Thursday, August 1, 2013

"વેબ ગુર્જરી"નાં નવી દિશામાં પ્રયાણ - "સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ"

ઘોષણાપત્ર
શિર્ષકઃ
સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ
લક્ષ્ય અને વ્યાપઃ
વેબ ગુર્જરી પર શરૂ થતો સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ વિષય સામુદાયિક મૅનેજમૅન્ટ તંત્રના, વિચારસરણીના વિજ્ઞાનથી લઈને અમલીકરણકૌશલ્યના આધુનિક સિદ્ધાંતો અને સાંપ્રત વ્યવહારો વિષે પ્રસિદ્ધ થઈ રહેલા સંરચિત જ્ઞાનને ગુજરાતી ભાષામાં એક છત્ર હેઠળ રજૂ કરશે.
'મૅનેજમૅન્ટ' શબ્દ, સહુથી વધારે વેપાર અને ઉદ્યોગજગતની ગતિવિધિઓ જોડે સંકળાયેલો માની લેવામાં આવે છે. તેથી, વ્યાપાર-ઉદ્યોગના મૅનેજમૅન્ટમાં ચર્ચામાં રહેતા સિદ્ધાંતો અને તેના વ્યવહારમાં થતા અમલની વાત તો આપણે કરીશું જ, પણ આપણો ઉદ્દેશ એટલા સુધી સીમિત થવાનો નથી. જીવનના દરેક ક્ષેત્રમાં, જાણ્યે અજાણ્યે, કોઈને કોઈ સ્તરે, મૅનેજમૅન્ટ વણાયેલું તો છે જ. ક્યાંક તે પ્રબુદ્ધ સાહિત્ય સ્વરૂપે ઉજાગર થયું છે, તો ક્યાંક તે ઇતિહાસમાં કે લોકકથાઓ કે પૌરાણિક ગ્રંથોમાં તેનો સંદર્ભ જોવા મળે છે. તો વળી કોઠાસૂઝ અને હૈયા ઉકલતોમાં પણ મૅનેજમૅન્ટ અભિપ્રેત હોય જ છે. આ દરેક ક્ષેત્રમાં મૅનેજમૅન્ટ સાથે સંકળાયેલ વ્યાવસાયિકો માટે, "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ના આ મંચ પર રજૂ થનાર સામગ્રી આપણી માતૃભાષામાં માણવા માટેનો રસથાળ બની રહેશે. તદુપરાંત, વેગુના અન્ય વાચકો માટે અહીં રજૂ થનારી વાંચનચિંતન સામગ્રીનું  વૈવિધ્ય તેમનાં જ્ઞાન અને રસની ક્ષિતિજને વિસ્તારવામાં મદદરૂપ થઈ શકે. 
આ પ્રસ્તાવની બીજી બાજુએથી જોતાં એમ કહી શકાય કે, આપણે આપણી અંગત અને વ્યાવસાયિક જિંદગીમાં ' મૅનેજમૅન્ટના પ્રયોગો'ને "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ના આ મંચ પર રજૂ કરતાં રહીશું.
કેટલાંક અખબારો કે સામયિકો કે મૌલિક કે અનુવાદિત પુસ્તકો દ્વારા મુદ્રિત પ્રકાશન માધ્યમ પર મૅનેજમૅન્ટનું ગુજરાતી ભાષામાં ખેડાણ નવી વાત નથી. પરંતુ, ઇન્ટરનેટ કે ડિજીટલ માધ્યમો પર આ વિષય પર 'ગુજરાતી' ભાષામાં બહુ કામ થયેલું જોવા નથી મળતું.
"સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" આ બધા જ પ્રયાસો અને પ્રયોગવીરોને એક સૂત્રે પરોવાયેલા રાખવાની ભૂમિકા પણ ભજવવાનો એક પ્રયાસ બની રહેશે.
મૅનેજમૅન્ટના સિદ્ધાંતોની ટૅકનિકલ ચર્ચાથી લઈને તે સિદ્ધાંતોના વ્યવહારમાં થતા અમલીકરણના કૌશલ્ય સુધીના ફલકને આ મંચ પર આવરી લેવાશે.
તે સાથે પોતાની વ્યાવસાયિક જીંદગીની રોજબરોજની સ્પર્ધાત્મક હરીફાઇઓની તાણમાં અટવાઇ પડેલ સર્જનાત્મકતાને ખીલી શકવાની તક આ મચપર સક્રિય યોગદાન કરનાર  'મેનેજમેન્ટ વ્યાવસાયિક' પૂરી પાડી શકશે. તેમ જ સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ"નાં વાચક માટે આ મચ તાણમુક્તિ મા્ટેનું  આ સરળ માધ્યમ બની રહેશે.
માળખું:
કોઈ એક કેન્દ્રવર્તી વિષય કે વિચારના આધારે, વેગુના "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" શીર્ષકથી પ્રકાશિત થતી સામગ્રી અલગ અલગ વિભાગમાં વર્ગીકૃત કરીશું. દરેક 'વિભાગ' હેઠળ, જરૂર મુજબ, કોઈ ચોક્કસ, વધારે કેન્દ્રિત વિષયને લગતી સામગ્રીને તે 'વિભાગ'ના પેટા વિભાગરૂપે ગોઠવીશું.
પ્રકાશિત થયેલ દરેક પોસ્ટના લેખક, એ વિભાગના સંકલનકાર, પોસ્ટનો વિષય વગેરે જેવી માહિતી ટૅગ દ્વારા અંકિત કરીશું. તે ઉપરાંત દરેક પોસ્ટમાં તે પોસ્ટના યોગદાતાનાં વેબ-વિશ્વ અને ઇ-મેલ સંપર્કસૂત્રો તેમજ સંદર્ભોની હાયપર લિંક પણ હશે.
કેટલાક સૂચિત વિભાગો / પેટા-વિભાગો
વ્યવહારમાં સંચાલન સિધ્ધાંતો
સ્વવિકાસની વાટે
સાંપ્રત સંચાલન સાહિત્ય
-         પુસ્તક, સામયિક, લેખ, વીડીયો, ફિલ્મ, બ્લૉગ, વેબસાઇટ્ની સમીક્ષા
પરિચય {જ્યાં સુધી શક્ય હોય ત્યાંસુધી ગુજરાતી, તે પછીથી ભારતીય અને તે પછી આંતરરાશ્ટ્રીય સમુદાય એ ક્રમમાં પ્રાથમિકતા પણ આપવાનું વિચારી શકાય.]
-         સંસ્થાઓ
-         વ્યક્તિઓ -ઉદ્યોગસાહસિકો, સંચાલકો, કેળવણીકારો, શિક્ષકો, પ્રશિક્ષકો,લેખકો
-         દ્રશ્ય-શ્રાવ્ય મુલાકાતો
અધિવેશનો, સમારંભો અને પરિસંવાદોના અહેવાલો
શિક્ષણ અને કેળવણીનાં ક્ષેત્રની ગતિવિધિઓ
-         મૅનેજમૅન્ટ શિક્ષણ અને પ્રશિક્ષણ
-         તકનીકી શિક્ષણ
-         વ્યાવસાયિક શિક્ષણ અને પ્રશિક્ષણ
બીનવર્ગીકૃત / પ્રકીર્ણ સામગ્રી
મુખ્ય સંકલન ટીમઃ
હાલના તબક્કે કેટલાક મિત્રોએ પોતાની પ્રાથમિક વ્યસ્તતાઓ વચ્ચે પણ કોઈ ને કોઈ વિભાગ સંભાળવાની તૈયારી બતાવી છે. પરંતુ, આપ સહુને વિદિત છે તેમ, વેગુનું 'સંસ્થાગત' માળખું એ સૂર્યમાળાના મૉડલ પર વિકસાવાઈ રહેલું છે. એ મુજબ, 'વેગુ'ની મુખ્ય ધરીની આસપાસ, વેગુનાં પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની "મુખ્ય સંકલન ટીમ", વેગુની 'કોર સમિતિ'ના સહયોગમાં કાર્યરત રહેશે.
દરેક વિભાગનું સંચાલન જે તે વિભાગના સંલકનકાર કરશે. દરેક વિભાગ જરૂર મુજબ સક્રિય સહયોગીઓની પેનલ  બનાવશે.
"સાંપ્રત મેનેજમેન્ટ વિશ્વ" ના મંચ પર યોગદાન:
"સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" પર આપ વાચક અને/અથવા યોગદાતા એમ બે ભૂમિકામાં આપનું યોગદાન આપી શકો છો.
શક્ય હોય તો વાચકને બદલે "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની લિંકને આપ 'ફેવરિટ્સ'માં બુકમાર્ક કરીને આપ નિયમિત વાચક બની શકો છો.
તેથી આગળ વધીને, અહીં પ્રસિદ્ધ થતી સામગ્રી આપની પાસે, આપનાં ઇનબોક્સમાં નિયમિત પહોંચતી રહે તે માટે, જમણી બાજુએ ઉપર દર્શાવેલા "ઇ-મેઇલ દ્વારા વે.ગુ. સંપર્કમાં તમારું ઇ-મેઇલ સરનામું લખીને વેગુસભ્ય બની શકો છો.
'સક્રિય વાચક' તરીકે અહીં પ્રસિદ્ધ થતા દરેક લેખ પર આપ આપના પ્રતિભાવો કૉમેન્ટદ્વારા જણાવી શકો છો અથવા આ સમુદાય માટે સીધા પત્રસંપર્ક માટે શરૂ કરેલા ઇ-સરનામે[webgurjarim@gmail.com ] પણ જણાવી શકો છો. આપનાં મંતવ્યો, વિષય પર અન્ય ઉપલબ્ધ સામગ્રીની રજૂઆત વગેરે પ્રતિભાવોને એક બહુ જ મૂલ્યવર્ધક ચર્ચાના સ્તરે લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આ માધ્યમો ઉપરાંત ગુગલ+ પર "અર્વાચીન મૅનેજમૅન્ટ વિશ્વ પ્રવાહો", ગુગલ પેજ અને લિંક્ડ ઇન પર "વેબ ગુર્જરી"નું 'અર્વાચીન મૅનેજમૅન્ટ વિશ્વ' ગ્રુપનું ગઠન પણ કરેલું છે. ત્યાં પણ ચર્ચામાં ભાગ લઈને આપ  "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ" અને તેના પર રજૂ થતા વિચારો અને સામગ્રીનો પ્રસાર કરવામાં પણ આપનું યોગદાન આપી શકો છો. 
તે જ રીતે, આપના 'યોગદાતા' તરીકેના સહયોગ વડે આપ "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ને વધારે પ્રભાવશાળી બનાવી શકો છો.
આપ જો કોઈ વિભાગ સંભાળી શકો તેમ હો તો તેમ અથવા ક્વચિત કે નિયમિત લેખક તરીકે "સાંપ્રત મૅનેજમૅન્ટ વિશ્વ"ની આપણી આ સફરના સક્રિય યાત્રી બની શકો છો. એ માટે webgurjarim@gmail.com    અથવા web.gurjari@gmail.com  પર આપના સંપર્ક કરી શકાશે.
Post a Comment