Monday, February 20, 2012

શીતાગારમાંથી પાછો ફરેલો ગુપ્તચર - એકી બેઠકે વાંચવી પડે, અનેક વાર વાંચવાનું મન થાય તેવી, જાસુસી નવલકથા


બીજાં વિશ્વયુધ્ધ પછી તે યુધ્ધમા આગળ પડતો ભાગ લીધેલા ખેલાડીઓ સામ્યવાદી અને બીનસામ્યવાદી એમ બે મુખ્ય છાવણીઓનાં શીત યુધ્ધમાં વહેંચાઇ ગયા હતા.આર્થીક દ્રષ્ટિએ બન્ને વિચારધારાઓનો વિરોધાભાસ રાજદ્વારી દ્રષ્ટિએ એકબીજામાટે શંકા અને શકના મસાલાને કારણે એટલો બધો ગૂઢ બની ગયો હતો કે નવલકથાકારોને તો તેમાંથી રોચક કથાવસ્તુનો ખજાનો લાધી ગયો હતો. યુરૉપની અન્ય ભાષાઓનો આપણને ખાસ પરિચય નથી એટલે તે અંગે તો કહી શકીએ, પરંતુ અંગ્રેજી ભાષામાં તો શીતયુધ્ધના સમયની જાસુસી નવલકથાઓ  એ એક મહત્વનો અને અતિ લોક્પ્રિય સાહિત્ય પ્રકાર બની રહ્યો.

ઇયાન ફ્લૅમિંગ અને તેમના દિલફેંક, જાંબાઝ નાયક જૅમ્સ બૉન્ડ અને તેની ડૉ.નૉ,ફ્રૉમ રશિયા વિથ લવ અને ગૉલ્ડફીંગર જેવી નવલક્થાઓનું ઘેલું તો તે સમયના નીકીતા ક્રુશ્ચેવ અને ફીડલ ક્રાસ્ટો સાથે આવા જ રોમાંચક કાવાદાવાના ખુદ સર્જક જ્હૉન એફ કૅનૅડીને પણ લાગેલું. આ પ્રકારનાં સાહિત્યની લોકપ્રિયતા તો તેનાપરથી બનેલી ફિલ્મોની પણ એટલી જ ચાહનામાં પણ દેખાઇ આવે છે. આજે આપણે વાત કરીશું મેં ૧૯૭૦ની આસપાસ પહેલી વાર  અને તે પછીથી દરેક દશકામાં ઓછામાં ઓછી એક વાર તો જરૂર વાંચેલી એક અનોખી નવલકથા The Spy Who Came in from The Cold ની.

આ નવલકથાના લેખક જ્હૉન લ કૅરની ૧૯૬૩માં પ્રસિધ્ધ થયેલી આ ત્રીજી નવલકથા છે. તેમના જ શબ્દોમાં તે એટલી લોકપ્રિય થઇ કે તે પછીથી તેમનું કોઇ અંગત જીવન જ નહોતું રહ્યુ.પહેલી વાર પ્રસિધ્ધ થયા પછી તો તેની કંઇ કેટલીય આવૃતિઓ થઇ ચુકી છે. ગુગલ પર શોધ ક્લિક કરીએ તો   62,200,000 પરિણામો 0.27 સેકંડમાં અંકિત થઇ જાય ને લેખકના નામથી શોધ કરીએ તો   0.17  સેકંડમાં  7,080,000 પરિણામો  અંકિત થશે.

વાર્તાનું કથાનક શીતયુધ્ધનાં પ્રતિકસમી બર્લિનની દિવાલથી શરૂ થાય છે અને ત્યાં આવીને જ પૂરૂં થાય છે.કથાવસ્તુનું હાર્દ શીતયુધ્ધના સમયની ગુપ્તચર સંસ્થાઓની ઘંટીનાં પડની વચ્ચે દળાતી માનવીય લાગણીઓ અને તેમના ઠંડા કલેજે ખેલાતા આટાપાટાઓના મીંઢા દ્રષ્ટિકોણ છે.૧૯૮૯ની આ પુસ્તકની એક આવૃતિની પ્રસ્તાવનામાં લેખકે કહ્યું છે કે વાર્તાની પ્રેરણા માટૅ બર્લિનની દિવાલ- પાગલ થઇ ગયેલ વિચારધારાની પાશવતાનું મૂર્ત પ્રતિક - આદર્શ મંચ બની રહી હતી.બર્લિનની દિવાલે જાણે ગુપ્તચર્ય ઉદ્યોગને વધારે ગૂઢ, વધારે ખતરનાક, વધારે સંશયાત્મક અને હોય તેના કરતાં વધારે અગત્ય ધરાવવાનો દેખાવ કરતો કરી નાખ્યો હતો. તે ઉપરાંત આ નવલકથા લખવામાટે તે સમયની તેમના વ્યાવસાયિક અને અંગત જીવનના ખાલીપા અને ગુંચવાડાને પણ તેઓ કારણભૂત જણાવે છે.વાર્તાનાં મુખ્ય પાત્ર, ઍલૅક લીમસ,નાં પત્રાલેખનમાં આ લાગણીઓ સચોટપણે તાદ્રશ્ય થતી જોઇ શકાય છે.ઇતિહાસના એક ઘૃણાસ્પદ સમયકાળ અને તેની અંદર છટપટાતી લાગણીઓનું સંયોજન શિર્ષકમાં જે The Cold  છે તેને યથાર્થ ઠેરવે છે.

બ્રીટીશ ઇન્ટૅલીજન્સના બર્લિનકાર્યક્ષેત્રના વડા ઍલૅક લિમસની ચૅકપૉઇન્ટ ચાર્લીપર તેના પૂર્વ જર્મનીમાંના મહત્વના જાસુસના પશ્ચિમ તરફ ભાગી આવવાના પ્રયત્નના ઉચાટ ભર્યા ઇંતેજારથી વાર્તાની શરૂઆત થાય છે. એ ઘડીથી જ વાંચક પણ લેખકની નાનાં રહસ્યોની સીધી અને સરળ જણાતી ગુંથણીમાં લીન થતો જાય છે. આ ઑપરેશનની સરિયામ નિષ્ફળતાને અંજામ આપવા માટેની સંસ્થાનાં વડાંમથક [ઇઆન ફ્લૅમિંગનું MI5 , તે અહીં The Circus અને ફ્લૅમિંગનો વડો M તે આમનો The Control]માં The Controlના ઉંદર બિલાડીના ઠંડા કલેજાનાં દાવપેચમાંનું એક કથન ખૂબ જ માર્મિક છેઃ " આપણે સહાનુભૂતિ વગર જીવવાનું તો છે જ. જો કે કાયમ તો તે અવસ્થામાં રહેવાય પણ કેમ? માટે દરેકે એક વખત તો શીતાગારમાંથી પાછા ફરવું જ પડે છે."

એ શિતાગાર એટલે લિમસનું દારૂની લત પર ચડી જવું,અત્યંત મુફલીસીમાં દિવસો વીતાવવા, પૂર્વ જર્મનીની ઇન્ટૅલીજન્સના હાથોમાં પકડાઇ જવું અને તેની પ્રેમિકાનો ઠંડે કલેજે ઉપયોગ કરીને કરાતો એવો વિશ્વાસઘાત. કથાનકમાં સમાંતરપણે એવો આંતરપ્રવાહ પણ વહેતો રહે છે જેમાં એક નાટકના સ્વરૂપે જે ભજવવાનું દેખાડવાનુ હતું તે દરેક તબક્કે તે લિમસનું સાચું જીવન થઇ રહે છે. બ્રીટીશ ઇંન્ટૅલીજન્સની ત્રીપાંખીયા દાવપેચની દારૂણ દાસ્તાન વાંચકનાં દિલોદીમાગને પહેલેથી છેલ્લે સુધી જડબેસલાક રીતે જકડી રાખે છે.
નવલકથાનાં કથાનકની સાથે સાથે માનવીય લાગણીઓને લેખકે બખૂબી વણી લીધી છે. પોતાના  વિચારોમાં ખોવાયેલ લિમસ      reflex actionથી પોતાની ઝડપથી જઇ રહેલ કારને બીજી કાર સાથે અથડાતાં બચાવી લે છે. તે ઘડી એ હાશકારી અનુભવવાને બદલે તેને એ વિચાર તરત જ ઘેરી વળે છે કે પોતાની આ ભૂલ ને કારણે જન્મી ઉઠેલ પેલી ગાડીના ચાલકની હતપ્રભતાને કારણે તેનો અકસ્માત તો હજૂ પણ પાછળ આવી રહેલી ટ્રકોના ટ્રાફીક સાથે તો થશે જ. તે જ ઘડીએ તેની નજર એ કારના પાછલા કાચમાંથી તેનાં તરફ, આવી રહેલા મોતથી અજાણ, ચાર બાળકો તેના તરફ મસ્તીથી હાથ હલાવી રહ્યાં હતાં તે તરફ જાય છે. તે હવે સાવ પાણી પાણી થઇ જાય છે. તે સમયે તેનાં મનમાં લેખકે આ વિચાર મૂક્યો છેઃમોતનું ફરમાન જેમને માટે થઇ ચૂક્યું છે તેઓ આનંદની અણધારી ઘડીઓને આધીન છે; જેમ શમાપર ન્યોછાવર પરવાનાની કુરબાનીસાથે તેનું પરમસુખ વણાયેલું છે.["Men condemned to death are subject to sudden moments of elation; as if, like moths in the fire, their destruction were coincidental with attainment."]. પોતાના વ્યાવસાયિક સ્વાર્થમાટે કરીને મનુષ્ય તેનાં પ્રાકૃતિક સુલક્ષણોને શા માટે આટલી હદ સુધી દબાવી દઇ શકે એવી લેખકની મનોવ્યથા લિમસ અને તેની આ આટાપાટામાં ભરાઇ પડેલ પ્રેમિકાના સંવાદોમાં વાંચક પણ અનુભવે છે.

દેખીતી રીતે આ નવલકથા બહુ લાંબી નથી.તેમાંનાં ધણા પ્રસંગોને તો ખાસ્સાં ટુંકાણમાં વર્ણાવાયા છે, જેમ કે લિમસનો ત્રણ મહિનાનો કારાવાસ કથાનાં ત્રણ પાનાં જ પૂરો થઇ જાય છે. પરંતુ  લિમસ પર એ ત્રણ મહિનામાં શું વીતી હશે તે નખશીખ સમજવા માટે વાંચકને એ ત્રણ પાનાં પૂરતાં થઇ રહે છે.લેખક ઘટનાઓનું વર્ણન કરતાંની સાથે વાચકના મનને પણ, તેમની વિચારયાત્રાની મનોદશામાં સાથે ખેંચી લીધા પછી, પૂરી સ્વતંત્રતાથી વિહરવા દે છે. જાસુસી નવલકથાઓમાં આ શૈલિ એક નવી જ ભાત પાડે છે. લખાયેલા શબ્દો જેટલી સરળ અને મુદ્દાસરની સીધી ભાષામાં કહેવાયા છે તેટલા જ વિશાળ માનસપટ પર વાચક પણ તેના મનોભાવ જગતમાં સફર કરતો રહે છે.
અને આ જ એક મુખ્ય કારણ છે જેને કારણે આપણે આ પુસ્તક ફરી ફરીને વાંચવા મજબૂર થઇ જઇએ છીએ. આને કારણે દરેક વાચન અનુભવનાં નવાં જ અર્થઘટન ખોળી આપે છે. તો વળી , આપણને એમ પણ અહેસાસ રહ્યા કરે કે વાંચતાં વાંચતાં આપણાથી કંઇક છૂટી ગયું છે. અને ફરીથી જ્યારે વાંચીએ ત્યારે એવું કશુંક જરૂર મળી પણ આવે.

૧૯૬૫માં તો આ કથાનું ફિલ્માંકન પણ થઇ ગયું. બધા જ વિવેચકો એ માર્ટિન રીત્તનાં સિધ્ધ હસ્ત નિર્દેશનમાં રીચર્ડ બર્ટનને તેની અદાકારીની ગહનતાને લિમસનાં પાત્રમાં સ્વાભાવિકતાથી ભળી જવાને બીરદાવી છે. અન્ય કિરદારોનાં પત્રાલેખન, સીનેમેટોગ્રાફી જેવાં સાધનોના અસરકારક પ્રયોગની મદદથી નિર્દેશકે મૂળ કથાનું વાતાવરણ ફિલ્મમાં પણ ધબકતું કરેલ છે. આ ફિલ્મ  ડીવીડી પર ઉપલ્બધ છે, તો વળી યુ ટ્યુબ પર તે બાર ટુકડાઓમાં ચડાવાયેલ પણ છે. તેમાંના પહેલા ટુકડાની કડી અહીં છે. બી બી સી એ તેને શ્રાવ્યપુસ્તક સ્વરૂપે પણ પ્રસિધ્ધ કરેલ છે. 

પુસ્તક પીડીએફ સ્વરૂપમાં મળી રહે  છે.લેખક વિષેઃ

જ્હૉન લ કૅર એ લેખકનાં મૂળ નામ, ડૅવીડ કૉર્નવૅલ,નું તખલ્લુસ છે. ૧૯૫૦થી '૬૦સુધી તેઓ બ્રીટીશ ઇન્ટૅલીજન્સ સંસ્થામાં જ કામ કરતા હતા. એ દ્રષ્ટિ એ એમની વાર્તાઓમાં વાસ્તવિકતાની છાંટ જોવા મળતી હોય તો તે માત્ર સાંયોગિક જ છ તેવું તેઓ એ પોતે જ નોંધ્યું છે. તેમણે ૨૨ નવલકથાઓ લખી છે. શીત યુધ્ધના અંત પછીથી લખાયેલી તેમની નવલકથાઓમાં તેમણે જાસૂસી સંસ્થાઓ, મોટાં આંતરરાષ્ટ્રિય વ્યાપારી ગૃહો અને રાજકારણની સાંઠગાંઠને આવરી છે.દા.ત. તેમની  Our Kind of Traitor નવલકથા એક ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા કેન્યામાં કરાયેલા ફીલ્ડ ટેસ્ટની દિલધડક કહાની છે.તેમના ઇરાક યુધ્ધ, અમેરીકાની ઇરાન પ્રત્યેની નિતિ, કુખ્યાત નાણાંના આંતરરાષ્ટ્રીય વિનિમય જેવા વિષયો પરના વિચારોને, યુ ટ્યુબપરના આ ચાર ટુકડામાં [http://youtu.be/fva5UxQq1P0 ; http://youtu.be/8DtDqmRMG_w ;      http://youtu.be/FzQkofaALw4 ;  http://youtu.be/yaCQcS4IRGc]  ચડાવાયેલા, તેમના અમેરિકામાં અપાયેલા ઇન્ટરવ્યુમાં સાંભળી શકાશે.

 The Spy Who Came in from The cold એ તેના સમયનું હાડકાં થીજાવી દે તેવું સંવેદનશીલ કથાનક છે, જે આજે લગભગ ૫૦ વર્ષ પછી પણ એક નવલકથા તરીકે સમયની કસોટીએ ખરું ઉતરે છે.
Post a Comment