઝમાના તેરા દુશ્મન હૈ તો ક્યા હૈ દુનિયામેં જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હૈ - મહેંદી (૧૯૫૮)-
હેમંત કુમારના સ્વરનું પહેલું વર્ઝન પરદા પર એક ફકીર ગાય છે. લતા મંગેશકર સાથેનાં યુગલ વર્ઝનમાં શરૂઆતમાં નાયિકા ગીતના સંદેશ માટે સવાલ ઉઠાવે છે પણ અંતમાં તો એ પણ  દુનિયામાં જેનું કોઈ નથી એનો ભગવાન છે એ વાતનો સ્વીકાર કરે છે.
હમ ચલ રહે થે વો ચલ રહે થે મગર દુનિયાવાલોંકે દિલ જલ રહે થે - દુનિયા ના માને (૧૯૫૯) - મદન મોહન 

આ ગીતમાં પણ મુકેશ અને લતા મંગેશકરનું યુગલ ગીત ફિલ્મમાં પહેલાં આવે છે . પ્રેમના અંકુર તાજા તાજા ફૂટ્યા છે, નાયક નાયિકાને સાથે સાથે ચાલવાના રોમાંસને માણવાના સંજોગો સાનુકૂળ છે, એટલે દુનિયા તેમને જોઈને જલે તો પરવા નથી....

મૂકેશનું સૉલો વર્ઝન ગીતનું બીજું વર્ઝન છે જેમાં નાયક પોતાનો અફસોસ વ્યક્ત કરે છે કે અમે બે સાથે ચાલતાં હતાં અને જલન દુનિયાને થતી હતી. આ જ વાદિયાં હતી પણ એ સમય જૂદો હતો અને આજનો આ એકલાપણાનો સમય કેટલો જૂદો છે.

મૂકેશ અને મદન મોહનનો સંગાથ પણ બહુ લાંબો નથી રહ્યો, પણ એ ટુંકા સંગાથમાં પણ તેઓ આપણા માટે યાદગાર ગીતો છોડતા ગયા છે.

પ્યાર જગાનેવાલા - ઝરા બચકે (૧૯૫૯) - નાશાદ – ગીતકાર: અસદ ભોપાલી
આ લેખશ્રેણી માટે શોધખોળ કરતાં ઘણી વાર સાવ જ ન સાંભળેલાં ગીત હાથ લાગી જતાં હોય છે. પ્રસ્તુત ગીત આવાં ગીતોમાંનું એક ગીત છે.
યુગલ વર્ઝન મન્ના ડે અને લતા મંગેશકરના સ્વરમાં છે. હીરો અને હીરોઈન (કિશોરી ઉમરની નંદા)એક બીજાને મળવા બેતાબ છે તે પ્રેમભર્યો તલસાટ ગીતમાં વણી લેવાયો છે. ગીત પૂરૂં થતાં સુધીમાં તો બન્ને સાથે ગીત ગાઈને મિલનનો આનંદ વ્યક્ત કરતાં થઇ ગયાં છે.
બન્ને છૂટાં પડી ગયાં પછી હીરોઇનને રસ્તામાં ગીત ગાઈને પેટીયું કમઈ લેતાં કલાકારો પાસે આ ગીત ફરીથી સાંભળવા મળે છે. એ વર્ઝનમાં એક આખો અંતરો મન્ના ડેના સૉલો સ્વરમાં છે.
અહીં આ બન્ને વર્ઝન એક ક્લિપમાંથી સાંભળવા મળશે.

લહરોં પે લહર ઉલ્ફત હૈ જવાં રાતોંકી સહર ચલી આઓ યહાં - છબીલી (૧૯૬૦) - સ્નેહલ ભાટકર

હેમંત કુમારનું સૉલો વર્ઝન હેમંત કુમારના શ્રેષ્ઠ ગીતોની પહેલી હરોળમાં માનભર્યાં સ્થાન શોભાવતું રહ્યું છે..

ગીતનાં યુગલ વર્ઝનમાં હેમંત કુમારના સાથમાં ખુદ નુતન જોડાય છે અને એક અદ્‍ભૂત રચના આપણા કાનોમાં ગૂંજે છે.


આડવાત

આ ગીતના પ્રેરણા સ્ત્રોત તરીકે ડિન માર્ટીનનું ધ મેન હુ પ્લેઇડ મેન્ડેલીનો કહેવાય છે.



ઝીંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત - બરસાત કી રાત (૧૯૬૦  ) - રોશન - ગીતકાર સાહિર લુધ્યાનવી
એ ગાયકનાં ગાયેલાં ગીતો, ગાયન શૈલી, શાયરના શબ્દો કે સંગીતકારની ધુન કોઈ પણ માપદંડથી સૉલો ગીત તરીકે પણ શ્રેષ્ઠતાની ઉંચાઈઓ આંબતું અને યુગલ ગીત તરીકે પણ શ્રેષ્ઠતાની ઊંચાઈ આંબતું દરેક વર્ઝન હોય એવાં ગીતો ભાગ્ય જોગે જ બનતાં હશે. પ્રસ્તુત ગીત એમાનું એક છે.
સૉલો વર્ઝન મોહમ્મદ રફીના માર્દવ સ્વરમાં છે જ્યારે યુગલ વર્ઝનમાં લતા મંગેશકર સાથ આપે છે.

ઈતના ન મુઝસે તૂ પ્યાર બઢા કે મૈં એક બાદલ આવારા – છાયા (૧૯૬૧ ) - સલીલ ચૌધરી - ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

ગીતનું એક વર્ઝન રોમાંસથી છલકતું  હોય અને  એજ ધુનની લય અને વાદ્ય સજ્જામાં આમૂલ ફેરફાર કરવાથી ગીતમાંથી નરી કરૂણા નીતરી રે એવાં ઉત્તમ ગીતોમાં આ જોડી ગીતોનું સ્થાન ગણી શકાય. જાણકારોનું કહેવું છે કે મોઝાર્ટની ૪૦મી સિમ્ફનીની પ્રેરણા આ ગીતની રચનામાં વણી લેવાઈ છે. આપણા માટે તો તલત મહમૂદ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં ગવાયેલ આનંદની પળોનું ગીત આપણને પણ સ્વપ્નલોકની સફરે લઇ જાય છે.

તો તલત મહમૂદના સ્વરનું કરૂણ સૉલો આપણાં મનને પણ ગમગીનીથી આળું કરી મૂકે છે. ગીતની વાદ્ય સજ્જા સલીલ ચૌધરીની અનોખી છાપને બહુ જ સ્પષ્ટતાથી ઉજાગર કરે છે.

દિલકી તમન્નાથી મસ્તીમેં મંઝિલ સે ભી દૂર નીકલતે - ગ્યારહ હજ઼ાર લડકીયાં (૧૯૬૨) - એન દત્તા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

પહેલું ગીત યુગલ ગીત છે, મુખાડાની શરૂઆત મોહમ્મદ રફી કરે છે જેમાં પરદા પર નાયિકાની નાપસંદગીને દૂર કરવા માટેની અરજ છે. સ્વાભાવિક જ છે કે આવી મીઠાશ તો જો પ્રેમી મનાવે તો પ્રેમિકા પહેલા અંતરા પહેલાં પીગળી જ જાય. આશા ભોસલે ગીતમાં જોડાય છે અને હીરો-હીરોઈન બાગની સૈર કરવા નીકળી પડે છે. બન્ને ગાયકોએ રોમાંસની એ ઘડીઓને તેમના સ્વરમાં તાદૃશ કરી છે.

પછી હીંદી ફિલ્મોની ખાસીયત મુજબ બધું સવળું ન પડે. હવે હીરો એક જાહેર કાર્યક્રમમાં પોતાની ગમગીનીને ઠાલવે છે. ગીતને અંતે શ્રોતાગણ ગીતને તાળીઓથી વધાવે છે અને હીરોઈન આંસુઓથી...

 


હવે પછીના અંકમાં પુરુષ સૉલો ગીતોનાં યુગલ કે કોરસ વર્ઝનનાં ગીતોનો ત્રીજો અને અંતિમ મણકો સાથે મળીને માણીશું.

No comments: