એન્જિનિયરીંગ છેલ્લાં વર્ષો દરમ્યાન અમારા કેટલાક મિત્રોએ આઈ આઈ એમ, અમદાવાદમાં પ્રવેશ માટે મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અમારી ક્ષમતા અને
મનોદશા એમ બન્ને પક્ષે અમે એટલી હદે તૈયાર ન હતા કે એ પ્રયાસનો બહુ કરૂણ રકાસ
થયેલો. આ સિવાય, એન્જિયરીંગના છેલ્લાં વર્ષ
દરમ્યાન, કે વર્ષ પુરું થયા પછી પણ, ભવિષ્ય માટે મારી પાસે કોઈ
નક્કર યોજના નહોતી. વેકેશન દરમ્યાન મળેલ નવરાશની પળોમાં ક્યાં તો અનુસ્નાતક અભ્યાસક્રમમાં
જોડાવું કે પછી નોકરી શોધવી એવા દેખીતા બે વિકલ્પો સિવાય વિચારવા માટે કંઈ જ હતું
નહીં.
નોકરીની શોધને તો મેં છેલ્લા
સમેસ્ટરનું પરિણામ ન આવે ત્યાં સુધી બાજુએ રાખી મુકવાનું બહાનું હતું. પણ
અનુસ્નાતક અભ્યાસક્રમ આટે પ્રવેશ મેળવવા વિશે પણ મેં કોઈ ખાસ તૈયારી શરૂ નહોતી
કરી. એક જ કંઇ ઉપયોગી કહી શકાય એવું જો કોઈ કામ હું આ સમય દરમ્યાન કરી રહ્યો હતો તે
ઇંડીયન એક્ષપ્રેસ જેવા અંગ્રેજી દૈનિકને પહેલેથી છેલ્લે સુધી વાંચવાનું કે જૂનાં
પુસ્તકોની દુકાનોમાંથી અંગ્રેજી શબ્દભંડોળ વધારવાનાં થોડાં પુસ્તકો કે સામાન્ય
જ્ઞાન વધારવામાં મદદ કરે એવા સામયિકોના અંકોને હું ધ્યાનપૂર્વક વાંચતો જરૂર હતો.
અનુસ્નાતક અભ્યાસને લાગેવળગે છે
ત્યાં સુધી, એ સમય સુધીમાં મને એટલું તો
જરૂર સમજાઈ ગયું હતું કે મારા પિતાજીની એવી ઊંડેથી લાગણી હતી કે હું અનુસ્નાતક
પદવી માટે જ પ્રયાસ કરૂં. તેઓ તો જ્યારે સ્નાતક થયા ત્યારે અનુસ્નાતક કક્ષા સુધીનો
અભ્યાસ કરવાનાં તેમનાં સ્વપ્નને તો તેમના એ સમયના કૌટુંબિક સંજોગોને કારણે તેમણે
બાજુએ મુકી દેવું પડ્યું હતું અને (એ સમયે જે બહુ પ્રચલિત ચલણ હતું તે મુજબ) જે
મળી તે સરકારી નોકરી સ્વીકારી અને ગૃહસ્થ તરીકેના જીવનક્રમને તેમણે અપનાવી લીધેલ. પણ અનુસ્નાતક પદવી મેળવવાનું તેમનું સ્વપ્ન જરા પણ વિસરાયું નહોતું. તેર ચૌદ
વર્ષ પછી જ્યારે તેમની બદલી અમદાવાદ થઈ ત્યારે તેમણે પહેલું કામ અનુસ્નાતક પદવી
માટેના નિયમિત અભ્યાસ માટે પ્રવેશ લઈ લેવાનું કરેલું. એ અભ્યાસ માટે જે તેમણે
મહેનત અને તૈયારી કરેલી તેને સમજી શકવા જેટલી મારી તે સમયની ઉમર હજુ નહોતી. પણ
અર્ધજાગ્રત મન પર એમની એ લગન અને મહેનત એટલાં જરૂર અંકાઈ ગયાં હતાં કે જ્યારે હવે
મારો સમય આવ્યો ત્યારે મારા માટે પણ તેમનાં એ જ સ્વપ્નની ગંભીરતા મને સમજાતી હતી.
પરિણામે, મું માનસિક રીતે તૈયાર છું કે નહીં કે એ અભ્યાસની લાયકાત મટે હું સક્ષમ છું કે
નહીં એવો કોઈ વ્યવસ્થિત વિચાર કર્યા સિવાય જ, કદાચ આઈ આઈ એમ, અમદાવાદમાં પ્રવેશની નિષ્ફળતાની
પ્રતિક્રિયા રૂપે, મેં જમનાલાલ બજાજ ઇન્સ્ટીટ્યુટ, મુંબઈ અને બિરલા ઇન્સ્ટીટ્યુટ ઑફ ટેક્નોલોજિ એન્ડ સાયન્સ (બિઆઈટીએસ), પિલાણીમાં બિઝનેસ મેણેજમેન્ટના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજીઓ
કરી રાખેલી હતી.
કદાચ નિયતિએ જ મારાં ભવિષ્ય
માટે જે યોજના ઘડી હશે, તે અનુસાર બિઆઈટીએસ પિલાણીમાં
મૅનેજમૅન્ટ શાખાના અનુસ્નાતક અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ટેસ્ટ અને ઈન્ટરવ્યુ
માટે હાજર થવા માટેનો પત્ર પહેલાં આવ્યો. નિરર્થક પ્રયત્નોની આડ હેઠળ મારી જાતને વ્યસ્ત રાખવાના આભાસનો પરદો એક જ ઝાટકે
ચીરાઈ ગયો. પત્રમાં જણાવેલી તારીખે પિલાણી કેમ પહોંચવું એ વિશે તૈયારીઓ કરવા
અંગેની તપાસ કરવા અને નિર્ણયો લેવામાં હવે હું ખરેખર લાગી ગયો હતો..........
No comments:
Post a Comment