Thursday, June 17, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - પ્રવેશક

 દરેક વર્ષનાં શ્રેષ્ઠ ગીતોને યાદ કરવાની સફર પાછળ હટતાં હટતાં, ૧૯૫૫નાં વર્ષથી શરૂ થયેલ સફર૧૯૫૩, ૧૯૫૧ ૧૯૫૦, ૧૯૪૯, ૧૯૪૮, ૧૯૪૭,  અને ૧૯૪૬ જેવાં વર્ષોના પડાવો પરથી પસાર  થઈને છેલ્લે અંતિમ ગંતવ્ય ધારેલ વર્ષ ૧૯૪૫ પર પહોંચી ગઈ હતી. દરેક સફરમાં જેમ થતું હોય છે કે મંઝિલ પર પહોંચતાંની સાથે જ આગળની સફરની દિશા ખુલતી હિય છે તેમા આ સફર પણ હવે Best songs of 1944: And the winners are? નાં માધ્યમથી ૧૯૪૪નાં વર્ષથી પાછળનાં વર્ષો તરફ આગળ વધે છે.

૧૯૪૪ નાં જાણ્યાંઅજાણ્યાં ગીતોને આપણી ચર્ચાને એરણે લેતાં પહેલાં આપણે સોંગ્સ ઑફ યૉરના પ્રવેશક લેખની ધ્યાનાકર્ષક વિગતો સાથે જાણકારી મેળવી લઈએ. :

૧૯૪૪ નાં વર્ષનાં સંગીતનાં સીમાચિહ્નો (Musical landmarks)

રતન નૌશાદના તાજનું રતન જ છે.

કે એલ સાયગલનો જાદુ ભંવરા (સંગીત: ખેમચંદ પ્રકાશ) અને માય સિસ્ટર (સંગીતકાર: પંકજ મલ્લિક) માં સાંભળવા મળે છે.

નૂર જહાંએ લાલ હવેલી (સંગીતકાર:  મીર સાહબ) અને દોસ્ત (સંગીતકાર: સજ્જાદ હુસ્સૈન)નાં ગીતોથી ધૂમ મચાવી દીધેલ..

આ ઉપરાંતનાં પોતાનો જાદૂ બરકરાર રાખી રહેલાં અન્ય ગીતો (Other important musical compositions) પણ છે, જેમ કે  -

આ ઉપરાંત ૧૯૪૪નાં વર્ષમાં મન કી જીત (સંગીતકાર: એસ કે પાલ), પહલે આપ (સંગીતકાર: નૌશાદ), ચાંદ (સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ) અને જ્વાર ભાટા (સંગીતકાર: અનિલ બિશ્વાસ)નાં ગીતો પણ બહુ જ લોકપ્રિય રહ્યાં હતાં

પદાર્પણ, કેટલીક ઘટનાઓ અને નાની બાબતો (Debut, Fact file and Trivia)

મૂકેશ ઉસ પાર

દિલીપ કુમાર - જ્વાર ભાટા

શ્યામ અને સિતારા કાનપુરી - મનકી જીત

સુશીલા રાની પટેલ - દ્રૌપદી

હુસનલાલ ભગતરામ - ચાંદ

પ્રખ્યાત તબલાવાદક અલ્લા રખાએ  'ઘરકી શોભા'માં સંગીત પણ આપ્યું અને કેટલાંક ગીતો પણ ગાયાં. આપણને એ તો સુવિદીત જ છે કે તેમણે ઘણી ફિલ્મોમાં એ આર ક઼ુરેશીનાં નામથી પણ સંગીત આપ્યું હતું. પછીનાં વર્ષોમાં એક અમહત્ત્વન સંગીતકાર તરીકે ઉભરનાર સ્નેહલ ભાટકર આ વર્ષે અનિલ બિશ્વાસનાં સંગીતમાં ફિલ્મ 'લેડી ડૉક્ટર'માં ગીત ગાય છે. અનિલ બિશ્વાસે પણ 'જ્વાર ભાટા'માં તેમણે જ સંગીતબધ્ધ કરેલ હોળી ગીત ગાયું (નોંધ: અનિલ બિશ્વાસે હિંદી ફિલ્મોમાં ગાયેલાં ગીતો આપણે અનિલ બિશ્વાસ - આલા સંગીતકાર તો ખરા જ, અચ્છા ગાયક પણ ખરા માં સાંભળી ચુક્યાં છીએ.) પુરુષ ગાયકોની કદાચ  અછત રહી હશે એટલે ઘણા વસંત દેસાઈ, બુલો સી રાની, અન્ય સંગીતકારો હેઠળ સી રામચંદ્ર જેવા સંગીતકારોએ પણ આ વર્ષમાં ગીત ગાયાં છે. એટલું જ નહીં ગીતકાર ભરત વ્યાસ પણ આ યાદીમાં જોડાય છે.

'ચલ ચલ રે નૌજવાન', બોમ્બે ટૉકીઝમાંથી તાજા જ છૂટા પડેલા અશોક કુમાર અને એસ મુખર્જીએ નવાં જ શરૂ થએલ નિર્માણગૃહ 'ફિલ્મીસ્તાન'ની પહેલી જ ફિલ્મ હતી.

'પન્ના'માં શમશાદ બેગમે ગાયેલાં ગીતો રેકર્ડ્સ પર રાજકુમારીના સ્વરમાં રજૂ થયાં કેમકે શમશાદ બેગમ ક્ષેનોફોન રેકર્ડ્સ જોડે કરારબધ્ધ હતાં.

ભર્તૃહરી જહાંઆરા કજ્જનની ભારતમાં બનેલી છેલ્લી ફિલ્મ બની રહી કેમકે તે પછી તે પાકિસ્તાન જતાં રહ્યાં.

ભૂલ જાના ચાહતી હું ભૂલ પાતી હી નહીં (જ્વાર ભાટા) પારૂલ ઘોષનું સૉલો અને પારૂલ ઘોષ અને સી રામચંદ્રનું યુગલ ગીત એમ બે વર્ઝનમાં હતું.

પ્રદીપજી, તેમના બોમ્બે ટૉકીઝના કરારને કારણે લક્ષ્મી પ્રોડક્શ્ન્સ દ્વારા નિર્મીત 'કાદંબરી'માં તેમની પુત્રી કુમારી કમલનાં નામે ગીતો લખ્યાં.

બેબી મીના (મીન કુમારી)એ નૂરજહાંનાં બાળપણની ભૂમિકા 'લાલ હવેલી'માં ભજવી.

૧૯૪૪માં નૌશાદ અને ૧૯૪૩માં (કિસ્મત, હમારી બાત) અને તે પહેલાંની ફિલ્મો 'રોટી', 'બસંત', 'બહેન', 'ઔરત', 'અલીબબા', 'હમ તુમ ઔર વો', 'ગ્રામોફોન સિંગર' અને 'જાગીરદાર'માં અનિલ બિશ્વાસની સરખામણી કરતાં એવાં એંધાણ મળે છે કે  ફિલ્મ સંગીતની છડી હવેનવી પેઢીના હાથમાં જઈ રહી છે.

એકંદરે, ૧૯૪૪નું વર્ષ હિંદી ફિલ્મ સંગીત માટે ઘણું મહત્ત્વનું બની રહેલ  જણાય છે.

યાદગાર ગીતોની યાદી (List Of Memorable Songs)

૧૯૪૪ માં ૮૫ ફિલ્મો બની, જેનાં ૭૫૯ ગીતો એવાં છે કે જેનાં શીર્ષકોની નોંધ ઓળખી શકાઈ છે. જોકે આ પૈકી ૩૫૪ ગીતોનાં ગાયકો વિધિસર નથી ઓળખી શકાયાં. આમ, બાકી રહેલ ૪૧૫ ગીતોમાંથી ૬૫ ગીતો પુરુષ સૉલો છે, ૨૪૦ સ્ત્રી સૉલો અને ૧૧૦ ગીતો યુગલ ગીતો છે.

આ ૪૧૫ ગીતોમાં જાણીતાં કહી શકાય એવાં ૮૦ ગીત Memorable Songs of 1944 માં નોંધવામાં આવ્યાં છે. આ ગીતોને યુટ્યુબ લિંક સાથે આ ગીતો સંભળી શકાય તે રીતે List Of Memorable Songs માં નોંધેલ છે.

૧૯૪૪ નાં ખાસ ગીતો

૧૯૪૪નાં ખાસ ગીતોની એક નોંધપાત્ર ખાસીયત એ છે કે તેમાં મોહમ્મદ રફી અને શ્યામ કુમારનું યુગલ ગીત અને જોહરાબઈ અંબાલેવાલીના એ સમયમાટે બહુ જ અશક્ય કહી શકાય શબ્દોવાળાં ગીતની સાથે આ વર્ષે સંગીતકારો અને ગીતકારે ગીતો પણ સમાવાઈ લેવાયાં છે.આપણે આ ગીતોને Memorable Songs of 1944ની અલગ તારવેલ યાદી સાથે જ લઈ લીધાં છે.

હિંદી ફિલ્મ ગીત કોષના દસ્તાવેજીકરણ અનુસાર જે ગીતોનાં ગાયકો નથી નક્કી થઈ શક્યા એવાં કોઈ ગીતો યુટ્યુબ પર સાંભળવા મળશે કે કેમ તે પણ એક રસપ્રદ ઉત્કંઠાનો વિષય છે, જો આ પ્રકારનાં ગીતો મળશે તો ચર્ચાની એરણે તેમની અલગથી નોંધ લઈશું.

૧૯૪૪ નાં ગીતોની ચર્ચાની એરણે મળેલી વિગતો 

મને સૌથી વધારે ગમેલાં પુરુષ સૉલો ગીતો

મને સૌથી વધારે ગમેલાં સ્રી સૉલો ગીતો

મને સૌથી વધારે ગમેલાં યુગલ ગીત, અને

મને સૌથી વધારે ગમેલ સંગીતકાર

                 ના આયામોના પરિપ્રેક્ષ્યનાં તારણોમાં રજૂ કરીશું..

તો આવો, સાથે મળીને ૧૯૪૪ નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર પર નીકળી પડીએ......

No comments: