Saturday, July 12, 2014

એક ગીતનાં અનેક સ્વરૂપ : મણકો – ૧

મણકો – ૧ : વિષય પ્રવેશ
પશ્ચિમના દેશોમાં કોઇ પણ ખ્યાતનામ ગાયકનાં બહુ જ લોકપ્રિય ગીતને બીજાં ગાયકો પોતાની રીતે ગાય અને રેકોર્ડ કરે એ પ્રથા 'કવર વર્ઝન' (cover version) ગીતો તરીકે ઓળખાય છે.  આમ એક ગીત અનેક સ્વરૂપે પ્રચલિત થતું રહે છે.  એવા પણ કેટલાય દાખલાઓ નોંધાયા છે, જ્યાં મૂળ ગીત કરતાં કવર વર્ઝન વધારે લોકપ્રિય થયાં હોય.
આપણે ત્યાં ૧૯૪૦ - ૧૯૫૦ના દાયકામાં અનેક જાણીતાં ગાયક ગાયીકાઓ દ્વારા જાણીતાં ગીતોનાં 'કવર વર્ઝન'ની રેકર્ડ્સ બહાર પડતી.
આનું એક કારણ હતું જુદી જુદી રેકર્ડ કંપનીઓના જુદા જુદા કલાકારો સાથેના કરાર.
જેમ કે, પંકજ મલ્લિક અને કે સી ડે ના અનુક્રમે કોલંબીયા અને એચ એમ વી સાથેના કરારનુ પઅલન થાય એટલા સારુ  'ધરતી માતા' (૧૯૩૮)નાં પંકજ મલ્લિક, ઉમા શશી અને કે એલ સાયગલે ગાયેલ "દુનિયા રંગરંગીલી" ગીતને


ફિલ્મમાં કે સી ડે, ઉમા શશી અને કે એલ સાયગલનાં અવાજમાં ફિલ્માવાયું હતું.


તો વળી એક ગાયકે ગાયેલાં ગીતને બીજા એવા જ સિદ્ધ ગાયક પાસે પણ રેકોર્ડિંગ કંપનીઓ ગીતો ગવડાવતી..ફિલ્મ 'ભાભી' (૧૯૫૭ )નું મોહમ્મદ રફીએ ગાયેલ ગીત ચલ ઊડ જા રે પંછી


અને તે સમયના એટલા જ સક્ષમ ગાયક તલત મહમૂદે ગાયેલ તેનું આ પ્રકારનું 'કવર વર્ઝન છે -


'એચ એમ વી'એ આ ગીતની બકાયદા રેકર્ડ - Version Recording FT 21027 Twin / Black Label 78 RPM - પણ બહાર પડેલી. શ્રી હરમંદિર સિંહ 'હમરાઝ'ના "હિદી ફિલ્મ ગીત કોશ'ના દરેક ભાગના અંતમાં આવાં કવર વર્ઝનને વિગતે નોંધવામાં આવેલ છે. ડાઉન મેમરી લેન નાં Version Songs  પૃષ્ઠ પર પણ આવાં ગીતોની યાદી જોઇ શકાય છે.

કોઇ નવા કલાકારની કારકીર્દીના શરૂઆતના સમયમાં તેને પ્રસ્થાપિત કરવા માટે આ માધ્યમનો ઉપયોગ કરાતો. વર્તમાન સમયના ગાયક સોનુ નિગમે પણ તેમની કારકીર્દીના શરૂઆતના સમયમાં ટી-સીરીઝના નેજા હેઠળ મોહમ્મદ રફીનાં 'કવર' ગીતો ગાયાં હતા. એવાં જ 'કવર ગીત તરીકે તેમણે ગાયેલ 'ચલ ઊડ જા રે પંછી' પણ સાંભળીએ.
કોઇ ગીત કે ગાયકને અંજલિ સ્વરૂપે ખાસ કરીને 'કવર' ગીત રેકોર્ડ કરવામાં આવતાં. આપણે ત્યાં આ પ્રકારનાં ગીતોનાં રેકોર્ડીંગ્સને વાણિજ્યિક સફળતાના માપદંડથી મિશ્ર આવકાર મળ્યો છે. ઉદાહરણ સ્વરૂપે આપણે 'કિસ્મત' (૧૯૪૩)નાં અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ પારૂલ ઘોષનાં ગીત 'પપીહા રે પપીહા રે મેરે પિયા સે કહિયો જા'


ને લતા મંગેશકરે શ્રધ્ધાંજલિ સ્વરૂપે ગાયેલ વર્ઝન


સાંભળીએ.
કોઇ એક બહુ જ લોકપ્રિય ગાયક કે ગીતને અંજલિ  આપવા માટે ઘણા ખ્યાતનામ કલાકારો એ ગીતને પોતાના લાઇવ કન્સર્ટમાં પોતાના અંદાજમાં રજૂ કરતાં હોય છે. જેમ કે, મન્ના ડેના સૂરમાં ગવાયેલ ફિલ્મ 'વક્ત' (૧૯૬૫)નું ગીત 'અય મેરી ઝોહરા ઝબીં'


અને એક બહુ જ ખ્યાતનામ અફઘાન ગાયક ઉસ્તાદ સાદેક ફીતરત નશનાશે ગાયેલ અંજલિ સ્વરુપ તેની આ રજૂઆત.


ઇન્ટરનેટના આજના યુગમાં સંગીતનાં અનેક ચાહકોએ આવાં કેટલાંય અમૂલ્ય ગીતો અને તેનાં વર્ઝન ગીતોને  આપણી સમક્ષ લાવીને મૂકી આપ્યાં છે. એ બધાં જ ચાહકોનાં યોગદાનને પરિણામે આ અક્લ્પ્ય વારસાને એક નવો જન્મ મળ્યો છે.

આપણાં ફિલ્મ સંગીતમાં એક ગીતને વિવિધ સ્વરૂપે મૂકવા માટેની અનેકવિધ શક્યતાઓનો ભરપૂર ઉપયોગ આપણા સંગીતકારોએ કરેલ છે. આપણે આ લેખમાળામાં  આવા અલગ અલગ પ્રયોગોને સાંભળીશું અને માણીશું.

-          વેબ ગુર્જરી પર પ્રકાશીત થયા તારીખ : ૧૨ જૂલાઇ, ૨૦૧૪

No comments: