Sunday, February 9, 2025

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૧૦મું સંસ્કરણ – ફેબ્રુઆરી, ૨૦૨૫

 તલત મહેમૂદનાં યુગલ ગીતોઆશા ભોસલે સાથે - ૧૯૫૬

તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ - ૯ મે ૧૯૯૬) નો સ્વર '૫૦ના દાયકાના શ્રોતાઓ પર તો જાદુઈ સંમોહિની ની માફક છવાયેલો હતો. મુકેશ, મન્ના ડે, મોહમ્મદ રફી કે કિશોર કુમાર જેવા એ સમયના સાથી - સ્પર્ધક ગાયકોની સામે તલત મહમૂદનો મખમલી અવાજ પોતાનું અલગ સ્થાન પ્રસ્થાપિત કરી ચુક્યો હતો. ૧૨ ભારતીય ભાષાઓમાં ૭૪૭ જેટલાં ગીતોના ધની તલત મહેમુદે ૧૨ ફિલ્મોમાં અભિનય પણ કરેલ છે.

હિંદી ફિલ્મનાં ગીતોની તવારીખમાં તલત મહેમૂદનાં અન્ય સ્ત્રી ગાયિકાઓ સાથેનાં યુગલ ગીતો એક અનોખું પ્રકરણ છે. તેથી, તલત મહેમૂદના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે. તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭,

૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો અને

૨૦૨૩માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૧, ૧૯૫૨ અંને ૧૯૫૩નાં યુગલ ગીતો, અને

૨૦૨૪માં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં વર્ષ ૧૯૫૪ અંને ૧૯૫૫નાં યુગલ ગીતો

સાંભળ્યાં છે 

આજના મણકામાં તલત મહમૂદનાં આશા ભોસલે સાથેનાં વર્ષ ૧૯૫૬નાં યુગલ ગીતો સાંભળીશું.

પ્યાર કા મારા પ્યાર કરે યા ડૂબ મરે બોલો લોગોં રામ તુમ્હારા ભલા કરે - દિવાલી કી રાત (૯૧૫૬) - મોતી સાગર સાથે - ગીતકારઃ પંડીત ફણી - સંગીતઃ સ્નેહલ ભાટકર 

મોતી સાગર મોતીલાલ અને મુકેશના પિતરાઈ હતા. તેમણે પોતાની અસફળ કારકિર્દીમાં અનેક માર્ગ  અપનાવ્યા. પ્રસ્તુત ગીતમાં તલત મહમુદે પર્દા પર પોતાના જ પાત્ર માટે પાર્શ્વગાયન કર્યું છે, પણ મોતી સાગરે કોના માટે ગાયું હશે તે નથી ઓળખાયું. 





દો દિલ ધડક રહેં હૈ ઔર આવાજ઼ એક હૈ - ઈંસાફ (૧૯૫૬)  - ગીતકારઃ અસદ ભોપાલી - સંગીતઃ ચિત્રગુપ્ત 

તલત મહમુદની ગાયન શૈલીને અનુરૂપ રચાયેલી ચિત્રગુપ્તની આ રચના ખુબ લોકપ્રિય રહી છે. 



હમારી ગલી આના અચ્છા જી હમે ના ભુલાના અચ્છાજી - મેમ સાહિબ (૧૯૫૬) - ગીતકારઃરાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન  મોહન

શમ્મી કપૂર માટે હજુ મોહમ્મદ રફીનો અવાજ પ્રસ્થાપિત નહોતો થયો એ સમયનું આ ગીત છે. તલત મહમૂદે 'અચ્છાજી'ને હળાશભર્યા અંદાજમાં દરેક વખતે અલગ અલગ રીતે ગાઈ બતાવ્યું છે.



કહેતા હૈ દિલ તુમ હો મેરે લિયે - મેમ સાહિબ (૧૯૫૬) - ગીતકારઃરાજેન્દ્ર કૃષ્ણ - સંગીતઃ મદન  મોહન 

આવાં ખુબ કર્ણપ્રિય ગીતો હોય એ ફિલ્મ ટિકિટબારી પર અસફળ ન રહે એ તો સ્વાભાવિક છે. આ ગીત તો હિંદી ફિલ્મોનાં યુગલ ગીતોમાં તેમ જ મદન મોહનનાં ગીતોમાં અગ્રસ્થાન ભોગવે છે. 



દિલ જવાન હૈ આરઝૂ જવાન - સમુંદરી ડાકુ (૧૯૫૬) - ગીતકારઃવિશ્વામિત્ર આદિલ - સંગીતઃ જયદેવ

જયદેવે પાશ્ચાત્ય સંગીતનો પ્રયોગ કર્યો હોય એવાં ગણ્યાંગાઠ્યાં ગીતો હશે. અહીં તેમણે વૉલ્ઝ ધુન બહુ સુપેરે પ્રયોજી છે.

આ ક્લિપમાં તલત મહમુદનું સોલો સંસ્કરણ પણ સાંભળી શકાય છે.



મૌસમ કે રાજા કી આયી બારાત દેખો  - સતી અનસૂયા (૧૯૫૬) - ગીતકારઃ ભરત વ્યાસ - સંગીતઃ શિવરામ

ધાર્મિક કથાવસ્તુ પર આધારિત હોવાથી ફિલ્મ એ સમયે પણ મર્યાદિત પ્રેક્ષક વર્ગે જ જોઈ હશે. આજે તો એ ફિલ્મ કોઈને યાદ પણ નહીં હોય. પરંતુ આ યુગલ ગીત પહેલી વાર સંભળવા મળતું હોવા છતાં પહેલે જ પ્રયાસે ગમી જાય છે.


 

દિલને છેડા હૈ તરાના - સિપાહ સલાર (૧૫૬) - ગીતકારઃ ફારૂક઼ ક઼ૈસર - સંગીતઃ ઈક઼બાલ

છોટા ઈક઼્બાલ તરીકે જાણીતા સંગીતકાર ઈક઼્બાલ આમ તો સ્ટંટ ફિલ્મો પુરતા જ મર્યાદિત રહ્યા. જોકે આ ફિલ્મમાં શમ્મી કપૂર અને નાદીરા જેવાં કલાકારો હતાં એટલે ફિલ્મ એટલે અંશે મોટાં બજેટની હશે. આજે તો આ ફિલ્મ કે તેનાં ગીતો વિસારે પડી ગયાં છે.


ચોરી ચોરી દિલકા લગાના બુરી બાત હૈ - બડા ભાઈ (૧૯૫૬) - ગીતકારઃ પ્રેમ સક્સેના - સંગીતઃ નાશાદ


પેડલ રિક્ષા શહેરી પરિવહન માટે બહુ પ્રચલિત વાહન હોવા છતાં તેના પર બહુ ગીતો નથી બન્યાં.

ગીતમાં વ્હિસલીંગનો પ્રયોગ પણ બહુ અનોખો રહ્યો છે.


૧૯૫૬ માટેનાં તલત મહમુદનાં આશા ભોસલે સાથેનાં આઠ યુગલ ગીતોમાંથી ગીતો તો આજે પણ ખુબ જાણીતાં છે. બાકીનાં બે યુગલ ગીતો આજે અજાણ્યાં જણાય છે, પણ આજે પણ સાંભળવાં ગમે તેવાં છે.

તો ચાલો હવે તલત મહમુદનાં આશા ભોસલે સાથેનાં વર્ષ ૧૯૫૭નાં યુગલ ગીતો માટે ઈતજ઼ાર કરીએ .....


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

No comments: