Sunday, March 20, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - માર્ચ ૨૦૨૨

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  માર્ચ ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આ મહિને પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી આત્મપ્રિયનંદ ના લેખ, ડિજિટલ યુગની જ્ઞાન ક્રાન્તિ - ચાર રસ્તે પહોંચેલું માનવ જ્ઞાન / Knowledge Revolution in the Digital Age – Human Knowledge at Crossroads, પસંદ કરેલ છે.

અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

ડિજિટલ યુગના આરંભે માનવ જ્ઞાનની સીમાઓ તૂટી રહી છે કેમકે જે ભાષાથી માનવ જ્ઞાન રજુ થતું હતું તેની બાંધણી તૂટીને તેનુ ડિજિટલકરણ થવા લાગ્યું છે. આ સંક્રાતિકરણે '૬૦  પહેલાંની, '૬૦ થી '૭૦ની ('એક્સ' પેઢી) , '૮૦થી '૯૦ વચ્ચેની ('વાય' પેઢી), '૯૦થી સદીના અંત સુધીની ('ઝેડ' પેઢી) અને એકવીસમી સદીની ('આલ્ફા') પેઢી સહિત દરેક પેઢીઓ  પર અલગ અલગ અસરો કરી છે. દેખીતી રીતે જ '૯૦ પછીની પેઢીએ ડિજિટલ  યુગમાં 'કામ' અને 'ઇન્ટરનેટ' સાથે સંકલિત રીતે કામ કરી શકવા માટેની ક્ષમતાઓ વિકસાવી લીધી છે. આ માટેનાં તકનીકી કૌશલ કરતાં સંકુલ સમયાઓનું માનવીય ધોરણે સમાધાન કરવાનું કળાકૌશલ્ય મેળવવું વધારે જરૂરી છે. તત્ત્વતઃ, આમ કરી શકવા માટે વ્યાવસાયિક કોશલ્યની  નિર્ણયો કરી શકવાની તીવ્ર ઈચ્છાશક્તિ અને વ્યક્તિગત વિનમ્રતાની સમજાવટભરી મૃદુતાનાં વિરોધાભાસી મિશ્રણની જરૂર મહત્ત્વની બની રહે છે. [1]

ડિજિટલ યુગમાં અનેક વિધ પ્રજ્ઞા પર મુકાતો ભાર હિંદુ પ્રાચીન સંસ્કૃતિની પંચ કોશ વિભાવના સાથે એકરૂપ થતો જણાય છે. એ પંચ કોશ - પાંચ પડ છે - અન્નમય (ખોરાક), પ્રાણમય (શ્વાસ દ્વાર મળતી ઉર્જા), મનોમય (મન), વિજ્ઞાનમય (તર્ક બુદ્ધિ),અને આનંદમય (સ્વર્ગીય સુખ). આ દરેક કોશને પોતાની ચેતના (પ્રજ્ઞા) હોય છે.


ડિજિટલ યુગનાં જ્ઞાને જ્ઞાન અને કર્મના બે પ્રવાહોનો સંગમ કરી નાખ્યો છે. આંતરશાખાકીય અને અન્યશાખાકીય અભિગમોએ પ્રાચીન ઋષિઓનાં અખંડ અદ્વૈત દર્શનમાં પણ ફરીથી રસ પેદા કર્યો છે. તે સાથે ઉપનિષદમાં પ્રસ્થાપિત થયેલ પાર વિદ્યા (ઉચ્ચ જ્ઞાન) અને અપાર વિદ્યા (નીચલાં સ્તરનાં જ્ઞાનમાં પણ રસ પેદા કર્યો છે. આ બન્ને કક્ષાની વિદ્યાઓની જરૂરિયાત એકસમાન છે અને બન્નેને એકસરખી વિકસાવવી આવશ્યક છે. આ વિચારબીજ જ્ઞાનવિચરત (knowmad) [2]  વ્યક્તિમાં જોવા મળે છે જે અતિઅભ્યાસી (nerd)અને ડિજિટલ તકનીક કીડો (geek)ની એકીકૃત આવૃત્તિ છે.'નોમૅડ' એ જ્ઞાન પરિશ્રમિક (knowledge worker) અને જ્ઞાનપિપાસુ  (knowledge seekers)થી અલગ જ પ્રજાતિ છે. એ લોકો નિર્બાધ, અપ્રબંધિત, મુક્ત અને ખુલ્લાં હોય છે. એ લોકોએ વણખાયેલા માર્ગો પર વિચરવાનાં કૌશલ્યને વિકસાવેલ હોય  છે અને તેમને વણખેડાયેલ માર્ગો પર સફર કરવામાં અનેરો આનંદ પણ આવતો હોય છે. તેમના વિચારોનું પ્રવેશસામર્થ્ય અને અનુકૂલનશીલતા તેમ જ પથદર્શન (નિર્ણય-શક્તિ)અને કાર્યવાહીઓની સરળતા એ ડિજિટલ યુગની ક્રાંતિકારી નિપજ છે.



નોમૅડ માટે (વ્યાવસાયિક) કામ – Job - એ માત્ર એક રોજગાર છે, જ્યારે કાર્ય (કર્મ) – Work - લાંબા અરસામાં થતી કામગીરી છે જેનો સંબંધ અર્થપૂર્ણ પરિણામો સર્જવા સાથે છે. એટલે એ લોકો માટે કાર્ય (કર્મ) અને રોજગાર /કારકિર્દી એ બન્ને અલગ બાબતો છે. વ્યક્તિગત જ્ઞાન માહિતી તરીકે જોવા મળતાં સુસ્પષ્ટપણે વ્યકત થતાં ઘટક અને અનુભવ અને પ્રયોગો દ્વારા મેળવેલ અવ્યક્ત સૂચિત ઘટકનાં સ્વરૂપે હોય છે. સ્પર્ધાત્મકતા જાળવી રાખવા માટે નોમૅડે સતત શીખતાં, શીખેલું ભુલતાં અને જે જાણે છે તેને કટાઈ ન જાય તેમ સાફ કરતાં રહેવું જરૂરી છે. સંસ્થાઓએ નોમૅડને પ્રેરણા મળતી રહે એ રીતની વિકસતી રહેતી જ્ઞાન સાનુકુળ પારિસ્થિતિકી તંત્રવ્યવસ્થા વિકાતી રહે એવું વાતારવણ પુરૂં પાડવું પડે.

એ માટે, નોમૅડ સમાજ વ્યવસ્થામાં નવા પ્રકારની વિચારસરણી આવશ્યક બને છે જે દરેક હિતધારકમાં, વ્યક્તિગ્ત, સંસ્થાગત તેમ જ નીતિગત કક્ષાએ, આગવાં નેતૃત્વને ખીલવે. આ માટે નોમૅડને માત્ર સહાયક દૃષ્ટિકોણ જ નહીં પણ સંસ્કૃતિનાં સ્તરે મૂળભુત રૂપાંતરણ જોઈએ છે જે વ્યક્તિગ્ત જ્ઞાનને પ્રબળ સામાજિક સાનુકુળતા વડે એ રીતે અથપૂર્ણ ઉપયોગમાં લે કે દરેક વ્યક્તિ પોતાની બધી જ સંભવિત શક્તિઓને નિષ્ફળતાના ડર વિના મહત્તમ સ્તરે ખીલવી શકે.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • The Quality Professional's Changing Workplace - પ્રસ્તુત વૃતાંતમાં મહામારી અને ડીજિટલ રૂપાંતરણે ગુણવત્તા વ્યાવસાયિકનાં કાર્યસ્થળને કેવું બદલી નાખ્યું છે તે તપાસાયું છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Change Reality- તમે જે ધારો અને સ્વીકારો એ વાસ્તવિકતા છે. તમે જે રીતે  જીવવાનું નક્કી કરો તે રીતે જીવન વહે છે. એટલે જો એ તમારી અપેક્ષાઓ પ્રમાણે ન હોય તો, જરૂરી સમાયોજન કરો  …. જે કંઈ જેમ છે તેમ સ્વીકારી લો. દુનિયા જેવી છે તેવી જ હતી અને રહેશે, તમારી અપેક્ષાઓ અને કામ એ વાસ્તવિકતા મુજબ બદલો. … દરેક પળે, દરેક પરિસ્થિતિમાંતમારાથી બની શકે તેવું અને તેટલું  શ્રેષ્ઠ પ્રદાન કરો. ધીમે ધીમે તમારી આસપાસની વાસ્તવિકતા તમારી પોતાની, નવી, વાસ્તવિકતા બનતી જશે. એવું કેટલું ઝડપથી શક્ય બની શકે તે માટે ઘણાં પરિબળો કારણભૂત બની શકે છે, જેમાંનાં ઘણાં તમારા કાબુમાં હોઈ શકે છે. તમારી આજથી જ આવતીકાલની વાસ્તવિકતાને સિદ્ધ કરવાનું શરૂ કરી દો. તમારી અંદર કેટલું બધું છુપાયેલું પડ્યું છે તે તે મારે જાતે જ ખોળી કાઢવાનું અને નક્કી કરવાનું છે.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Environmental Influencesસભાન પ્રયાસ કે સ્વાભાવિક પ્રક્રિયા માનવ જીવનના પ્રવેગોનું કારણ બની શકે છે. તે સકારાત્મક કે નકારાત્મક સ્વરૂપે પરિણમી શકે છે અને આપણી દુનિયામાં, કે નાનાં સ્તરે સમાજમાં, સમગ્રપણે બની રહેલી ઘટનાઓનું એક બહુ જ સુક્ષ્મ ઘટક જ હોય છે.…. પરંતુ એ માણસનાં ઝડપથી પરિવર્તન કરી કાઢવાનાં સ્વાભાવિક વલણ સ્વરૂપ ખાળી ન શકાય એવાં બળ અને કુદરતની પોતાની રીતે જ, પારિસ્થિતિકી તંત્રને શક્ય હોય તેટલો અનુકૂલન સમય મળી રહે તે રીતે પર્યાવર્ણીય ફેરફારો વિકસાવવાના ક્રમની ખસેડી ન શકાય તેવી વસ્તુ વચ્ચેનું રાજવી યુદ્ધ તો બની જ રહેતું હોય છે.


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.


Sunday, March 13, 2022

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : માર્ચ, ૨૦૨૨

 

ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૦-૧૯૫૨

ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩ – અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮)ની ૧૯૪૩થી ૧૯૪૯ની સંગીત રચનાઓએ તેમને એક આગવા તાલવાદક તરીકે પ્રસ્થાપિત કરવાની સાથે તેમની પ્રતિભાની સુરાવલીનાં માધુર્યને પણ એટલી કર્ણપ્રિય સ્વરૂપે રજુ કરી શકવાની કળાની ઓળખ પ્રસ્થાપિત કરી આપી હતી.   એ વર્ષોમાં તેમણે પગડી  (૧૯૪૮) અને શાયર (૧૯૪૯) જેવી ફિલ્મોમાં આપેલ ગીતો લોકભોગ્ય પણ સાબિત  થઈ ચુક્યાં હતાં. એ સંજોગોમા, ૧૯૪૯માં નૌશાદના સહાયકની ભૂમિકાની છાયામાં આવી જવાનું ગ્રહણ તેમની 'સ્વતંત્ર' સંગીતકાર તરીકેની છાપને નડ્યું હોય તેવું માનવાને પ્રબળ કારણો રહે છે. તેમનો નૌશાદ સાથેનો એ સંબંધ ૧૯૫૨ ('આન') સુધી રહ્યો. જ્યારે તેમને પોતાને સ્વતંત્ર સંગીતકાર તરીકે સફળતા મળવાની શરૂ જ થઈ હતી તે અરસામાં નૌશાદના સહાયકની ભૂમિકાના સ્વીકારને ઘણા ઇતિહાસવિદો 'વેપાર સૂઝની કંઈક અંશે બાલિશતા' પણ કહે છે.

સ્વતંત્ર સંગીતકાર તરીકે ગુલામ મોહમ્મદને ૧૦૫૦માં ત્રણ, ૧૯૫૧માં બે અને ૧૯૫૨માં મળેલી ત્રણ ફિલ્મોને કારણે આ માન્યતાને બળ મળવાનું એક વધારાનું કારણ મળતું હતું, તો એની સામે (તથાકથિત) સફળ નીવડી ચુકેલા, 'પ્રથમ હરોળ'ના સંગીતકારોની, 'મોટાં માથાં સમાં નિર્માણ ગૃહો માટેની ફિલ્મોની સફળતાની હરિફાઇની પશ્ચાદ ભૂમિકાને પણ અવગણી ન શકાય. એ સમયનું ચિત્ર કંઈક આવું હતું - ૧૯૫૦માં નૌશાદની 'દાસ્તાન' અને 'બાબુલ', સી રામચંદ્રની 'સરગમ', અનિલ બિશ્વાસની 'આરઝૂ', ૧૯૫૧માં નૌશાદની 'દીદાર', એસ ડી બર્મનની 'બહાર' અને બાઝી', સી રામચંદ્રની 'અલબેલા', અનિલ બિશ્વાસની 'તરાના', શંકર જયકિશનની 'આવારા' અને ૧૯પ૨માં નૌશાદની 'આન' અને 'બૈજુ બાવરા', એસ ડી બર્મનની 'જાલ', અને શંકર જયકિશનની 'દાગ'ની હરિફાઈનાં પરિબળની સામે ગુલામ મોહમ્મદે 'આન' પછી પુરેપુરા સ્વતંત્ર બનવાનો નિર્ણય લીધો તેને હિંમત કહેવી, કે વ્યાવહારિક થાપ ગણવી એ ચર્ચાનો અંત જ નહીં આવે.

જોકે ગુલામ મોહમ્મદની પ્રતિભાને ઉચિત ન્યાય મળે એ દૄષ્ટિએ આપણે વાતની પણ અહીં નોંધ લેવી જોઇએ કે એ  જ સમયમાં બીજા પણ અન્ય એટલા જ પ્રતિભાવાન સંગીતકારો હતા જેઓએ પણ ઉત્કૃષ્ટ સંગીતરચનાઓ સર્જી હતી, પણ 'સફળતા'ની દેવી તેમના ઉપર પણ હજુ પ્રસન્ન નહોતી થઈ. આ સંગીતકારોમાં બુલો સી રાની ('જોગન', ૧૯૫૦); રોશન ('હમલોગ', ૧૯૫૦ અને 'અનહોની' ૧૯૫૨), હેમંત કુમાર ('આનંદ મઠ', ૧૯૫૧) અને મદન મોહન ('આશિઆના', ૧૯૫૨) જેવાં નામો પણ છે.

ખેર, આપણી આ લેખમાળાનો મુખ્ય હેતુ ગુલામ મોહમ્મદની સફળતાનું મૂલ્યાંકન કરવાનો નથી, પરંતુ તેમનાં અવસાનના મહિનામાં તેમણે સ્વતંત્ર સંગીતકાર તરીકે સંગીતબધ્ધ કરેલી ૩૭ ફિલ્મોની વિસારે પડતી ગીતરચનાઓની યાદ તાજી કરવાનો છે, જે માટે આપણે તેમણે જે અલગ અલગ પાર્શ્વગાયકોની સાથે ગીતો રચ્યાં તે સાંભળીએ છીએ.

આમ કરવા માટે, આપણે તેમની કેટલીક લોકપ્રિય થયેલ રચનાઓનો ઉલ્લેખ હાલ પુરતો ટાળી ને ખાસ  એવાં ગીતો પર પસંદગી ઉતારી છે જે પ્રમાણમાં ઓછાં સાંભળવા મળે છે, પણ ગુલામ મોહમ્મદની સંગીત પ્રતિભાનું પુરૂં ચિત્ર રજૂ કરી રહે છે.

આ પહેલાં આપણે ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં ગુલામ મોહમ્મદ દ્વારા કેટલાંક ગાયકો સાથેનાં ગીતો સાંભળી ચુક્યાં છીએ.

થોડી પુનરોક્તિના દોષ સાથે , આટલાં પ્રાક્કથન સાથે હવે આપણે ગુલામ મોહમ્મદે અલગ અલગ ગાયકો સાથે રચેલાં ૧૯૫૦થી ૧૯૫૨નાં કૅટલાંક ગીતો યાદ કરીશું.

રાજકુમારી,મુકેશ - મૈને સપના જો દેખા હૈ રાત …. ભલો જો કોઈ પુછે  …. તો મૈં ક્યા બોલું  - હંસતે આંસુ (૧૯૫૦ – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ગીતરચના છે તો ભારોભાર વિન્ટેજ એરાની શૈલીની રચના પણ તેથી પહેલ વહેલા પ્રેમના રસે રંગાયેલી પ્રેમિકાની લાગણીઓને વાચા આપવામાં ગુલામ મોહમ્મદને કોઈ જ અડચણ નથી અનુભવાઈ. મજરૂહ સુલ્તાનપુરીએ પણ ભાવને બહુ જ સરળ બોલમાં જીવંત કરી લીધેલ છે.

તેઓ મુખડા અને અંતરાને બે અલગ રીતે સજાવવામાં બે ધુનો વપરાઈ જશે એવો લોભ નહોતા કરતા એવી ગુલામ મોહમ્મદની રચનાઓની એક ખાસ લાક્ષણિકતાની આ ગીત દ્વારા નોંધ લઈએ -.


શમશાદ બેગમ, હમીદા બાનુ, રાજા ગુલ  - ઓ જાનેવાલે ઠહેર જરા …. દિલ દે જા યા લે જા રાજા, ઉલ્ફતકા યે બાઝાર હૈ - હંસતે આંસુ (૧૯૫૦) – ગીતકાર: શેવાન રિઝ્વી

પૂર્વાલાપમાં હાર્મોનિયમના એક નાના-સા ટુકડાથી પણ આપણને અંદાજ આવી જાય કે આ તો શેરી નૃત્ય ગીત છે, જે મુખડાના ઉપાડથી નક્કી પણ થઈ જાય. પરંતુ તે પછી ગુલામ મોહમ્મદની સર્જનાત્મકતા બહુ જ અનોખી વાદ્યસજ્જાને કામે લગાડીને ગીતને અલગ જ સ્વરૂપે રજુ કરે છે.

શમશાદ બેગમ - હમ દિલ હી અપના હાર ગયે - માંગ (૧૯૫૦) – ગીતકાર: હુસૈની

ભલભલાં ગીતો શોધીને પણ યુ ટ્યુબ પર અપલોડ કરનાર સમર્થ ચાહકો પણ આ ગીત યુ ટ્યુબ પણ નથી મુકી શકયા એ એક રીતે તો ગુલામ મોહમ્મદનાં નસીબની વાંકી ચાલ જ કહી શકાય.

ખેર, મહત્ત્વની વાત એ છે કે લગભગ સરખા ભાવનાં અલગ અલગ ગીતોને ગુલામ મોહમમ્દ કેટલી અલગ જ રીતે સંગીતબધ્ધ કરી શકે છે તે આ ગીતને આ પહેલાંનાં ગીત, મૈને સપના જો દેખા હૈ રાત, સાથેની સરખામણીથી જ ધ્યાન પર આવી જાય છે.

આ ગીત ઓડીયો લિંક Hum Dil Hi Apna Haar Gaye.mp3 પર ક્લિક કરવાથી સાંભળી શકાય છે.

ઉમા દેવી, લતા મંગેશકર - ન જાને આજ ક્યોં ઘબરા રહી હો - માંગ (૧૯૫૦) – ગીતકાર: પ્રકાશ 

વિન્ટેજ એરાનાં આથમતાં ઉમા દેવી અને સુવર્ણ યુગનાં ઉગતાં લતા મંગેશકરને કેટલી સહજતાથી ગુલામ મોહમ્મદે આ યુગલ ગીતમાં સાથે લાવી મુક્યાં છે !

(રાજકુમારી), ગીતા દત્ત, હમીદા બાનુ - આયા અચાનક ઐસા ઝોંકા હિંદકા ઝગમગ દીપ બુઝા - માંગ (૧૯૫૦) – ગીતકાર: સઘીર ઉસ્માની

મહાત્મા ગાંધીનાં અવસાનની યાદનો અફસોસ વ્યક્ત કરતાં આ ગીતમાં પણ ગુલામ મોહમ્મદ અલગ અલગ પ્રકારની રજૂઆતનો પ્રયોગ બહુ જ અસરકારક રીતે કરે છે.

ગીતની શરૂઆત રાજકુમારીના સ્વરમાં છે.

મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - મૈં હું બડા નસીબોંવાલા …. હુઆ તેરા મેરા પ્યાર ફટાફટ - પરદેસ (૧૯૫૦) – ગીતકાર: શકીલ બદાયુની

હળવા મિજાજનાં ગીતને ગુલામ મોહમ્મદ બહુ જ સ્વાભાવિકથી તો રજૂ કરી જ છે, પણ તેમાં પણ અમીરબઈ કર્ણાટકીના સ્વરને પ્રયોજવાની પ્રયોગશીલતાને બરકરાર રાખી છે. મુખડાના ઉપાડમાં રફીના સ્વરની ખુબીનો પણ કેવો અનોખો ઉપયોગ કરી લીધો છે !

લતા મંગેશકર - ક્યું અય દિલ-એ--દીવાના હૈ હોશ સે બેગાના - બીખરે મોતી  (૧૯૫૧) – ગીતકાર: અખ્તર ઉલ ઈમાન

અહીં લતા મંગેશકરના સ્વરને તેમના બહુ જ શરૂઆતના સમયના, વિન્ટેજ એરાની શૈલીને અનુરૂપ, અંદાજમાં રજૂ કરેલ છે તેથી એવું જણાય છે કે ગુલામ મોહમ્મદ પર વિન્ટેજ એરાનો પ્રભાવ હજુ પણ ચાલુ જ છે.

તલત મહમૂદ - ચાંદની રાતોમેં જિસ દમ યાદ આ જાતે હો તુમ - નાઝનીન (૧૯૫૧) -ગીતકાર: શકીલ બદાયુની

આજે ફરીથી એક વાર આ ગીત સાંભળતાં હવે મનમાં ઓછું આવ્યા કરે છે કે અત્યાર સુધી આ ગીત બહુ વાર કેમ સાંભળવા નહીં મળ્યું હોય !

આડવાત:

શ્રી અરૂણકુમાર દેશમુખ જણાવે છે કે બાળ કલાકાર તરીકે ફિલ્મ જગતમાં પહેલ વહેલું કામ અમજદ ખાને આ ફિલ્મમાં કરેલ.

શમશાદ બેગમ. જી એમ દુર્રાની, મોહમ્મદ રફી - દો દિનકી ઝિંદગી હૈ … એક બાર મુસ્કરા દો, પર્દેમેં તુમ હસીં કે ….દિલકી લગી છૂપા લો - અજીબ લડકી (૧૯૫૨) ગીતકાર: શકીલ બદાયુની

પહેલાં નીચા સુરમાં મુખડાના બોલ અને પહેલા અંતરાનો ઊંચા સુરમાં ઉપાડ અને તે પછી બીજા અંતરામાં એક જ પંક્તિની તોફાની અદામાં  એકદમ ઊંચે જઈને બોલની અભિવ્યક્તિ સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે પોતાની ગાયકીની મૌલિક શૈલી વડે આગવી ઓળખ ઊભી કરવામાં મોહમ્મદ રફીએ કેટલી મહેનત કરી હશે !

ઝોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ - દિલ કે શીશમહલ મેં આયે યે મતવાલે ચોર -અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

આ સ્ટેજ નૃત્યમાં નૃત્યાંગનાઓ બે અલગ અંતરાઓમાં જુદી જુદી સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ ધારણ કરે છે અને ગુલામ મોહમ્મદ એ સંસ્ક્રુતિની ઓળખને અનુરૂપ જ ધુનની બાંધણી પણ કરે છે. તે સાથે બહુવિધ સાઝ સાથેની વાદ્યસજ્જાનો પ્રયોગ તો કરે જ છે !

મોહમ્મદ રફી - ચુરાકર દિલ કો યું આખેં ચુરાના તુમને કિસસે શીખા હૈ  ….ચલે જાના તુમ બડે શૌખ સે હુઝૂર, મેરા દિલ મુઝે વાપસ કર દો - અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

હીરો જ્યારે હિરોઈનને મનાવવાની કોશિશ કરતો હોય એ માટે રચાયેલાં આ ગીતની ધુન અઘરી કહી શકાય તે કક્ષાની છે !

લતા મંગેશકર - ટુટેગી નહી યે પ્યારકી ડોર દુનિયા ચાહે લગા લે જ઼ોર - અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

હવે ગુલામ મોહમ્મદે લતા મંગેશકરને મુખ્ય ગાયિકાનું સ્થાન પણ આપ્યું છે અને ત્યાં સુધીમાં પ્રચલીત થઈ ચુકેલ , વિન્ટેજ એરાની શૈલીના ઓછાયાની બહાર આવી ગયેલી તેમની ગાયન શૈલી પણ અપનાવી લીધેલ છે. 

શમશાદ બેગમ, મોહમ્મદ રફી - રોતે હૈ નૈના ગમ કે મારે, દેખ રહૂ હું દિનમેં તારે - અંબર (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

આ ગીતને પશંદ કરવાનું કારણ માત્ર એટલું જ આગળનાં ગીતમાં લતા મંગેશકરને, એ સમયની સૌથી વધારે પ્રચલિત, નરગીસ-રાજ કપૂરની જોડીની ફિલ્મમાં,  મુખ્ય ગાયિકા તરીકેનું સ્થાન મળ્યાંની વાતનું, શમશાદ બેગમને અહીં 'અન્ય' અભિનેત્રીઓ માટે પસંદ કરાતાં, સમર્થન સાંપડતું જોઈ શકાય છે. ગીતનો ઉપાડ  ગંભીર ભાવમાં છે, પણ પછીથી રફીના પ્રવેશની સાથે ગીત આનંદના ભાવમાં પલટાઈ જાય છે તે રફીની પ્રસ્થાપિત થઈ રહેલી બહુમુખી પ્રતિભાને પ્રમાણિત કરવામાં મદદરૂપ બની રહે છે.

મુબારક બેગમ - જલ જલ્કે મરૂં ખુછ કહે ન શકું  - શીશા (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

ગુલામ મોહમ્મદ મુખડામાં મુબારક બેગમના ઉંચા સુરની સાથે બહુવિધ વાદ્યસજ્જા વાપરે છે, પણ પછી અંતરામાં વાદ્યોનો સાથ શાંતપણે રહે છે.

ગાયકીની ખુબીઓની દૃષ્ટિએ આ ગીત મુબારક બેગમનાં શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન આપવું જોઈએ, પણ નવાઈની વાત છે કે તેમને આ કક્ષાનાં ગીતો આ પછી બહુ જ ઓછાં મળ્યાં. મેં પણ આ ગીતને ખાસ સાંભળ્યું નથી. કેટલી કમનસીબીની વાત છે કે ફિલ્મ સફળ ન થાય તો ગીતોની આવરદા પણ ટુંકાઈ જાય છે . 

લતા મંગેશકર - જવાની કે રાસ્તે પે આજ મેરા દિલ હૈ - શીશા (૧૯૫૨) – ગીતકાર: શકીલ બદાયુની

ખુબ જ રમતિયાળ પૂર્વાલાપ સાથે ગુલામ મોહમ્મદ ગીતના ભાવને અનુરૂપ વાતાવરણ ખડું કરી રહે છે  અને તે પછી લતા મંગેશકર પણ મનમાં ઉછળતા કુદતા ભાવોને બહુ જ સહજ સ્વરૂપે વ્યક્ત કરે છે.


ટેક્નોલોજિના વિકાસ અને યુ ટ્યુબ પર ગીતો અપલોડ કરનારાઓની પ્રતિબધ્ધતા અને સાધનસંપન્નતાને કારણે તે સમયે ભલે લાભ ન મળ્યો, પણ ગુલામ મોહમ્મદનાં આ ગીતોની આટલી મોહક યાદ આપણને આજે તાજી કરવા મળી છે, તેને પુરેપુરી મમળાવી શકાય એટલે વિવિધ ગાયકો સાથેના ગુલામ મોહમ્મદના અનોખા પ્રયોગોની સફરને અહીં વિશ્રામ આપીશું.