સંગીતકાર સાથેની પહેલી
ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત - ૧૯૪૯
૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ અને મૃત્યુતિથિની યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. ૧૯૪૪થી ૧૯૪૮નાં વર્ષના તેમના કારકીર્દીના સૌપ્રથમ સમયખંડમાં રેકર્ડ થયેલાં આ પ્રકારનાં ૧૯૪૪થી ૧૯૪૬ વર્ષનાં ગીતો આપણે ભાગ ǁ૧ǁમાં અને ૧૯૪૭ અને ૧૯૪૮નાં ગીતો ભાગ ǁ૨ǁમાં ડીસેમ્બર ૨૦૧૬માં સાંભળ્યાં હતાં.૧૯૫૦થી ૧૯૫૪નાં હવે પછીનાં પાંચ વર્ષનો સમયખંડ આપણે ૨૦૧૭નાં વર્ષમાં હાથ પર લઈશું. [દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]
પ્રસ્તુત પૉસ્ટ માટેની સામગ્રીની તૈયારી કરવાનું શરૂ કર્યું ત્યારે એક આખી પૉસ્ટ માટે પૂરતી થઈ જાય એટલી સામગ્રી મળશે તેવો અંદાજ નહોતો. પરંતુ જેમ જેમ ગીતો મળતાં ગયાં અને સાંભળતો ગયો તેમ તેમ જોયું કે હજૂ પણ તેમનાં જાણીતાં કરતાં ઓછાં જાણીતાં ગીતો વધારે છે. હિંદી ફિલ્મનાં સુવર્ણ કાળના ટોચના પુરુષ પાર્શ્વ ગાયક તરીકે આપણે મોહમ્મદ રફીનાં સૉલો ગીતોને માણ્યાં છે તેનો પાયો ઘડવામાં આ ગીતોનો ફાળો પણ આપણી સમક્ષ સ્પષ્ટ થવા લાગે છે.
લો રૂખ બદલ રહા હૈ ઝીંદગી કા, ધરા લે કર ચલી હૈ દુઆ, અલ્લાહ કા સહારા ખુદર્દ યે નઝારા - બાનૂ - પંડિત રામ પ્રસાદ
પંજાબી લોક ધૂન હીરની શૈલીમાં ઢાળાયેલ ધૂન.
મૈં ઝીંદગીમેં હરદમ રોતા હી રહા હૂં - બરસાત - શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી
બરસાત શંકર જયકિશનની કારકીર્દીની સૌથી પહેલી ફિલ્મ હતી. ફિલ્મની વાર્તાની માંગ અનુસાર, ફિલ્મનાં ગીતોમાં સિંહ ફાળો લતા મંગેશકરનાં ગીતોનો છે. પુરૂષ પાર્શ્વ ગાયકના ફાળે આવેલાં ગીતોમાં મૂકેશનું સ્થાન આગવું રહ્યું છે. આમ, પ્રસ્તુત ગીત મોહમ્મદ રફીને ફાળે આવેલું એક માત્ર સૉલો ગીત છે અને તે પણ કરૂણ ભાવથી છલકાતું. રાજ કપૂર ઉપર ગીત ફિલ્માવાયું છે, પણ છે બેકગ્રાઉન્ડ ગીત. આરકે-શંકરજયકિશનનાં સંયોજનમાં બનેલી બધી જ ફિલ્મોમાં આ જ પ્રવાહ જોવા મળશે. હા, આહ (૧૯૫૫) અને જિસ દેશમેં ગંગા બહેતી હૈ (૧૯૬૧)ના અપવાદ સિવાય આરકેની મેરા નામ જોકર સુધીની બધી જ ફિલ્મોમાં રફીના ભાગે એકાદ ગીત તો હોય જ. કોઈક ઓછું ચાલે, કોઈક બીજાં ગીતોની ટક્કર લે એટલું ચાલે.
જબ યાદ કિયા હમ આને લગે, આને લગે.....તુમ જ઼િડકીયાં હમ કો દેને લગે, હાં દેને લગે - ચીલ્મન - હનુમાન પ્રસાદ શર્મા – ગીતકાર: એમ કે છીબ્બર
'ચીલ્મન‘માં રફીનું બીજું પણ એક સૉલો ગીત છે - ઝહે કિસ્મત તેરી મહેફિલ સે. હનુમાન પ્રસાદ અને રફીની આ વર્ષમાં 'દૌલત' પણ આવી હતી, જેમાં પણ એક સૉલો ગીત હતું - મોહબ્બત કી સભામેં હમ કલેક્ટર બન કે. જો કે આ ગીત નેટ પરથી મને નથી મળી શક્યું. હિંદી ફિલ્મ ગીતકોશની નોંધ મુજબ 'ચીલ્મન'નાં ૧૨માંથી ૧૦ ગીતો આ જ વર્ષની એક અન્ય ફિલ્મ 'જન્નત'ની રેકર્ડ્સ પર પણ છે.
એક દિન એક અરમાન ભરા દિલ ઉલ્ફતસે દો ચાર હુઆ - ગરીબી - બુલો સી રાની - ગીતકાર: બી આર શર્મા
બુલો સી રાનીએ મોહમ્મ્દ રફીનો સૉલો અવાજ પહેલી વાર પ્રયોગ કર્યો. ફિલ્મમાં પ્રસ્તુત ગીત ઉપરાંત એક બીજું સૉલો ગીત - કીસીસે હમને પૂછ મોહબ્બત કિસકો કહતે હૈ -અને શમશાદ બેગમ સાથેનું એક યુગલ ગીત પણ છે.
તાલીમ કા તરાના ઉંચે સૂરોમેં ગા - નઈ તાલીમ - વસંત દેસાઈ - ગીતકાર: એસ આર ચોપડા 'સાઝ'
હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ફિલ્મ હેઠળ માત્ર બે જ ગીતો નોંધાયાં છે. જેમાં આ ગીતના ગાયકની નોંધ નથી. આ વર્ષમાં વસત દેસાઈની એક બીજી ફિલ્મ 'નરસિંહ અવતાર' પણ જોવા મળે હે. યુટ્યુબના એક અનુભવી અપલોડર યશવંત વ્યાસ 'નરસિંહ અવતાર'નાં ગીત નારાયણ જાગો, જાગો કરૂણાનિધિ જાગોના ગાયક તરીકે મોહમ્મદ રફીની નોંધ કરે છે.
એક દિલને સુના એક દિલને કહા, એક દર્દ ભરા અફસાના હાયે દર્દ ભરા અફસાના - પર્દા - શર્માજી – ગીતકાર: સ્વામી રામાનન્દ
હિંદી ફિલ્મનાં ગીતોના સુજ્ઞ ચાહકોને તો ખબર જ છે કે 'શર્માજી' આપણે જેમને ખય્યામનાં નામથી ઓળખીએ છીએ તેમનું શરૂઆતની ફિલ્મોનું તખલ્લુસ છે. આ ફિલ્મ બીજું પણ એક સૉલો - સીતમગર સે લેતા હૈ તૂ ઇતન્કામ
સમયકા ચક્કર સૌ બલ ખાયે - રાઝ - મલીક સરદાર – ગીતકાર: મીરાજી
મોહમ્મદ રફીની પોતાની આગવી શૈલી તરીકે જાણીતી થયેલ ગાયકીનો એક બહુ ઉત્કૃષ્ટ નમૂનો. હિંદી ફિલ્મ ગીત કોષમાં સંગીતકારનું નામ મલીક સરદાર તરીકે નોંધવામાં આવ્યુ છે. નેટ પરના અન્ય સંદર્ભોમાં તે સરદાર મલીક તરીકે જોવા મળે હે. જો કે આ બન્ને એક જ વ્યક્તિ છે કે કેમ તે વિષે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી.
તીર પે તીર ખાયે જા, ઝુલ્મો સીતમ ઉઠાયે જા - રૂપલેખા - સજ્જદ હુસૈન – ગીતકાર: ખુમાર બારાબંક્વી
સજ્જદ હુસૈનને ચોપડે મોહમ્મદ રફીનાં સૉલો ગીતોનું ખાતું ખૂલ્યું છે. આજના અંકમાંનાં બધાં ગીતોમાં પ્રસ્તુત ગીત સૌથી વધારે લોકચાહના મેળવેલ ગીત કહીએ તો તે અતિશયોક્તિ નહીં કહેવાય.
ભજ મન કમલનયન કમલેશ - સંત જનાબાઈ - સુધીર ફડકે – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા
હિંદી ફિલ્મ ગીતકોષ આ ફિલ્મમાં ૨૨ ગીતો છે એવી નોંધ લે છે, જે પૈકી માત્ર બે જ ગીતોના ગાયકની ઓળખ નોંધવામાં આવી છે. યુ ટ્યુબ પર દિલ્મનાં બે ભજન મોહમ્મદ રફીના નામે જોવા મળે છે. મોહમ્મદ રફીની ભજન ગાયકીની આગવી શૈલીના પગરવનો અણસાર અહીં સાંભળવા મળશે.
મેહમાન બન કે આયે થે અરમાન બન ગયે - શોહરત - અઝીઝ (હીન્દવી) – ગીતકાર: ગુલશન જ઼મા
આ ગીતનું એક બીજું યુગલ વર્ઝન પણ ફિલ્મમાં છે જેમાં રફીનો સાથ હમીદા બાનો કરે હે. અહીં મૂકેલી ક્લિપમાં બન્ને વર્ઝન સાંભળવા મળે છે.
૧૯૪૯નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતોનાં ખાતાં ૧૦ સંગીતકારોને ચોપડે ખૂલ્યાં. ૧૯૪૮ના વર્ષ માટે પણ આ સંખ્યા આટલી જ હતી. ફરક એ છે કે ૧૯૪૯માં રફીએ ૪૯ ફિલ્મોમાં ૨૧ સંગીતકારો માટે બધું મળીને ૧૨૧ ગીતો ગાયાં જ્યારે ૧૯૪૮માં એ આંકડા અનુક્રમે ૨૧, ૨૫ અને ૫૨ છે. તે ઉપરાંત જોઈએ તો ૧૯૪૪થી ૧૯૪૯ સુધીમાં મોહમ્મદ રફીએ ૧૧૩ ફિલ્મોમાં બધું મળીને ૨૪૮ ગીતો ગાયાં હતાં. આમ કહી શકાય કે ૧૯૫૦થી મોહમ્મદ રફી ઘોડાપૂર તરીકે જે રીતે હિંદી ફિલ્મનાં પુરુષ પાર્શ્વગાયનના ક્ષેત્રે છવાતા ગયા તે માટેના દરવાજા ૧૯૪૯માં પૂરેપૂરા ખુલી ગયા હતા.
આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……
No comments:
Post a Comment