Saturday, July 26, 2014

અનિલ બિશ્વાસ - આલા સંગીતકાર તો ખરા જ, અચ્છા ગાયક પણ ખરા




જન્મ :        ૭ જુલાઇ ૧૯૧૪

અવસાન : ૩૧ મે, ૨૦૦૩



જુલાઇ ૨૦૧૪ હિંદી ફિલ્મ સંગીતના ભિષ્મ પિતામહ તરીકે જાણીતા એવા અનિલ બિશ્વાસના જન્મની શતાબ્દીનો મહિનો છે. તેથી આજે આપણે અનિલ બિશ્વાસ વિષે એક ખાસ શ્રેણીનો આજે પ્રારંભ કરીને તેમને અંજલિ આપીશું.
હિંદી ફિલ્મના જ્ઞાન-માહિતી કોષ સમાન 'હિંદી ફિલ્મ ગીત કોષ' અનુસાર અનિલ બિશ્વાસે ૮૬ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, જ્યારે અનિલ બિશ્વાસ વિષેની અધિકૃત માહિતિ ધરાવતી વેબસાઇટ અનુસાર તેમણે ૯૩ ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. આંકડાઓના આ તફાવતનું મુખ્ય કારણ એ છે કે એવી કેટલીક ફિલ્મો છે જેમાં તે સમયની દંતકથાઓ મુજબ કેટલાંક ગીતોનું સંગીત અનિલ બિશ્વાસનું છે, પણ એક યા બીજા કારણોસર એ ફિલ્મની ઑફિશિયલ ક્રેડિટ કોઈ અન્ય સંગીતકારના નામે છે.
જો કે આજે આપણે અનિલ બિશ્વાસનાં પ્રમાણમાં ઓછાં જાણીતાં ગણાતાં પ્રદાનની વાત કરવાના છીએ.
એ સમયના ઘણા સંગીતકારો પોતાની આગવી રીતે આલા દરજ્જાના ગાયકોના પણ હતા. પંકજ મલ્લિક, સચીન દેવ બર્મન, હેમંત કુમાર જેવા બંગાળી સંગીતકાર-ગાયકો કે સી. રામચંદ્ર (ગાયક તરીકે ચીતલકર તરીકે જાણીતા) જેવા મરાઠી કે આપણા દિલીપ ધોળકિયા જેવાં નામોની હરોળમાં અનિલ બિશ્વાસ પણ મહત્ત્વનું સ્થાન ધારવે છે. જો કે ઘણાં લોકોને અનિલ બિશ્વાસની આ બાજુનો એટલો પરિચય નથી, જેટલો અન્ય સંગીતકાર-ગાયકોનો હશે. સંગીતકાર રવિ કે ગીતકાર આનંદ બક્ષીએ પણ ગાયકી પર હાથ અજમાવ્યો હતો.પછીની પેઢીમાં રાહુલ દેવ બર્મન, રવિન્દ્ર જૈન કે બપ્પી લાહીરીનાં નામ પણ સંગીતકાર-ગાયક તરીકે તવારીખમાં જરૂરનોંધાશે.
આ બધા ગાયકોએ સામાન્ય પણે પોતે જ રચેલાં ગીતો જ ગાયાં હતાં. સચીન દેવ બર્મને બંગાળીમાં અન્ય સંગીતકારનાં ગીતો ગાયાં હતાં, જો કે હિંદી ફિલ્મોમાં 'અમર પ્રેમ'માં રાહુલ દેવ બર્મન માટે ગાયેલું ગીત અપવાદ હતું. આ બાબતે સહુથી વધારે સર્વતોમુખી તો હેમંત કુમાર જ રહ્યા, જેમણે એમના સમયના લગભગ બધા જ પ્રથમ હરોળના સંગીતકારો માટે ફિલ્મોમાં ગીતો ગાયાં અને એ ગીતો બહુ લોકપ્રિય પણ રહ્યાં. એક સમયે તો તેઓ દેવ આનંદના અવાજનું સ્થાન પણ સિધ્ધ કરી ચૂક્યા હતા.
અનિલ બિશ્વાસ તો સંગીતપ્રેમી કુટુંબમાં જન્મ્યા હતા, એટલે સંગીત તેમના સંસ્કારોમાં વણાયેલું હતું એમ પણ કહી શકાય. તેમનાં બેન પારૂલ ઘોષ (જેઓ પ્રખ્યાત બાંસુરીવાદક પન્નાલાલ ઘોષ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં) પણ એમના સમયનાં એક બહુ જ નામી ગાયિકા હતાં. [નોંધ : અનિલ બિશ્વાસ અને પારૂલ ઘોષનાં સહકાર્યની વાત આપણે અનિલ બિશ્વાસ પરના હવે પછીના લેખમાં, ૪ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ, કરીશું.] અનિલ બિશ્વાસને નાનપણથી જ સંગીતની તાલીમ મળી હતી. સ્વાતંત્ર્ય ચળવળના રંગે  રંગાયેલા અનિલ બિશ્વાસે પુસ્તકોનાં ભણતર સાથેનો નાતો છોડીને રંગમચ સાથે સંબંધ બાંધ્યો. બહુ થોડા સમયમાં તેમણે ભજન, કીર્તન અને શ્યામ સંગીતના સંગીતકાર અને ગાયક તરીકે પોતાનું સ્થાન જમાવી લીધું.
અનિલ બિશ્વાસને પોતાનો અવાજ જરૂરથી પસંદ હતો. તેમણે ફિલ્મોમાં પોતાનાં જ સંગીત નિર્દેશનમાં ગાયેલાં ૪૭ ગીતો પૈકી ઘણાં ગીતો થયાં તે કરતાં પણ વધુ લોકપ્રિય થવાં જોઈતાં હતાં.તેમની જન્મ શતાબ્દી નિમિત્તે આપણે તેમણે પોતાના સંગીતમાં ગાયેલાં કેટલાંક ગીતો અહીં સાંભળીશું.
૧. ભાઇ હમ પરદેશી લોગ હમેં કૌન જાને - એક હી રાસ્તા (૧૯૩૯) - ગીતકારઃ પંડિત ઇન્દ્ર
કવિશ્રી પ્રદીપજીની ગાયકીનાં પગરણ આ ગીતમાં સાંભળી શકાશે. ઇન્ટરનેટ પર અપલૉડ થયું હોય એવું, અનિલ બિશ્વાસનાં આરંભ કાળનું, આ કદાચ પહેલું ગીત છે.
૨. જમુના તટ શ્યામ ખેલ હોલી - ઔરત (૧૯૪૦) – ગીતકાર : સફદર 'આહ'
મહેબુબ ખાનનાં 'મધર ઈન્ડિયા'ની ઔરત 'ઑરિજિનલ આવૃત્તિ' છે. ફિલ્મની ટેકનીકમાં વચ્ચેનાં વર્ષોમાં પણ પડેલા ફરકની અસર તો બંને ફિલ્મોમાં જોવા મળે તે સમજી શકાય તેમ છે, પણ સંગીતની બાબતે એક મૂકો અને બીજાંને ઉપાડો એવો તાલ થાય તેવું બંને ફિલ્મોનું સંગીત છે.
બંને ફિલ્મોમાં 'હોળી' ગીત છે, અને ફિલ્મોમાં 'હોળી' ગીતના પ્રકારમાં પહેલી હરોળમાં સ્થાન મેળવે તે કક્ષાનાં આ બંને ફિલ્મોનાં ગીતો છે.
૩. કાહે કરત દેર બારાતી - ઔરત (૧૯૪૦) - ગીતકાર સફદર 'આહ'
અનિલ બિશ્વાસનાં બહુ જ જાણીતાં થયેલાં ગીતો પૈકી આ એક ગીત છે.
૪. મેરે અંગનામેં લગા અંબુઆકા પેડ - ઔરત (૧૯૪૦) - ગીતકાર : ડૉ.સફદર 'આહ'
અનિલ બિશ્વાસની ફિલ્માવલિમાં તેમણે આ જ ભાવનું કોકિલા (૧૯૩૭)માં 'મોરે ઘર પે લગા જામૂનિયાકા પેડ રે' જોવા મળે છે, પણ ઇન્ટરનેટ પર તેને હજુસુધી મુકાયું ન હોય તેવું જણાય છે. આ ગીતોથી અનિલ બિશ્વાસની લોકધૂનો પરનાં ગીત પરની હથોટી પણ બહુ જ સુપેરે જોઈ શકાય છે.
૫. કિયે જા સબકા ભલા - બહેન (૧૯૪૧) - ગીતકાર : ડૉ.સફદર 'આહ'
બહુ જ કર્ણપ્રિય એવા આ ગીતમાં મુકેશની ગાયકીની ઝલક જોવા મળશે. મુકેશની કારકિર્દીની શરૂઆતમાં તેમણે અનિલ બિશ્વાસની નિશ્રામાં કામ કરતાંકરતાં આ શૈલી વડે પોતાના અવાજની નૈસર્ગિક ખૂબી સાથે સાંકળી લઈને ફિલ્મ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું.
૬. ગોરી કાહે ખડી અટરિયામેં (માયા બેનર્જી સાથે ) - અપના પરાયા (૧૯૪૨) - ગીતકાર : પંડિત ઇન્દ્ર
ગીતના શબ્દો અને ફિલ્મમાં સિચ્યુએશનની માંગ અનુસાર ગાયકીમાં મસ્તી-તોફાન જેવા ભાવ પણ અનિલ બિશ્વાસ પોતાની ગાયકીમાં પૂરી શકે છે.
૭. તારા રા..રા. રા રા  ગાઓ કબીર, ઉડાઓ અબીર -જ્વાર ભાટા (૧૯૪૪) - પંડિત નરેન્દ્ર શર્મા
ઉત્તર ભારતમાં હોળી જેવા ઘોંઘાટિયા ઉત્સવો સમયે ખાણીપીણીના શોખીન પુરુષવર્ગ વડે ગવાતાં , કંઈક અંશે અશ્લિલ ઇશારાઓ ઇંગિત કરતાં લોકગીતોને 'કબીર' શૈલીનાં ગીતો તરીકે ઓળખવામાં આવે છે.અનિલ બિશ્વાસે તેમના અવાજમાં લોકગીતની આ ખૂબીને બહુ સ-રસ અંદાજમાં રજૂ કરી છે.
૮. બાદલ દલ સા નિકલ ચલા યે દલ મતવાલા રે - હમારી બાત (૧૯૪૩) - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
કિશોરાવસ્થામાં અનિલ બિશ્વાસે આઝાદીની ચળવળને પોતાના સ્વાનુભવે, સક્રિયપણે, બહુ જ નજદીકથી જોઈ છે, એટલે આ ગીતમાં તેની અસર દેખાય તેમાં તો કોઈ નવાઈ ન જ કહેવાય !
૯. સારે જગમેં પેટકા ધંધા - ભૂખ (૧૯૪૭)- ગીતકાર : ડૉ. સફદર 'આહ'
ભટકતા સાધુઓની પણ દરેક પ્રદેશમાં પોતપોતાની ગાયન શૈલી રહી છે. એ શૈલીને હળવું સ્વરૂપ આપીને અનિલ બિશ્વાસ પોતાના અવાજની ખૂબીનો એક નવો જ અંદાજ અહીં રજૂ કરે છે.
૧૦. હમેં માર ચલા યે ખયાલ-એ-ગમ,  ઈધર કે રહે ન ઉધર કે રહે -  આરઝૂ (૧૯૫૦) - ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
ગઝલને રજૂ કરવામાં પણ અનિલ બિશ્વાસ નવા પ્રયોગ કરતા જ રહે છે. આ ફિલ્મમાં આ સાથે તલત મહમૂદનાં 'અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ' જેવાં ગીતોની સાથે આ ગીત પણ પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી જ રહે છે.
૧૧. પાસ બાલમ ચોરી ચોરી આ (લતા મંગેશકર સાથે) - લાજવાબ (૧૯૫૦) - ગીતકાર : શેખર
અનિલ બિશ્વાસે લતા મંગેશકર પાસે બહુ જ પ્રયોગાત્મક ગીતો ગવડાવ્યાં છે. અહીં તેઓ ખુદ સમૂહસ્વરોમાં મુખ્ય ધ્વનિ સ્વરૂપે ગીતના અંતરા અને મુખડામાં પોતાની હાજરી નોંધાવે છે. મુખડાની બહુ જ અનોખી રજૂઆતને કારણે રેડિયો સિલોન પરના 'અનોખે બોલ' કાર્યક્રમમાં આ ગીત બહુ જ લોકપ્રિય થયું હતું.
૧૨. પૈસા નહીં હોત જો યે પૈસા નહીં હોતા (મન્ના ડે સાથે)- સૌતેલા ભાઇ - ગીતકાર : શૈલેન્દ્ર
મન્ના ડે માટે ગાયક તરીકે અનિલ બિશ્વાસને ખાસ લગાવ હતો. પુરુષ અવાજમાં જ ગવાયેલાં યુગલ ગીતો પણ ફિલ્મી સંગીતમાં એક ખાસ કેડી પાડતાં રહ્યાં છે. અહીં મન્ના ડેના સૂરની મસ્તીની એકએક નોટ્સ સાથે અનિલ બિશ્વાસ પણ ગાયક સાથે સમોવડિયો સંગાથ કરે છે. સંગીતકાર તરીકે કવ્વાલી, કીર્તન અને લોકગીત જેવા સાવ જ અલગઅલગ ગાયન પ્રકારનું અનોખું સંમિશ્રણ પણ અનિલ બિશ્વાસે કરી બતાવ્યું છે.


સાભાર :  Remembering Anil Biswas, The Singer

No comments: