Sunday, March 17, 2019

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ - પરિચયાત્મક પ્રથમ દર્શન


આપણે જે રીતે જીવતાં રહ્યાં છીએ, કામ કરતાં રહ્યાં છીએ કે એક બીજાં સાથે વ્યવહાર કરી રહ્યાં છીએ તેમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ[1] ધરમૂળનો ફરક કરશે. માનવ વિકાસમાં તે એક એવું નવું પ્રકરણ છે જે પહેલી, બીજી કે ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિને સમકક્ષ કહી શકાય એવાં ટેક્નોલોજિનાં વિકસતાં પરિમાણો શકય બનાવી રહેલ છે.  આ પરિમાણોને કારણે ભૌતિક, ડિજિટલ અને જૈવિક દુનિયાઓનો જે રીતે સગમ બની રહ્યો છે તેને કારણે જબરદસ્ત નવી સકારાત્મક શક્યતાઓ તેમજ સંભાવિત નકશાનો સામે આવી રહ્યાં છે. આ ક્રાંતિની ઝડપ, વ્યાપ અને ઊંડાણ આપણને દેશોના વિકાસ વિષે, સંસ્થા દ્વારા શકય મૂલ્યવૃધ્ધિ વિષે અને માનવજાત માટેના તેના અર્થ સુદ્ધાં માટે, આપણને નવેસરથી વિચારવાની ફરજ પાડે છે. ટેક્નોલોજિનાં બળ વડે થતાં પરિવર્તનથી આગળ વધીને, નેતાઓ, નીતિ ઘડવૈયાઓ અને સમાજના દરેક સ્તરનાં, દરેક દેશોનાં લોકો સહિત બધાં માટે, એક દિશામાં એકત્ર બની રહેલી ટેક્નોલોજિઓની મદદથી, માનવને કેન્દ્રમાં રાખતાં, સમાવેષક ભવિષ્યનાં ઘડતર દ્વારા,  એકબીજાંને મદદરૂપ થવા માટે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ એ એક અનન્ય તક છે. ખરી તક તો, ટેક્નોલોજીને પેલે પાર નજર કરીને, વધારેમાં વધારે લોકોને તેમનાં કુટુંબો, સંસ્થાઓ કે સમાજ પર સકારાત્મક અસર કરી શકવા સામર્થ્યવાન કરી શકવામાં રહેલ છે.

પહેલી ત્રણ ઔદ્યોગિક ક્રાંતિઓ[2]
વિશ્વ અર્થશાસ્ત્રીય મંચ (World Economic Forum)નાં ટેક્નોલોજી નીતિ અને ભાગીદારીઓ વિભાગનાં વડાં, એઝ્વિકા ક્રીગરનું કહેવું છે કે દરેક ઔદ્યોગિક ક્રાંતિમાં, કોઈ એક ચોક્કસ ટેક્નોલોજિની શોધ જેણે સમાજને ધરમૂળથી બદલી નાખવાનું કામ કર્યું હોય, એવું એક આગવું વિષયવસ્તુ રહ્યું છે.
પહેલી ઔદ્યોગિક ક્રાંતિ લગભગ ૧૭૬૯ના ગાળામાં બ્રિટનથી શરૂ થઈ. વરાળ એન્જિનની શોધ તેનું મુખ્ય ચાલક બળ હતું. વરાળ એન્જિને ઉત્પાદન ક્ષેત્રની નવી દિશાઓ ખોલી આપી, જે કારખાનાંઓનાં નિર્માણમાં પરિણમી.
બીજી ઔદ્યોગિક ક્રાંતિ તે પછી લગભગ એક સદી પછી શરૂ થઈ. તેની આગવી લાક્ષણિકતા પોલાદ, તેલ અને વીજળી જેવા નવા ઉદ્યોગોમાં વિશાળ પાયા પરનું ઉત્પાદન (mass production) હતી.  આ ક્રાંતિની નોંધપાત્ર શોધો તરીકે વીજળીનો ગોળો, ટેલીફોન, આંતરિક દહન એન્જિન વધારે મહત્ત્વની કહી શકાય.
સેમીકન્ડક્ટર, પર્સનલ કમ્પયુટર, અને ઈન્ટરનેટની શોધો,ગઈ સદીના છઠ્ઠા દાયકાંથી શરૂ થયેલ, ડિજિટલ ક્રાંતિ તરીકે ઓળખાતી, ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિની મુખ્ય ઓળખરૂપ શોધો છે.
કૃત્રિમ પ્રજ્ઞા (artificial intelligence, AI), માનવવિહિન વાહનો કે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ( IoT) જેવી માનવ જીવનમાં એકરસ બની જતી જણાતી શોધો એ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ[3]ની લાક્ષણિકતા છે. 

ક્રીગર નોંધ લે છે કે ચોથી અને ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિ વચ્ચે બે મુખ્ય તફાવતો છે : ભૌતિક, જૈવિક અને ડિજિટલ દુનિયા વચ્ચે ઘટતું જતું અંતર અને અત્યાર સુધી ન જોવા મળી હોય એ ઝડપે થતા ટેક્નોલોજિના ફેરફારો.
વિશ્વ અર્થશાસ્ત્રીય મંચના સ્થાપક અને કાર્યવાહક અધ્યક્ષ, પ્રો. ક્લાઉસ શ્વાબ તેને ડિજિટલ, ભૌતિક અને જૈવિક વિશ્વ ચચ્ચેની ધુંધળી થતી ભેદ રેખાઓ કહે છે.
ચોથી ઔદ્યોગિક ક્રાંતિની બાબતમાં એક વાતની ખાસ નોંધ લેવી જોઈએ કે તે માનવજીવનની અનેક બાજુઓ અને પ્રવૃતિઓની પ્રણાલિગત તંત્રવ્યવસ્થાને સ્તરે મોટા ફેરફારો કરી રહેલ છે. ઉભરતી ટેક્નોલોજિઓની આ વ્યાપક અસર તેની રોમાંચક શકયતાઓ કરતાં પણ વધારે મહત્ત્વની છે.….આ બધાંને કારણે વૈશ્વિક સ્તરે સામાજિક બદલાવ આવી રહ્યો છે… તે ઉપરાંત જે ઝડપથી આ ટેક્નોલોજીઓ વિકસી રહી છે અને વ્યાપક સ્તરે અમલ થઈ રહી છે તેની પણ માનવ ઓળખ,સમાજ અને રાજકીય માળખાં પર પણ ઊંડી અસર પડી રહી છે.
આ ક્રાંતિ ટેક્નોલોજિથી ઘણી આગળ વધીને વૈશ્વિક સમાજને કે કરવા માટેની, સંપોષિત અર્થવ્યવસ્થા ઊભી કરવાની, સ્રરકારોની શાસન વ્યવસ્થાને ધરમૂળથી આધુનિક બનાવવાની, ભૌતિક અને સામાજિક અસમાનતાઓ દૂર કરવાની અને ઉભરતી ટેક્નોલોજિઓનાં મૂલ્ય-આધારિત નેતૃત્વને પ્રતિબદ્ધ કરવાની અનોખી તક છે.
ચોથી ઔદ્યોગિક ક્રાંતિના ચાર મુખ્ય વિક્ષેપકારી પરિબળો છે : માહિતીસામગ્રીનાં વિશાળ વિસ્તારમાં, અને નવાં ઓછી ઉર્જા વાપરતાં વાઈડ-એરીઆ નેટવર્ક્સની કનેક્ટિવિટીમાં આશ્ચર્યકારક વધારો; વિશ્લેષ્ણાત્મકો (Analytics) અને બીઝનેસ ઇન્ટેલીજન્સ ક્ષમતાનો આવિર્ભાવ; માણસ-મશીન વચ્ચેના આદાનપ્રદાનનાં સ્પર્શ ઈન્ટરફેસ જેવાં નવાં સ્વરૂપ અને સંવર્ધિત વાસ્તવિકતા (augmented-reality) તંત્રવ્યવસ્થાઓ અને ડિજિટલ સુચનાઓને ભૌતિક દુનિયામાં મોકલવાની બાબતે થયેલા સુધારાઓ.[4]
આ દૃષ્ટિએ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ભવિષ્યની આગાહી નહીં પણ કામે લાગી જવાની હાકલ છે. વિકસતી, ચોમેર ફેલાતી અને પોતાનો પગદંડો જમાવતી  ટેક્નોલોજિઓનું તે એવું દીર્ઘદર્શન છે જે બહુજનાય કલ્યાણ, માનવ સમ્માન અને પેઢી દર પેઢી સુધી ઉતરેલ ફરજ ભાવનાની આસપાસ રચાયેલ સામાજિક અને આર્થિક વિકાસનો સામર્થ્યકારક, સહકારયુક્ત અને સંપોષિત પાયો સંવર્ધિત કરે છે. આ દીર્ઘદર્શનને મૂર્ત કરવું એ હવે પછીનાં ૫૦ વર્ષ માટેનો મુખ્ય પડકાર અને મહત્ત્વની જવાબદારી છે.[5]
પડકારો અને તકો[6]
આજે થઈ રહેલાં રૂપાંતરણો ત્રીજી ઔદ્યોગિક ક્રાંતિનું વિસ્તરણ નહીં પણ ચોથી કાંતિનાં અલગથી ઉભરી રહેલ આગમન બની રહેવા માટે ત્રણ મુખ્ય કારણો છે: ગતિ, વ્યાપ અને તંત્રવ્યવસ્થા પરની અસર. અત્યારે જે કંઇ નવું બને તે જે ઝડપે બને છે તેની કોઈ ઐતિહાસિક સમાંતર નથી. પહેલાંની ત્રણ ક્રાંતિઓમાં થયેલા ફેરફારો જો ઉત્તરોત્તર ઝડપથી થતા ગયા એમ કહીએ તો ચોથી ક્રાંતિના ફેરફારોને ઘાતાંકીય ઘોડાપૂરની સાથે સરખાવવા પડે. વળી લગભગ દરેક દેશના દરેક ઉદ્યોગમાં તે વિક્ષેપકારક પ્રતિબળ તરીકે ઊભરી રહેલ છે. તે ઉપરાંત આ ફેરફારોના તાણાવાણાની લંબાઈ અને પહોળાઈ ઉત્પાદન, સચાલન અને શાસનની સમગ્ર તંત્રવ્યવસ્થાઓને આવરી લઈ રહી છે.
ભવિષ્યના તકનીકી નવોન્મેષ પુરવઠા તરફના પણ ચમત્કારો લાવશે જેના પરિણામસ્વરૂપ લાંબાગાળની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં સુધારા થશે. પરિવહન અને પ્રત્યાયન ખર્ચ ઘટશે, માલની હેરફેર અને વૈશ્વિક પુરવઠા સાંકળ વધારે અસરકારક બનશે અને વેપારનાં ખર્ચમાં ઘટાડો થશે, જેને કારણે નવાં બજારો ખૂલીને વ્યાપક આર્થિક વિકાસના દરવાજા ખુલી શકશે. જાણીતા અર્થશાસ્ત્રી એરિક બ્રીન્જોલ્ફસ્સન અને એન્ડ્ર્યુ મેકૅફી ધ્યાન ખેંચે છે તેમ, સાથે સાથે, આ ક્રાંતિ, શ્રમ બજારમાં વિશેષ કરીને,બહુ મોટી અસમાનતા સર્જી શકે છે.
ગ્રાહકની અપેક્ષાઓ, ઉત્પાદનોમાં સુધારાઓ, સહકારજન્ય નવોન્મેષ અને સંસ્થાનાં સ્વરૂપ જેવી ચાર મુખ્ય અસરો ચોથી ઔદ્યોગિક ક્રાંતિ વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રે લાવશે. નવી ટેકનોલોજિઓને કારણે પેદા થયેલ સત્તાની સ્પર્ધા, પુનઃવહેંચણી અને વિકેન્દ્રીકરણના નવા સ્રોતોને કારણે  નીતિના અમલની દોર પોતાના હાથમાં રાખી શકવાની તેની ક્ષમતમાં ફેરફાર થવાને કારણે સામાન્ય પ્રજા સાથે સીધા સંપર્કની અને નીતિ ઘડતરની બાબતે તેમના અભિગમને બદલવા માટે સરકારો પર દબાણ વધશે. શાસકીય તંત્રવ્યવસ્થા અને શાસનાધિકારીઓની ટકી જવાની ક્ષમતા આખરે તો તેમની અનુકૂલનક્ષમતા પર  નિર્ભર બની જશે.
છેવટે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ આપણે જે કંઈ કરીએ છીએ તેટલું જ નહીં આપણને પણ બદલાવીને રહેશે. તે આપણી ઓળખ અને ઓળખ સાથે સંકાળાયેલી, આપણી ગોપનીયતાની ભાવના, આપણા માલિકીના ખ્યાલ, આપણા વપરાશ ની ઢબ, આપણાં કામ અને નવરાશ માટે જે અને જે રીતે સમય ફાળવીએ છીએ, કેમ આપણી કારકીર્દી ઘડીએ છીએ, કે આપણું કૌશલ્ય કેળવીએ છીએ, લોકોની સાથે પેશ આવીએ છીએ અને કેમ સંબંધોને જાળવીએ છીએ, જેવી   દરેક બાબતો પર અસર કરશે. આપણાં આરોગ્ય પર તો તેનો પડછાયો ઉતરી જ આવ્યો છે, અને 'આંકડા'માં માનવીને બતાવતાં બતાવતાં હવે માનવ સંવર્ધન પણ કદાચ કરવા લાગી શકે છે. ચોથી ક્રાંતિ અસરોની આ યાદીની જો કોઈ સીમા હોઈ શકે તો તે માત્ર આપણી કલ્પનાશક્તિની સીમા જ છે.
ઉદાહરણ તરીકે, Elon Musk’s vision for the futureમાં, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ સાથે સંકળાયેલ, બહુ ખ્યાત, એવા એલન મસ્ક કૃત્રિમ પ્રજ્ઞા, પુનઃપ્રાપ્ય ઊર્જા અને અવકાશની ખોજ વિષેનાં ભવિષ્ય વિષે પોતાની કલ્પનાઓ આપણી સાથે વહેંચે છે.

બીજાં એક ઉદાહરણ તરીકે, બહુ વૈજ્ઞાનિક વિચારશક્તિ ધરાવતાં, ટેક નવોન્મેષ, શિક્ષણ અને ઔદ્યોગિક સાહસિકતાનાં ત્રણ અલગ અલગ ક્ષેત્રોની ખાસ પસંદ કરેલાં ત્રણ વ્યક્તિઓની પેનલ ભવિષ્યની રૂપરેખાની સંભાવનાઓ વિષે વાત કરે છે. પેનલમાં ગુગલના "captain of moonshots"ના એસ્ટ્રો ટેલર, સ્ટેનફોર્ડનાં બાયોઈજનેર અને યુનિવર્સિટીની મેડીકલ સ્કૂલનાં એસોશીયેટ પ્રોફેસર ક્રિસ્ટીના સ્મોલ્કે અને ડીએફજેના જનરલ પાર્ટનર સ્ટીવ જુર્વેત્સન છે. સ્ટેનફોર્ડ સ્કૂલ ઑફ એનજિનિયરીંગનાં ડીન ચર્ચાને મોડરેટ કરે છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ વિષે ૪ (ગેર)માન્યતાઓ [7]
#૧ ૪ઔક્રાં ટેક્નોલોજિઓ બહુ મોંધી હોય છે 
પણ મજાની વાત એ છે કે ૪ઔક્રાં ની મદદ વડે ઘણું બધું એવું છે જે કરવા માટે બેંકના ખાતાંમાં ભારેખમ સિલક આવશ્યક નથી.…આ ટેક્નોલોજિઓ વાપરવાની પહેલાં સારૂ એવું કામ કરવું જરૂરી છે, પણ એક વાર તેનો વપરાશ ચાલુ કર્યા પછી સારી એવી સાનુકૂળ પ્રક્રિયાઓ, ટુંકા બની રહેલ સમય ચક્ર, સુધરતી ગુણવત્તા, ઉર્જા વપરાશમાં ઘટાડા ,મરમ્મત માટે જરૂરી સમયમાં ઘટાડો અને સમગ્રપણે ઉપકરણોની વધારે સારી અસરકારકતા જેવા નક્કર ફાયદાઓ બહુ તરત જોવા મળી શકે છે.
#૨ ૪ઔક્રાંને કારણે ચોમેર બેકારી વધશે
ટેક નિવેષક અને સ્પેસX અને ટેસ્લાના નિયામક મંડળના સભ્ય, સ્ટીવ જુર્વેત્સનનાં દીર્ઘદર્શનમાં માણસને કામની - ગુલામ તરીકે પણ - જરૂર નહીં રહે.[8]

પુનરાવર્તી કામો માણસના હાથમાંથી જતાં રહેશે તે વાત મહદ અંશે સાચી કહી શકાય….કારખાનાંઓમાં એસેમ્બલી, માલની હેરફેર, માલની ચકાસણી, મશીનોની સાફસફાઈ જેવાં ઓછાં કૌશલ્યોવાળાં ગણાતાં કામો ઘટશે, પણ તેની સામે માહિતી સામગ્રી વિશ્લેષણ,સોફ્ટવેર ડિઝાઈન, કૃત્રિમ મેધાના ઉપયોગ માટેની તકનીકોના વિકાસ  જેવાં ક્યાં તો બૌદ્ધિક કૌશલ્ય અને ક્યાં તો આંગળાનાં કૌશલ્યોનાં કામો અને તેમનું મહત્ત્વ વધશે. હાલ જે લોકો અત્યારે જે કામ કરી રહ્યાં છે તેમને નવાં કામો માટે કે પુનઃસજ્જ કરવાં અને નવી પેઢીને નવાં કામો માટે કેમ તૈયાર કરવી, તેમ જ ફાજલ પડેલ લોકોને માટે કયાં નવાં કામો આપવા જેવા નવા પડકારો જરૂર સામે આવશે...
#૩ સંપોષિતા હાંસલ કરવા માટે નફો જતો કરવો પડે
છેલ્લી લીટીમાં દેખાતો નફો કે સંપોષિતા એ બેમાંથી એકની જ પસંદગી કરવી એ વ્યક્તિની મનોદશાની મર્યાદા છે...તેમાંથી બહાર આવવા માટે સહુથી પહેલાં તો સંપોષિતાની વ્યાખ્યા બદલવી પડશે. નવાં વૃક્ષો વાવવાં કે છાપરાંઓ પર વધારે સુર્ય-ઉર્જા પૅનલો બેસાડવી એ બધાંથી તો સંપોષિતા કંઈક વિશેષ છે. આ બધું ન કરવું જોઈએ એમ કહેવાનો આશય નથી, પણ સંપોષિતાને સંપોષિત સફળતાના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈશે, જેમ કે શ્રમજીવી વર્ગમાટે વધારે રચનાત્મક સકારક દૃષ્ટિકોણ, વ્યક્તિગત ફાયદાને બદલે સમાજનું શ્રેય, ટુંકા ગાળાના ફાયદાની સામે પર્યાવરણને લાંબા ગાળાનાં નુકસાનો, વગેરે.
#૪ ૪ઔક્રાં તો મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં વિકસિત અથતંત્રોનાં બજારો માટે જ છે
૪ઔક્રાં ટેક્નોલોજિઓના વિકાસ અને ઉપયોગની પહેલી શરૂઆત અહીથી થઈ છે, શરૂઆતના ફાયદાઓ પણ આ ક્ષેત્રોને લગતા જ છે, એ વાત જેટલી સાચી છે તેટલી અધુરી છે. વિશ્વ અર્થશાસ્ત્રીય મંચના તાજેતરના એક અભ્યાસ અહેવાલ - Fourth Industrial Revolution: Beacons of Technology and Innovation in Manufacturing" -માં વિશ્વની ૧૬ 'દીવાદાંડી' ફેક્ટરીઓની વિગત ભવિષ્યની શક્યતાઓ માટેની દિશા સૂચવે છે.
એવું કોઈ ક્ષેત્ર નહીં હોય જેમાં એક યા બીજાં સ્વરૂપે ડિજિટલ ટેક્નોલોજિનો પગપેસારો નહીં થયો હોય. પોતાના આગવા સંદર્ભને ધ્યાનમાં લેતાં કંપનીને કઈ ટેક્નોલોજિ તેનાં પરનાં રોકાણૌમાં સહુથી વધારે વળતર આપી શકશે? સામે જોવા મળતા મુશ્કેલ વિકલ્પો વિષે પસંદગી કરવા માટે મદદરૂપ થવા મૅક્કેન્ઝી કંપનીએ એક 'ડિજિટલ કંપાસ' બનાવેલ છે. કંપાસ ૮ મૂળભૂત મૂલ્યચાલકો અને ઈન્ડસ્ટ્રી ૪.૦ નાં ૨૬ વ્યાવહારીક પ્રભાવકોમાં વહેંચાયેલ છે. એકબીજાં કાર્યક્ષેત્ર વચ્ચેની ચર્ચાઓની મદદથી કંપની નક્કી કરી શકશે ક્યાં પ્રભાવક અને તેની માટે કઈ ટેક્નોલોજિને પોતાની સમસ્યાઓના સંદર્ભમાં પહેલાં અગ્રીમતા આપવી.[10]

પરિવર્તન વાસ્તવિકાતામાં બદલી જાય તે પહેલાં કે તે પછીથી પોતાનાં બીઝનેસ મોડેલનું રૂપાંતરણ કરી શકાયું છે કે નહીં તેના પરથી નક્કી થશે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિની ડિજિટલ શક્તિ કંપની માટે ઉપકારક નીવડી કે હાનિકારક.
આપણે કેટલાં તૈયાર છીએ?

No comments: