Sunday, November 26, 2017

સચિન દેવ બર્મન અને મન્ના ડે - સૉલો ગીતો [૧]




સચિન દેવ બર્મને કિશોર કુમાર (કુલ્લ : ૧૧૫ ગીતો) અને મોહમ્મદ રફી (કુલ્લ : ૯૦ ગીત)પછી સૌથી વધારે (૩૯) ગીતો મન્ના ડે સાથે કર્યાં છે. સચિન દેવ બર્મને મન્ના ડે પાસે દેશ પ્રેમ, ભક્તિભાવ, કરૂણ, હાસ્ય અને રોમાંસ સુધ્ધાનાં અનેકવિધ રસનાં ગીતો ગવડાવ્યાં છે. આમાંના ઘણાં ગીતો તો હિંદી ફિલ્મનાં સર્વશ્રેષ્ઠ ગીતોની પહેલી યાદીમાં પણ સ્થાન મેળવે છે. તેમ છતાં કિશોર કુમાર કે મોહમ્મદ રફીની વાત  ન પણ ગણતરીમાં લઈએ તો તલત મહમૂદ કે હેમંત કુમાર જેટલો પણ મન્ના ડેના સ્વરનો ઉપયોગ સચિન દેવ બર્મને મુખ્ય અભિનેતાના પાર્શ્વઅવાજ તરીકે નથી કર્યો એમ સાવે સાવ કહેવાય એવું નથી. પણ એ ઉપયોગ એટલી હદે ક્યારેક થયો છે કે તેને અપવાદ કહી નાખવામાં અતિશયોક્તિ થઈ હોય એવું નથી અનુભવાતું.
એક ઇન્ટરવ્યુમાં હેમંત કુમારે કહ્યું છે કે એસ ડી બર્મન જેવા બહુ ઓછા એવા સંગીતકાર હશે જેણે જે ગાયકનો ઉપયોગ જ્યારે જ્યારે કર્યો ત્યારે ત્યારે ગીત હીટ જ નીવડ્યું હોય ! તેમ છતાં, મન્ના ડેના અવાજની જે જે ખૂબીઓ સચિન દેવ બર્મનનાં ગીતોમાં  બખુબી નીખરી  છે એ જ ખૂબીઓમાં એમને એવી કઈ ખામી નડી હશે જેને કારણે મન્ના ડે એસ ડી બર્મન માટે મુખ્ય અભિનેતાના ગાયક તરીકેની પહેલી પસંદ ક્યારે પણ બની શક્યા એ પ્રશ્ન હંમેશાં મનમાં આપણા મનમાં ઘુમરાયા કરતો રહે છે.
એ ઇન્ટરવ્યુ વાંચીશું તો સચિન દેવ બર્મન અને મન્ના ડેના સંબંધોની એક બીજી બહુ રસ પ્રદ વાત પણ જાણવા મળશે. શરૂનાં વર્ષોમાં મન્ના ડે સચિન દેવ બર્મન સાથે કોઇ એક ચોક્કસ નિષ્ણાતની ભૂમિકામાં સહાયક તરીકેની ભૂમિકા પણ ભજવતા હતા. એ સમયે એમ પણ કહેવાય છે કે ઘણી વર મન્ના ડેને એમ પણ લાગતું કે આ ગીત તો જરૂર મારે ફાળે જ ગાવાનું આવશે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં એમ નહોતું જ બનતું.
ખેર, સંગીતકાર કે ગાયકનાં સંગીત સંબંધિત કોઈ પણ પાસાં વિષે કોઈ અભિપ્રાય આપવાનો નથી તો આપણો આશય કે નથી મારી કોઈ ક્ષમતા. આપણે તો એસ ડી બર્મને જૂદા જૂદા પુરુષ ગાયકો સાથે જે કંઇ ગીતો રચ્યાં તેને એક જ મંચ પર લાવવાની અદની કોશીશ માત્ર કરી રહ્યાં છીએ.
આપણે પહેલાં એસ ડી બર્મને રચેલાં મન્ના ડેનાં સૉલો ગીતો સાંભળીશું.
સચિન દેવ બર્મન અને મન્ના ડે - સૉલો ગીતો
[૧]
સચિન દેવ બર્મનનાં મન્ના ડે માટેનાં કુલ્લ ૩૯ ગીતોમાંથી ૨૪ ગીતો  સૉલો ગીતો છે,
સચિન દેવ બર્મનના શરૂઆતનાં વર્ષો દરમ્યાન મુકેશ કે તલત મહમૂદ જ મુખ્ય અભિનેતાના મુખ્ય ગાયક તરીકે ચાલતા હતા. એ સમયમાં સચિન દેવ બર્મનની ફિલ્મોનાં ગીતો પસંદ થયાં, સફળ રહ્યાં અને વિવેચકોની સરાહના પણ પામ્યાં. પણ દિલને કોઈ ક ખૂણે સચિન દેવમાંનો બંગાળી આત્મા મુંબઈનાં વાતવરણમાં જામતો નહોતો. તેમણે મુંબઈ છોડી કલકત્તાને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી સુધ્ધાં કરી નાખ્યાનું કહેવાય છે. એ સમયે એમને અશોક કુમારે રોક્યા. અને સચિન દેવ બર્મનને ફાળે 'મશાલ' આવી, જેનાં ઉપર ગગન વિશાલગીતે એસડીને જે કંઈ આપ્યું તેને કારણે તેઓ મુંબઈવાસી બનીને રહી ગયા.
ઉપર ગગન વિશાલ - મશાલ (૧૯૫૦) - પરદા પર મુખ્ય કલાકાર : અશોક કુમાર ગીત ગાડીવાન પર ફિલ્માવાયું છે જેની ઓળખ નથી કરી શકાઈ. - ગીતકાર : પ્રદીપજી
શબ્દોની દૃષ્ટિએ જોઈએ તો ગીત એક સીધું સાદું ભજન ગણી શકાય, પણ સચિન દેવ બર્મન અને મન્ના ડે એ ગીતનો વ્યાપ ઉપર વિશાલ ગગન અને નીચે ગહરા પાતાળ જેટલો વિસ્તારી નખ્યો છે.
અહીં જે ક્લિપ છે એમાં ફિલ્મનાં ટાઈટલ્સ પણ છે, જેમાં સંગીતકારનાં નામમાં સચિન દેવ બર્મન સાથે મન્ના ડેનું નામ પણ જોઈ શકાય છે. અને તેમ છતાં મુખ્ય નાયક, અશોક કુમાર,ના પાર્શ્વસ્વર તરીકે અરૂણ કુમારનો સ્વર વાપરવામાં અવ્યો છે.
આમ આ બન્નેનું આ પહેલું જ ગીત તેમના સંબંધોનું તેમ જ બનેનાં ભાવિ સહિયારાં સંગીત પ્રદાનનું પ્રતિક સમું બની રહ્યું છે.

દુનિયા કે લોગો ઓ દુનિયાકે લોગો.. લો હિમ્મત સે કામ - મશાલ (૧૯૫૦) - પર્દાપર મુખ્ય કલાકાર - વડીલ ભિક્ષાર્થી 'બાબા' તરીકે નઝીર કાશ્મીરી ગીતકાર: પ્રદીપ  
હિંદી ફિલ્મોમાં 'ભિખારી' ગીતો એક ખાસ ગીત પ્રકાર ગણાતો. બંગાળી સંગીતકારોએ આ ગીતોમાં બંગાળનાં બાઉલ લોકગીતનો મુખ્યત્વે આધાર લીધો છે.
ગીતમાં બે બાળકો માટે કોઈ સ્ત્રી ગાયિકાનો સ્વર પણ વાપરવામાં આવ્યો છે, પરંતુ રેકર્ડ પર ગીત મન્ના ડેનું સૉલો ગણવામાં આવ્યું છે તેથી આપણે આ ગીતને અહીં સૉલો તરીકે લીધું છે.
 
રાત કે રાહી રૂક મત જાના સુબહકી મંઝિલ દૂર નહીં -  બાબલા (૧૯૫૩) - ગીતકાર: સાહિર લુધ્યાનવી
આ ગીત ઑડીયો સ્વરૂપે જ સાંભળવા મળે છે. ગીત મન્ના ડે ઉપરાંત લતા મગેશકરના સ્વરમાં પણ રચવામાં આવ્યું છે. બન્ને વર્ઝન એક જ ક્લિપમાં અહીં મૂકેલ છે-

ક્રોધ કપટ કે અન્ધિયારેમેં, જીવન જ્યોતિ જગાયે જા - અરમાન (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી 
ફરી એક વાર બાઉલ લોક સંગીત પર આધારિત ગીત, ગીતનું ઓડીયો સ્વરૂપ જ ઉપલ્બધ છે, પણ ગીત દેવ આનંદપર તો નહીં જ ફિલ્માવાયું હોય કેમ કે કેટલાંક ગીતો તો તલત મહમૂદના અવાજમાં પણ છે.
શાહીકી ઝંઝીરે તોડકે ચલો, સુની કલાઈયાં મરોડકે ચલો - શહેનશાહ (૧૯૫૩) – ગીતકાર: સાહિર લુધ્યાનવી
લડાઈ પર જઈ રહેલ ટુકડીના કદમતાલ સાથે જે ધુન વગાડાતી હોય છે તેના પર આધારિત ગીત. મન્ના ડેના સ્વરમાં સચિન દેવ બર્મને રચેલ અનોખાં મેઘધનુષ્યનો એક બીજો રંગ.

ઠોકર નસીબ કી જો ખા કર ભી મુસ્કાયે - મિસ ઈન્ડીયા (૧૯૫૭) – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
ટ્રેનમાં ગવાતું 'ભીખારી' ગીત - હિંદી ફિલ્મોનો એક બહુપ્રચલિત ગીત પ્રકાર.
બીજી એક મજાની વાત એ છે કે ૧૯૫૭નાં વર્ષમાં નરગીસ 'મિસ ઈન્ડીયા'થી માંડીને 'મધર ઇન્ડીયા' સુધી પહોંચી ગયાં.

સચિન દેવ બર્મન - મન્ના ડેનાં ગીતોની તવારીખના આ તબક્કે એક બહુ ખાસ ગીત જોવા મળે છે.                           પરંતુ તેની વાત આપણે આજના અંકના અંતમાં કરીશું, જેથી એ ગીતને લગતા વિચારનાં ઘોડાપુર આપણા        મનમાં અસર કરે તે પહેલાં જ હવે પછીના ગીતોને તાણી ન જાય.
તક દુમ તક દુમ બાજે દુનિયા તેરા ઢોલ રે - બમ્બઈકા બાબુ (૧૯૬૦) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી.
ફિલ્મમાં મોહમ્મદ રફીને ફાળે એક બહુ જ ઉત્કૃષ્ટ શ્રેણીમાં ગણાતું સૉલો અને સાવ નવા જ પ્રકારનું યુગલ ગીત પ્રયોજ્યા છતાં પણ સચિન દેવ બર્મને આનંદથી છલકતું આ ગીત મન્ના ડેના સ્વરમાં લીધું છે.

ન તેલ ઔર ન બાતી ન કાબૂ હવા પર દિયે ક્યોં જલાયે જા રહા હૈ - એક કે બાદ એક (૧૯૬૦) – ગીતકાર: કૈફી આઝમી
વધતી જતી વસ્તીના સામાજિક મુદ્દને લગતી આ ફિલ્મનું આ ગીત ફિલ્મના હાર્દને તાદૃશ કરે છે. ગીત વાગે છે બેકગ્રાઉન્ડમાંથી પણ ગીતના શબ્દોમાં રહેલ આક્રોશમય પીડાને મન્ના ડે તથોતથ વ્યક્ત કરે છે.
હમદમ સે મિલે હમ દમ સે ગયે હમદમ ન મિલા - મંઝિલ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
આ ફિલ્મનું થીમ સૉંગ કહી શકાય એવાં ગીત 'યાદ આ ગયી વો નશીલી નિગાહેં' માટે સચિન દેવ બર્મને હેમંત કુમારને પસંદ કર્યા હતા. તેમ છતાં ફિલ્મમાં દેવ આનંદ પર ફિલ્માવાયેલાં બે સૉલો અને એક યુગલ ગીતો મન્ના ડેને આપ્યાં અને બે સાવ અલગ જ પ્રકારનાં યુગલ ગીત મોહમ્મદ રફીના સ્વરમાં રેકોર્ડ કરેલ છે.

અબ કિસે પતા કલ ક્યા હો ના હો - મંઝિલ (૧૯૬૦) – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી
ફિલ્મમાં આ ગીત કાઢી નાખવામાં આવ્યું છે.
સચિન દેવ બર્મન આટલેથી જ અટક્યા નહીં. મન્ના ડેનો તેમણે એક સાવ જ અલગ પ્રકારનાં ગીતમાં પણ બહુ અદ્‍ભૂત પ્રયોગ કર્યો. પણ એ ગીત તો એક નવી કેડી પણ કંડારે છે એટલે એની વાત તો આવતા અંકમાં અલગથી કરીશું.
એટલે ફરી એક વાર ૧૯૬૦ પહેલાંના સમયમાં પાછાં ફરીએ.
તેમની પહેલાંની સાવ મનોરંજક ફિલ્મોને અનુરૂપ રમતીયાળ ગીતો રચનારા ઓ પી નય્યરને બદલે ૧૯૫૭ની ફિલ્મ 'પ્યાસા' માટે ગુરુ દત્તે સચિન દેવ બર્મનને સંગીતનો હવાલો સોંપ્યો. સચિન દેવ બર્મને એક ગીત તો હેમંત કુમારના સ્વરમાં રેકોર્ડ કર્યું, જે આર્દ્ર ભાવનું ગીત છે એટલે હેમંત કુમાર જેપી મૃદુ સ્વરની પસંદ કરવાની વાત સમજ પડે છે. પરંતુ એ સિવાયનાં ગીતોમાં વિદ્રોહના અંડરટોન સાથેની વ્યથા વ્યક્ત કરવાની છે એટલે સચિન દેવ બર્મને ગાયકની પસંદગી માટે ઘણી મથામણ કરી હશે એમ માની શકાય.
'પ્યાસા'નું,શબ્દેશબ્દમાં આ ભાવ ભરેલું, આવું એક ગીત'યે કૂચે યે નીલામ ઘર બેબસી કે યે બીકતે હુએ કારવાં ઝીંદગી કે કહાં હૈ કહા હૈ' આપણે બધાંએ મોહમ્મદ રફીના સ્વરમાં ખૂબ સાંભળ્યું અને સહાર્યું છે. આ ગીતનું કવર વર્ઝન મન્ના ડેના સ્વરમાં પણ ઉપલ્બધ છે. સચિનદાએ ગાયકની પસંદગી માટે કરેલા પ્રયોગોના સમયનું આ રેકોર્ડીંગ છે કે એ સમયે થતું એમ ખાસ રેકોર્ડ કરાયેલું કવર વર્ઝન છે તે તો કહી શકાય તેમ નથી. પરંતુ આ ગીત મન્નાડેની કારકીર્દીની કશ્મક્શનું એક બોલકું ઉદાહરણ ગણી શકાય એમ છે.


સચિન દેવ બર્મનની મન્ના ડેની રચનાઓની આ મંજિલ આપણે હવે પછીના અંકમાં ચાલુ રાખીશું.

No comments: