Sunday, November 8, 2020

હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ …. મગર હમ તુમ્હારે રહેંગે - અંક - ૬ :: હેંમંત કુમાર - 'અન્ય' સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : [૧] : સુન જા દિલકી દાસ્તાં

એન. વેન્કટરામન

અનુવા / સંવર્ધિત સંકલન - અશોક વૈષ્ણવ


હેમંત કુમારનાં ગીતોની જ્યારે પણ વાત થતી હોય ત્યારે તે વધારે સારા સંગીતકાર હતા કે સારા ગાયક, ત્યાંથી શરૂઆત થાય અને પછી તેમણે વધારે સારાં ગીતો પોતાનાં સંગીતમાં ગાયાં કે 'અન્ય' સંગીતકારોના સંગીતમાં એવી ચર્ચામાં ફેરવાઈ જાય. મૂળ વિષય બાબતે ચર્ચા સામાન્યપણે એકમત પર ન પહોંચે, પણ એટલું તારણ તો જરૂર નીકળતું કે સંગીતકાર તરીકે, પોતાના સુરની મર્યાદાઓને કારણે તેમની રચનાઓમાં  તેમને જે અધુરાશ લાગી હશે તે તેમણે અન્ય ગાયકો પાસે એ મુજબના વાંછિત સુરમાં ગીતો ગવડાવીને  પુરી જરૂર કરી છે. બીજાં એક તારણ પર પણ સહમતિ બની રહેતી કે 'અન્ય' સંગીતકારો હેઠળ તેમણે હિંદી ફિલ્મોનાં કેટલાંક સૌથી વધુ અદ્‍ભુત ગણાતાં ગીતો ગાયાં છે, પણ તેમના સુરનો ઉપયોગ અન્ય સંગીતકારોએ પ્રમાણમાં વધારે મર્યાદિત રેન્જમાંજ કર્યો છે.

ભૌગોલિક, સામાજિક, સાંસ્કૃતિક અને શારીરિક બાંધા સુધ્ધાં સુધીનાં અનેકવિધ વૈવિધ્યોથી છલકાતા આપણા દેશમાં વળી ભાષા અને બોલીની બાબતે તો 'બાર ગાઉએ બદલાય' એવી વિવિધતા ભરી છે. પરિણામે, લોકોના ચહેરામહોરા,  બોલી, બોલીની લઢણ પરથી આપણે સામેની વ્યક્તિ દેશના કયા ભાગમાંથી આવે છે તે લગભગ સચોટપણે કહી શકીએ છીએ, પછી ભલેને વાતચીત બન્ને માટે ત્રીજી ભાષા જેવી હિંદી કે અંગ્રેજીમાં પણ વાત કેમ ન થતી હોય ! 

એ દૃષ્ટિએ કહીએ તો હેમંત કુમારનો સ્વર તળ 'બંગાળી' હતો. સંગીતશાસ્ત્રની પરિભાષાંમાં એ સ્વર 'ખરજ' સ્વર તરીકે વર્ગીકૃત કરાતો. આપણા જેવા સામાન્ય શ્રોતા માટે તે શાંત, કોમળ, ઊંડેથી રણકાર પ્રગટાવી મનોચિત્તમાં વિચારો અને ભાવોનાં મંદ મંદ વમળો પેદા કરતો સ્વર હતો. એમનો સ્વર સામેની વ્યક્તિનાં ભાવ જગતને ઉત્કટ સમાધિની એવી દશામાં લઈ જાય જ્યાં તે વ્યક્તિને અલૌકિક સુખની લાગણીઓની અનુભૂતિ થાય.

આવા અનોખા 'બંગાળી' સ્વર માટે અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન કે સલીલ ચૌધરી જેવા એ સમયના હિંદી ફિલ્મ જગતના અગ્રણી સંગીતકારો વધારે ઝુકાવ હશે એમ માની શકાય. પણ 'હિંદી' ફિલ્મોની ઉત્તર ભારતીય સમાજના દર્શકના રસની માંગની વાસ્તવિકતાને કારણે આ સંગીતકારોએ મોહમ્મદ રફી જેવા 'પંજાબી' હિન્દી ગાયકના વધારે બહુમુખી સ્વરપ્રતિભાવાન સુરને, 'થોડો લાઉડ' લાગતો હોવા છતાં  વધારે પસંદ કરવાની ફરજ પડતી. આમ હેમંત કુમારનું સ્થાન, હિંદી ફિલ્મના જનસામાન્ય દર્શકને ગમશે એવા ગાયકનું બની રહેવાને બદલે  'અમુક' ભાવનાં ગીતો માટે બહુ જ ઉપયુક્ત એવું 'આગવું' બની રહ્યું.

'૫૦-'૬૦ના મધ્ય દસકાનાં ખ્યાતનામ હીરોઈન શકીલાએ કોઈ એક પ્રસંગે હેમંત કુમારના સ્વરને સંધ્યા કાળે શાંત વહેતી ગંગાના પાણીના સ્વર સાથે સરખાવ્યો છે. હેમંત કુમારના સમકાલીન ઉર્દુ સાથીઓ તેમના સ્વરને 'નિદા-એ-મઝ્તુબ' - ગુંજનો નાદ - કહેતા. 'બંગાળી' હોવા છતાં હેમંત કુમારના હિંદી કે ઉર્દુ શબ્દોના ઉચ્ચાર વ્યાકરણની દૃષ્ટિએ ચોખ્ખા રહ્યા, પછી ભલે એ શબ્દોની અભિવ્યક્તિમાં અપેક્ષિત તળપદી લઢણ કદાચ થોડી ઓછી હોય.

અનિચ્છા છતાં મોહમ્મદ રફી સાથે સરખામણીની વાત નીકળી જ પડી છે તો હેમંત કુમારની 'માઈક્રોફોન-સેન્સ'ની આગવી સમજની વાતની નોંધ લેવી જ જોઈએ. 'માઈક્રોફોન-સેન્સ' એટલે માઈક્રોફોનને કારણે રેકોર્ડ થતા સ્વર અને પોતાના સ્વાભાવિક સ્વરના ફરકની સમજ. માઈક્રોફોનથી જો અંતર વધારે તો અવાજ હોય તેના કરતાં ભારી રેકોર્ડ થાય. આમ ગીતના ભાવ અનુસાર ગાયક માઇક્રોફોનથી અંતર રાખે તો પોતાના સ્વાભાવિક સ્વરને ગીતના અપેક્ષિત ભાવમાં રેકોર્ડ કરી શકાય. હેમંત કુમારની માઈક્રોફોન-સેન્સ મોહમ્મદ રફી સમકક્ષ ગણાતી.

પોતાનાં સંગીતમાં હેમંત કુમારે, ૧૯૫૪થી લઈને ૧૯૭૯ સુધીમાં  બધું મળીને લગભગ ૯૦ જેટલાં ગીતો ગાયાં છે જેમાંથી ૩૬ ગીતો સૉલો હતાં. તેની સરખામણીમાં ૧૯૪૨થી લઈને લગભગ ૧૯૮૦ સુધીમાં અન્ય સંગીતકારો માટે ૨૦૦ જેટલાં ગીતો ગાયાં, જેમાંથી લગભગ અર્ધો અર્ધ ગીતો સૉલો ગીતો છે. જોકે, હેમંત કુમારનાં યુગલ ગીતો આપણાં સ્મરણમાં તાજાં વધારે હોય એવી એક સામાન્ય છાપ જનસામાન્ય શ્રોતાની હોવાની સંભાવના વધારે હશે.

આપણે આજના અને હવે પછીના અંકમાં હેમંત કુમારે 'અન્ય' સંગીતકારોનાં દિગ્દર્શનમાં ગાયેલાં સૉલો ગીતોને યાદ કરીશું. અહીં દરેક સંગીતકાર રચિત હેમંત કુમારનું એક જ સૉલો ગીત લીધું છે. ગીતોની રજૂઆતનો ક્રમ એ જે ફિલ્મમાં છે તેનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં રાખેલ છે. કોઈ વિશિષ્ટ કારણ સિવાય, જે સંગીતકારનાં હેમંત કુમારે એકથી વધારે સૉલો ગાયાં છે તો તેમાંથી ઓછાં જાણીતાં ગીતને યાદ કરવાનું વલણ રાખ્યું છે.


આપણે  અગાઉ અંક ૧ માં નોંધ્યું છે તેમ હિંદી ફિલ્મોમાં તેમનું પહેલું ગીત પંકજ મલ્લિક દ્વારા સંગિતબધ્ધ થયેલ ફિલ્મ મિનાક્ષી (૧૯૪૨)માં રેકોર્ડ થયું. તે પછી, ૧૯૪૪માં તેમણે ઈરાદા (૧૯૪૪)માં પંડિત અમરનાથના નિદર્શન હેઠળ બે સૉલો અને રાધા રાણી સાથે એક યુગલ ગીત ગાયાં.

જોકે પાર્શ્વગાયક તરીકે હેમંત કુમારનું નિશ્ચિત સ્થાન એસ ડી બર્મને રચેલ સંધ્યા મુખર્જી સાથેનાં 'સઝા' (૧૯૫૧) માટેનાં યુગલ ગીત આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરેંથી. તે પછીથી 'જાલ' ૧૯૫૨નાં સૉલો ગીત યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલકી દાસ્તાંથીગીતકાર: સાહિર લુધ્યાનવી - તેઓ પ્રથમ હરોળના પાર્શ્વગાયક તરીકે પ્રસ્થાપિત થયા. એસ ડી બર્મને ભલે તેમને એકાધિકારનો પટ્ટો નહોતો કરી આપ્યો, પણ હિંદી ફિલ્મ સંગીત સમાજમાં 'જાલ'નાં ગીતોને કારણે તેઓ મહદ અંશે દેવ આનંદનો  'સ્વર' બની ગયા. તેમનું આ સ્થાન, કેટલાંક કારણોસર એસ ડી બર્મનને થયેલ મતભેદને કારણે હેમંત કુમાર પાસે સદંતર ગીતો ગવડાવવાનું બંધ કર્યું ત્યાં સુધી, ન તુમ હમેં જાનો, ન હમ તુમ્હેં જાને (બાત એક રાતકી, ૧૯૬૨  - ગીતકાર:  મજરૂહ સુલતાનપુરી) સુધી બની રહ્યું.



આડવાત :

૮ ફિલ્મોમાં કુલ મળીને ૧૦ સૉલો, ૩ યુગલ ગીત અને એક યુગલ+ ગીત એમ (માત્ર) ૧૪ જ ગીતો સચિન દેવ બર્મને હેમંત કુમાર પાસે ગવડાવ્યાં છે. એક ગીતને બાદ કરતાં બધાં જ ગીતો પર્દા પર દેવ આનંદે ગાયાં છે. આ ગીતો આ પહેલાં, સચિન દેવ બર્મન અને પુરુષ પાર્શ્વગાયકો 'લેખમાળામાં પ્રકાશિત થયેલ લેખ સચિન દેવ બર્મન અને હેમંતકુમાર'માં સાંભળી શકાય છે.

અય દિલ તુ કહીં લે ચલ - શોલે (૧૯૫૩) સંગીતકાર: નરેશ ભટ્ટાચાર્ય – ગીતકાર: કામિલ રશીદ

ગીતની રચનામાં 'બંગાળી' સંગીતનો સ્પર્શ અનુભવાય છે.

આગળ જતાં જોવા મળશે કે હેમંત કુમારનાં ઘણાં ગીતોની સાથે અન્ય સ્વર સાથેનાં યુગલ, કે ક્યારેક સૉલો, ગીત સ્વરૂપે 'જોડીયાં' ગીતોનો પ્રયોગ પણ બહુ પ્રચલિત હતો. અહીં પરદા પર અશોક કુમાર માટે હેમંત કુમાર શરૂઆત કરે તે પછી ગીત  પરદા પર બીના રાય માટે શમશાદ બેગમ ઉપાડી લે છે.


હમ તો હૈ કાઠપુતલે કાઠ કે… હમ તો હૈ ખેલ ખિલૌના, ખેલો જી ભર કે રામ - શિકસ્ત (૧૯૫૩) – સંગીત: શંકર જયકિશન – ગીતકાર: શૈલેન્દ્ર

હિંદી ફિલ્મોમાં કોઈને પણ અમુક છાપ લાગી જાય તે પછી તેને એ ચોકઠાની મર્યાદાની બહાર નીકળવું બહુ મુશ્કેલ બની જતું હોય છે. હેમંત કુમારને પણ 'સાધુ' ગીતો માટે બહુ 'યોગ્ય' ગણવામાં આવતા, તેથી તેમને ભાગે એ પ્રકારનાં ગીતો પણ ખાસ્સાં આવ્યાં. જોકે, શંકર જયકિશને તો આ એક માત્ર 'સાધુ' ગીત હેમંત કુમાર પાસે ગવડાવ્યું છે. તે સિવાય તેમણે હેમંત કુમાર પાસે ગવડાવેલું સૉલો ગીત 'રૂલા કર ચલ દિયે (બાદશાહ, ૧૯૫૪) તેમ જ 'પતિતા' (૧૯૫૩))  અને  'બાદશાહ' માટે ગવડાવેલ યુગલ ગીતો ફિલ્મોના મુખ્ય અભિનેતા પર જ ફિલ્માવાયાં છે.


આબાદકો બરબાદ કરના કોઈ શીખે ઝમાને સે  - પેહલી શાદી (૧૯૫૩) – સંગીતકાર: રોબિન ચેટર્જી – ગીતકાર: કૈફ ઈરાની

જે રીતે આ ગીત પણ ભાગ્યેજ સાંભળવા મળતું હશે, તેમ આ ફિલ્મ વિશે પણ બહુ માહિતી નથી મળતી. લાગે છે કે ફિલ્મનાં મુખ્ય પાત્રો તરીકે ભારત ભુષણ અને નરગીસ હોવા છતાં ફિલ્મને સરિયામ નિષ્ફળતા મળી હશે.


આયા તુફાન...કૈસે કોઈ જિયે ઝહર હૈ જિંદગી - બાદબાન (૧૯૫૪) – સંગીતકાર: એસ કે પાલ – ગીતકાર: ઈન્દીવર

હેમંત કુમારનાં સૉલોની જેમ ગીતાદ્ત્તના સ્વરનું જોડીયું ગીત એમ બન્ને ગીતો ખુબ લોકચાહના પામ્યાં હતાં

નીચેની ક્લિપમં બન્ને વર્ઝન સામેલ છે.


ઝુમ ઝુમ મનમોહન રે મુરલી મધુર સુના જા - બિરાજ બહુ (૧૯૫૪) – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: પ્રેમધવન

સરતચંદ્રની આ જ નામ પરની નવલકથા પરથી બિમલ રોય દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ પૂર્ણતઃ બંગાળી સંસ્કૃતિની વાત છે. કહેવાય છે કે આ ફિલ્મની 'બિરાજ'નું પાત્ર કરવા માટે મધુબાલા પણ બહુ જ ઉત્સુક હતાં. જોકે મધુબાલાનો ભાવ નહીં પોસાય એમ માનીને બિમલ રોયે કામિની કૌશલને એ ભૂમિકામાં લીધાં હતા. એ સમયે મધુબાલાએ કોઈને કહ્યું હતું કે આ પાત્ર માટે તો હું માત્ર એક રૂપિયો લઈને પણ કામ કરત.

પ્રસ્તુત ગીત ભજન છે પરંતુ ફિલ્મના નાયક પર ફિલ્માવાયું છે, આ ફિલ્મમાં જ બંગાળની લોક્સંગીતની પરંપરા બૌલ સંગીત પર આધારિત એક ગીત -  સાધુ પર પણ ફિલ્માવાયું છે, જે મોહમ્મદ રફીએ ગાયું છે !


આડવાત:  

દરેક સંગીતકારનું એક ગીત લેવાના જાતેજ બનાવેલ નિયમને તોડીને પણ સલીલ ચૌધરીએ હેમંત કુમારના સ્વરમાં રચેલ 'ગંગા આયે કહાંસે ગંગા જાયે કહાં રે (કાબુલીવાલા, ૧૯૬૧- ગીતકાર: પ્રેમ ધવન) પણ અહીં યાદ કરીએ.

ભટીયાલી (નાવિકનું ગીત) લોકગીત શૈલી પર રચાયેલ આ ગીત મૂળ બંગાળીમાં સલીલ ચૌધરીએ મન્ના ડેના સ્વરમાં રેકોર્ડ કર્યું હતું. એ ગીતને મન્ના ડેએ  અદ્‍ભુત રીતે ગાયું છે.



ઓ દુનિયાકે માલિક રામ….તેરી મરજી કે હમ હૈ ગુલામ - ચક્રધારી (૧૯૫૪)- સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: પ્રદીપજી

મહારાષ્ટ્રના સંત ગોરા કુંભારનાં જીવન પરથી બનેલી આ ફિલ્મ હતી. 


ચંદનકા પલના રેશમી ડોરી, ઝૂલા ઝૂલાઉં નિંદિયાકો તોરી - શબાબ (૧૯૫૪) -  સંગીતકાર: નૌશાદ – ગીતકાર: શકીલ બદાયુની

ફિલ્મમાં નાયક ભારત ભુષણ પર ફિલ્માવાયેલાં બીજાં બધાં ગીત મોહમ્મદ રફીના સ્વરમાં છે. એ ગીતો પણ નૌશાદ અને રફીનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે તે કક્ષાનાં હતાં. તેમ છતાં આ 'હાલરડાં' માટે નૌશાદે હેમંત કુમારના સ્વરને જ કેમ પસંદ કર્યો હશે તે ફિલ્મમાં રજૂ થયેલ સૉલો વર્ઝનની શરૂઆતની સાખી જે ભાવમાં હેમંત કુમારના સ્વરમાં ગુંજે છે તે સાંભળતાંવેંત સમજી શકાય છે.

સંગીત હૈ શક્તિ ઈશ્વરકી, હર સુરમેં બસે હૈ રામ

રાગી જો સુનાયે રાગ મધુર, રોગીકો મિલે આરામ

ફિલ્મમાં ગીત બીજી ત્રણ વાર પણ મુકાયું છે, જે પૈકી એક વર્ઝન લતા મંગેશકર સાથેનું યુગલ ગીત છે  જે આપણે રેકોર્ડસ પર સાંભળતાં આવ્યાં છીએ.

નીચેની ક્લિપમાં ગીતનાં બધાં વર્ઝન સામેલ છે.


મૈં ગરીબોંકા દિલ હું, મચલતી સબાં - આબ-એ-હયાત (૧૯૫૫) – સંગીતકાર: સરદાર મલિક – ગીતકાર: હસરત જયપુરી

મધ્યયુગીન અંગ્રેજ કાલ્પનિક પાત્ર રોબિનહુડ જેમજ ગરીબોના બેલી યુવાનની અરબી દંતકથા, આબ-એ-હયાત (જીવનનું ઝરણું, અમૃત), પરથી બનેલ આ ફિલ્મના મુખ્ય પાત્રનાં આગવા પરિચયરૂપ આ ગીત સરદાર મલિક, હસરત જયપુરી અને હેમંત કુમારના સહયોગનું એક બહુ વિરલ રત્ન છે.

સામાન્યપણે ઉર્દુ શબ્દોના શુધ્ધ ઉચ્ચાર માટે જાણીતા હેમંત કુમાર અહીં 'મચલતી સબાં (સવારની તાજી હવાની લહેરખી)નો ઉચ્ચાર એ રીતે કરે છે કે ઘણાં લોકો આ શબ્દ 'વતનકી જુબાં' સમજે છે.


યે બહારોં કા સમા, ખો ન જાયે આ ભી જા - મિલાપ (૧૯૫૫) – સંગીતકાર: એન દત્તા – ગીતકાર: સાહિર લુધ્યાનવી

એસ ડી બર્મનના સહાયક હોવાની અસરના પ્રભાવ હેઠળ ક્દાચ એન દત્તાએ અહીં પર્દા પર દેવ આનંદ માટે હેમંત કુમારના સ્વરને પ્રયોજ્યો હશે !

ગીતા દત્ત અને હેમંત કુમારના યુગલ સ્વરમાં આ ગીતનું એક જોડીયું વર્ઝન પણ છે. નીચેની ક્લિપમાં બન્ને વર્ઝન સામેલ છે.


લે લે દર્દ પરાયા કર દે દુર ગ઼મકા સાયા, તેરી ખુશી તુઝે મિલ જાયેગી - છોટે બાબુ (૧૯૫૭) – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: ચંદ્રશંકર પાંડે

કોઈ ફકીર (કે સાધું કે પછી છેવટે શેરી ગીતનો ગાયક) જે ગીત ગાય તેનો ભાવ ક્યાં તો ફિલ્મનાં મુખ્ય પાત્રની લાગણીને વાચા દે ,અને નહીં તો તેના માટે કોઈ પ્રેરક સંદેશ આપી જાય, એવાં ગીતોનો પ્રકાર પણ હિંદી ફિલ્મોમાં બહુ પ્રચલિત હતો. મદન મોહને હેમંત કુમારના સ્વરની નૈસર્ગિક ખુબીને આ ગીતની અસરને પ્રગાઢ કરવાં ખુબીથી વણી લીધી છે.


કહ રહી હૈ ઝિંદગી જી શકે તો જી - જલતી નિશાની (૧૯૫૭) – સંગીતકાર: અનિલ બિશ્વાસ - ગીતકાર: ક઼મર જલાલાબાદી

કહેવાય છે કે આ ગીત પહેલાં તો કોઇ કોરસ સંગાથ વિના જ રેકોર્ડ કરી લેવાયું હતું. ગીતનાં રેકોર્ડીંગને લગતી વિધિઓ પુરી કરીને બધાં સાથે અનિલ બિશ્વાસ રેકોર્ડીંગ સ્ટુડીઓની બહાર નીકળતા હતા કે પાછા ફરીને બધાંને ફરીથી ગોઠવાઈ જવા કહ્યું. ત્યાં જ હાજર સાજિંદાઓમાંથી કોરસ ગ્રૂપ બનાવીને, પોણાએક કલાકની (જ) જહેમતમાં, તેમણે  કોરસને અત્યારે સાંભળીએ છીએ તે સ્વરૂપની કાઉન્ટર મેલોડીના સ્વરૂપે ગીતમં ઉમેરીને ગીત ફરીથી રેકોર્ડ કર્યું. સલામ છે અનિલ બિશ્વાસની સુઝને કે જેમણે ગીતના ભાવને આવા અલૌકિક સ્તરે મુકી આપ્યું ! !


હેંમંત કુમારે ગાયેલાં 'અન્ય' સંગીતકારો માટેનો સૉલો ગીતનો બીજો હપ્તો હવે  પછી


સંદર્ભ સ્વીકૃતિ :

1. Anandadhara (as told by Hemanta Mukhopadhyay) by Abhik Chattopadhyay; Saptarshi Prakashan, Kolkata (2013) – Published earlier by New Bengal Press Pvt. Ltd. 1975

2.Amaar Swami Hemanta: (as told by Bela Mukhopadhyay) by Partha Ghosh; Sahityam, Kolkata, 1999

3. V. Shantaram: The Man Who Changed Indian Cinema by Madhura Pandit Jasraj, Hay House India, 2015 Lata Geet Kosh, Vol I, compiled and edited by Snehasis Chatterjee, Parul Prakashani 2008

4.List of songs & films: Compilation by Jaydeep Chakraborty; Assistance Sanjay Sengupta

No comments: