Sunday, March 12, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - માર્ચ ૨૦૨૩

 

ગુલામ મોહમ્મદ અને તેમનાં ગાયકો : ૧૯૫૩

ગુલામ મોહમ્મદ (જન્મ: ૧૯૦૩અવસાન: ૧૭ માર્ચ ૧૯૬૮) તાલીમથી ઢોલકના વાદક હોવાની સાથે  સાથે તેમની સંગીતની આગવી આંતરસુઝને  કારણે લોકસંગીતનાં ડફ અને મટકા જેવાં તાલવાદ્યોની પણ તેમને સહજ ફાવટ હતી. વળી, નાનપણમાં પિતા સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજર રહેવાનો લાભ તેમને મળતો રહ્યો, જેને પણ સંગીતની તેમની સમજને તાલની સાથે સુરાવલીનાં માધુર્યની પાસાં સુધી આપોઆપ વિસ્તારી. ૧૯૨૪માં મુંબઈ આવ્યા પછીનાં આઠ વર્ષોનો તેમનો સંઘર્ષ તેમનામાં સંગીતનાં નૈસર્ગિક હીરને તરાસવામાં ઉપકારક પણ નીવડ્યો. ફિલ્મજગતની નિયતિ અને વરવી વાસ્તવિકતાઓએ ગુલામ મોહમ્મદનાં હીરની સાચી પરખ કરવામાં ભલે કંજૂસી કરી પણ તેમણે રચેલ ૩૭ જેટલી ફિલ્મોનાં સંગીતને સમયની ગર્તામાં સાવ વિલીન કરી દેવામાં કામયાબી તો ન  જ મેળવી.

આવા બહુમુખી પ્રતિભાશાળી સંગીતકારનાં અંતકાલીન મહિનામાં તેમણે રચેલ ગીતોની યાદ તાજી કરવાનો ઉપક્રમ આપણે આ મંચ પર પ્રયોજેલ છે.  તદનુસાર સમયે સમયે તેમણે જ એજે પાર્શ્વગાયકો સ્વરો દ્વારા એ ગીતોને વાચા આપી તેને કેંદ્રમાં રાખીને આપણી આ શ્રેણીની રચના કરેલ છે. અત્યાર સુધી આપણે  

વર્ષ ૨૦૨૧માં ૧૯૪૩થી ૧૯૪૯નાં, અને

વર્ષ ૨૦૨૨માં ૧૯૫૦થી ૧૯૫૨નાં

કેટલાંક ગીતો યાદ કરી ચૂક્યાં છીએ.

આજે હવે વર્ષ ૧૯૫૩માં રજુ થયેલી તેમની સંગીતબધ્ધ કરેલી ફિલ્મો - દિલ-એ-નાદાન, ગૌહર, હજ઼ાર રાતેં, લૈલામજનુ, નૈના અને રેલકા ડિબ્બા-નાં કેટલાંક ગીતો સાંભળીશું. 

જગજીત કૌર  - ચંદા ગાયે રાગની છમ છમ બરસે ચાંદની, મસ્ત જિયા લહરાયે મોરા મસ્ત જિયા લહરાયે - દિલ -એ - નાદાન (૧૯૫૩)  - ગીતકાર: શકીલ બદાયુની

આનંદના ભાવનાં આ ગીતમાં જગજીત કૌરના સ્વરને ગુલામ મોહમ્મદે કેટલી આકર્ષક રીતે રજુ કર્યો છે!

આ ફિલ્મમાં જગજિત કૌરનું એક કરૂણ ભાવનું સૉલો - ખામોશ જિંદગીકો એક અફસાના મિલ ગયાપણ છે, જે જગજિત કૌરનાં શ્રેષ્ઠ ગીતો પૈકી એકનું સ્થાન ધરાવે છે.

સુધા મલ્હોત્રા - ન વો હમારે, ન દિલ હમારા. કહીં ભી અપના નહીં ઠીકાના - દિલ -એ - નાદાન (૧૯૫૩)  - ગીતકાર: શકીલ બદાયુની

ગુલામ મોહમ્મદે હિંમતભરી પ્રયોગશીલતા દાખવીને સુધા મલ્હોત્રાના સ્વરમાં પણ સ્વતંત્ર સૉલો ગીત મુક્યું છે. ગીતની બાંધણી અને વાદ્યસજ્જામાં પણ તેમણે અલગ જ કેડી કોતરી છે.  

આશા ભોસલે - લીજો બાબુલ હમારા સલામ રે, હમ તો જાતે હૈ સાજન કે ગામ રે - દિલ -એ - નાદાન (૧૯૫૩)  - ગીતકાર: શકીલ બદાયુની

અહીં ગુલામ ઓહમ્મદે આશા ભોસલેને તેમની કારકિર્દીના સંઘર્ષના સમયમાં તક આપી છે. કન્યા વિદાયની પરંપરાગત ધુનનો પ્રયોગ પણ ગુલામ મોહમ્મદની પ્રયોગશીલતાનો એક વધારે પુરાવો છે.

તલત  મહમુદ - યે રાત સુહાની  રાત નહીંઅય ચાંદ સિતારો સો જાઓ - દિલ -એ - નાદાન (૧૯૫૩)  - ગીતકાર: શકીલ બદાયુની

તલત મહમુદ ઊંચા સપ્તકમાં પણ ગીતની કરૂણા કેટલી અસરકારક રીતે રજુ કરી રહ્યા છે. 

આશા ભોસલે, મોહમ્મદ રફી - હૌલે હૌલે ધીરે ધીરે ....  દિલ મેરા લેકે ચલે - ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

ગુલામ મોહમ્મદની પ્રયોગશીલતાના ખજાનાંમાં અથાગ રત્નો ભર્યાં પડ્યં છે. ગીતની બાંધણીમાં જેટલી નવીનતા છે તેટલું જ માધુર્ય પણ છે.


શમશાદ બેગમ - સાવન મેં યાદ તેરી આયે જબ પિયાહો દેખો જી કાલી ઘટા બરસ બરસ જાયે - ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

શ્રાવણની કાળી ઘટાઓ કવિઓ માટે એક પ્રિય વિષય છે. ગુલામ મોહમ્મમ્દ અહીં શમશાદ બેગમના સ્વરની ખુબીનો પુરેપુરો ઉપયોગ કરીને મૌસમની તાજગીને ઝીલી લે છે.

સુધા મલ્હોત્રા, શમશાદ બેગમ - સૈંયા તોરે પૈયાં પડું આ જા રે, મેરે મનકી અગન બુજા જા રે - ગૌહર (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની 

ઢોલકના તાલ પર બે સખીઓ અને તેમનાં મિત્રવૃંદના યૌવન સભર ભાવોને ગુલામ મોહમ્મદ તાદૃશ કરી રહે છે. 

મોહમ્મદ રફી  -  જરા સંભલ કે બેટા જમુરા તુ નાચ મૈં છેડૂં તમુરા - હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

દેખીતી રીતે તો મદારી વાંદરાનો નાચ કરાવતો હોય ત્યારે જે શૈલીમાં ગીત ગાતો હોય છે તે ધુન પર ગુલામ મોહમ્મદે પસંદગી ઉતારી છે, પરંતુ મોહમ્મદ રફીના સ્વરને અલગ જ મુડમાં રજુ કરેલ છે.

શમશાદ બેગમ, મોહમ્મદ રફી - રાજા જી રાજા જી તુમ મેરી કહાની ક્યા જાનો, મૈં હું ક્યા તુમ ભલા દિલકી બાતેં પુરાની ક્યા જાનો  - હજ઼ાર રાતેં (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની

આમ તો બે પ્રેમીઓ વચ્ચે પ્રેમાલાપનું યુગલ ગીત છે, પરંતુ ગીતની રચનામાં પ્રયોગો કરીને ગુલામ મોહમ્મદ અનોખો  અંદાજ લાવે છે અને સાથે ઢોલકના ઉપયોગને હાર્મોનિયમન ટુકડાઓનો સંગાથ કરીને ગીતને નાવીન્યસભર તાજગી બક્ષે  છે.


મોહમ્મદ રફી - મિલને કી હસરતમેં બેતાબી કે સાથ, રહ ગયા ફૈલાકે દો હાથ, ફૂલ દો દિન હંસ કે જી બહલા ગયે ઔર યે ગમસે બીન ખીલે મુરઝા ગયે - લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની 

બેકગ્રાઉંડમાં ગવાતાં આ ગીતમાં મોહમ્મદ રફીને ગુલામ મોહમ્મદે રફીને હવે અઢી સપ્તકમાં ઉપરનીચે વહેતા સુરના તેમના જાણીતા અંદાજમાં રજુ કરેલ છે.


લૈલા મજનુમાં મોહમ્મદ રફીના અન્ય બે ગીતો પણ છે. તે જ રીતે આશા ભોસલે તેમ જ શમશાદ બેગમનાં સ્વરોમાં પણ ગીતો છે. આ બધાં ગીતોને પુરતો ન્યાય તો લૈલા મજનુનાં બધાં ગીતોને સાંભળવા લઈએ તો કરી શકાય તેમ છે.

મોહમ્મદ રફી, ખાન મસ્તાના - બુલબુલમેં હૈ નગમે તેરે ગુલમેં તેરી બુ હૈ, હર સાયે મેં તેરા નુર હૈ હર ચિજ મેં તુ હી તુ હૈ - લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની 

કવ્વાલી થાટમાં રચાયેલાં આ ગીતમાં આમ તો ક઼ૈસ (મજનુ)ની લૈલાના દિદારની તડપ છે, પણ સુફી રચનાઓમાં જોવા મળતું હોય છે તેમ પરવર દિગારનાં દર્શનની પણ તડપ અનુભવી શકાય છે. 


મોહમ્મદ રફી, તલત મહમૂદ - ભર દે જોલી અલ્લા નામ ભર દે જોલી અલ્લા નામ, સભીકી ખૈર માયી બાબાકી ખૈર તેરે બના દે બીગડે કામ - લૈલા મજનુ (૧૯૫૩) – ગીતકાર: શકીલ બદાયુની 

ભિક્ષુકોની એક ટુકડી ઈશ્વરની ભક્તિના ભાવ સાથે ભિક્ષા માગવા નીકળ્યા છે, મુખડા અને પહેલા અંતરામાં તો મોહમ્મદ રફી અને તલત મહમૂદ બીજા બીજા કલાકારો માટે સ્વર આપે છે, પરંતુ બીજા અંતરામાં (૧.૫૯થી) પરદા પર ભિક્ષુકો સાથે કૈસ પણ દેખાય છે જે હવે ફિલ્મમાં વ્યાપકપણે પ્રયોજાયેલ તેના માટેના તલત મહમુદના સ્વરમાં ખૈરાત વહેંચતી લૈલા (નુતન) પાસે એક જલવાની ખૈરાત માગે છે. 


નૈના (૧૯૫૩)નાં ૪ ગીતો મન્ના ડે એ અને ત્રણ ગીતો ગુલામ મોહમ્મદે સંગીતબધ્ધ કરેલ છે.

મીના કપૂર - બરબાદીયોંને હોશસે બેગાના કર દિયા, અબ આંસુઓંકો દર્દ કા ફસાના કર દિયા - નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ 

દેખીતી રીતે હિંદી ફિલ્મની મસાલા ફોર્મ્યુલા મુજબનું પ્રેમભગ્ન હીરોઇન દ્વારા ગવાતું કરૂણ ભાવનાં ગીતને મીના કપૂરનો સ્વર અને માધુર્યપ્રચુર લય માં મુખડો કે અંતરાની પહેલી પંક્તિને સાવ ધીમા તાલમાં મુકીને ગુલામ મોહમ્મદે કેટલા બધા પ્રયોગો કરી બતાવ્યા છે.


ગીતા દત્ત - દિલ ઉનકો દે દિયા..... દિલકા માલિક જાન કે - નૈના (૧૯૫૩) – ગીતકાર: અંજુમ 

ગુલામ મોહમ્મદ પ્રેમના એકરારને પણ ગીતની બાંધણીમાં નવીનતાની સાથે ગીતા દત્તના સ્વરની મદદથી તેમની પ્રયોગશીલતાનું હજુ એક નવું પાસું રજુ કરે છે. 



૧૯૫૩માં રીલીઝ થયેલી શમ્મી કપૂરની ત્રણેય ફિલ્મો - ઠોકર, લૈલા મજનુ અને રેલ કા ડીબ્બા - ટિકીટબારીની સફળતાના અનુક્રમે ૨૧, ૨૨ અને ૧૯મા ક્રમે ટ્રેનના છેલ્લા ડબ્બાઓ જેવી હાલતમાં હતી. 

શમશાદ બેગમ - છમ છમાછમ પાયલ બાજે, નાચે મોરા મન, ચંદા સે ગવાહી લે લે તુ મેરે સાજન  હો - રેલ કા ડીબ્બા (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની 

૧૯૫૩માં ગુલામ મોહમ્મદે મધુબાલા માઅટે શમશાદ બેગમનો સ્વર કેમ પસંદ કર્યો હશે તે જાણવા જેવી ઘટના કહેવાય. 

પર્દા પર ગીતને પુરો ન્યાય કરવા મધુબાલાએ પુરી કોશીશ કરી છે, પણ એકંદરે ગીત ધારી અસર ઉપજાવવામાં ઉણું પડતું અનુભવાય છે.  


મોહમ્મદ રફી, ગાંધારી - દુનિયા જવાન હૈ દિલ મહેરબાન હૈ, ઐસેમેં સજન મિલ જાયે સનમ સનમ મેરી કસમ  - રેલ કા ડીબ્બા (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની 

શેરીમાં પોતાની કરતબ બતાવતાં કળાકારોના ગીતોને અનુરૂપ ગીતની રચના કરાઈ છે.


શમશાદ બેગમ, મોહમ્મદ રફી  - લા દે મોહે બાલમા આસમની ચુડીયાં જી આસમાની ચુડીયાં - રેલ કા ડીબ્બા (૧૯૫૩) - ગીતકાર: શકીલ બદાયુની 

લોક ગીતની ધુનને ગુલામ મોહમ્મદે પોતાની રીતે સજાવીને બે પ્રેમીઓની મજાક મસ્તીનાં અઠખેલીનાં ગીતમાં સજાવી દીધેલ છે


આજના અંકની સમાપ્તિ કરતાં પહેલાં ૧૯૫૩નાં વર્ષમાં ગુલામ  મોહમ્મદે તલત મહમુદનાં ખુબ જ લોકચાન અમેળવેલ, અને તલત મહમુદનામ સર્વકાલીન શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે એવાં ગીતોને યાદ કરવાં આવસ્યક બની રહે. એ ગીતો હતાં -

ઝિંદગી દેનેવાલે સુન, જો ખુશી સે ચોટ ખાયે, મુહોબ્બતકી ધુન બેક઼રારોસે પુછો (જગજિત કૌર અને સુધા મલ્હોત્રા સાથે) (ત્રણેય ગીત ફિલ્મ(દિલ - એ - નાદાન) ચલ દિયા કારવાં લુટ ગયે હમ યહાં, આસમાનવાલે તેરી દુનિયાસે જી ભર ગયા (લત મંગેશકર સાથે) (બન્ને ગીત 'લૈલા મજનુ' માટે)

આટઆટલાં સફળ ગીતો આપવા છતાં આ ફિલ્મો ટિકિટબારી પર પિટાઈ ગઇ અને તેની સાથે ગુલામ મોહમ્મદની કારકિર્દીને પણ પીટતી ગઈ એ નસીબની વક્રતા જ ગણીએ! 

ગુલામ મોહમ્મદની કારકિર્દીના ખજાનાની આપણી ખોજ તો હજુ પણ ચાલુ જ છે.......


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, March 5, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : એંજિનીયરિંગ ડ્રોઈંગ - સદનસીબે એંજિનિયરિંગ વધારે અને ડ્રોઈંગ ઓછું નીકળ્યું [૧]

 

વિષયના નામમાં જ ચિત્રકામ વાંચીને જ મારાં તો ગાત્રો થીજી ગયાં હતાં.

મારામાં ચિત્રકામને કાગળ પર ઉતારવાની બાબતે કંઈક એવી પાયાની વસ્તુની જ ખોટ હતી કે મારા બધા પ્રયત્નો છતાં હું સાદામાં સાદાં ચિત્રને પણ કાગળ પર દોરી શકવાના હુન્નર બાબતે ધરાર કાચો જ રહ્યો. એક ઉદાહરણ જ પુરતું થઈ રહેશે. 

ચિત્રકામ સાથે મારો પહેલો ખરો સાક્ષાત્કાર આઠમા ધોરણની બીજી ટર્મમાં હું જ્યારે ૧૯૫૮-૫૯નાં વર્ષમાં રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલમાં જોડાયો ત્યારે થયો. અહીં અમારે હસ્તકૌશલ શીખવા માટે ઉદ્યોગ, સંગીત અને ચિત્રકામ એવા ત્રણ વિષયો પણ ભણવાના હતા. મને બરાબર યાદ છે કે જે વિષય પર મારે પહેલવહેલું ચિત્ર દોરવાનું આવ્યું તે 'પતંગ ઉડાડતો છોકરો' હતો. અમારા શિક્ષકે તો લગભગ આંખના પલકારા જેટલા સમયમાં (એવું મને તે ઘડીએ લાગ્યું હતુ !) બ્લૅક બોર્ડ પર એ ચિત્ર દોરી બતાવ્યું. 

એ ચિત્રમાં મને સૌથી વધારે સહેલું વાદળાં દોરવાનું જણાયું કેમકે વાદળાંને કોઈ ચોક્ક્સ આકાર ન હોય એટલે એ તો હું જ આસાનીથી દોરી શકીશ એ નક્કી હતું. બીજે નંબરે મેં પતંગ દોરવાનું નક્કી કર્યું કેમ કે તેમાં પણ મારે ચાર બાજુઓની આકૃતિ જ પાડવાની હતી. પણ કોને ખબર હતી કે આ હાથો માટે તો પહેલે જ કોળિયે માખી ગળવા જેવી મુશ્કેલ એ કસોટી નીવડશે. ઘણી ચીવટથી મેં એ આક્રુતિ દોરવા પ્રયાસ કર્યો પણ જે કંઇ દોરાયું એ મને જ પતંગ ન લાગે એવી કોઈ ચાર બાજુઓની એ આકૃતિ હતી. પછી તો એ આખો પિરિયડ એ આકૃતિ દોરવા અને ભુંસવામાં જ નીકળી ગયો. અંતે કાગળનો એટલો ભાગ કાળો થઈ ગયો પણ પતંગ તો ન જ બન્યો ! આ કક્ષાની આવડત છતાં હું ચિત્રકામમાં આઠમાની અને નવમા ધોરણની પરીક્ષાઓમાં કેમ કરીને પાસ થયો હોઈશ એ મને યાદ નથી આવતું એ જ સારૂં છે !

સદનસીબે પિતાજીની ૧૯૬૦માં અમદાવાદ બદલી થઈ અને ચિત્રકામ સાથે મારો છેડો છૂટ્યો. આમ મારી એક સ્વભાવગત કચાશ બીજી પ્રવૃતિઓની આડશમાં ઢંકાઈ ગઈ.

વિઘ્ન દોડનો પહેલો અવરોધ પાર તો થયો ! 

હવે આ જુદી જુદી વસ્તુઓનાં ચિત્ર દોરવા સાથે ફરી એક વાર પનારો પડ્યો.  આશાનું કિરણ એક જ હતું કે હવે આ બધું કામ જુદાં જુદાં સાધનોની મદદથી કરવાનું હતું, અને જે ચિત્રો કાગળ પર ઉતારવાનાં હતાં એ બધાં કોઈ ચોક્કસ ભૌમિતિક આકારનાં જ રહેવાનાં હતાં.

પરંતુ ચિત્રકામનો વિષય એમ સાવ સહેલાઈથી પાર થોડો પડે !

અત્યાર સુધી ચિત્રકામમાં જે પેન્સીલ દુકાનેથી લઈ આવીએ તેની અણી કાઢ્યા પછી તે સાવ બુઠ્ઠી ન થાય ત્યાં સુધી કામ લઈ શકાય એટલી જ સમજણ હતી. અહીં તો 2H અને 4H એમ બે પ્રકારની કમ સે કમ બબ્બે પેન્સીલો લેવાની હતી, જેમાંથી એકની તીખી નોકનો શંકુ આકાર અને બીજાની તીખી છીણીની ધાર જેવો રાખવાનો. બીજી પેન્સીલો પણ એવી જ હોવી જોઈએ જેથી વારંવાર અણી કાઢવાનો સમય બન્ન બગડે. થોડી ઠોકરો કાઢ્યા પછી ખબર પડી કે  પેન્સીલ પરનો નંબર જેમ નાનો તેમ તે વધારે કઠણ હોય એટલે કાચું કામ તેનાથી કરવાનું અને બધું બરાબર થઈ જાય એટલે વધારે નંબરની પેન્સીલથી તે સારી રીતે દર્શનીય બનાવી દેવાનું.

પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં અમલ કરવામાં આ વાત એટલી સરળ નહોતી એ તો ડ્રોઇંગની ઓળખસમી નેમ પ્લેટ સાથે અંગ્રેજી અક્ષરો અને આંકડાઓ સાથેની પહેલી જ શીટ બનાવતાં જ સમજાઈ ગયું. શીટની બોર્ડર અને પહેલો જ અક્ષર બરાબર થયાં છે એવી સુપરવાઈઝરની સહમતી મેળવવામાં જ બે ત્રણ પિરિયડ નીકળી ગયા હતા, ઘસી ઘસીને પેંસિલો પણ લગભગ અર્ધી તો થઈ જ ગઈ હશે ! ખેર, બીચારા સુપરવઈઝરે પણ થાકીને જેવું થયું તેવું સ્વીકારીને આગળ વધવાની લીલી ઝંડી આપવી જ પડી હતી.

જોકે ત્રણે ત્રણ વર્ષ જે કંઈ કામ કરવાનું આવ્યું તેમાં હસ્તકળાની આવડતને પાઠ્યપુસ્તકમાં સમજાવેલી થિયરીનૉ પુરેપુરો ટેકો હતો. પરિણામે, ડ્રોઈંગમાં જે કળાનો હિસ્સો હતો તેમાં તો ચલાવી લેવાની કક્ષાનું જ કામ થયું, પણ થિયરીની બાબતે સારી એવી સમજણ પડતી રહી એટલે એકંદરે તો સારી રીતે આ વિષય સાથેનો સંબંધ નભી ગયો..  

મને એમ પણ યાદ આવે છે કે જેમને ચિત્રકામ સાથે મૂળભૂત રીતે જ દિલચસ્પી નહૉતી એવા અમારા ઘણા સહપાઠીઓની પણ હાલત, વધતે ઓછે અંશે, કંઈક આવી જ હતી. આ લાગણીઓને દિલીપ વ્યાસ આ રીતે યાદ કરે છે -

શાળાના વર્ષોથી ચિત્રકામમાં હું ક્યારેય સબળ નહોતો. જ્યારે મારે એસએસસીની પરીક્ષામાં જનરલ સાયન્સમાં આંખની આકૃતિ દોરવાની આવી ત્યારે એ સમગ્ર સહેલાં પ્રશ્નપત્રનો એ એક માત્ર અઘરો પ્રશ્ન નીવડ્યો હતો.તેથી એન્જીનીયરીંગ કોલેજમાં દાખલ થતાં, હું ડ્રોઈંગ માટે હું બહુ આશાવાદી નહોતો. પરંતુ સિનિયર્સ અને મારા પિતરાઈ ભાઈએ મને ખાતરી આપીને સમજાવ્યું  કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ અલગ અને સરળ છે કારણ કે તે તમામ પ્રકારના ગેજેટ્સ સાથે કરવાનું છે, ફ્રી હેન્ડથી નહીં.

મને હવે સમજાયું છે કે એન્જિનિયરિંગ ડ્રોઇંગમાં તકનીકી ચિત્રો બનાવવા માટે સાધનો અને તકનીકોનો ઉપયોગ શામેલ હોવા છતાં, તેને હજી પણ ચોક્કસ સ્તરની કુશળતા અને જ્ઞાનની જરૂર છે. ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન અને ડાયમેન્શનિંગ જેવાં વિશિષ્ટ, સચોટ અને ઉપયોગી તકનીકી રેખાંકનો બનાવવા માટે એ બહુ મહત્વપૂર્ણ છે.

આજે હવે પાછળ જોતાં, હું સંપૂર્ણ ખાતરીથી નથી કહી શકતો કે હું મારા અભ્યાસક્રમના તે તબક્કામાંથી કેવી રીતે પસાર થયો. પરંતુ કોઈક રીતે, મેં મારી ડિગ્રી મેળવવા માટે જરૂરી ઓછામાં ઓછું તો કરી જ લીધું હોવું જોઈએ. મને યાદ છે કે છેતરપિંડી કરવા માટે ક્યારેક બહુ લાલચ પણ અનુભવી હતી, પરંતુ મેં દૃઢતાપૂર્વક એ વિચારનો પ્રતિકાર કર્યો અને ક્યારેણ ટીસી (કાચ ઉપર એક તિયાર ચિત્ર મુકીને તેની નકલ મારવી)  કરી નહીં હતી અથવા અન્ય કોઈપણ પ્રકારની શૈક્ષણિક અપ્રમાણિકતામાં જોડાયો નહોતો.

"જેમ જેમ હું મારી કારકિર્દીમાં આગળ વધતો ગયો તેમ, મેં ખરેખર એન્જિનિયરિંગ ડ્રોઇંગ કરવાના ફાયદાઓની પ્રશંસાલાયક બાજુઓ સમજવાનું શરૂ કર્યું. એક સૌથી મોટો ફાયદો એ હતો કે અલગ અલગ ભાગો અને મશીનરીની બ્લુપ્રિન્ટનું વધુ સરળતાથી અર્થઘટન કરવામાં સક્ષમ થવું, કારણ કે મને એન્જિનિયરિંગ ડ્રોઇંગના સિદ્ધાંતોની વધુ સારી સમજ હતી.

કોમ્પ્યુટર-એઇડેડ ડિઝાઇન (CAD) ના આજના યુગમાં, એન્જિનિયરિંગ ડ્રોઇંગમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. ત્રિ-પરિમાણીય છબીઓ અને મોડેલો કમપ્યુટર કી બોર્ડના એક સ્ટ્રોકથી બનાવી અને સંશોધિત કરી શકાય છે, જે ડિઝાઇન પ્રક્રિયાને પહેલા કરતા વધુ ઝડપી, વધુ કાર્યક્ષમ અને વધુ ચોક્કસ બનાવે છે.

આજે જ્યારે મને ખાતરી બેસે છે કે આ ટેક્નોલોજીએ એન્જિનિયરિંગ ડ્રોઇંગને ઘણી રીતે સરળ બનાવ્યું છે, ત્યારે હું એ પણ આશા રાખું છું કે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, આઇસોમેટ્રિક પ્રોજેક્શન અને ડાયમેન્શનિંગ જેવા પાયાના કૌશલ્યોનું મહત્વ ખોવાઈ જશે નહીં. આ કુશળતા હજુ પણ સચોટ અને ઉપયોગી એંજિનિતરિંગ ડ્રોઈગ બનાવવા માટે મહત્વપૂર્ણ છે, અને એન્જિનિયરિંગ ડિઝાઇનના સિદ્ધાંતોને સમજવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે.

એકંદરે, હું આશાવાદી છું કે ટેક્નોલોજીમાં થયેલી પ્રગતિએ એન્જિનિયરિંગ ડ્રોઇંગને વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની વર્તમાન પેઢી માટે વધુ રસપ્રદ અને સુલભ બનાવ્યું હશે. આગામી વર્ષોમાં આ ક્ષેત્ર કેવી રીતે વિકસિત થાય છે અને નવીનતાઓ સર કરે છે તે જોવા માટે હું આતુર છું.

એંજિનિયરિંગ ડ્રોઈંગની આવી 'શુષ્ક' યાદો ઉપરાંત એવી કેટલીક આમ પરોક્ષ, પણ બહુ જ રસપ્રદ, યાદો પણ સંકળાઈ છે અહીં નોંધવા જેવી છે, જે હવે પછીના અંકમાં.....