Sunday, December 11, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ડીસેમ્બર, ૨૦૧૬સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૪૪-૪૮ :
હિંદી ફિલ્મ સંગીત જગત સાથે સંકળાયેલ વ્યક્તિઓની જન્મ-મૃત્યુ તિથિના સંદર્ભમાં ડીસેમ્બર માસને ખાસો એવો સંબંધ છે. મોહમ્મદ રફીની પણ જન્મતિથિ ૨૪ ડીસેમ્બર (૧૯૨૪, કોટલા સુલ્તાન સિંઘ - પંજાબ, હવે પાકિસ્તાનમાં)ના રોજ છે. આપણે આ મહિનાના આપણા પ્રસ્તુત અંક માટે કોઇ પણ સંગીતકાર સાથે મોહમ્મદ રફીએ પહેલવહેલી વાર જે ફિલ્મમાં સૉલો ગીત ગાયું હોય એવાં ગીતને સાંભળીશું.

મોહમ્મદ રફી તેમની કારકીર્દીમાં કંઈ કેટલાય સંગીતકારો સાથે કામ કર્યું છે.એટલે એક જ અંકમાં આ બધા સંગીતકારો સાથેની પહેલી ફિલ્મનું એક એક ગીત પણ સમાવવું શક્ય નથી. માટે આપણે આપણો આ પ્રયોગ હવે પછીથી દરેક વર્ષે મોહમ્મદ રફીની જન્મ અને મૃત્યુની પુણ્ય તિથિઓએ કરીશું. આ માટે આપણે તેમની કારકીર્દીની શરૂઆતનાં વર્ષ ૧૯૪૪થી પાંચ પાંચ વર્ષના અંતરાલને આપણો સંદર્ભ સમય તરીકે લઈશું. જે ફિલ્મમાં એકથી વધુ સૉલો ગીત હશે તેમાંથી મેં મને જે ગમ્યું તે એક ગીત અહીં રજૂ કરેલ છે.

આપણો આશય એ સંગીતકારના મોહમ્મદ રફીની ગાયકી પર પ્રભાવ કે મોહમમ્દ રફીની એ સંગીતકારની સફળતા પર અસર જેવાં કોઈ વિશ્લેષ્ણ કરવાનો નથી. મોહમ્મદ રફીનાં વિસારે પડતાં જતાં ગીતોની યાદ ફરી એકવાર, બસ, તાજી કરી એ આપણો આશય છે..

મોહમ્મદ રફીની કોઈ પણ સંગીતકાર સાથેની પહેલી ફિલ્મની સફરની શરૂઆત આપણે તેમની લગભગ સાડા ત્રણ દાયકાની કારકીર્દીનાં ૧૯૪૪થી શરૂ થતા પહેલા પાંચ વર્ષના અંતરાલથી કરીશું. પહેલો જ અંતરાલ હોવાને કારણે સ્વાભાવિક જ છે કે આ સમયમાં કદાચ સૌથી વધારે સંગીતકારો સાથે રેકર્ડ થયેલાં ગીતો આપણને સાંભળવા મળે. આ સમયમાં બીજા ઘણા પુરુષ ગાયકો પ્રસ્થાપિત હતા. મોહમ્મદ રફીના અવાજમાં કંઈક નવું જોવા મળ્યું હશે કે અન્ય કંઈ પણ કારણ હશે, પરંતુ હકીકત એ છે કે મોહમ્મદ રફી જૂદા જૂદા સંગીતકારો દ્વારા હવે પસંદ થવા લાગ્યા હતા.આ સમયમાં મોહમ્મદ રફીનાં કેટલાંક ગીતો સદાબહાર પણ નીવડ્યાં, તો કેટલાંક તેમનાં સર્વશ્રેષ્ઠ ગીતોની યાદીમાં સ્થાન પામવાની કક્ષાનાં પણ નીવડ્યાં. જેમ જેમ વર્ષો જતાં ગયાં તેમ તેમ તેમની આગવી હરકતો વગેરેથી તેમની ગાયન શૈલી જરૂર અલગ કેડી કંડારાતી થઈ, પરંતુ શરૂઆતથી જ તેમની શૈલીનું એક આગવાપણું તો સ્વાભાવિકપણે જ જોવા મળે છે.
૧૯૪૪
મોહમ્મદ રફી ૧૩ વર્ષની ઉમરે જાહેર કાર્યક્રમમાં પહેલી વાર કેમ ગાયું, કે કયા સંજોગો તેમને મુંબઈ ખેંચી લાવ્યા, કે કેમ તેમણે ફિલ્મોમાં પહેલાં પહેલાં ગીતો ગાયાં એ વિષે બહુ બધા ફિલ્મ જગતના ઈતિહાસકારોએ બહુ બધું લખ્યું છે. આપણે તો એટલું જ અહીં નોંધીશું કે તેમનું સર્વપ્રથમ ગીત શ્યામ સુંદરનાં સંગીતમાં પંજાબી ફિલ્મનું  ગુલ બલોચનું ઝીનત બેગમ સાથેનું યુગલ ગીત 'સૂણીયે ની નીરીયે ની યાદ ને બહુત સતાયા' હતું. હિંદી ફિલ્મોમાં તેમનું પહેલું ગીત પણ શ્યામ સુંદરનાં સંગીતમાં  જી એમ દુર્રાની સાથેનું 'ગાંવ કી ગોરી' ફિલ્મ માટેનું યુગલ ગીત જબ દિલ હો કાબુમેં તો દિલદારકી ઐસી તૈસી હતું.
નૌશાદ (અલી) સાથેનું મોહમ્મદ રફીનું પહેલવહેલું ગીત પણ ૧૯૪૪માં જ હતું. નઝીમ પાનીપતીએ લખેલ કોરસ ગીત હિંદુસ્તાન કે હૈ હમ, હિંદુસ્તાન હમારા રફીનું સૌથી પહેલું દેશભક્તિ ગીત પણ બની રહ્યું. શ્રી અરૂણ કુમાર દેશમુખના આ ગીત પરના લેખમાં બીજી ઘણી રસપ્રદ માહિતી જાણવા મળે છે.તેઓએ ખાસ નોંધ લીધી છે કે આ ગીતનાં કોરસમાં શ્યામ કુમાર, અલાઉદ્દીન નવેદ અને બી એમ વ્યાસનું યોગદાન પણ મહત્ત્વનું રહ્યું છે.
૧૯૪૫
એ સમયના ખ્યાતનામ સંગીતકાર પંડિત ગોવીંદરામ દ્વારા  સંગીતબધ્ધ થયેલાં, રમેશ ગુપ્તાએ લખેલાં 'હમારા સંસાર'નાં ગીતમાં ભલે ક્યાંક રફીની કાચી યુવાનીની છાંટ જોવા મળશે પણ ગાયન શૈલીમાં ક્યાંય કચાશ નથી ભાળવા મળતી:
અય દિલ-એ-નાક઼ામ અબ જિનેકી તમન્ના છોડ દે 

શરબતી આંખેંમાં ફિરોઝ નીઝ઼મીએ રફીના અવાજમાં ત્રણ સૉલો ગીતો રેકર્ડ કર્યાં. સૂરના ઉતાર ચડાવ અને દરેક ગીતની ખાસી અઘરી ધુન પણ મોહમ્મદ રફીની ગાયકીને નડી નથી જણાતી. તન્વીર નક્વીનું જે ગીત અહીં રજૂ કરવાનું પસંદ કર્યું છે તેમાં મુખડાની દ્રુત લય, અંતરાની શરૂઆતના નીચા સૂર અને પછી પાછી દ્રુત લય ખાસ આકર્ષણ જણાય છે.
બહુત મુખ્તસર હૈ હમારી કહાની 

અહીં આપણે ખાસ નોંધ કરીશું કે એક જ વર્ષ બાદ ફિરોઝ નીઝ઼મીએ મોહમ્મદ રફી પાસે વો અપની યાદ દિલાને કો એક ઈશ્ક઼કી દુનિયા છોડ ગયે ગવડાવ્યું. આ ગીતમાં મોહમ્મદ રફીએ પહેલી જ વાર નાનકડી ભૂમિકા પર્દા પર પણ ભજવી! તે સાથે જ તેમને એ સમયનાં ગીત સામ્રાજ્ઞી નુરજહાં સાથે પહેલું યુગલ ગીત યહાં બદલા વફાકા બેવફાઈ કે સિવા ક્યા હૈ ગાવાની પણ તક મળી. ગીતને બેસુમાર લોકપ્રિયતા મળી તે તો આજે પણ આપણને સુવિદિત જ છે.

હફીઝ ખાને નક્શબ જરાચવીના શબ્દોના કરૂણ ભાવોને ઝીનત માટે મોહમ્મદ રફીના અવાજમાં સ્વરબાંધણીમાં કંડાર્યા. રફીના અવાજમાં કોઈ જ જાતની નાટકિયતા વગરનો કરૂણ રસ આપણું ખાસ ધ્યાન ખેંચે છે.
હાય રે દુનિયા.. કિતની દિલ આઝાર હૈ દુનિયા, જૂંઠોંકા દરબાર દુનિયા  


૧૯૪૬
એસ ક઼ુરેશીએ કંઈક અંશે દ્રુત લયમાં પરંપરાગત ઈબાદતની સ્વરબાંધણી કરી છે. શેવાન રીઝવીએ ફિલ્મની સીચ્યુએશન મુજબ, ૭૮-આરપીએમની રેકર્ડ માટે સ્વીકૃત સમય લંબાઈમાં ગીતને જરૂરી શબ્દોથી સજાવી લીધું છે. આવનારાં વર્ષોમાં આવી બંદગીની રચનાઓ કે ભજનોના ફિલ્મ ગીતોના પ્રકાર માટે રફીની આગવી શૈલીની પણ નોંધ લેવાતી થશે.
મિલતા હૈ ક્યા નમાઝમેં સઝદે મૈં જા કે દેખ 

હિંદી ફિલ્મ સંગીતનાં મારાં મર્યાદિત જ્ઞાનમાટે શંકર રાવ વ્યાસ નવું નામ છે. 'ઘુંઘટ'નાં રમેશ ગુપ્તાએ લખેલાં આ સૉલો ગીતમાં રફી તેમની નૈસર્ગિક અદામાં ખીલી ઊઠ્યા છે. 
બહૂત માયુશ હો કર કૂચા-એ-ક઼ાતિલ સે હમ નિકલે 

આ જ વર્ષમાં શંકર રાવ વ્યાસની સંગીત ગુંથણીમાં મોહમ્મદ રફીનાં સૉલો ગીત 'મેરા ગીત'માં પણ સાંભળવા મળે છે. કઈ ફિલ્મ પહેલાં રજૂ થઈ હશે એ આપણી જાણમાં નથી એટલે આપણે રમેશ ગુપ્તાએ જ લખેલ એક વધારે ગીતને અહીં સમાવી લઈશું
આપસ કે ઝઘડોંને દેખો ભારતકો બરબાદ કિયા, જિનકા થા મોહતાજ જમાના આજે ઈન્હે મોહતાજ કિયા

બશીર દેહલ્વીહવાઈ ખટોલાનાં આ ગીતમાં શરૂથી કરીને આખાં ગીતમાં મોહમ્મ્દર રફીના સ્વરના ઊંચા સૂરથી નીચા સૂરના ચડ ઉતરનો બહુ સુંદર પ્રયોગ કર્યો છે. 
મેરી બિગ઼ડી હુઈ ક઼િસ્મત કે નક્શા દેખનેવાલો... હોટોં કી હસીં ક્યા હૈ, ક્યા અશ્ક઼ બહાના હૈ 

એસ એન ત્રિપાઠી'માનસરોવર'માટે મોહમ્મદ રફીનાં રચેલાં સૉલો ગીત બઢે ચલો બઢે ચલો બહાદુરોંની ઈન્ટરનેટ પરની લિંક મળી શકી નથી.
'રંગભૂમિ' માટેની સંગીતકાર પ્રેમનાથે રચેલી આ રચના સૉલો ગીત તરીકે નોંધાયેલી જોવા મળે છે, પરંતુ ગીત સાંભળતી વખતે આપણે તેમાં સહગાનની સંગત  અને @૨.૨૨પછી સંભવતઃ શમશાદ બેગમના સ્વરની હાજરી પણ જોવા મળે છે. આપણે એ વાતની ખાસ નોંધ લઈશું કે દરેક અંતરાની શરૂઆતમાં રફીનો અવાજ કંઇક જૂદો જ આયામ પકડે છે, જે ગીત આગળ વધતાં રફીની ઊંચા સ્વરની સિગ્નેચર શૈલીમાં પરિવર્તીત થતો જાય છે.ગીતના લેખક પંડિત ફણિ છે.
કદમ સુયે મંઝિલ બઢાયે ચલા જા, કોઈ સાથ આયે ના આયે તૂ ચલા ચલ 

હનુમાન પ્રસાદે પણ 'રસીલી'માં મોહમ્મદ રફીના સ્વરનો ઉપયોગ કર્યો છે, પરંતુ બન્ને ગીતો શમશાદ બેગમ સાથેનાં યુગલ ગીતો છે. આમ હનુમાન પ્રસાદની મોહમ્મદ રફીની સૉલો રચના માટે આપણે થોડી રાહ  જોવી પડશે.
રૂમ નં ૯ માટે નખ્શબ જરાચવીની રચનાને રશીદ અત્રેએ કવ્વાલીની શૈલીમાં કંડારેલ છે.
રહે તો રહે કૈસે દિલ કે ઈખ્તિયાર મુઝે... તુમ ઈસ અનિગાહોંસે ન દેખો બારબાર મુઝે 

બુલો સી રાનીએ પણ મોહમ્મદ રફીનાં ગીતોનું ખાતું 'સાલગિરહ'થી ખોલ્યું તો છે, પરંતુ સૉલો ગીત માટે આપણે હજૂ રાહ જોવી પડશે. પ્રસ્તુત ફિલ્મમાં કૌમુદીની દિક્ષિત સાથેનાં મોહમ્મદ રફીનાં યુગલ ગીતો છે.
'સફર'માં સી રામચદ્રએ બે સૉલૉ ગીતથી તેમની મોહમ્મદ રફી સાથેની સફર શરૂ કરી કાઢી છે.જી એસ નેપાલીએ લખેલાં આ બે સૉલો ગીતો પૈકી કેહકે ન આયે તુમ અબ છૂપને લગે તારે મોહમ્મદ રફીનાં પ્રમાણમાં જાણીતાં ગીતોમાં સ્થાન મેળવી શકે છે. એટલે આપણે બીજું ગીત અહીં લીધેલ છે, જેમાં રફીની આગવી શૈલી પણ સાંભળવા મળશે. સોંગ્સ ઑવ યૉર એક લેખમાં નોંધે છે કે ૧૯૪૯ સુધીમાં સી રામંચદ્રએ મોહમ્મદ રફીનાં બીજાં ૨૨ ગીતો રચેલાં છે.
અબ વો હમારે હો ગયે... ઈકરાર કરે યા ન કરે 

તૌફિલ ફરૂખીએ મોહમ્મદ રફીને 'સોના ચાંદી'નાં શમીમ જયપુરીએ લખેલ આ ગીતમાં અલગ જ અંદાજમાં રજૂ કરેલ છે. મુખડાની શરૂઆતથી રફીનો અવાજ આપણને કેટલો પરિચિત લાગવા લાગે છે! લય અને તાલની ગીતની બાંધણી ખાસી મુશ્કેલ છે.             
દાતા જી તેરા ભેદ ના પાયા 

આજનો આ ભાગ સમાપ્ત કરવા માટે મોહમ્મદ રફીએ ગાયેલ એક એવી ફિલ્મનું  ગીત સાંભળીશું જે ક્યારે પણ પરદા પર રજૂ ન થઈ.એ માટે આપણે શ્રી રઝા આબીદીના શુક્રગુજ઼ાર છીએ.રઝા અબીદીએ યુટ્યુબ પર મોહમ્મદ રફી 'જ્યારે જાણીતા નહોતા' એવા સમયનાં ગીતોની એક અલગ શ્રેણી જ મૂકી છે.. 'બીખરે ફૂલ' ફિલ્મનું આ ગીત પ્રકાશે સ્વરબધ્ધ કરેલ છે. પછીનાં વર્ષોમાં રફીને કરૂણ ગીતોમાટે વધારે પડતા નાટકીય હરકતોની મદદ લેવાનો આક્ષેપ લાગતો રહ્યો તે તેમની નૈસર્ગીક શૈલી પ્રસ્તુત ગીતમાં પૂર્ણપણે ખીલેલી સાંભળવા મળે છે.
હમેં ન ભૂલ જાના.. દિલ ના દુખાના

સ્વાભાવિક છે કે ૧૯૪૪-૪૮ના મોહમ્મદ રફીના કારકીર્દીના પહેલાં પાંચ વર્ષના અંતરાલમાં આપણી આ શ્રેણી માટે એટલી બધી સામગ્રી હોય કે આપણે એક જ પૉસ્ટમાં તેને પૂરતો ન્યાય ન કરી શકીએ. એથી આપણે ૧૯૪૭ અને ૧૯૪૮ના વર્ષનાં ગીતોને બીજા એક ભાગમાં, ૨૪મી ડીસેમ્બર,૨૦૧૬ના રોજ, સાંભળીશું.
આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……

No comments: