'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીની લેખમાળામાં આપણે એક જ ગીતનાં, કે ગીતના મુખડાનાં કે ગીતની ધુનનાં, એ જ ફિલ્મ યા કોઇ અન્ય ફિલ્મમાં રજૂ કરાયેલાં અલગ સ્વરૂપોની વાત કરીશું. એ જ ફિલ્મમાં બે જૂદી જૂદી પરિસ્થિતિમાં પેશ થતાં આ પ્રકારનાં ગીતોની ધૂન, અને (મોટે ભાગે શબ્દો), સરખાં જ હોય છે, પણ પરિસ્થિતિની માંગ મુજબ ગાયક કે લય કે ઑર્કેસ્ટ્રેશન કે ક્યારેક શબ્દોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. એક ફિલ્મમાંથી બીજી કોઇ ફિલ્મ જ્યારે કોઇ ગીતનો ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે મુખડાના કે પ્રથમ પંક્તિના શબ્દો સરખા રાખીને આખાં ગીતના દેહને, તેમ જ ઘણીવાર ગીતની જાનને પણ, અલગ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. જ્યારે સમાંતરે રજૂ થઇ રહેલી 'વર્ઝન' ગીતોની શ્રેણીમાં ફિલ્મમાં લેવાયેલ મૂળ ગીતનું 'વર્ઝન' ગીત ફિલ્મમાં ઉપયોગમાં ન લેવાયું હોતું, પણ માત્ર કોઇ અન્ય કલાકારના સ્વરમાં તેને ફરીથી, અપના અપના અંદાઝમાં, રેકોર્ડ કરાયું હોય તેવાં ગીતોની રજૂઆત જોવા મળશે. આમ એક જ મૂળમાંથી શરૂ થતી નદીના બે ફાંટાઓ જેવી આ ધારાઓ બનશે, આગળ જતાં જેમાંથી નવી શાખા, પ્રશાખાઓ પણ ફૂટતી રહેશે.
ફિલ્મોમાં દેશપ્રેમનાં ગીતો એક બહુ જ પ્રચલિત પ્રકાર રહ્યો છે. ક્યાં તો અંગ્રેજ રાજયની સામેની આઝાદીની ચળવળના વિષય પર અથવા તો ૧૯૬૨ની ચીન સામેની લડાઇ કે પાકિસ્તાન સાથેની લડાઈઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનતી રહી છે. આવી ફિલ્મોમાં ફિલ્મના વિષયને અનુરૂપ હોય તેવાં ગીતો ઉપરાંત દેશપ્રેમને ઉજાગર કરતાં ગીતો પણ ખાસ મહત્ત્વ ધરાવતાં રહ્યાં છે. તે સિવાય પણ ઘણી વાર ફિલ્મોમાં સ્ટેજ પર ભજવાનારા કાર્યક્રમોનાં રૂપમાં પણ દેશપ્રેમનાં ગીતો બન્યાં છે.
આજે ભારતનો ' સ્વાતંત્ર્ય દિવસ' છે, એટલે દેશપ્રેમનાં કેટલાંક એવાં ગીતોની વાત કરીશું જે અલગ અલગ ફિલ્મોમાં વિવિધ સ્વરૂપે રજૂ થયાં હોય. તે સાથે એવાં ગીતો પણ જોઇશું જેને ફિલ્મ સંગીતની ભાષામાં એક ગીતની એક જ ફિલ્મમાં અલગ અલગ સ્વરુપે રજૂઆત કરવામાં આવી હોય એવાં 'જોડીદાર ગીતો'- તરીકે ઓળખવામાં આવે છે.
'વંદે માતરમ'
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનાં રાષ્ટ્રગીત કક્ષાનાં ગીત 'વંદે માતરમ' નું એક અનોખું સ્વરૂપ, ફિલ્મ "આંદોલન" (૧૯૫૧)માં વિખ્યાત બાંસરીવાદક પન્નાલાલ ઘોષનાં સંગીતમાં સુધા મલ્હોત્રા, પારૂલ ઘોષ, મન્ના ડે અને સાથીઓના સમૂહ સ્વરમાં, સાંભળીએ –
તે પછી ફિલ્મ 'આનંદ મઠ' (૧૯૫૨)માં હેમંત કુમારે બહુ પ્રચલિત થયેલ એવું શૌર્ય રસ ભર્યું સ્વરૂપ, પોતાના જ સ્વરમાં, રજૂ કર્યું –
આ જ ફિલ્મમાં લતા મંગેશકરના અવાજમાં પણ આ ગીતનું જોડીદાર મૂકાયું છે, જેમાં હેમંત કુમાર આલાપના સમૂહ સ્વરમાં જોડાય છે. અહીં ગીતની લય માં જે ફરક કર્યો છે તેની નોંધ જરૂરથી લેશો.
'વંદે માતરમ'નું આપણા સહુની નજરોમાં જે મહત્ત્વ હોય તે સંદર્ભમાં તેનાં ફિલ્મમાં રજૂ થયેલાં સ્વરૂપો સિવાય પણ અનેક સ્વરૂપો હોય તે તો સ્વાભાવિક છે.
એ બધાં સ્વરૂપો પૈકી આપણે પંડિત ઓમકારનાથ ઠાકુરે ભારતની આઝાદીની પૂર્વસંધ્યાએ ખાસ ગાયેલું આ વર્ઝન પણ સાંભળીએ –
રંગ દે બસંતી ચોલા
સ્વાતંત્ર્ય સંગ્રામના સમયે બહુ જ લોકપ્રિય થયેલ દેશદાઝમય લોકગીતનાં મુખડાંનો ઉપયોગ કરીને, 'શહીદ' (૧૯૬૫)માં મહેન્દ્ર કપુર, મુકેશ અને રાજેન્દ્ર શર્માના સુરમાં ખ્યાતનામ શાયર પ્રેમ ધવને સંગીતકારની ભૂમિકામાં આ ગીત બનાવ્યું. ફિલ્મમાં તે ત્રણ જૂદા જૂદા પ્રસંગોએ જૂદા જૂદા અદાજમાં ગવાયું છે. અહીં રજૂ કરેલી વિડીયો ક્લિપમાં આ ફિલ્મમાં જ ત્રણ અલગ અલગ પ્રસંગોએ અલગ અલગ રીતે થયેલી આ ગીતની રજૂઆત માણવા મળે છે. –
૧૯૭૪માં પંજાબીમાં 'શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહ’ બની જેનું ડબીંગ હિંદીમાં 'અમર શહીદ ભગતસિંહ' રૂપે થયું, જેમાં આ જ મુખડાને એક આગવા અંદાજમાં સુરિંદર કોહલીએ મોહમ્મદ રફી અને સાથીઓના સૂરમાં રજૂ કરેલ –
કેટલાંક વર્ષો પછીથી ફરીથી ભગત સિંહ પર 'ધ લેજન્ડ ઑફ ભગત સિંહ' (૨૦૦૨) બની, જેમાં સોનુ નિગમ અને મનમોહન વારિસના મુખ્ય સૂરમાં એ આર રહેમાને પણ આ ગીતને ફરીથી રજૂ કર્યું –
સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ
રાષ્ટ્ર ભક્તિની આગની ધગધગતી ભાવનાથી નીતરતાં આવાં બીજાં એક રામપ્રસાદ બિસ્મિલે ઉર્દુમાં લખેલ કાવ્યના મુખડો છે -'સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ' , જેને પણ હિંદી ફિલ્મોમાં વિભિન્ન શૈલીમાં રજૂ કરાયેલ છે.
શહીદ (૧૯૬૫)માં પ્રેમધવને આ ગીતને મોહમ્મદ રફી, મન્ના ડે અને રાજેન્દ્ર મહેતાના સ્વરમાં સજાવેલ છે–
'ધ લેજન્ડ ઑફ ભગત સિંહ' (૨૦૦૨) માં 'સરફરોશીકી તમન્ના અબ હમારે દિલમેં હૈ' ની રજૂઆતમાં નાયકના દિલમાં ફેલાઇ ચૂકેલા કારૂણ્યના ભાવને વાચા આપી છે –
'શહીદ - ૨૩ માર્ચ ૧૯૩૧' (૨૦૦૨)માં આનંદ રાજ આનંદે પણ ભુપીંદર, મોહમ્મદ સલામત અને વિનોદ રાઠોડના સૂરમાં ગીતનો શૌર્ય રસનો ભાવ રજૂ કર્યો છે –
'શહીદ - ૨૩ માર્ચ ૧૯૩૧' (૨૦૦૨)માં આનંદ રાજ આનંદે પણ ભુપીંદર, મોહમ્મદ સલામત અને વિનોદ રાઠોડના સૂરમાં ગીતનો શૌર્ય રસનો ભાવ રજૂ કર્યો છે –
ફિલ્મ 'રંગ દે બસંતી' (૨૦૦૬)માં આ ગીતને બહુ આગવા અંદાજમાં રજૂ કરાયેલ –
ફિલ્મ 'ગુલાલ'માં તો સાવ અણકલ્પ્યું સ્વરૂપ જ સાંભળવા મળશે-
અય પ્યારે વતન મેરે પ્યારે વતન તૂહી મેરી ઝીંદગી
'તૂ હી મેરી ઝીંદગી' (૧૯૬૫) એ ગોવાની 'આઝાદીની લડત'ની પશ્ચાદભૂ પર બનેલી ફિલ્મ છે. ફિલ્મના સંગીતકાર રોનો મુખર્જીએ ગીતનાં પહેલાં સ્વરૂપનો ફિલ્મનાં ટાઇટલ્સમાં ઉપયોગ કરીને ફિલ્મનો મૂડ જમાવ્યો છે.
ગીતનાં બીજાં સ્વરૂપમાં ફિલ્મમાં લડતની ચરમ સીમા સમયે ભજવતાં દૃશ્યોની ઉત્તેજના વણી લેવાઇ છે –
ગીતની એકાદ પંક્તિ કે મુખડાને અલગ સ્વરૂપે મૂકીને ફિલ્મનો અંત રજૂ કરવાની પણ એક અનોખી શૈલી બહ અસરકારક્પણે ફિલ્મોમાં વપરાતી રહી છે. ગીતનાં આ પ્રકારનાં સ્વરૂપમાં મોહમ્મદ રફી એક્દમ ઊંચા સૂરથી શરૂઆત કરી અને પછી ગીતના કરૂણ ભાવને અનુરૂપ વિલંબિત લયમાં, ગીતની એક જ પંક્તિનાં ગાયનદ્વારા ગીતમાં પ્રાણ પૂરી દે છે.
ફિલ્મ સંગીતના ચાહકોએ આવી અનેક ક્લિપ ઇન્ટરનેટ પર મૂકીને, અન્યથા વિસરાઇ રહેલાં, રેકોર્ડ પર ન આવેલાં સ્વરૂપોને પણ ચિરંજીવ કરી આપેલ છે. તેમને પણ આપણી સલામ અર્જ કરીએ. અને અંતમાં સાંભળીએ, મને બહુ જ પસંદ એવું, ૧૯૪૮ની ફિલ્મ 'શહીદ'નું ગીત 'વતનકી રાહમેં વતન કે
નૌજવાં શહીદ હો'.
ગીતનાં પહેલાં વર્ઝનમાં સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે મોહમ્મદ રફી, ખાન મસ્તાના અને સાથીઓના સ્વરમાં લશ્કરની કૂચની લયબાંધણીમાં, રૂવાડાં ઊભાં કરી દેતું, દેશદાઝથી છલકતું વાતાવરણ ખડી કરી દીધું છે.
મોહમ્મદ રફીના સ્વરમાં 'લોકોના ખભા પર ચડીને આવું ત્યારે મને ફૂલોનો હાર પહેરાવજે’ની કરૂણ યાદ તાજું કરાવતું જોડીદાર ગીત પણ આ એક જ વિડીયો ક્લિપમાં સાથે સાથે સાંભળીએ.
હવે પછીના હપ્તાઓમાં આપણે એક ગીતનાં અલગ અલગ સ્વરૂપની જુદી જુદી રજૂઆતોના વિષયનો અધૂરો મૂકેલો તંતુ પકડી લઇશું.
No comments:
Post a Comment