Tuesday, July 19, 2016

સચિન દેવ બર્મનનાં મોહમ્મદ રફી - આશા ભોસલેનાં યુગલ ગીતો (૧)


૧૯૫૭માં 'પ્યાસા' પછીથી ગીતા દત્ત તેમનાં કૌટુંબીક જીવનની અજિબોગરીબ વ્ય્સ્તતા તેમની વ્યાવસાયિક કારકીર્દી પર ગ્રહણ બનીને છવાઈ ગઈ. કહે છે કે દુનિયા બે વિકલ્પો પર જ ઘડાતી રહી છે. અહીં એક્ને થતો ફાયદો બીજાંનાં નુકસાનમાં રૂપાંતરીત થતો જ રહે છે. ગીતા દત્તની કારકીર્દી પરનાં ગ્રહણથી પડેલી ખાલી જગ્યાને આશા ભોસલે બખુબી ભરી દીધી.

સચિન દેવ બર્મન નાયિકા પરનાં આનંદ કે કરૂણ ભાવનાં સૉલો ગીતો માટે મુખ્યત્ત્વે લતા મંગેશકર પર પસંદગી ઉતારતા થઈ ગયા હતા. પણ તેમનાં,સામાન્યતઃ, બહુ જ હળવાં, મસ્તીખોર અને ચુલબુલાં યુગલ ગીતો માટે તેમની પસંદગીનું પાત્ર આશા ભોસલે બન્યાં.

આશા ભોસલેનું સચિન દેવ બર્મનનાં યુગલ ગીતોનાં ક્ષેત્રે પદાર્પણ ૧૯૫૬ની 'ફંટુશ'માં કિશોર કુમાર સાથેનાં યુગલ ગીતો દ્વારા થયેલું કહી શકાય. ૧૯૫૭ની 'નૌ દો ગ્યારહ"ના દિગ્દર્શક વિજય આનંદની ગીતોનાં ફિલ્માંકન માટે એક આગવી સૂઝ અને દૃષ્ટિ હતી એમ ભવિષ્યમાં પ્રસ્થાપિત તો જરૂર થયું હતું. પણ ભાવિનાં એંધાણ આ ફિલ્મનાં યુગલ ગીતો માટે તેમણે સચિનદાને મનાવી લીધા હોવાનું કહેવાય છે તેમાં જોવા મળે છે.

અને આમ મોહમ્મ્દ રફી અને આશા ભોસલેનાં યુગલગીતોના એક બહુ જ રસપ્રદ અધ્યાયનો સચિન દેવ બર્મનનાં સંગીતવિશ્વને ચોપડે પ્રારંભ થયો.
આ જા પંછી અકેલા હૈ, સો જા નિંદીયાંકી બેલા હૈ - નૌ દો ગ્યારહ (૧૯૫૭) - પર્દા પર કલાકારો : દેવ આનંદ અને કલ્પના કાર્તિક ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
પીંછીના પહેલા લસરકામાં જ ભાવિ ચિત્રનાં ફલકનો બહુ સ્પષ્ટ અંદાજ મેળવી શકાય તે બરનું, સદાબહાર, યુગલ ગીત

કલીકે રૂપમેં ચલી હો ધુપમેં કહાં.. સુનોજી મહેરબાં હોંગે ન તુમ જહાં વહાં - નૌ દો ગ્યારહ (૧૯૫૭) - પર્દા પર કલાકારો : દેવ આનંદ અને કલ્પના કાર્તિક ગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
પ્રેમીનું બહુ જ સંન્નિષ્ઠપણ મનાવવુ.. પ્રેમિકાનું તેની આગવી અલ્લડતાથી રૂઠતી રહેવાનો દેખાવ કરવાનો... એકદમ સચોટ નિરૂપણ


અચ્છા જી મૈં હારી ચલો માન જાઓ...દેખી સબકી યારી મેરા દિલ જલાઓના ... - કાલા પાની (૧૯૫૮) - પર્દા પર કલાકારો દેવ આનંદ, મધુબાલા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
રૂઠવા મનાવવાનો ક્રમ અહીં ઉલ્ટે પાટે ચાલી રહ્યો છે. રૂઠી ગયેલા નાયકનાં ઊંહું ..ઊંહુંને મોહમ્મદ રફીએ વાચા આપી છે તો મનાવતી નાયિકાની આજીજીઓને કાલાવેલીને આશા ભોસલે તાદૃશ્ય કરી રહ્યાં છે.

દિલવાલે...અબ તેરી ગલી તક આ પહુંચે - કાલા પાની (૧૯૫૮) - પર્દા પર કલાકારો દેવ આનંદ, મધુબાલા - ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
વાજાંપેટી સાથેનો નાયક અને નાચતીગાતી નાયિકાના છદ્મવેશમાં નીકળી પડેલ ફિલ્મનાં નાયક-નાયિકા પોતાના પાઠ અદ્દલોઅદ્દલ ભજવે છે. અંતરાનાં સંગીતમાં તાલીઓના તાલને આવરી લઈને બનાવેલ સાવ અનોખી જ ધુનનો પ્રયોગ ગીતની મજામાં અનેક ગણો વધારો કરી રહે છે.


આડવાત :
'કાલા પાની'ની બીજી નાયિકા એક વ્યાવસાયિક નર્તકી છે. એટલે તેનાં ગીતો પણ આશા ભોસલેનાં કંઠે જ ગવડાવ્યાં હતાં બસ, આ જ સમયમાં લતા મંગેશકર અને સચિન્દા વચ્ચે કોઇ મુદે ગંભીર ખટરાગ પેદા થઇ ગયો હતો. એટલે ફરી પાછાં ૧૯૬૨માં સુલેહનાં બ્યુગલ વાગ્યાં ત્યાં સુધીમાં રજુ થયેલી 'લાજવંતી' કે સુજાતા' જેવી નાયિકાપ્રધાન ભૂમિકાવાળી, ખુબ ગંભીર સામાજિક કથાનકવાળી ફિલ્મોમાં પણ સચિન દેવ બર્મને આશા ભોસલેના સ્વરનો અદ્‍ભૂત ઉપયોગ કર્યો.આ સમયનાં ગીતો આશા ભોસલેની કારકીર્દીનાં વૉટર શેડ સમાં ગીતો માટે યાદ કરાશે.

હાર કભી જીત કભી કાહે કો રોના રે - કાગઝકે ફૂલ (૧૯૫૯) - પર્દા પર કલાકારો - ગીતકાર કૈફી આઝમી


સન સન વો ચલી હવા - કાગઝ કે ફૂલ (૧૯૫૯) - ગીતકાર  કૈફી આઝમી - પર્દા પર કળાકારો - આશા ભોસલે અને સુધા મલ્હોત્રા સાથે - પર્દા પર કલાકારો : ગુરૂ દત્ત, વહીદા રહેમાન, મહેમુદ અને અન્ય સાથી કલાકારો - ગીતકાર : કૈફી આઝ઼મી
એ સમયમાં કૉલેજ જતાં વિદ્યાર્થીઓ સાઈકલ વગેરે પર પિકનિક પર નીકળી પડે અને એ સીચ્યુએશનમાં બહુ જ રમતિયાળ ગીત પણ હોય એ બહુ પ્રચલિત અને સ્વીકૃત પ્રથા હતી..

નટખટ ચાંદ સિતારો, હમેં ના નિહારો..હમરી યે પ્રીત નયી...ચાંદ સા મુખડા ક્યું શરમાયા..આંખ મિલી ઔર દિલ ગભરાયા - ઈન્સાન જાગ ઊઠા (૧૯૫૯) - પર્દા પર કલાકારો સુનીલ દત્ત, મધુબાલાગીતકાર : શૈલેન્દ્ર
'નટખટ ચાંદ સિતારો, હમેં ના નિહારો..હમરી યે પ્રીત નયી'ને મોહમ્મદ રફીના સ્વરના એક અલગ અંદાજમાં પ્રીલ્યુડ તરીકે સાંભળવાનું શરૂ કરીએ ત્યારે કોઈ રીતે અંદાજ ન આવે કે પાછળ આવી રહેલું પ્રેમના એકરારનું યુગલ ગીત આટલું મધુર, આટલું સોહામણું  હશે.

મહેનતકશ ઈન્સાન જાગ ઊઠા..લો ધરતીકે ભાગ જગે - ઈન્સાન જાગ ઊઠા (૧૯૫૯) - પર્દા પર કલાકારો સુનીલ દત્ત, મધુબાલા - ગીતકાર : શૈલેન્દ્ર
'૫૦ના દાયકામાં મોટા બંધ, નવી નવી સડકો, વિશાળ કારખાનાંઓ એ બધાં આઝાદ ભારત વર્ષનાં 'નવાં મંદિરો' હતાં. સમાજ જીવનના એ પ્રવાહને વાચા આપતું ગીત.

દીવાના મસ્તાના હુઆ દિલ જાને કહાં બહાર આયી - બમ્બઈ કા બાબુ (૧૯૬૦) - પર્દા પર કલાકારો : દેવ આનંદ સુચિત્રા સેનગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી 
સચિન દેવ બર્મને અહીં ફરી એક અનોખો પ્રયોગ કર્યો છે. ગાયિકા પોતાને ભાગે આવતા મુખડાની શરૂઆત કરતાં પમગ, મરે ગ પમગમ...ની સુરીલી તાન છેડે છે, અને તે પણ પૂરા મસ્તીના સ્વરમાં. ગાયક તો છેક બીજા અંતરામાં દાખલ થાય છે, અને તે પણ પેલી સરગમની અનોખી તાન દ્વારા જ.

પવન ચલે તો કૈસે ઊઠે લહર મનમેં,.. - બમ્બઈ કા બાબુ (૧૯૬૦) - પર્દા પર કલાકારો : દેવ આનંદ સુચિત્રા સેનગીતકાર : મજરૂહ સુલ્તાનપુરી
મુખડાની ગાયકીમાં જ છેક શરૂથી પૂરે પૂરી ઊંચાઇ સુધી પહોંચતી લહેરનો ભાવ ...ગીતની ધુન અને ગાયકી.. કુદરતના ખોળે હિલોળા લેતું વાતાવરણ ખડું કરી દે છે.


દિલ તો હૈ દિવાના ના, માનેગા બહાના ના - મંઝિલ (૧૯૬૦) - પર્દા પર કલાકારો દેવ આનંદ, નુતન- ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી
હવે પછી ૩૦-૭-૨૦૧૬ના રોજ ૧૯૬૨ થી યાત્રાના અંત સુધીનાં ગીતો...

Post a Comment