અભીનેત્રી / ગાયિકા (કે ગાયિકા / અભિનેત્રી) સુરૈયાનું નામ પડતાં જ આપણા સમરણપટ પહેલાં તો હુસ્નલાલ ભગતરામ કે ગુલામ મોહમ્મદ કે નૌશાદ કે સચીન દેવ બર્મનનાં ગીતોની યાદ સૌથી પહેલાં તાજી થાય. એમ થવું સ્વાભાવિક પણ છે, કારણકે આ સંગીતકારો સાથે સુરૈયાએ તેનાં સદાબહાર ગીતોમાંનાં મહત્તમ ગીતો ગાયાં છે. પરંતુ, થોડીક ક્ષણોમાં જ કર્ણપટલ પર 'દૂ..ર.. પપીહા બોલા' પણ રણઝણવા માંડશે.
અનિલ બિશ્વાસનાં સંગીતમાં સુરૈયાનાં ગીતો મોડી રાતે સંભળતાં પપીહાની સુરીલી તાન જેવાં જ છે. સંભળાતાં હોય ભલે દૂરથી, પણ (સુરૈયાનાં ગીતોની) બાકી રહેલ રાતમાં (અનિલ બિશ્વાસનાં સંગીતમાં, સંખ્યાની દૃષ્ટિએ ભલે થોડાં પણ બાકી બધી જ દૃષ્ટિએ એટલાંજ નોંધપાત્ર એવાં, સુરૈયાના કંઠેથી ગવાયેલાં ગીતોની) મારી-તમારી મીઠી યાદોની મુલાકાતની વાત તો બાકી જ રહી જાય, જો અનિલ બિશ્વાસનાં સંગીત જગતની રંગોળીમાં સુરૈયાનાં અનેરાં ગીતોની રંગમેળવણીની વાત ન થાય.
સુરૈયાની ગાયિકા તરીકેની કારકીર્દીના શ્રીગણેશ 'નઇ દુનિયા'કે 'શારદા' જેવી ફિલ્મોમાં નૌશાદનાં સંગીત હેઠળ થયા. પરંતુ ૧૯૪૩માં રજૂ થયેલ બોમ્બે ટૉકીઝની અનિલ બિશ્વાસની સંગીતબદ્ધ 'હમારી બાત'માં અરૂણ કુમાર સાથે સુરૈયાએ ગાયેલાં ચાર યુગલ ગીતોએ એ સમયની અન્ય મશહૂર ગાયિકાઓની સાથે અગ્રીમ હરોળમાં એક ગાયક તરીકે સુરૈયાનાં આગવાં સ્થાનને સુનિશ્ચિત કરી આપ્યું. સંગીતકાર અનિલ બિશ્વાસ, અને બંને મુખ્ય અદાકાર-ગાયકો, તલત મહમૂદ અને સુરૈયાનાં પોતપોતાનાં સંગીતવિશ્વમાં પણ તે પછી ૧૯૫૪માં રજૂ થયેલ ફિલ્મ ‘વારીસ'નાં ગીતો ટોચનાં ગીતો બની રહ્યાં. તે પછીથી અનિલ બિશ્વાસ અને સુરૈયાને સાથે કામ કરવાની તક ગજરે (૧૯૪૮), જીત (૧૯૪૯) અને દો સિતારે (૧૯૫૧)માં જ મળી.
આમ પાંચ ફિલ્મોમાં થઇને સુરૈયા-અનિલ બિશ્વાસ સંયોજનમાં માંડ ૨૫ ગીતો થયાં છે, જે પૈકી ૧૬ સોલો ગીતો, ૮ યુગલ ગીતો અને એક ત્રિપુટી-ગાયન રહ્યાં. અનિલ બિશ્વાસનાં સંગીતને એક ખાસ વાત એ રહી છે કે જે કોઇ ગાયક સાથે તેમનાં બહુ ગીતો નથી થયાં, તેમાંનાં દરેક ગીત વાણિજ્યિક સફળતાના માપદંડ પર કદાચ ખરાં ન પણ ઉતર્યાં હોય, પણ તેમની સંગીતકાર તરીકેની અને એ ગાયકના અવાજની બધી જ ખૂબીઓ એટલાં ગીતોમાં પણ નીખરી જ રહી હોય છે. અનિલ બિશ્વાસનાં સંગીતમાં સુરૈયાનાં ગીતો પણ તેમાં કશો જ અપવાદ નથી ચાતરતાં.
૧. દૂર પપીહા બોલા, રાત આધી બહ ગઇ, મેરી તુમ્હારી મુલાકાત બાકી રહી ગઇ - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'
પાશ્ચાત્ય વાદ્યો ની સાથે ભારતીય વાદ્યોની સૂર મેળવણી અને લયનાં વૈવિધ્યને કારણે ગીતને જે મધુર કર્ણપ્રિયતા સાંપડે છે તેને સુરૈયાના સ્વરની મીઠાશ પૂરેપૂરો ન્યાય આપે છે.
૨.ઓ દુપટ્ટા રંગ દે મેરા રંગરેજ - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'
બહુ પ્રખ્યાત ન થયું હોય,પણ ખૂબીઓની દૃષ્ટિએ જરા પણ ઓછું ન પડે તે કક્ષાનું ગીત.
૩. જલને કે સિવા ઔર ક્યા હૈં યહાં - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'
સુરૈયાના અવાજનો બધા જ સંગીતકારોએ કરૂણ રસમાં પણ બહુ જ અસરકારકપણે ઉપયોગ કર્યો છે.
૪. રેહ રેહ તેરા ધ્યાન રૂલાતા હૈ - ગજરે (૧૯૪૮) - ગીતકાર : ગોપાલ સિંગ 'નેપાળી'
આ ગીતમાં સુરૈયાની ગાયકીમાં હુસ્નલાલ ભગતરામ હેઠળની અસરની છાંટ જણાય છે.
આડ વાત :
અહીં જે ફિલ્મોની વાત કરી છે તેમાં સુરૈયા સિવાય બીજી પાર્શ્વગાયિકાઓના સ્વરનો પણ ઉપયોગ કરાયો છે.
સંગીતકાર જુદા જુદા ગાયકોની રજૂઆત કેટલી ખૂબીથી કરે છે તે પણ આપણે લતા મંગેશકરનાં 'બરસ બરસ બદલી ભી બરસ ગઇ' ગીતમાં માણીએ. આ ગીતમાં મુખડાની શરૂઆતમાં લતા પાસે ગવડાયેલ આલાપ એ ખૂબીનો પૂરાવો કહી શકાય. આ ગીતમાં મુખડાની શરૂઆતમાં ગવડાયેલ આલાપ એ ખૂબીનો પૂરાવો કહી શકાય.
૫. કરવટેં બદલ રહા અબ સબ જહાન - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
આ યુગલ ગીતમાં સુરૈયાની ભૂમિકા 'સેકંડ ફીડલ'ની અનુભવાશે, પણ ગીતમાં તે સમયના સમાજના બદલાવની વાત થઇ રહી છે, એ ઐતિહાસીક પરિપ્રેક્ષ્યમાં ગીતનું સ્થાન મહત્ત્વનું બની રહે છે.
૬. જીવન જમુના પાર મિલેંગે - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
બદલતા સમાજના પ્રવાહમાં પણ બે પ્રેમીજન જીવન જમુનાને પાર મળવાની ઉત્કટતા સેવે છે.
૭. સાકીકી નિગાહેં શરાબ હૈ - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : પંડિત નરેન્દ્ર શર્મા
ગીતકાર શાકીની નિગાહોંમાં શરાબને જૂએ તે તેઓ સમજી શકાય, પણ સંગીતકાર અને ગાયકોએ પણ ગીતનાં રોમાંસને ધબકતો રાખવામાં કસર નથી છોડી.
૮. બિસ્તર બિછા દિયા હૈ તેરે દર કે સામને - હમારી બાત (૧૯૪૩) - અરૂણ કુમાર સાથેનું યુગલ ગીત - ગીતકાર : વલી સાહબ
અહીં કૂચની ધૂનનો ઉપયોગ એક્દમ હલકાં ફૂલકાં ગીતની રચનામાં બહુ જ રચનાત્મક કરાયો છે. અંતરાની શરૂઆતમં પણ કંઇ નવીનત કરવી એ પણ અનિલ બિશ્વાસની ખાસીયત રહી છે.
૧૯૪૩માં સંગીતબદ્ધ થયેલાં આ ગીતોમાં અનિલ બિશ્વાસ વાદ્યસજાવટમાં એ સમયની પ્રથાથી આગળ નીકળી રહ્યા જણાય છે, પરંતુ ૧૯૩૦ના દાયકાનાં 'થીયેટર'માં જે પ્રકારનાં સંગીતનું ચલણ હતું તેની અસર ગીતનાં મૂળ પોતમાં જણાય છે.
૯. તુમ મીત મેરે તુમ પ્રાણ મેરે - જીત (૧૯૪૯) - ગીતકાર : પ્રેમ ધવન
આ ગીતના સમયમાં દેવ આનંદ અને સુરૈયાનાં ખરાં જીવનમાં પણ આવા જ ભાવ છલકતા હતા.
૧૦. કુછ ફૂલ ખીલેં અરમાનોં કે - જીત (૧૯૪૯) - ગીતકાર : પ્રેમ ધવન
કોઇ પણ બે પ્રેમીજનોના પ્રેમમાં તડકી છાંયડીઓ શા માટે આવતી જ હશે?
૧૧. તુમ મનકી પીડા ક્યા સમજો - જીત (૧૯૪૯) - ગીતકાર : પ્રેમ ધવન
ફિલમમાં નાયક કહી ઉઠે છે કે 'તુમ મનકી પીડા ક્યા સમજો'. જેના પ્રતિભાવમાં નાયિકા પોતાની પીડા સમજાવતાં સમજાવતાં જાણે કહે છે કે અંતે તો બંને (કે બધાં) પ્રેમીઓની પીડા એક જ હોય છે.
આડ વાત :૧૨. ચાહે કિતની કઠીન ડગર હો - જીત (૧૯૪૯) -શંકર દાસગુપ્તા સાથે યુગલ ગીત - ગીતકાર : પ્રેમ ધવન
એ જ ફિલ્મમાં જરૂર મુજબ અન્ય ગાયિકાના સ્વરનો ઉપયોગ કરવાનું એક ઉદાહરણ આપણે પહેલાં જોઇ ચૂક્યાં છીએ. 'જીત'નાં કીર્તન ધૂનવાળાં ગીતની સીચ્યુએશનમાં અન્ય અભિનેત્રી માટેનં ગીત 'સુનો સુનો બનવારી મેરે'માં ગીતા દત્તના સ્વરમાં ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. આ ગીતને સંગીતબદ્ધ શ્યામ બાબુ પાઠકે કરેલ છે.
આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાના સંયુક્ત સંકલ્પને ગીતની કૂચની ધૂન દ્વારા ઝીલી લેવાયો છે.
આ ફિલ્મમાં શ્યામ બાબુ પાઠક દ્વારા સ્વરબધ્ધ થયાં હતાં એવાં સુરૈયાના કઠમાં ગવાયેલાં ગીતોની પણ અહીં આપણે નોંધ લઇ જ લઇએ, કેમ ખરૂં ને?
૧૩. કામ કરો ભી કામ કરો તુમ અપના ઘરમેં કામ કરો - હો - જીત (૧૯૪૯) - વિનોદ અને ગીતા દત્ત સાથેનું ત્રિપુટી ગીત - ગીતકાર : પ્રેમ ધવન
૧૪. બન જાઓ હિંદુસ્તાની – જીત (૧૯૪૯) - વિનોદ અને ગીતા દત્ત સાથેનું ત્રિપુટી ગીત - ગીતકાર : પ્રેમ ધવન
મંચ ઉપર ભજવાઇ રહેલ ગીત નાટિકાનો વિષય પણ તે સમયની દેશદાઝની લાગણીને પ્રતિબિંબીત કરે છે.
સાભાર : Door Papiha Bola: Suraiya by Anil Biswas
અનિલ બિશ્વાસનાં સંગીતમાં સુરૈયા દ્વારા ગાયિકા-અભિનેત્રીની ભૂમિકાવાળી પાંચમાંથી ત્રણ ફિલ્મોનાં ગીતો આપણે આજે માણ્યાં. બાકી રહેલી બે ફિલ્મોનાં ગીતો આપણે લેખના ઉત્તરાર્ધમાં ૨૫ ઑક્ટોબર, ૨૦૧૪ ના રોજ સાંભળીશું.
- વેગુ પર પ્રકાશીત કર્યા તારીખઃ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪
No comments:
Post a Comment