Sunday, January 7, 2018

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૮ - બન્ને વર્ઝન યુગલ (કે કોરસ) ગીતો



'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તેજ રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા તો યુગલ વર્ઝન એટલા જૂદાં જૂદાં સ્વરૂપનાં કેટલાંક ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
આજના અંકમાં આપણે બન્ને વર્ઝન યુગલ ગીત કે કોરસ હોય તે પ્રકારનાં ગીતો સાંભળીશું.
દુનિયા રંગ રંગીલી બાબા રંગ રંગીલી - ધરતી માતા (૧૯૩૮) – સંગીતકાર: પંકજ મલિક – ગીતકાર: પંડિત સુદર્શન
એ સમયે મોટા ભાગના કલાકારોને જૂદી જૂદી રેકોર્ડ કંપનીઓ સાથે કરાર થયેલા રહેતા. એવા કરારોની શરતો અનુસાર, જે કંપની રેકોર્ડ દ્વારા ગીતનું વેંચાણ કરવાની હતી તેની સાથે પંકજ મલિકનો કરાર નહોતો. એટલે ગીતનું ફિલ્મ વર્ઝન કે સી ડે, ઉમા શશી અને કે એલ સાયગલના સ્વરમાં છે.
ગીતનું રેકોર્ડ પરનું વર્ઝન પંકજ મલિક, ઉમા શશી અને કે એલ સાયગલના સ્વરમાં  છે.

અબ યાદ ન કર ભૂલ જા અય દિલ વો ફસાના - અનોખા પ્યાર (૧૯૪૮) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: શમ્સ અઝીમાબાદી
'અનોખા પ્યાર'માં જે ગીતો ફિલ્મમાં મીના કપૂરના સ્વરમાં ફિલ્માવાયાં હતાં તે રેકોર્ડ્સ પર લતા મંગેશકરના સ્વરમાં અંકિત કરાયાં હતાં
પ્રસ્તુત ગીત આ પ્રકારનાં બે વર્ઝનમાં સાંભળવા મળે છે.
મૂકેશ અને મીના કપૂરના સ્વરમાં – 
મૂકેશ અને લતા મંગેશકરના સ્વરમાં
તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની...મૈં તેરા રાગ તૂ મેરી રાગની - દિલ્લગી (૧૯૪૯) – સંગીતકાર: નૌશાદ ગીતકાર: શકીલ બદાયુની
રેકોર્ડ ઉપર આપણને જે ખૂબ સાંભળવા મળ્યું છે તે વર્ઝન સુરૈયા અને શ્યામના સ્વરોમાં છે. પરદા ઉપર પોતાના સ્વરનાં ગીતનો અભિનય સુરૈયાએ કરેલ છે..
ગીતનું બીજું વર્ઝન ગીતા દત્ત અને શ્યામના સ્વરોમાં છે. શ્યામના સ્વરનો હિસ્સો કરૂણ ભાવમાં જણાય છે, જ્યારે ગીતા દત્તવાળો હિસ્સો નવયૌવના શ્યામા પર ફિલ્માવાયો છે, જે પરદા પર હસતાં રમતાં નાયકથી અલગ જગ્યાએ યુગલ ગીત સ્વરૂપે દિલના ભાવોને રજૂ કરે છે.

આડવાતઃ
નૌશાદે ગીતા દત્તનો બહુ જવલ્લેજ ઉપયોગ કર્યો હતો. ગીતા દત્ત પાસે નૌશાદે ફરી વાર છેક ૧૯૬૨માં 'સન ઓફ ઈન્ડિયા' માટે 'મુઝે હૂજૂર તુમ સે પ્યાર હૈ ' રેકોર્ડ કર્યું. આ ગીત પોર્ટુગલની વાયરલેસ ઇન્ટરનેટ કંપની ઝૅપ્પે તેમની જાહેરાત માટે વાપર્યું હતું.

હોલી આયી પ્યારી પ્યારી, ભર પીચકારી રંગ દે ચુનરીયા હમારી - પૂજા (૧૯૫૪) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર
હોળીના ઉત્સાહને ગીતની ધૂનમાં સંપૂર્ણપણે સમાવી લેતાં આ ગીતમાં લતા અને રફી જૂદા સ્તરના સ્કેલ પર જોડાય છે.
બીજાં વર્ઝનમાં રફીના ભાગે વધારે ગાયન આવ્યું છે. શબ્દોમાં પણ બન્ને ગીતના મૂડમાં ઘણો ફરક જોવા મળશે.

એક મેરી ગલી કા લડકા - મિલન (૧૯૫૮) – સંગીતકાર: હંસરાજ બહલ ગીતકાર: પ્રેમ ધવન
ગીતનું એક વર્ઝન મોહમ્મદ રફી અને શમશાદ બેગમ ભાંગરા નૃત્યની ધુનમાં પૂરેપૂરાં ખીલે છે.
બીજાં વર્ઝનમાં શમશાદ બેગમવાળો ભાગ નાની ડેઝી ઈરાની પર ફિલ્માવાયો છે. ગીત કોઈ અડ્ડામાં પોલીસને ભૂલાવે ચડાવવા ગવાતું હોય એવું જણાય છે. આ બન્નેમાંથી કયું વર્ઝન ફિલ્મમાં પહેલું જોવા મળતું હશે તે જાણમાં નથી.
ઈન હવાઓંમેં ઈન ફિઝાઓંમેં તુઝકો મેરા પ્યાર પુકારે - ગુમરાહ (૧૯૬૩) – સંગીતકાર: રવિ ગીતકાર: સાહિર લુધ્યાનવી
અહીં પણ મહેન્દ્ર કપૂર અને આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું યુગલ ગીતનું પહેલું વર્ઝન નાયક - નાયિકાના પરિણયનું ગાન છે..
મંદ લયમાં ગવાયેલાં યુગલ ગીતનાં બીજાં વર્ઝનમાં હવે અધૂરા રહેલ પ્રેમની પીડા વ્યક્ત થાય છે. ગીતનું ફિલ્માંકન અને તેને અનુરૂપ ગીતની રજૂઆત પહેલાં વર્ઝનથી સ્વાભાવિકપણે સાવ અલગ છે.
જો વાદા કિયા વો નિભાના પડેગા - તાજ મહલ (૧૯૬૩) – સંગીતકાર: રોશન ગીતકાર: સાહિર લુધ્યાનવી
રોશન અને સાહિર લુધ્યાનવીનાં સંયોજને ફરી એક વાર ખૂબ લોકપ્રિય અને ખૂબ જ કાવ્યમયસંગીતમય ગીતો રજૂ કર્યાં. મોહમ્મદ રફી અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ બન્ને વર્ઝન એ સમયે બિનાકા ગીતમાલા પહેલેથી ટોચ પર રહ્યાં હતાં.

સાવન કા મહિના પવન કરે સોર - મિલન (૧૯૬૭)- સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: આનંદ બક્ષી
મુકેશ અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલ આ યુગલ ગીતે પણ લોકપ્રિયતાના બહુ જ ઊંચાં શિખર સિધ્ધ કર્યાં હતાં.
પહેલાં વર્ઝનમાં લોક બોલીમાં ગાવાનું શીખવાડતાંશીખતાં પ્રેમનો પરોક્ષ સ્વીકાર રજૂ કરે છે.
જ્યારે બીજું વર્ઝન તો ફિલ્મની વાર્તાના વળાંકને અનોખી રીતે રજૂ કરવા માટે લતા મંગેશકરના સૉલો સ્વરમાં પ્રયોજાયું છે.

આ ફિલ્મનું મૂકેશ લતા મંગેશકરનું બીજું એક યુગલ ગીત - હમ તુમ યુગ યુગ સે ગીત મિલન કે ગાતે રહેં હૈ -  પણ ફિલ્મની વાર્તાના પ્રવાહને વળાંક આપવામાં બે વર્ઝન સ્વરૂપે ફિલ્માવાયું છે.
યાદોંકી બારાત નીકલી હૈ આજ દિલકે દ્વારે - યાદોંકી બારાત (૧૯૭૩) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ગીતનાં પણ બન્ને વર્ઝન ફિલ્મની વાર્તાનાં વાતાવરણની જમાવટ કરે છે.
પહેલું વર્ઝન ભૂતકાળનું છે જેમાં ફિલ્મનાં મુખ્ય પાત્રો બાલ્યવયમાં છે. આ વર્ઝનમાં લતા મંગેશકર સાથે પદ્મિની કોલ્હાપુરે અને શિવાંગી કોલ્હપુરેના સ્વરોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

આડવાતઃ
સૌથી નાના ભાઈની આળવયની ભૂમિકામાં નાનો, કુમળો આમીર ખાન જોવા મળે છે.

બીજું વર્ઝન ફિલ્મમાં પંદર વર્ષ પછીનું છે જે કિશોર કુમાર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં ફિલ્માવાયું છે.

અય મેરી આંખોં કે પહલે સપને - મન મંદિર (૧૯૭૧) – સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
બન્ને વર્ઝન મૂકેશ અને લતા મંગેશકરના યુગલ સ્વરોમાં છે.
પહેલું વર્ઝન આનંદની પળો ઉજાગર કરે છે.

જ્યારે બીજાં વર્ઝનમાં મા વગરનાં થઈ ગયેલાં બાળક પાસે દાડઃઈ વધારીને ગમમાં ડૂબેલો પિતા હાલરડામાં પોતાનું દુઃખ ગાઈ ઊઠે છે. આ દુનિયા કાયમ માટે છોડી ગયેલી નાયિકાની યાદ આવીને હાલરડાંમાં સૂર પૂરાવે છે.

આજના અંકમાં ગીતોને આપણે વર્ષના ક્રમમાં મૂક્યાં છે, પણ તેમ છતાં ગીતોના ભાવ, સજાવટ, ગાયકી કે રજૂઆત જે વૈવિધ્ય છે તે માણવામાં વિક્ષેપ નથી પડતો એ આ ગીતોની આગવી ખૂબી ગણી શકાય.

હવે પછી 'એક ગીતનાં અનેક સ્વરૂપ'માં આપણે ગીતના મુખડામાં સમાનતા હોય પણ ગીતો અલગ અલગ ફિલ્મોમાં હોય એ પ્રકારનાં ગીતો સાંભળીશું.

No comments: