Thursday, March 24, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પહેલું વર્ષ - ૩ - સાશ્ચર્ય રસપ્રદ અને દિશાસૂચક .. ... .

 પહેલાં વર્ષની યાદોને સંકોરતા બીજા મણકામાં મેં અમારા બે સિનિયર 'મિત્રો'ના તેમના પહેલાં વર્ષ વિશેના અનુભવો અને પ્રતિભાવો રજૂ કર્યા હતા. બન્ને પ્રતિભાવો દ્વારા આપણને એન્જિનિયરિંગમાં ભણવાનું શરૂ કરવાનાં કારણ અને ભણવા વિશે થયેલા અલગ અલગ દૃષ્ટિકોણ જોવા મળ્યા.

હવે આપણે ફરીથી અમારી બૅચ તરફ નજર કરીએ.

અશોક ઠક્કર[1]નો દૃષ્ટિકોણ પણ સાવ જ અલગ દિશા તરફ ફંટાય છે, જેને તે 'એક વાક્ય કે જેણે મારા જીવન નો પથ બદલી નાખ્યો' શીર્ષક હેઠળ આપણી સમક્ષ રજૂ કરે છે-

સાલ ૧૯૬૫ માં S S C પાસ કરી ત્યારે ૭૮% માર્ક્સ આવેલા. સ્ટેટ સ્કોલર પણ બનેલો. એ વખતે બોર્ડ ની પરીક્ષા માં એક લાખ થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લેતા. ૧૯૬૫ માં પહેલો નંબર લાવનાર ને ૮૬% માર્ક્સ આવેલા. આજ ની પરીક્ષાઓ માં ૧૦૦% માર્ક્સ આવી શકે છે. એ જમાનામાં જયારે તમને ઊંચા માર્ક્સસ આવે ત્યારે કાં તો ઇજનેર અને કાં તો ડૉક્ટર એ બે જ ઓપ્શન વડીલો નક્કી કરતા. હું તો પહેલે થી જ બળવાખોર સ્વભાવનો અને નાનપણથી જ સાહિત્ય અને કળામાં ખુબ દિલચસ્પી. એટલે આપણે તો મનોમન નક્કી કરી નાખ્યું કે આપણે તો આર્ટ્સમાં જ જવાનું.

પણ ઘરે બાપુજી ના મગજમાં વિચારો જુદા જ હતા. એ જમાનાના મોટા ભાગના વડીલો એમ જ માનતા કે મેટ્રિક ની પરીક્ષા માં ઊંચા માર્ક્સ આવે એટલે એન્જિનિયર કે ડૉક્ટર જ થવાય. અને એના માટે સાયન્સમાં જ જોડાવું પડે. એટલે કમને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં સાયન્સમાં એડમિશન લીધું. વર્ષ ૧૯૬૫.

પછી ૧૯૬૬માં પ્રિ-યુનિવર્સિટી સાયન્સની પરીક્ષા પાસ કરીને એમ વિચાર્યું કે હજુ એક વર્ષ સેન્ટ ઝેવિયર્સ માં પસાર કરીને પછી મેડિકલ માં એડમિશન લઈશ. જો મને આર્ટ્સમાં જવા મળે તો મારે અર્થશાસ્ત્ર માં આગળ અભ્યાસ કરવો હતો. એ ના થાય તો બી એસ સી કરીને ફિઝિસિસ્ટ થવું હતું અને એ ના થવા મળે તો ડૉક્ટર થવું હતું, પણ ઇજનેરીમાં આપણને કોઈ રસ નહોતો. બાપુજી ને તો હું ઇકોનોમિક્સ કે ફિઝિક્સમાં આગળ વધું એ મંજુર જ નહોતું. એટલે હવે મારા માટે મેડિકલ લાઈનનો જ વિકલ્પ હતો.

ઘરે બાપુજી ને ખબર પડી કે ગગો ડૉક્ટર થવાનું વિચારે છે એટલે એમણે એમના મોટા કઝિન અને ખાસ મિત્ર ત્રિભુવનદાસ ઠક્કરને આમાં સંડોવ્યા. હું "સંડોવ્યા" શબ્દ એટલા માટે વાપરું છું કે મારા મતે તો આ બંને ભાઈઓનું કાવતરું જ હતું.

હવે આ વાત આગળ વધારતા પહેલા, થોડું ડાઇવરઝન લઇ અને ત્રિભુવનદાસ ઠક્કર, જેમને અમે "દાસબાપા" ના નામથી જ બોલાવતા, એમના વિષે જાણીએ.

મારા બાપુજી અને દાસબાપા આમ તો ૩-૪ પેઢીએ કઝિન થાય. પણ આખી જિંદગી એમણે જે દોસ્તી નિભાવી છે તેની તો આજેય ઈર્ષા થાય છે. અમદાવાદના મણિનગરમાં પ્રકાશનગર સોસાયટીમાં બંને ભાઈઓના બંગલા સામ-સામે. રોજ સવારે દાસબાપા રસ્તો ઓળંગીને અમારા ઘરે આવે, બંને ભાઈઓ સાથે ચા પીવે અને બેઠા બેઠા છાપું વાંચે. દાસબાપા મોઢાના ખુબ મોળા. વાતો બહુ થોડી થાય. પણ જો દાસબાપા ચા પીવા ના આવે તો અમે બધા ચિંતામાં પડી જઈએ.

દાસબાપાનું ભણતર ખુબ ઓછું. સાત કે આઠ ચોપડી ભણ્યા હશે. એમના ભણતર વિષે કદી કોઈ વાત થતી નહોતી. મને એ ય ખબર નથી કે દાસબાપા ને ઇંગ્લિશનું કોઈ જ્ઞાન હતું કે નહિ. એમને નાની ઉંમરમાં પોલિયો થયેલો અને ત્યારથી એ હંમેશા લંગડાતા ચાલતા. મને યાદ છે ત્યારથી તો દાસબાપા હંમેશા લાકડી લઈને જ ચાલતા. સત્તર વર્ષ ની ઉંમરે સ્વામી ભિક્ષુ અખંડાનંદ એ સ્થાપેલ "સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય" માં ઓફિસ બોય તરીકે જોડાયા. ભિક્ષુ અખંડઆનંદજીએ જાતે એમને પસંદ કરેલા. ખુબ ખંત થી અને પ્રામાણિકતાથી કામ કરે. પછી થોડા વર્ષો પછી "અખંડ આનંદ" મેગઝીન ની શરૂઆત થઇ અને જતે દિવસે ત્રિભુવનદાસ અખંડ આનંદ ના તંત્રી, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના જનરલ મેનેજર અને ટ્રસ્ટી પણ બન્યા.

દાસબાપાની જ નિગેહબાનીમાં સસ્તું સાહિત્યએ આયુર્વેદ અને હિન્દૂ ધર્મના પુરાણોનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત કર્યા,  "અખંડ આનંદ" ગુજરાતનું પ્રથમ નંબર નું સામાયિક બન્યું અને અખંડ આનંદ આયુર્વેદિક કોલેજ ની પણ સ્થાપના કરી. દાસબાપાએ એમની ૯૩ વર્ષની જિંદગીમાં આયુર્વેદ સિવાય કોઈ પણ દવા ના લીધી. એ જયારે ૮૮ વર્ષની ઉંમરે અખંડ આનંદમાં થી રિટાયર થયા ત્યારે એમ કહેવાતું કે એમની ૭૧ વર્ષ ની નોકરી (એક જ સંસ્થામાં) કદાચ વિશ્વ રેકોર્ડ હોઈ શકે.

સ્વર્ગસ્થ સાક્ષર શ્રી કરસનદાસ માણેક દાસબાપાના ગાઢ મિત્ર. દાસબાપાના જ આમંત્રણ થી કરસનદાસ માણેક  દર પૂનમે મુંબઈથી અમદાવાદ આવે, અમારે ઘરે બે રાત રહે અને અખંડ આનંદ ના ભદ્ર ખાતેના હોલમાં કીર્તન સાથે ધાર્મિક વ્યાખ્યાન આપે.

હવે આપણે મારી વાત પર આવીએ.

જયારે મેં જાહેર કર્યું કે મને જો ઈકોનોમિસ્ટ કે ફિઝિસિસ્ટ થવા ના મળે તો મારે ડૉક્ટર થવું છે, પણ એન્જીનીયર તો નથી જ થવું, એટલે એક દિવસ સવારમાં ચા પીતા પીતા બંને ભાઈઓએ મને આંતર્યો. બાપુજી કહે, "દાસભાઈ, તમે અશોકને સમજાવો કે ડૉક્ટર બનવાની વાત છોડે અને સીધો સીધો એન્જીનીયર બની જાય. એટલે દાસબાપા એ મને બેસાડ્યો. "આવો, બેસો, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. દાસબાપા વડીલ ખરા, પણ મને હંમેશા "તમે" કહીને બોલાવે. હું બેઠો. દાસબાપાએ એમની લાક્ષણિક સ્ટાઇલમાં, ખુબ જ ઓછા શબ્દો સાથે, વાત કાઢી.

"તમને ખબર છે દાક્તર કોણ થાય?"

મને થયું કે મારી સામે એક કાવતરું રચાઈ રહ્યું છે. દાસબાપાના આ સવાલનો જવાબ આપ્યા વગર હું એમની સામે જોઈને બેઠો રહ્યો. એમણે આગળ વધાર્યું: "રાક્ષસ હોય એ ડાક્ટર થાય!".

બસ, હું મૂંગો મૂંગો આ બંને વડીલોને મારા ભવિષ્ય સાથે ચેડાં કરતા જોઈ રહ્યો. શું બોલવું એ ના સમજાતા હું મૂંગો મૂંગો ઉભો થઈને બીજા રૂમમાં જતો રહ્યો. કદાચ રડ્યો પણ હોઈશ. પણ આ બંને વડીલોની સામે થવાની તો હિમ્મત નહોતી. પછી મેં ગુપચુપ એન્જિનિયરિંગમાં એડમિશન તો લઇ લીધું (૧૯૬૬), પણ એન્જિનિયરિંગ માટે ખુબ જ ધિક્કાર ની લાગણી રહી. પહેલા ત્રણ વર્ષ મને-કમને કાઢ્યાં. ૫૭-૫૮ માર્ક્સ થી દર વર્ષે પાસ થતો. પછી બી ઈ ૩ માં ATKT આવી. ATKT નો અર્થ એવો કે તમારું વર્ષ ના બગડે, પરંતુ માર્કશીટ માં failed લખાઈ જાય. જિંદગીની આ પહેલી મોટી નિષ્ફળતા હતી. હું ખુબ નિરાશ હતો. એન્જિનિયરિંગ છોડવાનું નક્કી કરી નાખેલું. એક મહિના સુધી તો આ વિચારે ખુબ ગૂંચવાયો.

અશોક વૈષ્ણવ અને અતુલ દેસાઈ એ વખતે પણ ખાસ દોસ્તોમાંના હતા. બધા મિત્રો એ  એન્જિનિયરિંગ ના છોડવાની સલાહ આપી. બાપુજી પણ ખુબ નિરાશ હતા. કદાચ એમ વિચારતા હશે કે એમની હઠથી એમણે મારુ ભવિષ્ય બગાડ્યું!

પેલા પીપળના વૃક્ષ નીચે જેમ ભગવાન બુદ્ધને પરમ જ્ઞાન થયેલું એમ મને પણ આ ATKT ના વૃક્ષ નીચે જ્ઞાન થયું કે આ તો મુર્ખામી છે. એક તો એ કે જિંદગીની આ સૌ પહેલી નિષ્ફળતાથી હારી જઈને જો છોડી દઈએ તો આગળ કેવી રીતે વધાય?  જિંદગીમાં સફળતા-નિષ્ફળતા તો આવવાની જ છે. ત્રણ વર્ષ એન્જિનિયરિંગમાં કાઢ્યા પછી કાંઈ આવી પીછેહઠ ના કરાય!. બસ પછી તો એન્જિનિયરિંગ પૂરું કરવું જ એવા નિર્ધારથી લાગી પડ્યો. એ પછી આજ દિવસ સુધી ક્યારે ય નિષ્ફળતાથી ડરીને ભાગ્યો નથી.

આ અનુભવમાં થી મેં બે નિયમો ઘડ્યા:

૧)   દરેક પરિસ્થિતિ સ્વીકારો અને તેને માણો (Accept and enjoy every situation); અને

૨)   જે કંઈ થાય તે સારા માટે જ થાય (Whatever happens, happens for the best)

બસ બી ઈ ૪ અને ૫ માં ચોટલી બાંધી ને લાગી પડ્યો. (એ વખતે હજુ ચોટલી બંધાય એટલા વાળ હતા! ).  

એ પછી તો જિંદગીમાં ઘણા ચઢાવ ઉતાર આવ્યા, પણ બી ઈ ૩ ની ATKT પછી જે બે સિદ્ધાંતો નક્કી કર્યા તે આજ સુધી ની જિંદગી માં ખુબ કામ લાગ્યા છે.

હવે વાત કરીએ એન્જિનિયરિંગ ની.

છેલ્લા પચાસ વર્ષ ના અનુભવ ઉપરથી હું નીચેના તારણો ઉપર આવ્યો છું;

*** એન્જિનિયર થઇ ને જીવન જીવવાની જે જડીબુટ્ટી હાથ લાગી છે તે કદાચ ડૉક્ટર, ફિઝિસિસ્ટ કે ઈકોનોમિસ્ટ થઇને ના મળત. એન્જિનિયર થયા પછી જીવનના પ્રશ્નો હલ કરવાની એક અનોખી ચાવી હાથ લાગી છે. થૅન્ક યુ, દાસબાપા અને થૅન્ક યુ, બાપુજી.

*** આર્ટ્સમાં ભલે ના જવાયું, પણ હું આંતરરાષ્ટ્રીય લેખક બન્યો, ગાયક બન્યો, થોડી કવિતાઓ પણ લખી, અર્થશાસ્ત્ર નું જ્ઞાન કેળવ્યું અને ડોક્યુમેન્ટરી મુવી બનાવવાનું પણ શીખ્યો. હવે ફિઝિક્સમાં આગળ વધવું છે.

*** જીવનમાં જે પરિસ્થિતિ આવે તેને સ્વીકારવી, તેમાંથી માર્ગ કાઢવો અને આગળ વધવું એજ સાચી જડીબુટ્ટી છે! પછી તમે આર્ટસ, કૉમર્સ, સાયન્સ કે ગમે તેમાં ભણતર મેળવ્યું હોય - પહેલે નંબરે પાસ થયા હોવ કે છેલ્લે નંબરે પાસ થયા હોવ. દરેક પ્રશ્નનો ઉકેલ આપણી પાસે જ હોય છે. ફક્ત એ ઉકેલ સુધી પહોંચવા માટે ધીરજ, શ્રદ્ધા અને ખંત જોઈએ.

જય એન્જિનિયરિંગ!

હવે પછીના મણકામાં એક ચોથો દૃષ્ટિકોણ - મારો દૃષ્ટિકોણ - આપ સૌ સમક્ષ રજુ કરીશ.

ત્યાં સુધી પહેલાં વર્ષના અનુભવ વિશે અમારા સહપાઠીઓને  આપણી સાથે વહેંચવા જેવું કંઇ, કંઇ પણ, યાદ આવે તો મને જરૂર જણાવે…...



[1] અશોક ઠક્કર છેલ્લા ત્રણ દાયકાથી વધારે સમયથી અમેરિકામાં જ સ્થાયી થયેલ છે. પરંતુ અમે એ સમયે પણ એટલા 'સારા' મિત્રો હતા કે પચાસ વર્ષોનાં વહાણાં એ અમારી મિત્રતાને સાવ ઔપચારિક બનાવી નથી મુકી. અમારા સ્વભાવ ઘડતરનાં વર્ષો દરમ્યાન સાવ જ અલગ કૌટુંબીક અને સામાજિક પશ્ચાદભૂમાં થયેલા અમારા ઉછેરને કારણે મૂળભૂત સ્તરે  અમારી માન્યતાઓ અને અમારી નૈસર્ગિક પ્રકૃતિમાં ઘણી અસામાન્યતાઓ હતી. પરંતુ એ પણ હકીકત છે એટલી જ ઘણી બાબતોમાં અમારો દૃષ્ટિકોણ બહુ મહદ અંશે સરખો પણ રહેતો. અમને બન્નેને એ વાતે આશ્વર્ય નથી થતું કે અમે પચાસેક વર્ષ પછી, ફરીથી વધારે નજદીકી સંપર્કમાં આવ્યા, ત્યારે ઘણી બાબતો વિશે અમારાં વલણમાં ફેરફાર થયા છે, પરંતુ અમારા  દૃષ્ટિકોણો બદલાયા નથી હોય તેવું જરૂર અનુભવાય છે.

No comments: