Sunday, December 6, 2020

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક - ૬ :: હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : [૨] : હમ ચાહેં ન ચાહેં, હમરાહી બના દેતી હૈ હમ કો જીવનકી રાહેં

 હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિની લેખમાળા 'મગર હમ તુમ્હારે રહેંગે'માં 'હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં' મણકાના પહેલા ભાગમાં આપણે હેમંત કુમારે 'અન્ય' સંગીતકારોનાં દિગ્દર્શનમાં ગાયેલાં ૧૯૫૭નાં વર્ષ સુધી રચાયેલાં જુદા જુદા સંગીતકારોની એક એક સૉલો ગીતરચના સાંભળી.


 

૧૯૬૧-૧૯૭૦ના દશકમાં હેમંત  કુમારે તે પહેલાંના દશકના પ્રમાણમાં બહુ થોડાં ગીતો ગાયાં. ૧૯૫૧-૬૦ના દશકમાં તેમણે  ૮૧ ફિલ્મોમાં ગાયેલાં ૧૮૧ જેટલાં ગીતોની સામે ૧૯૬૧-૭૦ના દશકમાં તેમણે છવીસેક ફિલ્મોમાં ૩૫ જેટલાં ગીતો ગાયાં. જે માટે એક કારણ હતું એ સમયમાં તેમનું પોતાની ફિલ્મોનાં નિર્માણને પ્રાથમિકતા આપવી, તો બીજું કારણ હતું, તેમને બંગાળી ફિલ્મ જગતમાં મળેલી વધારે સ્વીકૃતિ.

તેમની કારકિર્દી છેક ૧૯૮૯ સુધી સક્રિય રહી, પરંતુ ધીમે ધીમે હવે તેઓ જે ગીતો ગાતા હતા તેમાં અસ્તિત્વની હાજરી જીવંત રાખવા સિવાય હેમંત કુમારના સ્વરનો જે અસલ જાદુ તો  ઓસરવા લાગ્યો હતો. ૧૯૭૧-૧૯૮૯ના સમયખંડમાં તેમણે માત્ર ૧૪ ગીત જ ગાયાં હતાં. મેં પણ આ સમયખંડનાં માત્ર  બે સૉલો ગીત જ લીધાં છે - તે પણ દસ્તાવેજીકરણ માટે કરીને !

દિન રાત બદલતે હૈ, હાલાત બદલતે હૈ - નયા સંસાર (૧૯૫૯) – સંગીતકાર: ચિત્રગુપ્ત ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ

જે સીચ્યુએશનમાં આ ગીત મુકાયું છે તેનો ભાવને કારણે આ ગીત માટે હેમંત કુમારના સ્વરની પસંદગી થઈ હશે કે પછી હેમંત કુમારને જ આ ગીત આપવું એમ નક્કી થયું હશે એટલે ગીતની બાંધણી  તેમની ગાયકીને અનુસાર ઘડાઈ હશે તે તો કહેવું મુશ્કેલ છે ! પણ હા, એટલું તો ચોક્કસપણે ફલિત થાય છે કે હેમંત કુમારની ગાયકીનું અને ચિત્રગુપ્તની પોતાની સંગીત શૈલીનું માધુર્ય અહીં એકરંગ જરૂર બની રહે છે.

કહેતા હૈ પ્યાર મેરા ઓ મેરે લાડલે - સંતાન (૧૯૫૯) – સંગીતકાર: દત્તારામ – ગીતકાર: હસરત જયપુરી

આ ગીત પણ જોડીયાં ગીતોના પ્રકારનું ગીત છે. ફિલ્મમાં લતા મંગેશકરના સ્વરનું વર્ઝન પહેલાં આવે છે જે એક બેકગ્રાઉન્ડ ગીતના પ્રકારનું પણ છે. હેમંત કુમારનું વર્ઝન તે પછી નઝીર હુસેન જ્યારે દાદા બની ગયા હોય છે ત્યારનું છે. ગીતનો મૂળ ભાવ હવે આનંદનો છે પણ તેમાં તેમના ભૂતકાળની યાદોનો ઓછાયો પણ પડે છે. હેમંત કુમારએ આ બન્ને ભાવને પોતાની અભિવ્યક્તિમાં ઝીલી લીધેલ છે.

અહીં રજૂ કરેલ ક્લિપમાં બન્ને વર્ઝન સાંભળવા મળે છે.

લહેરોં પે લહર ઉલ્ફત હૈ જવાં રાતોંકી સહર ચલી આઓ યહાં – છબીલી (૧૯૬૦) – સંગીતકાર: સ્નેહલ ભાટકર – ગીતકાર: એસ આર રતન

હેમંત કુમારનાં ગાયેલાં ગીતોમાં બહુ પ્રસિદ્ધ રહેલ આ ગીત છે. ઇન્ટરનેટ યુગમાં તો 'છબીલી' શોભના સમર્થની જ નિર્માણ કરેલી ફિલ્મ હતી અને તેમાં નુતનની સાથે નાની બહેન તનુજા પણ હતી અને એ તનુજાની પહેલવહેલી ફિલ્મ હતી એ બધી વાતો પણ ખુબ ચર્ચાતી રહી છે.

અહીં રજૂ કરેલ ગીતમાં ગીતનાં બન્ને વર્ઝન છે.

આડવાત :

આ ગીતની ધુનનો પ્રેરણા સ્રોત ૧૯૫૭નું ડીન માર્ટીનનું ખુબજ લોકચાહના મેળવેલ ગીત  The man who plays Mandolino છે.

આડવાતની આડવાત એ છે કે આ ગીતની ધુન પાછી ૧૯૫૬નાં ગ્લુસૅપ્પૅ ફેન્સીઉલની રચના Guaglioneથી પ્રેરિત છે.


યે સોને કી દુનિયા, યે ચાંદી કી દુનિયા, યહાં આદમી કી ભલા બાત ક્યા હૈ - દો દોસ્ત (૧૯૬૦) - સંગીતકાર એસ મોહિન્દર - ગીતકાર ભરત વ્યાસ

ગીત સાંભળતાં વેંત 'પ્યાસા' (૧૯૫૭)નાં યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ સાથે સરખામણી થવા જ લાગે !

અહીં ભાવમાં ફરક કરાયો જણાય છે. 'યે દુનિયા અગર...'માં સમાજ દ્વારા અનોખી કેડી કંડારવા માગતાં લોકોને મળતી ક્રૂર અવગણના સામે બળવાની પોકાર છે. જ્યારે અહીં સમાજમાં અમીર ગરીબ વચ્ચેના તફાવતને સ્વીકારી લેવાની જે ફરજ પડે છે તેની હતાશાની લાગણી છે. એ કારણે પહેલાં ગીતમાં જોશ છે તો પ્રસ્તુત ગીતમાં પરિસ્થિતિને અનિચ્છાએ વશ થતાં જે લાગણી ઉદ્‍ભવે તે 'અન્ડરપ્લે' વડે વ્યક્ત થાય છે.

ઈતલ ઘરમેં તીતલ, બાહ્ર અચ્છા કે ભીતર, જા પુછ કે આઓ ચીતલ ક્યા બોલે દાઈમાં - બહુરાની  (૧૯૬૧) – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: સાહિર લુધ્યાનવી

ગાયક અને સંગીતકાર  તરીકેનો હેમંત કુમાર અને સી રામચંદ્રનો સંબંધ તો છેક અનારકલી (૧૯૫૩)નાં સફળ ગીતોથી જાણીતો છે. તે પછી પણ સી રામચંદ્રએ હેમંત કુમારના સ્વરનો અવારનવાર ઉપયોગ પણ કર્યો છે. પરંતુ પ્રસ્તુત ગીત જેવાં અનોખા ભાવના ગીતમાં હેમંત કુમારના સ્વરનો ઉપયોગ કદાચ કયારે પણ નહીં થયો હોય. 

કભી યહાં ચલે કભી વહાં ચલે … યું હી યે ઝિંદગીકા કારવાં ચલે - ખિલાડી (૧૯૬૧) - સંગીતકાર સાર્દુલ ક્વાત્રા - ગીતકાર પ્રેમ ધવન

૧૯૯૨ માં અબ્બાસ મસ્તાને દિગ્દર્શિત કરેલી અક્ષય કુમારની 'ખિલાડી' તે પછી ખિલાડી આ અને ખિલાડી તેવાળી શ્રેણીબધ્ધ ફિલ્મો પહેલાં પણ ૧૯૫૦ માં ખિલાડી બની હતી જેના સંગીતકાર હંસરાજ બહલ હતા, ૧૯૬૧ની ફિલ્મનું ગીત તો આપણે સાંભળીશું અને ૧૯૬૮ની એ જ નામની ફિલ્મમાં લાલા  સત્તારની જોડી સંગીતકાર હતી.

સાર્દુલ ક્વાત્રાએ બારેક હિંદી ફિલ્મો અને પચીસેક પંજાબી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેઓ એક સમયે હંસરાજ બહલના સહાયક પણ રહી ચૂક્યા છે.

ટ્ર્મ્પેટ્સના સુરના પૂર્વાલાપથી શરૂ થતું , વૉલ્ત્ઝ નૃત્ય ધુન પર રચાયેલું પ્રસ્તુત ગીત ક્લ્બમાં હીરો દ્વારા પોતાની મસ્તીમાં ગવાતું ગીત હશે. અહીં અંતમાં એક્દમ ઊંચા સુરના આલાપ સહિત આખાં ગીતમાં હેમંત કુમાર પણ આપણને અનોખા અંદાજમાં સાંભળવા મળે છે.

ન ઘર તેરા ન ઘર મેરા, ચિડીયા રૈનબસેરા

જ જાને કબ ઊઠ જાયેગા, ઈસ દુનિયા સે ડેરા

ઐસા કામ તુ કર જા બંદે, દુનિયા તુઝકો યાદ કરે

તેરે સર પર બાંધા રહેગા, સદા વિજય કા સેહરા  

- સેહરા (૧૯૬૩) – સંગીતકાર: રામલાલ – ગીતકાર: હસરત જયપુરી

આ જોકે આખું ગીત નથી, ફિલ્મના અંતમાં કે એવી કોઈ જગ્યાએ દૃશ્યને આમ કાવ્ય પંક્તિઓનાં પઠનનાં પાર્શ્વ સંગીત વડે વધારે અસરકારક બનાવા માટે આ ટુકડો પ્રયોજાયો હશે.


જગત ભરકી રોશની કે લિયે...કરોડોંકી જિંદગીકે લિયે, સુરજ રે જલતે રહેના - હરિશ્ચંદ્ર તારામતી (૧૯૬૩) સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ – ગીતકાર: પ્રદીપજી

જ્યાં સુધી લક્ષ્મીકાંત પ્યારેલાલ 'લક્ષ્મીપ્યારે' તરીકે પોતાનું સ્થાન નહોતા જમાવી શકયા ત્યાં સુધી તેમને બી ગ્રેડની ધાર્મિક, પૌરાણિક, દારાસિંગની મુખ્ય ભૂમિકાઓવાળી જે કોઈ ફિલ્મો મળી તેમાં જેટલું પણ સંગીત રચ્યું તેમાં તેમણે પોતાનો સર્જન પ્રાણ ઠલવી દીધો હતો. પ્રતુસ્ત ગીતમાં તેમણે હેમંત કુમારનો સ્વર આ પ્રકારનાં ગીતોમાં 'ફિટ' બેસે એટલે લીધો કે પછી પોતાના ગુરુ - કલ્યાણજી(આણદજી)-ની પણ એક સમયે જેમણે આંગળી પકડી હતી તેમનું ઋણ અદા કર્યું, પણ હેમંત કુમારના સ્વરની ખુબીઓને નીખરવા માટેની બધી મોકળાશ તેમણે બહુ અસરકારક રીતે સાચવી લીધી છે.

ફિલ્મમાં ગીત પહેલી વાર ક્રેડિટ ટાઈટલ મ્યુઝિક સ્વરૂપે મુકાયું છે. તે પછી જ્યારે  રાજા હરિશ્ચંદ્ર ગાદી ત્યાગ કરીને કુટુંબ સાથે વિદાય લઈ રહ્યા છે ત્યારે બેકગ્રાઉન્ડ ગીત તરીકે મુકાયું છે.

અહીં ક્લિપમાં એ બન્ને વર્ઝન આવરી લેવાયેલ છે.

રાહી તુ મત રૂક જાના, તુફાં સે મત ગભરાના - દૂર ઘગનકી છાંવમેં (૧૯૬૪) - સંગીતકાર: કિશોર કુમાર – ગીતકાર: શૈલેન્દ્ર

કિશોર કુમાર અને હેમંત કુમાર હવે પોતપોતાની ભૂમિકાઓની અદલાબદલી કરે છે.

'દૂર ગગનકી છાંવમેં' કિશોર કુમારનો બહુ જ મહાત્વાકાંક્ષી પ્રયોગ હતો. ક્રેડિટ ટાઈટલ તેમ જ થીમ સોંગ પ્રકારનાં આ ગીતના બોલમાં શૈલેન્દ્રએ પણ પોતાની સર્જન શક્તિને તેનાં નૈસર્ગિક રૂપમાં ખીલવી છે. બંગાળની ભટીયાળી (નાવિક) ધુનનો મૂળ આધાર લઈને રચાયેલ આ રચના હેમંત કુમારના સ્વર માટે તો બહુ જ સ્વાભાવિક નીવડે તે તો અપેક્ષિત હોય, પણ કિશોર કુમારે પણ સંગીતકાર તરીકે પોતાની સવેદનશીલતાનો તેમાં ભાવ ઉમેરી ગીતને વધારે ભાવવાહી બનાવેલ છે.


તુમ્હેં જો ભી દેખ લેગા કિસીકા ન હો સકેગા - મજબૂર (૧૯૬૪) – સંગીતકાર: કલ્યાણજી આણંદજી – ગીતકાર: આનંદ બક્ષી

કલ્યાણજી (આણંદજી)એ પણ ગુરુદક્ષિણા સ્વરુપે હેમંત કુમારનો સ્વર તેમની સાવ જ શરૂઆતની ફિલ્મ પોસ્ટ બૉક્ષ ૯૯૯ (૧૯૫૯)નાં સફળ  યુગલ ગીત - નીંદ ન મુઝકો આયે - માં લીધો જ હતો. તે સિવાય પણ બીજી બે'ક ફિલ્મોનાં યુગલ ગીતોમાં તો હેમંત કુમારના સ્વરને અજમાવતા જ રહ્યા હતા. પરંતુ 'બ્લફ માસ્ટર' (૧૯૬૩)માં તો તેમણે હેમંત કુમારનો સ્વર શમ્મી કપુર માટે, અય દિલ કહીં ન જા ના કીસીકા મૈં ન કોઈ મેરા માં,  પ્રયોજીને લોકોને અચંબિત કરી મૂકેલાં.

અહીં હવે તેમને અદભૂત તક મળી છે. ફિલ્મનો નાયક બિશ્વજિત હોય, ગીતની કથા રહસ્ય ફિલ્મની હોય અને હેમંત કુમારને બદલે તેઓને સંગીત નિદર્શન કરવાનું મળે એ તો સ્વપ્નામાં પણ કોઈ કલ્પે નહીં.

પ્રસ્તુત ગીત તેઓએ હેમંત કુમારે જો એ ગીત રચ્યું હોત તો જેમ રચ્યું હોત, તે જ શૈલીથી રચ્યું છે. હા, અંતરાનાં સંગીત વગેરે વાદ્યસજ્જામાં તેમનો પોતાનો આગવો સ્પર્શ જરૂર જાળવી રાખ્યો છે. બીસ સાલ બાદ (૧૯૬૨) અને કોહરા (૧૯૬૪)નાં ગીતોની સરખામણીમાં આ ગીત જરા પણ ઝાંખું ન પડે એવો બહુ મોટો પડકાર પણ અહીં હતો, જે તેમણે બહુ સહજતાથી ઝીલી બતાવ્યો છે.

આડવાત :

 'મજબૂર'માં સહાયક સંગીતકારની ભૂમિકા નિભાવનારા લક્ષ્મીકંત પ્યારેલાલે પોતે સ્વતંત્ર સંગીતકાર તરીકે ૧૯૭૪માં 'મજબૂર' નામની ફિલ્મનું સંગીત નિદર્શન સંભાળ્યું હતું.

શમશાન જલા ઇન્સાન જલા…. લો ધરતીકી છાતી પર હી ધરતીકા મહેમાન જલા - જનમ જનમ કે સાથી (૧૯૬૫) - સંગીતકાર જ્ઞાન દત્ત  ગીતકાર ડી એન મધોક

જ્ઞાન દત્તનું નોંધપાત્ર પ્રદાન તો '૪૦ના દાયકાની ફિલ્મો રહ્યું છે. 'જનમ જનમ કે સાથી' તેમની અંતિમ ફિલ્મ હતી. ફિલ્મનાં સંગીતને સરિયામ નિશ્ફળતા મળ્યા બાદ તેમને સક્રિય સંગીત ક્ષેત્રમાંથી નિવૃતિ લઈ લીધી. ૧૯૭૪માં તેમનું નિધન થયું.

અફસોસના ભાવથી પીડાતા હીરોના મનને ભાવ વ્યક્ત કરતું આ ગીત ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ગીત તરીકે રજૂ થયુંહોવું જોઈએ. ગાવા માટે ગીતની બાંધણી ખુબ પડકારજનક છે, પરંતુ હેમંત કુમાર તેને પુરેપુરો ન્યાય કરી રહે છે.

તેરા હૈ જહાં સારા, અપના મગર કોઈ નહીં - ઉસકી કહાની (૧૯૬૬) – સંગીતકાર: કનુ રોય – ગીતકાર: કૈફી આઝમી

નાવિકનાં લોકગીતની શૈલીમાં રચાયેલું આ ગીત હેમંત કુમારના સ્વર માટે જ સર્જાયું છે.

જો દિયા થા તુમને એક દિન મુઝે ફિર વો પ્યાર દે દો - સંબંધ (૧૯૬૯) - મહેન્દ્ર કપૂર સાથે – સંગીતકાર: ઓ પી નય્યર – ગીતકાર: પ્રદીપજી

ઓ પી નય્યરે પોતાની કારકીર્દીમાં હેમંત કુમારના સ્વરમાં આ ફિલ્મમાં જે ઉપયોગ કર્યો છે, તે આંકડાની દૃષ્ટિએ 'એક જ વાર' જેટલો જ જણાય, પણ આખી ફિલ્મમાં હેમંત કુમારના સ્વરના કેટલાય ટુકડાઓ પથરાયા છે. એટલે કે સમગ્ર કથાનકની રજૂઆત માટે દિગ્દર્શકે એ ટુકડાઓનું માધ્યમ જ ઉપયોગમાં લીધું છે. ફિલ્મમાં એ દરેક પ્રયોગ પ્રદીપ કુમારના જ સંદર્ભમાં જ થયો હશે તે તેઓ માત્ર એક સંજોગની સગવડ જ છે.

એ ટુકડાઓ અહીં રજૂ કરેલ બોલ પરની હાયપરલિંક પર ક્લિક કરવાથી સાંભળી શકાશે -

હે જગત પિતા (આશા ભોસલે સાથે)

ચિરાગોંકા લગા મેલા

કિતના પ્યારા થા થા વો સપના જો ટૂટ ગયા

સર્વ મંગલ

પ્રસ્તુત પુરુષ -પુરુષ યુગલ ગીત પણ સારૂં એવું જાણીતું બનેલ ગીત છે.

આ સિવાય પણ ફિલ્મમાં એક અન્ય ગીત, અપની માતા કે દુલારે, તુઝપે મૈં ક઼ુરબાન પ્યારે બચ્ચે પણ હેમંત કુમારે ફિલ્મના ક્લાઈમેક્સમાં પરદા પર ગાયું છે. આ ગીત ફિલ્મમાં મહેન્દ્ર કપુરના સ્વરમાં ગવાયેલ મેરે પાસ આજ ન હૌ કુછ લોગો, બસ આંખમેં આંસુ લાયા હું ના અનુસંધાને રજૂ થાય છે.

ઇન્સાનોંમે પૈસે કે લિયે આપસ કા પ્યાર મિટા ડાલા -પૈસા યા પ્યાર (૧૯૬૯) – સંગીતકાર: રવિ  -ગીતકાર: સાહિર લુધ્યાનવી

રવિ તેમની કારકિર્દીની શરૂઆતમાં હેમંત કુમારના સહાયક હતા. છેક શરૂઆતથી જ તેઓ હેમંત કુમારના સ્વરમાં યુગલ ગીતો રચતા પણ રહ્યા છે. અહીં છેક ૧૯૬૯નું ગીત પસંદ કરવાનો આશય એટલો જ કે રવિએ આટલાં વર્ષો પછી પણ હજુ સંબંધ જાળવી રાખ્યો છે તેની નોંધ લઈ શકાય.

હમ ચાહેં ના ચાહેં, હમરાહી બના દેતી હૈ હમ કો જીવન કી રાહેં - ફિર ભી (૧૯૭૨) – સંગીતકાર: રઘુનાથ ભટ્ટ – ગીતકાર: પંડિત નરેન્દ્ર શર્મા

મા (ઉર્મિલા ભટ્ટ) અને તેની દીકરી (મિનળ મહેતા) ની જિંદગીઓની બહુ જ સંવેદનશીલ રજૂઆત કરતી આ ફિલ્મને એ વર્ષનો શ્રેષ્ઠ હિંદી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

૧૯૫૨માં સંગીતકાર તરીકે શરૂ કરેલ હિંદી ફિલ્મોની કારકિર્દીના સંબંધે ૨૦ વર્ષ પછી જાણે પોતાના જીવનની જ વાત વણી  લેવાઈ હોય એવા બોલનું ગીત ગાવાનું થાય એ પણ નિયતિની કોઈ કરામત જ કહેવાય ને !

હેમંત કુમારના સ્વરને ઉચિત ન્યાય મળે એવાં ગીતો પુરતી જ વાત કરવી હોય તો આ લેખ અહીં જ પુરો કરવો જોઈએ. પરંતુ આપણે તો હેમંત કુમારની શતાબ્દીના સંદર્ભમા આ લેખમાળા કરી રહ્યાં છીએ. એટલે દસ્તાવેજીકરણના દૃષ્ટિકોણને પણ ન જ અવગણી શકાય , એ વિચારથી હવે પછીનાં ગીતો પણ આવરી લીધેલ છે.

આ જા મેરે પ્યાર આ જા, દેખ ઐસે ન સતા - હીરાલાલ પન્નાલાલ (૧૯૭૮) – સંગીતકાર: આર ડી બર્મન – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

પોતાના પિતાએ હેમંત કુમારના સ્વરમાં જે કક્ષાનાં ગીત બનાવ્યાં તેનાથી સાવ વિરુધ્ધ કક્ષાનું આ ગીત ગણી શકાય. પણ આર ડી બર્મનની પણ કારકિર્દીનો અસ્તાચળ જ ચાલી રહ્યો હતો એટલે એ વાતને બાજુએ મુકીશું.

આખું ગીત આ ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે. ગીતનું આશા ભોસલે અને આર ડી બર્મને ગાયેલું બીજું વર્ઝન પણ છે. આખી લાંબી ક્લિપ જોવા જેટલી ધીરજ સચવાય તો બન્ને વર્ઝનનો પૂર્વાપર સંબંધ પણ જોવા મળી શકે છે.

આમ તો આ લેખમાં કોઈ પણ સંગીતકારનું એક જ ગીત સમાવવાનો આગ્રહ રાખ્યો છે. પણ હવે પછીના ગીતના વિશિષ્ટ સંદર્ભને કારણે તે ગીતને અહીં રજૂ કર્યું છે.

મૈં નૈયા તુ મેરા માંઝી સાથ નિભાના રે – સંગીતકાર: રવિ  -ગીતકાર: પ્રેમ ધવન

આ ક્લિપની  શરૂઆતમાં સુરેશ ઓબેરોયના સ્વરમાં જે કોમેન્ટ્રી છે તેમાં જણાવ્યા મુજબ આ ગીત દેવેન્દ્ર ગોયલની ફિલ્મ માટે રચાયું હતું, પણ કોઈ કારણોસર તે એ ફિલ્મમાં ન સમાવી શકવાથી હવે અનરિલીઝ્ડ ગીતની ગણનામાં સ્થાન પામી રહ્યું છે.

જે ફિલ્મની રિલીઝની વાત સુરેશ ઓબેરોય કરી રહ્યા છે તે છે 'કાગઝ કા રિશ્તા' (૧૯૮૩), જેના સંગીતકાર રાજેશ રોશન છે.  ફિલ્મનાં ગીતો મજરૂહ સુલ્તાનપુરીએ લખ્યાં હતાં. બરાબર ૧૭ વર્ષ પહેલાં એ જ મજરૂહ સુલ્તાનપુરીના બોલને રાજેશ રોશનના પિતા રોશન (નાગરથ) દ્વારા હેમંત કુમારનાં અમર યુગલ ગીત છુપા લો દિલમેં યું પ્યાર મેરા (મમતા)માં રજૂ કરાયેલ

  

હવે પછી હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતોને યાદ કરીશું.



સંદર્ભ સ્વીકૃતિ :

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975

2.Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999

3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015 Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

4.List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta
+                           +                       +

'હેમંત કુમારે 'અન્ય' સંગીતકારોનાં દિગ્દર્શનમાં ગાયેલાં સૉલો ગીતો' સ્વરૂપે એકત્રિત કરેલ ફાઈલમાં "હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં - સૉલો ગીતો ભાગ [] અને ભાગ []" એક સાથે વાંચી / ડાઉનલોડ કરી શકાય છે.

No comments: