Sunday, November 10, 2024

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૯મું સંસ્કરણ - નવેમ્બર ૨૦૨૪

 

શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો

સપન સુહાને (૧૯૬૧)

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) અન્ય સંગીતકારોની સરખામણીમાં પ્રચલિત પ્રણાલીઓ અને પ્રવાહોથી અલગ કૅડી કંડારનારા સંગીતકાર ગણાતા. એ સંદર્ભમાં  શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)  પણ કૅડી કંડારનારા ગીતકાર જ ગણાય. બન્ને માટે ગીતના બોલ કરતાં ગીત માધુર્ય વધારે પવિત્ર રહેતું. એટલે સ્વાભાવિક જ છે કે ગીતના ભાવને રજુ કરવા માટેના બન્ને માર્ગ એક સુર બની રહેતા.



શૈલેન્દ્ર અને સલીલ ચૌધરીના ૧૯ ફિલ્મોનો સંગાથ આંકડાઓની દૃષ્ટિએ કદાચ બહુ માતબર ન ગણાય એમ માનનારો વર્ગ પણ એમ તો જરૂર સ્વીકારે છે કે હિંદી ફિલ્મ સંગીત માટે આ સંગાથ અનોખી કેડી કંડારનારો બન્યો છે. 

નવેમ્બર મહિનામાં સલીલ ચૌધરીની યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫,

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬,

૨૦૨૦માં વર્ષ ૧૯૫૭,

૨૦૨૧માં વર્ષ ૧૯૫૮ થી ૧૯૬૦

૨૦૨૨માં ૧૯૬૧  (ચાર દિવારી) અને

૨૦૨૩માં ૧૯૬૧ (મેમ દીદી)

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

૧૯૬૧માં સલીલ ચૌધરીએ ચાર દિવારી, છાયા, કાબુલીવાલા, માયા, મેમ દીદી અને સપન સુહાને એમ છ ફિલ્મો માટે સંગીત આપ્યું, જે પૈકી શૈલેન્દ્રએ ચાર દિવારી, મેમ દીદી અને સપન સુહાને માટે ગીતો લખ્યાં. આ ત્રણેય ફિલ્મોનાં કેટલાંક ગીતો તો બહુ જ જાણીતાં છે, પણ બાકીનાં ગીતો સહિત દરેક ગીતોમાં સલીલ ચૌધરી કે શૈલેન્દ્ર, કે બન્ને,ની આગવી છાપ એટલી સ્પષ્ટપણે અનુભવાય છે કે આપણે બધી જ ફિલ્મોનાં ગીતોને એક એક મણકામાં વારાફરતી સાંભળવાનું નક્કી કરેલ છે.

તે અનુસાર, સલીલ ચૌધરી સંગીતબદ્ધ કરેલ ફિલ્મોનાં શૈલેન્દ્ર વડે લખાયેલાં, પણ વિસરાતા જતાં ગીતોની યાદ તાજી કરવા આજના મણકામાં આપણે સપન સુહાને (૧૯૬૧)નાં ગીતો યાદ કરીશું.

સપન સુહાને (૧૯૬૧)

કેદાર કપૂર દ્વારા દિગ્દર્શિત અને સુખરામ શર્મા દ્વારા લિખિત સપન સુહાને એ સમયની હિંદી સામાજિક ફિલ્મોના ઢાંચાની એવી નિપજ છે જેમાં વાર્તા અચુક આડે અવળે પાટે ચડી જાય. ફિલ્મનાં ગીતોનો સહારો ન મળે તો પ્રેક્ષક બીચારો સિનેમાગૃહમાં ઢેર થઈ જાય.

ચાંદ કભી થા બાહોંમે - સબિતા ચૌધરી 


ફિલ્મનાં શીર્ષક અને વાર્તાનાં હાર્દને શૈલેન્દ્રએ બહુ ખુબીથી ગીતના મુખડાના બોલમાં વણી લીધેલ છે.

ચાંદ કભી થા બાહોંમેં 
ફુલ બિછે થે રાહોંમેં 
અબ તો વો સપને ગયે બિખર 
ડૂબ ગયે હમ આહોંમેં 



દિલ કેહતા હૈ કે જ઼રા તો દમ લે લો - મન્ના ડે


ટ્રક ડ્રાઈવર્સની ટ્રકનાં પૈડાં પરની જીંદગીમાં બે પળ આમ મોજ પણ કરી લેવાય ! 




ઘુંઘટ હટા ન દેના ગોરીયે ચંદા શરમ સે ડૂબેગા - લતા મંગેશકર 


સલીલ ચૌધરી પંજાબી લગ્ન લોક ગીતને પોતાની આગવી વાદ્યસજ્જા શૈલીથી રમતું મૂકે છે.



લો સુન લો મેરા અફસાના - મન્ના ડે 


ગ્રામ્ય પરિવેશમાં ચાલતાં ફરતાં થિયેટર દ્વારા રજુ થતા કાર્યક્રમોની મજા કંઈ ઓર જ રહેતી. હિંદી ફિલ્મોએ આ લોકકલાને બહુ તાદૃશ સ્વરૂપે રજુ કરી છે. લગભગ દરેક સંગીતકાર અને ગીતકારે આ ગીત પ્રકારને પોતપોતાની દૄષ્ટિથી રજુ કરીને આ કળાને જીવંત રાખેલ. 



નામ મેરા નિમ્મો મુકામ લુધિયના - લતા મંગેશકર, મન્ના ડે, દ્વિજેન મુખર્જી 


ગ્રામ્ય થિયેટરમાં નૃત્ય ગીતોની નિર્ભેળ મુકત રજૂઆતને લતાના સ્વરમાં સલીલ ચૌધરી અને શૈલેન્દ્ર આ રીતે નિખારે છે -

અહાઆ રે અહાઆ ઝૂમતી નવેલી
અહાઆ રે અહાઆ નાર અલબેલી 
અહાઆ રે અહાઆ પ્યારકી પહેલી 
અહાઆ રે અહાઆ નાર અલબેલી
અહાઆ અહાઆ અહાઆ 


નઝર સે મિલ ગયી નઝર ઔ પલ મેં દિલ તેરા હુઆ - સબિતા ચૌધરી, દ્વિજેન મુખર્જી 


કુદરતની સંગાથે પ્રેમી પંખીડાં પોતાના પ્રણયની કબુલાતને માણે છે.

અહીં પણ સલીલ ચૌધરી મુખડામાં પાશ્ચાત્ય તાલ વાદ્ય અને અંતરામાં દેશી તાલ વાદ્યોના પ્રયોગની કેવી સરળ રજૂઆત કરે  છે ! 


ઓ ગોરી આ જા ગાડી વિચ બૈઠ જા  .... જાઓ જી જાઓ કોઈ દેખ લેગા -   મન્ના ડે, લતા મંગેશકર


ટ્રક ડ્રાઈવર પ્રેમિકાને ભલે પોતાની ગાડીમાં ફરવા લઈ જ્વાની જ મોજ કરાવે, પણ બન્ને દિલમાં પ્રેમની સરવાણીઓની ગોષ્ઠિઓમાં કલ્પનાશીલતામાં કમી થોડી આવે! શૈલેન્દ્ર અને સલીલ ચૌધરી પણ આ પ્રણય ગોષ્ઠિમાં પોતપોતાના રંગ પૂરે છે - 

કહ દો ડોલી લેકે આઉં
બના કે દુલ્હન તુઝકો ઘર લે જાઉં
અગર તૂ દિલસે કહે હાં

અગર તુમ ડોલી લેકે આઓ
બિઠાકે પલકોમેં, મુઝકો લે જાઓ
મેરા દિલ કહે ચાહે ના 

ભુલા મત દેના વા..... દા ..... 

સનમને કર તો દિયા હાં



શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતો  યાદ કરાવતી આપણી સફર હજુ ચાલુ છે. 


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: