Sunday, July 11, 2021

વિસરાતી યાદો…સદા યાદ રહેતાં ગીતો : જુલાઈ, ૨૦૨૧

 સંગીતકાર સાથેનું મોહમ્મદ રફીનું સૌપ્રથમ યુગલ ગીત  : ૧૯૪૪-૧૯૪૮ []

મોહમ્મદ રફીના જન્મદિવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુ તિથિ [૩૧ જુલાઇ, ૧૯૮૦]ની યાદમાં આપણે મોહમ્મદ રફીનાં સંગીતકાર સાથેનાં પહેલવહેલાં સૉલો ગીતોને યાદ કરતી શ્રેણી ડીસેમ્બર ૨૦૧૬ થી ૨૦૨૦ સુધી કરી ચુક્યાં છીએ. મોહમ્મદ રફીએ ગાયેલાં ગીતોમાં તેમનાં યુગલ ગીતોનું સ્થાન અદકેરું જ રહ્યું છે. તેથી સંગીતકાર સાથેનાં પહેલવહેલાં યુગલ ગીતની શ્રેણીનું અનુસરણ સ્વાભાવિક ક્રમ જ બની રહે.


આ  માટે આપણે આ વિષયને અનુરૂપ ગીતોને આપણે
, મોહમ્મદ રફીની કારકીર્દીની શરૂઆતનાં વર્ષ ૧૯૪૪થી શરૂ કરીને પાંચ પાંચ વર્ષના સમયખંડમાં વહેંચી નાખ્યા છે. એ સમયખંડનાં પહેલાં જ વર્ષમાં બારાખડીના ક્રમાનુસાર જે ફિલ્મ ક્રમમાં પ્રથમ આવે તે ફિલ્મનું યુગલ ગીત આપણે સાંભળવાનો ઉપક્રમ અહીં પ્રયોજેલ છે. જો એ ફિલ્મમાં એકથી વધારે યુગલ ગીત હોય તો ઓછાં જાણીતાં ગીતને અગ્રતાક્રમ આપી બાકીનાં ગીતોની આપણે નોંધ લઈશું. આ શ્રેણી આપણે વર્ષ ૧૯૬૯ સુધી જ મર્યાદિત કરીશું.

આપણો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રી-પુરુષ યુગલ ગીતોને યાદ કરવાનો છે. તે સાથે મોહમ્મદ રફીનું એ સંગીતકાર સાથેનું પુરુષ-પુરુષ યુગલ ગીત જે વર્ષમાં પહેલી વાર જોવા મળશે તે વર્ષમાં જ તેને યાદ કરીશું.

મોહમ્મદ રફીની સાડા ત્રણ દાયકાની સક્રિય કારકિર્દી દરમ્યાન  દરેક વર્ષે એક, અથવા વધુ, સંગીતકાર સાથે સર્વપ્રથમ સહયોગ કરવાનું તેમને બનતું જ રહ્યું. પરંતુ, જુદા જુદા સંગીતકારોની મોહમ્મદ રફીની ગાયકી પરની અસર કે એકબીજાની કારકિર્દી પરની અસરનું મૂલ્યાંકન કરવાની મારી ક્ષમતા જ નથી, તેથી એવો કોઈ જ પ્રયાસ અહીં કરેલ નથી. આપણે તો મોહમ્મદ રફીનાં ગીતોની યાદને એક જ જગ્યાએથી તાજી કરી રહ્યાં છીએ.

પ્રથમ સમયખંડ : ૧૯૪૪ – ૧૯૪૮

મોહમ્મદ રફીની પ્રતિભાની સર્વ  પ્રથમ નોંધ ૧૯૩૭ના એક જાહેર કાર્યક્રમમાં લેવાઈ જેમાં તેમણે કે એલ સાયગલની હાજરીમાં જ કે એલ સાયગલનાં ગીતો ગાયાં, જેને પરિણામે સંગીતકાર શ્યામ સુંદર સાથેની પહેલવહેલી મુલાકાત થઈ એ બધી ઘટનાઓ તો હવે લગભગ દંતકથાઓ જેટલી વાર કહેવાઈ ચૂકી હશે. તેની ફળશ્રુતિ એ રહી કે પોતાની પંજાબી ફિલ્મ ગુલ બલોચ (૧૯૪૪માં પ્રદર્શીત થયેલ) માટે મોહમ્મદ રફીના સ્વરમાં ગીતો રેકોર્ડ કર્યાં. હવે બધાંને જ સુવિદિત છે તેમ એ ગીત જીનત બેગમ સાથેનું એક યુગલ ગીત, પરદેસી.... સોહનીએ ઓયે હીરીયે ઓયે, હતું. તે પછી તો એ જ ફિલ્મમાં સંગીતકાર ધનીરામે મુન્નવર સુલતાના સાથે એક બીજું યુગલ ગીત, અચનવે, પણ  રેકર્ડ કર્યું. 

 


૧૯૪૪

લાહોરથી (એ સમયે જે નામથી જાણીતું હતું તે) બોમ્બે આવ્યા, શ્યામ સુંદરે તેમણે નૌશાદ પર પરિચય પત્ર લખી આપ્યો અને કેટલા ધક્કા ખાધા પછી નૌશાદને મળાયું એ બધી વાતો પણ મોહમ્મદ રફીની વિવિધ જીવનકથાઓમાં સુપેરે આવરી લેવાયેલ છે. આપણી આ શ્રેણી પુરતું તો આપણે એટલું નોંધ કરીએ કે નૌશાદે, ફિલ્મ પહેલે આપ માટે,  મોહમ્મદ રફી પાસે, શ્યામકુમાર, અલ્લાઉદ્દીન નાવેદ, બી એમ વ્યાસ અને અન્ય સમુહ ગાયન કલાકારો સાથે હિંદુસ્તાન કે હૈ હમ હિંદુસ્તાન હમારા (રેકર્ડ નંબર GE3416) ગવડાવ્યું  અને કહે છે તેમ પછી જે કંઈ બનતું ગયું તે તો ઇતિહાસની તવારીખ  પર દર્જ છે.   

૧૯૪૪નું વર્ષ  મોહમ્મદ રફીના અંગત જીવનનું પણ એક મહત્ત્વનું સીમાચિહ્ન છે – તેમનાં જીવનભરનાં સંગિની બિલ્કીસ બાનુ સાથે તેમના નિકાહ થયા।.

નૌશાદ સાથે ૧૯૪૪માં થયેલાં તેમનાં જોડાણને ફેવિકોલનાં  જોડાણમાં ફેરવાતાં સાત વર્ષ જરૂર લાગ્યાં પણ તેઓએ સાથે મળીને રચેલાં ૧૪૯ જેટલાં ગીતો હિંદી ફિલ્મોનાં અમૂલ્ય રત્નો બની ગયાં છે. 

તુમ  દિલ્લીમેં મૈં આગરેમેં , મેરે દિલસે નીકલે હાયે ફાસલા સૌ કોસકા હમને સાવન બીતો જાય - પહલે આપ – શ્યામ કુમાર સાથે ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ [રેકર્ડ નં. GE3419]

ધ્યાન દઈને સાંભળીશું તો જણાશે કે મોહમ્મદ રફી આ નૌટંકી ગીતમાં સ્ત્રી પાત્ર લીધેલા પુરુષ માટે ગાય છે.



મોહમ્મદ રફીની કારકિર્દીનાં પછીનાં વર્ષોમાં આવું થતું ક્યારે પણ જોવા નહીં મળે, એટલે બીજું એક યુગલ ગીત સમાવવાનો અપવાદ કરીશું

એક બાર ઊન્હે મિલા દે ફિર મેરી તૌબા મૌલા .... અબ તો લાગી બુજા દે, ફીર મેરી તૌબા મૌલા - પહલે આપ – શ્યામ કુમાર સાથે ગીતકાર: ડી એન મધોક – સંગીતકાર: નૌશાદ [રેકર્ડ નં. GE3417/19]

મોહમ્મદ રફીને વધારે અનુભવી શ્યામ કુમારને અનુસરવાની ભૂમિકા જ અપાઈ હોય એમ જણાય છે., જોકે  એ ઉભરતા ગાયકે બહુ થોડા સમયમાં અગ્રેસર સ્થાન હાંસિલ કરી લીધું.



૧૯૪૫

૧૯૪૫માં મોહમ્મદ રફીની કારકિર્દીને યુગલ ગીતોના ચોપડે ચાર સંગીતકારોનાં નવાં ખાતાં ખુલ્યાં છે.  

શ્યામ સુંદર ચોક્કસ વાદ્યો (કિસ તરહ ભૂલેગાં વો દિલ, ગાંવકી ગોરી, ૧૯૪૫), અદભૂત ધૂન બાંધણી (મૌસમ આયા હૈ રંગીન, ઢોલક ૧૯૫૧) અને ગાયકોની પસંદગી (સાજનકી ગલીયાં  છોડ ચલે, બાજાર, ૧૯૪૯)ની તેમની ચોકસાઈપૂર્ણ શૈલી માટે જાણીતા છે.

જબ દિલ હો કાબુમેં તો દિલદારકી ઐસી તૈસી.... તૌબા તૌબા હુસ્નકે  સરકારકી ઐસી તૈસી – ગાંવકી ગોરી (યા વિલેજ ગર્લ) – જી એમ દુર્રાની સાથે – ગીતકાર: વલી  સાહબ – સંગીતકાર: શ્યામ સુંદર

આ ગીતની રેકોર્ડનો નંબર GE3596 (‘પહલે આપનાં ગીતો પછી)  છે પણ મોહમ્મદ રફી પણ આ ગીતને તેમનું સર્વ પ્રથમ હિંદી ગીત માનતા હતા.

બહુ શરૂઆતનાં વર્ષોમાં મોહમ્મદ  રફી જી એમ દુર્રાનીને પોતાના રોલ મોડેલ ગણતા. સમયનાં ચક્રની કરવટ એવી બદલી કે એ જ જી એમ દુર્રાની માટે મોહમ્મદ રફીએ ઉનકે ખ્યાલ આયે તો આતે ચલે ગયે (લાલ પથ્થર, ૧૯૭૧ ; ગીતકાર: હસરત જયપુરી – સંગીતકાર: શંકર જયકિશન) માટે પાર્શ્વસ્વર આપ્યો.


એચ પી દાસ (૧૯૦૫૧૯૮૯) બંગાળી સંગીતકાર હતા જેમણે ૪૦ના દાયકામાં હિંદી ફિલ્મોમાં બહુ સફળતા મેળવી.

દિલ દિયે ચલેં ... હમ જિયે ચલેં ઐસે – બેગમ - મોહનતારા અજિંક્ય સાથે – ગીતકાર: જી એસ નેપાળી – સંગીતકાર: એચ પી દાસ 

આનંદના ભાવનું ગીત છે એટલે લય સ્વાભાવિકપણે ઝડપી છે. મોહમ્મદ રફીના સ્વરમાં યુવાનીની તાજગી વર્તાય છે.



ગોબિંદ  રામ ૪૦ના દાયકાના એવા બહુ આયમી સંગીતકાર હતા જેમણે એ સમયનાં હિંદી ફિલ્મ સંગીતનાં  ઘડતરમાં મહત્ત્વનું યોગદાન કરેલ છે.

છોટી સી એક બનાયેંગે નૈયા ... ખુદ હી બનેંગે ઉસકે ખેવૈયા – હમારા સંસાર – શમશાદ બેગમ અને જોહરાબાઈ અંબાલેવાલી સાથે – ગીતકાર: રમેશ ગુપ્તા – સંગીતકાર: ગોબિંદ  રામ

મોહમ્મદ રફી તેમના બોલની શરૂઆત નીચા સુરમાં કરે છે અને પછી થોડા ઊંચા સુરમાં ગાયન ચલાવે છે. એક તબક્કે તો ગાયિકાઓથી પણ ઊંચા સુરમાં જઈ આવે છે.



ખાસ આડવાત: આ વર્ષે જ ગોબીંદ રામે સંગીતબધ્ધ કરેલ લયલા મજનુનાં ગીત તેરા જલવા જિસને દેખા (એસ ડી બાતીશ અને સાથીઓ સાથે; ગીતકાર: તનવીર નકવી)માં મોહમ્મદ રફીએ નાની ભૂમિકા પણ પરદા પર ભજવી.

અલ્લા રક્ખા  (ઉર્ફ એ આર કુરેશી) ની ઓળખાણ શાસ્ત્રીય સંગત સાથે થોડા પણ પરિચિતને આપવી ન પડે એટલા મોટા ગજાંનાં  એ તબલાવાદક  હતા. ૧૯૪૩ થી ૧૯૫૮ માં તેમણે ત્રીસ જેટલી હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું.

ટોપીવાલે બાબુને દિલ છીના રે.... હાય રે મોરા મન છીના – કૂલ કલંક – અમીરબાઈ કર્ણાટકી સાથે – ગીતકાર: રૂપબાની – સંગીતકાર: એ આર કુરેશી

નવાસવા ગાયક તરીકે પણ નીચા સુરમાં મોહમ્મદ રફી પુરા આત્મવિશ્વાસથી ગાય છે.



૧૯૪૬

મોહમ્મદ રફીની કારકિર્દીની વહીમાં આઠ સંગીતકારો નામ યુગલ ગીતનામ ખાતાં ખૂલવાની સાથે મોહમ્મદ રફીની કારકિર્દીની ગાડી પાટા પર ચડવા લાગી છે...

ફીરોઝ નિઝામીએ લાહોર રેડીયો સ્ટેશન પર મોહમ્મદ રફીને તક આપીને લાહોરમાં સર્વ પ્રથમ પ્રસિદ્ધિ બક્ષી.   

મૈં જબ છેડું પ્રેમ તરાના... નાચે મેરે સાથ જમાના... – અમર રાજ – મોહનતારા અજિંક્ય સાથે – ગીતકાર: પંડિત ફાની  - સંગીતકાર: ફિરોઝ નિઝામી

હિંદી ફિલ્મ ગીતા કોશમાં મોહનતારાની સાથે અન્ય ગાયકની નોંધ છે. ફિલ્મ સગીત પરના એક અગ્રગણ્ય બ્લોગ્ગર સુધીર કપૂરે આ વિષે વિગતવાર ખોજ આરંભી, જે તેમની પોસ્ટ, Main jab gaaun geet suhaanaa, પર વાંચી શકાય છે. 


ખાસ આડવાત: એ ખોજને પરિણામે મળી આવેલ આ રેકર્ડની બીજી બાજુએ મોહમ્મદ રફીના સોલો સ્વરમાં આ ગીત છે તેની પણ અહીં નોંધ લઈએ.



એસ કુરૈશી વિષે વધારે માહિતી નથી મળી.

મચા દી  ધૂમ દુનિયામેં ઇસ્લામ કે દીવાનોને - આરબ કા સિતારા – અમીરબાઈ કર્ણાટકી સાથે – ગીતકાર:  શેવાન રિઝ્વી – સંગીતકાર:  એસ કુરૈશી

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકોનાં નામ નથી ઓળખાયાં. પ્રસ્તુત ગીત મેં મોહમ્મદ રફીની ફિલ્મોગ્રાફીની મહદ અંશે અધિકૃત ગણાયેલ, મૌવીન દ્વારા તૈયાર કરાયેલ યાદી પરથી લીધેલ છે.

ગીત સાંભળવાની શરૂઆત કરતાં જણાય છે કે સ્ત્રી સ્વર લગભગ કાઉન્ટર મેલોડી જેમ સંગાથ કરે છે અને પછીથી કોરસમાં જ ભળી જાય છે.



શંકર રાવ વ્યાસ શાસ્ત્રીય સંગીતની વિધિસરની તાલીમ પામેલા સંગીતકાર હતા તેમણે ૧૯૩૭ થી ૧૯૫૫ દરમ્યાન ૩૫ હિંદી, ૫ મરાઠી, અને ૩ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું છે..

નૈનો સે મદ મદિરા પીલા કર ... તુમને હમેં  દીવાના કિયા – ઘુંઘટ – નિર્મલા દેવી સાથે – ગીતકાર: રમેશ ગુપ્તા – સંગીતકાર: શંકર રાવ વ્યાસ

અન્યોન્ય વડે પ્રેમ સ્વીકૃતિના મીઠા સંવાદથી ગીત શરૂ થાય છે.



એસ એન ત્રિપાઠી[1] હિંદી ફિલ્મનાં પ્રથમ ગણાતાં સ્ત્રી સંગીતકાર સરસ્વતીદેવીની ટીમમાં વાદક તરીકે કામ કરતા હતા. પણ તેઓ બહુ આયામી કલાકાર હતા. તેમણે સ્વતંત્રપણે સંગીતકાર તરીકે નોંધપાત્ર કામ કરવા ઉપરાંત ફિલ્મોનું દિગ્દર્શન પણ કર્યું અને ફિલ્મોમાં નાની ભૂમિકાઓ પણ ભજવી.

જય હિંદ ... યે હિંદકી કહાનીયાં ...  સંસાર કે ઈતિહાસકી યે હૈ અમર કહાનીયાં – માનસરોવર – ગીતકાર: સરસ્વતી કુમાર દીપક – સંગીતકાર: એસ એન ત્રિપાઠી

હિંદી ફિલ્મ ગીત કોશમાં ગાયકો તરીકે માત્ર કોરસની જ નોંધ છે. પરંતું ગીતા દત્ત.કોમ અને અન્ય  વિશ્વાસપાત્ર સાઈટ્સ પર મોહમ્મદ રફી, ગીતા રોય (દત્ત), બીનાપાની મુખર્જી અને કોરસની ગાયકો તરીકે નોંધ જોવા મળે છે.



પ્રેમનાથની શાસ્ત્રીય સંગીતની તાલીમ નાની વયથી જ થયેલ. રંગભૂમિ તેમની સર્વ પ્રથમ ફિલ્મ છે. મોહમ્મદ રફીને તેમણે કોરસ સાથે એક સોંલો અને શમશાદ બેગમ સાથે ત્રણ, એમ કુલ ચાર ગીતો આપ્યાં છે, જે ફિલ્મ જગતમાં કદમ મૂક્યાનાં બીજાં વર્ષ  માટે મોહમ્મદ રફી માટે નાનીસુની  ઘટના નથી.

ખુદ હી સમઝ લો કે ઇલ્તઝા ક્યા હૈ, હમ હી કહ દેં તો ફીર મઝા ક્યા હૈ – રંગભૂમિ – શમશાદ બેગમ સાથે – ગીતકાર: આરઝૂ  લખનવી – સંગીતકાર: પ્રેમનાથ

મોહમ્મદ રફીને તળ વિંટેજ એરાની ગાયન શૈલીના ઢાળમાં ગાતાં સાંભળવાની મજા અહીં મળે છે.



અન્ય યુગલ ગીતો પૈકી આગ લગી તન મન ધન સબમેં નરક ભયો સંસાર (શમશાદ બેગમ સાથે – ગીતકાર: આરઝૂ લખનવી) યુ ટ્યુબ પર નથી જોવા મળતું. જો આગે બઢે ઉસે પીછે હટા દો (શમશાદ બેગમ સાથે- ગીતકાર પંડિત ફણી) એ મંજિલ બઢાએ ચલા ચલ ગીતની બીજી બાજુ છે. બંને ગીત આ ક્લિપમાં સાંભળી શકાય છે - https://youtu.be/KHAk87nu8w8  

હનુમાન પ્રસાદની સૌથી મોટી ઓળખ તેમણે ગીતા રોયને ૧૬ વર્ષની ઉમરે ભક્ત પ્રહલાદ (૧૯૪૬)માં સર્વ પ્રથમ તક આપનાર તરીકેની છે. આજની ફિલ્મ રસીલીના તેઓ  દિગ્દર્શક પણ છે.

દિલ મુજકો જલાતા હૈ મૈં  દિલકો જલાતી હું – રસીલી – ગીતકાર અને સંગીતકાર: હનુમાન પ્રસાદ

ગીતાનો ભાવ કરૂણ છે. બંને ગાયકોએ ગીતને નીચા સુરમાં જ ગાયું છે. નવા સવા ગાયક મોહમ્મદ રફી માટે આ એક મહત્ત્વનો અનુભવ નીવડ્યો હશે !


ફિલ્મનાં શમશાદ બેગમ સાથેનાં બીજાં એક યુગલ ગીત, યહ નયન ક્યું શરમા ગયે,માં (ગીતકાર: ગાફિલ હરનાલવી) મોહમ્મદ રફીના યુવાન સ્વરની કાચીકોરી મીઠાશ સાંભળવા મળે છે.   

બુલો સી રાની વિંટેજ એરાના અગ્રગણ્ય સંગીતકારોમાં સ્થાન ધરાવે છે.

જાઓ જાઓ ના બોલુંગી મૈં, અચ્છા જી હટો હટો – સાલગીરહ – કૌમુદીની દીક્ષિત, અને અન્ય અપરિચિત સ્ત્રી સ્વર સાથે – ગીતકાર: વલી સાહબ – સંગીતકાર: બુલો સી રાની

આ ગીત નિર્ભેળ નટખટ ભાવનું ગીત  છે. ગાયિકાઓના ગાયનમાં ઐસા કયા જેવા ટહુકાઓ કરી લેવાની હરકતો અહીં તો હજુ સંગીતકાર નિર્દેશીત જ હશે, પરંતુ આગળ જતાં મોહમ્મદ રફી આપોઆપ જ આવી હરકતો ઉમેરીને ગીતને જીવંત બનાવી લેતા થયા હતા.


 

તૌફીલ ફારૂકી (૧૯૧૬- ૧૯૮૮)ની મોટી ઓળખ ઝુમકા ગીરા રેને [દેખોજી , ૧૯૪૭] શમશાદ બેગમના સ્વરમાં સર્વ પ્રથમવાર પ્રયોજનાર સંગીતકાર તરીકેની પણ છે.

બૈઠે હૈં તેરે દર પર કુછ કર ઉઠેંગે – સોના ચાંદી -  શમશાદ બેગમ સાથે – ગીતકાર: વલી સાહબ – સંગીતકાર: તૌફીલ ફારૂકી

હિંદી ફિલ્મોમાં મોહમ્મદ રફીને છેડછાડનાં ગીતોના પ્રકારનો અનુભવ મળવાનું  શરૂ કરવાનું શ્રેય આ ગીતને મળતું હશે?



ફરી એક અપવાદ કરીને આપણે હજુ એક યુગલ ગીત પણ સાંભળીશું -

મનકી સુની નગરીયા સુહાની બની – સોના ચાંદી – અમીરબાઈ કર્ણાટકી સાથે – ગીતકાર: ખમાર જમાં – સંગીતકાર: તૌફીલ ફારૂકી

પૂર્ણત: રોમેન્ટીક ગીતમાં અહીં હવે મોહમ્મદ રફી અનુભવી અમીરબાઈ સાથે સુરથી સુર મેળવે છે.



મોહમ્મદ રફીએ સંગીતકાર સાથે ગાયેલાં પહેલ વહેલાં યુગલ ગીતના આ ઉપક્રમના ૧૯૪૪-૧૯૪૮ના પહેલા પંચવર્ષીય સમયખંડનાં ૧૯૪૭ અને ૧૯૪૮નાં વર્ષનાં યુગલ ગીતો આપણે હવે પછી ડિસેમ્બર, ૨૦૨૧ના અંકમાં સાંભળીશું


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: