Sunday, June 16, 2019

વ્યાપાર-ઉદ્યોગ જગતની ગતિવિધિઓ - બિઝનેસ સામયિકોમાં બારીક વ્યંગ્ય નજરે


વ્યાપાર ઉદ્યોગ જગત મૅનેજમૅન્ટ વિષય પરનાં સામયિક કે અખબારમાં કાર્ટુન્સ જેવા હળવા વિષયને સ્થાન ન હોય એમ માની શકાય.જો કે મેં ઘણાં સામયિકોમાં આ પ્રકારનાં કાર્ટુન્સ જોયં હોવાનું પણ યાદ આવે છે.બસ, આટલા વિચારને કારણે, આપણી 'વ્યંગ્ય ચિત્રોનાં વિશ્વમાં' શ્રેણીના સંદર્ભમાં 'મૅનેજમૅન્ટ' વિષય પર, આ પ્રકારનાં કાર્ટુન્સ નેટ પર મળશે કે કેમ તે શોધવાનું કરવાનું શરૂ કર્યું.
આજે એ શોધમાંથી મળેલ કેટલાંક પ્રતિનિધિ કાર્ટૂન્સ અહીં રજૂ કરેલ છે. આ શોધ કોઈ વિષયને ધ્યાનમાં નહોતી કરી તે કારણે મૅનેજમૅન્ટ સામયિક/ અખબાર કે અન્ય વેબસાઈટ પર દેખીતી રીતે બહુ જાણીતા કહી શકાય એવા 'મૅનેજમૅન્ટ'ને લગતા વિષય / પ્રવૃત્તિઓને લગતી જે કોઈ અસરકારક, માર્મિક રજૂઆત કરાઈ હોવાનું જોવા મળ્યું તેવાં કાર્ટુન્સ પસંદ કરવાનું ધોરણ મેં અપનાવ્યું છે.
++++
'કટીંગ એજ ટેક્નોલોજિ' શબ્દપ્રયોગ આજે બહુ ચલણી બની ચૂક્યો છે. પરંતુ ટેક્નોલોજિના ચળકાટમાં વારંવાર બદલાતી ટેક્નોલોજિને કારણે પેદા થતા તણાવ, બદલાતી ટેક્નોલોજિને પહોંચી વળવા માટેની ક્ષમતાને બનાવ્યે રાખવાની દોડ જેવી અનેક બાબતો ઢકાઈ જતી હોય છે. અહીં ઠેકેઠેકાણે પાટાપીંડી કરેલાં કર્મચારીઓ દ્વારા વ્યંગચિત્રકાર રેન્ડી ગ્લાસબર્ગન આ સંદેશો  ખૂબ સચોટપણે વ્યક્ત કરે છે.
કાર્ટુન સ્ત્રોતઃ  RapidBI.com

+ + + +
ભારતીય રીઝર્વ બેંક વ્યાજ દર ઘટાડે ત્યારે ખુજ ઝડપથી બચત ખાતાં અને ફિક્સ્ડ ડીપોઝીટો પરનાં વ્યાજ ઘટાડતી, પણ પોતે ધીરાણ કરતી લોન પર વ્યાજના દર ઘટાડવામાં ઠંડક બતાવતી ભારતમાંની બેંકોના તેમના નાના ગ્રાહકો પ્રત્યેના અભિગમને જાણે અહીં રજૂ કરાયો હોય એમ લાગે છે. ગ્રાહકોને તેમની થાપણની સલામતી બક્ષવી એ બેંકોની કાર્યપધ્ધતિની બહુ જ સ્વાભાવિક આવશ્યકતા ગણવામાં આવે છે. દેખીતી રીતે ભલે ગ્રાહકને રેડ કાર્પેટ અવકાર મળતો હોય, પણ આજે નાનો થાપણ્દાર ગ્રાહક બેંક પાસે પોતાની બચત મૂકવા જવા માટે કેટલો મજબૂર છે તે ભાવ પણ આ કાર્ટુનમાંથી બહુ સ્પષ્ટપણે ફલિત થતો જોવા મળે છે.
કાર્ટુનિસ્ટ: લોરેન ફિશમેન | કાર્ટુન સ્રોત: humoresquecartoons.com

+ + + +
૨૦૦૦ના દાયકાથી લગભગ પંદરેક વર્ષ સુધી 'હાવર્ડ બીઝનેસ રીવ્યૂ'માં સામ સાંમાં બે પાનાં પર 'સ્ટ્રેટીજિક હ્યુમર' વિભાગમાં કાર્ટુન્સ પ્રકાશિત થતાં. તેમાં એક કાર્ટુન એવું પણ રહેતું જેનું શ્રેષ્ઠ શીર્ષવાક્ય જણાવવાની એક સ્પર્ધા પણ રજૂ થતી.અહીં એ કોલમમાં પ્રકાશિત થયેલ ત્રણ અલગ અલગ કાર્ટુન્સ મૂક્યાં છે.
ધોળો હાથી જણાતાં મોટાં માથાંને રજા આપી દેવાની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે એ નિર્ણય જાણ કરવા માટે અવનવા પ્રયોગો અજમાવાતા આવ્યા છે. અહીં જેમને ખદેડી મૂકવાનો છે તેમને એક વ્યક્તિની  જગ્યાએ બે વ્યક્તિની ટીમ બનાવીને ટીમ સ્પિરિટની દુહાઈ ટાંકવાનો પ્રયોગ અજમાવાયો છે.
કાર્ટુનિસ્ટ: રોય ડેલગાડો

+ + + +
માનવીય નવોન્મેષનો ઉદ્દેશ્ય હંમેશાં માણસની સગવડ વધારવાનો રહ્યો છે. જે સમયે જે કક્ષાની ટેક્નોલોજિ હોય એ મુજબ નવા નવા પ્રયોગ થાય અને તેને નવાં નવાં નામ પણ મળતાં રહે છે એ પ્રકારનો સંદેશો અહીં અપાતો જણાય છે.
કાર્ટુનિસ્ટ: રોય એક્સ્ટાઈન

બીજાં એક કાર્ટુનમાં માર્કેટીંગ વ્યાવસાયિકોની 'વિશિષ્ટ બજાર' શોધવા શોધવામાં 'કૂછ ભી કરેગા'વાળી દોડ પર જનોઈવઢ ઘા કર્યો છે.
કાર્ટુનિસ્ટ: ક્રાઉડેન સાત્ઝ

“Admittedly, it’s a niche market.”

                                                                         + + + +

'વૉલ સ્ટ્રીટ જર્નલ' પર પચાસેક વર્ષથી વ્યંગ્ય ચિત્રો રજૂ કરતો એક વિભાગ Pepper and Salt [મીઠું મરચું (!)] પ્રકાશિત થાય છે. અહીં એ વિભાગમાં પ્રકાશિત બે કાર્ટુન લીધાં છે.
પોતાની કચાશને સ્વીકારીને સુધારવાને બદલે તેના માટે બીજાંના ગળામાં ગાળિયો નાખી પોતાને બત્રીસ લક્ષણા સાબિત કરવાની માણસ જાતની (આડ)આવડત ઘણી મોટી સંસ્થાઓમાં તો બીજાં લોકોમાં ઇર્ષા પેદા કરાવી શકવાની એ કક્ષાની એક કળાનાં રૂપમાં ખીલી ઊઠેલી જોવા મળતી હોય છે. આ કાર્ટુન પણ રોય ડેલગાડોનું છે.

બીજાં એક કાર્ટુનમાં સફળ થતાં થતાં બહુ જ મોટી કક્ષા સુધી પહોંચી ગયેલ કોર્પોરેશનનાં વરિષ્ઠ સંચાલકનો - મોટે ભાગે સાવ અકારણ અથવા તો મૂળ કારણોનાં અજ્ઞાનને  કારણે પરિણમેલ - અહમ કાર્ટુનનાં શીર્ષવાક્યમાં રણકાય છે. ટેબલની બાજુમાં પડેલ ટેલીફોનના વાયરનું બહુ જ સંકુલ ગુંચળું આ સંસ્થાઓમાં પાર વગરની કાર્યપધ્ધતિઓ, નિયમો, અંદર અંદરના રાજકારણ, આંતરિક અને બાહ્ય પરિબળોની અસરો જેવાં (કરોળિયાઓનાં) અનેક .જાળાંઓની માયાજાળને પણ બહુ માર્મિકતાથી સૂચવી દે છે. કાર્ટુનના રચયિતા નથી ઓળખી શકાયા.

+ + + +
રોય ડેલગાડો, તેમના એક સાથીદાર પીટર પ્લમ સાથે,  Plum Loco - Roy Delgado શીર્ષક હેઠળ એક અલગ બ્લૉગ સાઈટ પણ ચલાવે છે. એ સાઈટ પર પણ રોય ડેલગાડોનું એક બહુ મર્માળું કાર્ટુન છે.
એ કાર્ટુનના સંદર્ભ વિષે વ્યંગ્યકાર કહે છે કે જે જગ્યાનું વાતાવરણ જરા પણ સહન ન થઈ શકે ત્યાં લોકો કેમ કરીને કામના ૮ કલાક કાઢતાં હશે, એવો સવાલ મારા મનમાં હંમેશાં ઘુમરાયા કરતો. આ સવાલના જવાબમાં તેમને આવી પરિસ્થિતિ જોવા મળી:
કહેવાય છે કે સરકારી દફ્તરોમાં પણ કર્મચારીઓ ચાપાણી પીવા માટે સમય આપવાની બાબતે, અને તે કામને અત્યંત નિષ્ઠાથી કરવાની બાબતે, જરા પણ દિલચોરી નથી કરતાં. એ માટે પણ કારણ કંઇક આવું જ હશે ?!?!...
+ + + +
ડેન'સ કાર્ટુનના સરજક ડેન વ્યાવસાયિક કાર્ટુનિસ્ટ છે.તેમની વેબ સાઈટ, danscartoons.com પર બહુ બધા વિષયો પરનાં   કાર્ટુન્સ જોવા મળી શકે છે. મને તેમનું આ કાર્ટુન ગમી ગયું.

કહે છે કે સંસ્થામાં જેમ જેમ તમારૂં સ્થાન ઊંચે જતું જાય તેમ તેમ તમે વધારે ને વધારે એકલાં પડો છો. આવા જ એક વરિષ્ઠ સંચાલકને સમજાય છે કે જેમ તે પણ એકના એક હોવાથી એકલતા અનુભવે છે તેમ ખર્ચા ઘટાડવા માટે નીચેની પાયરીમાંના લોકોની છ્ટણી કરતાં જઈએ તો એ કક્ષાએ પણ કોને કોઇ સ્તરે તો લોકો એકલાં જ પડશે ! અહીં વાતમાં કટાક્ષ એ છે કે દરેક પ્રશ્ન, અને મોટા ભાગે તેનું સમાધાન પણ, બધાંને પોતાની નજરે જ દેખાય છે, જે તો સિક્કાની એક જ બાજૂ થઈ. સિક્કાની બન્ને બાજૂએ ચિત્ર જૂદું જ હોય, એટલે સિક્કાની બીજી બાજૂ જોયા સિવાય પોતાને સગવડભરી બાજૂ જોઈ લેવા વાળાઓ પર અહીં જોરકા ધક્કા હળવેથી મારેલ છે.
+ + + +
નાના ઉદ્યોગકાર કે વેપારીએ સબ બંદરકે વ્યોપારીની ભૂમિકા ભજવવાની આવે. આવાં એક ઉદ્યોગકારને એક કન્સલ્ટન્ટ મળી ગયા હશે જેમણે એવી કૉમેન્ટ કરી હશે કે તમે તો બહુ બધા પ્રકારની ટોપીઓ પહેરો છો (અર્થાત ઘણી વધારે ભૂમિકાઓ તમે એકલાં જ ભજવો છો. જો સફળ થવું હોય તો થોડીક ટોપીઓ ઓછી કરો અને બીજાંઓને કામ સોંપો.) પરંતુ નાના ઉદ્યોગકારનો દૃષ્ટિકોણ પણ અલગ અને તેની સમસ્યાઓના ઉપાય પણ અલગ જ હોય. એટલે આ બહેને ટોપીઓ ઓછી કરીને પેન્ટ અને શર્ટની બાંય પર બીજાં કાર્યક્ષેત્રો ચડાવી દીધાં ! દુનિયાને ચત્તી જોવી હોય તો ચશ્માં ઊંધાં પહેરવા પડે !!
વ્યંગ્ય્કાર: માર્ક એન્ડર્સન | કાર્ટુન સ્રોત: Small Buiness Trends - Humor

+ + + +
શેપ હાયકેન શેફર્ડ પ્રેઝન્ટેશન્સ્ના ચીફ અમ્યુઝમેન્ટ ઑફિસર (!) છે. પણ તેઓ એ ભૂમિકાંમાં બહુ ગંભીર બાબત હળવી રીતે રજૂ કરીને વાત સમજાવવાના પ્રયોગો અમલ કરે છે. અહીં તેમનું આવું એક યંગ્ય ચિત્ર પસંદ કર્યું છે.
જિંદગીમાં બધું કામ શીખી લીધા પછી નથી કરાતું, મોટા ભાગનાં કામ તો કરતાં કરતાં જ શીખવાનું બનતું હોય છે. આ વાત વ્યાવાસાયિક જીવનને પણ એટલી જ લાગુ પડે છે. વ્યંગ્ય ચિત્રમાં બન્ને પક્ષકારોના મોઢેથી બોલાયેલ સંવાદો મોટા ભાગનાં લોકોના જીવન પ્રત્યેના આ વિષય પરત્વેના અભિગમનાં પ્રતિક સમા છે.

+ + + +
આજના લેખને આટલેથી વિરામ આપીશું. વિષયની અને કાર્ટુન્સની પસંદગી વિષે આપ સૌના પ્રતિભાવો આવકાર્ય છે.

No comments: