અનુવાદના કેટલાક સીદ્ધાંતો*
– જુગલકીશોર
કાવ્ય અને ઈશ્વરની માફક અનુવાદ પણ એક એવો વીષય છે કે જેને વ્યાખ્યામાં બાંધવો એ ખુબ કપરું કાર્ય છે. એનું સ્વરુપ સમજાવવા માટે અનુવાદ વીષે ઘણું કહી શકાય ખરું પણ જ્યાં એને વ્યાખ્યામાં બાંધવા જઈએ છીએ ત્યાં મુંઝવણ ઉભી થાય એવું એનું સ્વરુપ છે.
અનુવાદને અંગ્રેજી શબ્દ ‘ Translation’ ના અર્થમાં જ આપણે લઈએ છીએ. એટલે, એ અનુવાદ કેવો હોવો જોઈએ ? એમ સવાલ પુછીએ ત્યારે મુળ કૃતીના થયેલા ભાષા બદલાની સાથે નવી કૃતી (અનુદીત કૃતી)નું માપ આપણે કાઢવા માંગતા હોઈએ છીએ. મુળ કૃતી કરતાં આ અનુદીત કૃતી કેવી છે ? એ તપાસવા માટે પણ અનુવાદના સીદ્ધાંતો આપણી સમક્ષ હોવા જોઈએ.
જોકે ઉપર કહ્યું તેમ કાવ્યની માફક અનુવાદના પણ સીદ્ધાંતો બાંધવા એ પાણીને મુઠીમાં પકડી રાખવા જેવું કાર્ય છે…. પરંતુ સગવડ ખાતર આપણે કેટલાક સીદ્ધાંતો તારવી શકીએ તેમ છીએ; અને એ સીદ્ધાંતોને ધ્યાનમાં લઈને અનુવાદને કાંઈક વધુ સફળતાથી ઓળખી શકીએ તેમ છીએ.
આ રીતે અનુવાદના કેટલાક સીદ્ધાંતો આ પ્રમાણે આપી શકાય :
1) A translation must give the words of the original.
આ પ્રથમ સીદ્ધાંત શબ્દશ: અનુવાદની તરફેણ કરે છે. પણ શબ્દશ: અનુવાદનો અર્થ ‘શબ્દનો કોષગત અર્થ’ એવો થતો દેખાય છે. એમાં શબ્દના અર્થને વળગી રહેવાનું છે. પરીણામે મુળ કૃતીના શબ્દને વફાદાર રહેવાથી કૃતીનો વીચાર-કથ્ય-પાછળ રહી જાય છે અને એને ન્યાય મળતો નથી. જોકે અનુવાદ – શુદ્ધ અનુવાદનો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે અનુવાદ ‘અર્થ’નો હોવો જોઈએ. આ અર્થ શબ્દનો, વાક્યનો અને સમગ્ર કૃતીનો ‘ટોટલ’ અર્થ હોય. આ દૃષ્ટીએ શબ્દશ: અનુવાદમાં દરેક શબ્દને ન્યાય મળે છે. પરંતુ આ સીદ્ધાંતને જડતાથી વળગી શકાય નહીં. કૃતીના મુળ વીચારને વફાદાર રહ્યા પછી જ શબ્દના અર્થને લઈ શકાય. નહી તો આવો અનુવાદ કૃત્રીમ બની જવાનો પુરો સંભવ છે.
2) A translation must give the ideas of the original.
ઉપરના સીદ્ધાંતની બીજી બાજુનો આ સીદ્ધાંત પ્રથમ સીદ્ધાંતની એક શક્ય મર્યાદાને સુધારી આપે છે. શબ્દશ: અનુવાદની ખાત્રીમાંથી આ સીદ્ધાંત દૂર રહે છે અને મુળ કૃતીના વીચાર – કથ્ય –ને ન્યાય આપે છે.
પરંતુ આ સીદ્ધાંતની પણ એક મર્યાદા છે. એમાં કથ્ય તરફ લક્ષ આપવા જતાં બીજી ઘણી મુશ્કેલીઓ ઉભી થવાનો સંભવ છે. કથ્યને ન્યાય આપવા જતાં શબ્દના અર્થને, વાક્યરચનાને, શૈલીને અને પરીણામે લક્ષભાષાના સ્ટ્રક્ચરને પણ અન્યાય થવાનો સંભવ રહે છે. ઘણા લોકો ‘મુક્ત અનુવાદ’, ‘ભાવાનુવાદ’ વગેરે જેવાં નામો આપીને તથા મુળ કૃતીના વીચારતત્વને મહત્ત્વ અપાતું હોવાથી સંતોષ માનીને આવા અનુવાદને આવકારે છે. પરંતુ ઉપરકહ્યા ભયને ધયાનમાં રાખીએ તો આ સીદ્ધાંતની પણ મર્યાદા સમજાય છે.
3) A translation should read like the original work.
આ સીદ્ધાંત પ્રમાણે અનુવાદ પાસેથી એવી અપેક્ષા રખાય છે કે અનુવાદ મુળ કૃતીને પુરી રીતે વફાદાર રહે. આગળ જોયું તે પ્રમાણે અનુવાદ ત્રણેય અર્થોનો હોય : શબ્દના અર્થનો, વાક્યના અર્થનો અને સમગ્ર કૃતીના ટોટલ અર્થનો. હવે આ સીદ્ધાંત પ્રમાણે મુળ કૃતીનું યથાતથ દર્શન લક્ષકૃતીમાં થવું જોઈએ. મુળ કૃતીના શબ્દાર્થ, વાક્યાર્થ, કથ્યાર્થ, એની વાક્યરચના, શૈલી વગેરે બધું જ લક્ષકૃતીમાં દર્શાવવું જોઈએ. આવો ધ્વની જો એમાંથી નીકળતો હોય તો એનો અર્થ એવો થયો કે આ જાતનો અનુવાદ એ તરજુમીયો અનુવાદ કહેવાય. મુળ કૃતીની શૈલી, એ ભાષાની ખુબીઓનો આપણને પરીચય થાય એ ખરું પણ એમાં લક્ષભાષા વંચાતી હોય એવું લાગે નહીં. ‘‘The man who has done this work is a very good man.’’નો અનુવાદ ‘‘એ માણસ કે જેણે આ કામ કર્યુ છે, તે ઘણો સારો માણસ છે.’’ એ રીતે કરીએ તો એમાં મુળ ભાષાનો આપણને પરીચય થાય છે એ ખરું પરંતુ એમાં લક્ષભાષાને અન્યાય થાય છે. મુળ લક્ષભાષાની બાની એમાં જોવા મળતી નથી. છતાં જરૂર કહી શકાય કે અનુવાદ તો થયો જ છે.
4) A translation should read like a translation.
ત્રીજા સીદ્ધાંતની ખામી આ સીદ્ધાંતથી ટાળી શકાય છે. આ સીદ્ધાંત એક રીતે વ્યાપક અર્થ બતાવે છે. અનુવાદની મહત્તા એમાં જ છે કે એનાથી મુળ કૃતી તથા મુળ ભાષાના જેટલું જ મહત્ત્વ લક્ષકૃતીને અને લક્ષભાષાને મળે છે. બધી ભાષાનું સ્થાન બરાબર રીતે આ સીદ્ધાંત પ્રમાણેના અનુવાદમાં જળવાઈ રહે છે અને મહત્ત્વનું બને છે. ઉપરના ઉદાહરણને જ જોઈએ તો ‘‘The man who has done this work, is a very good man.’’નો અનુવાદ ગુજરાતી ભાષામાં આ પ્રમાણે કરી શકાય – ‘‘જેણે આ કામ કર્યું છે તે માણસ ઘણો સારો છે.’’ આ અનુવાદમાં વાક્યરચનાને બદલવી પડી છે પણ લક્ષભાષાનું સ્થાન જળવાયું છે. લક્ષભાષાની લઢણ સચવાઈ શકી છે. પરીણામે એ અનુવાદીયું ન બની રહેતાં વધુ સરળ અને સબળ બની શક્યું છે.
5) The translation should retreat the style of the original.
આ સીદ્ધાંત પ્રમાણે જોઈએ તો મુળ કૃતીની છાયા અનુવાદમાં વરતાતી હોવી જોઈએ. આ છાયાને શૈલીની છાયા કહી છે. મુળ કૃતીની રીત – શૈલી – લક્ષકૃતીમાં ઉતરવી જોઈએ. શૈલીના વીશાળ અર્થમાં જોઈએ તો શૈલી એ પકડી ન શકાય, કૃતીથી અલગ પાડી ન શકાય તેવી વસ્તુ છે. એ દૃષ્ટીએ જોતાં મુળ કૃતીનાં વ્યક્તિત્વમાં જ એ વણાયેલી હોવાથી આપોઆપ લક્ષકૃતીમાં પણ એ થોડાઘણા અંશે ઉતરવાની જ. પરંતુ શૈલીને પુરેપુરી ઉતારવી કઠણ તો ખરી જ. અનુવાદની શક્તીની એ કસોટી છે. મુળ કૃતીનું વ્યક્તીત્વ લક્ષકૃતીમાં કેટલા પ્રમાણમાં સચવાયું છે તેનો આધાર શૈલીને વફાદાર રહેવા પર છે.
પરંતુ આ શૈલી, તે કૃતીની ભાષાગત (વાક્યરચના આદી) શૈલી નહીં. એ તો આપોઆપ થોડાઘણા અંશે લક્ષકૃતીમાં ઉતરશે. પરંતુ ભાષાગત – વ્યાકરણગત ‘રીત’ (style) તો બદલવી જ જશે.
6) The translation should possess the style of the translation.
મુળલેખકની વ્યક્તીતા કૃતીમાં એકરૂપ (ઓતપ્રોત) હોય છે. મુળલેખકની style લક્ષકૃતીમાં, આ દૃષ્ટીએ, જરૂર ઊતરી આવે. પરંતુ મુળ લેખકની વાક્યરચનાની રીત, એની વીચાર રજુ કરવાની આગવી મૌલીકતા વગેરે લક્ષકૃતીમાં પણ ઉતારવાં એ અનુવાદકની કક્ષા ઉપર આધાર રાખે છે. મુળ લેખકનાં એ બધાં વીશેષ તત્વો અનુવાદમાં પણ હોય (અથવા અનુવાદક એને પામી શકે) તો મુળ લેખકની શૈલી એ ઉતારી શકે પણ ઘણી વાર એવું બને છે કે અનુવાદકની ‘રીત’ જ્યારે જુદી પડે છે ત્યારે અજાણતાં જ એની પોતાની style એ અનુવાદમાં ઉમેરી બેસે છે. ગાંધીજીનાં લખાણોમાં જોવા મળતી સાદાઈ, સચોટતા, સંક્ષેપ વગેરે તત્વોને જુદા જુદા અનુવાદકો જુદી જુદી રીતે રજુ કરશે. અનુવાદક એને પામી નહીં શક્યો હોય તો એ તત્વો ઉતરી નહીં શકે.
આ સીદ્ધાંત પ્રમાણે તો એ તત્વો અનુવાદમાં પણ (અનુદીતકૃતી) આવવાં જોઈએ અને મુળલેખકનું વ્યક્તીત્વ બરાબર સચવાવું જોઈએ.
આમ સમગ્ર રીતે જોતાં અનુવાદના સીદ્ધાંતોને સીદ્ધાંત તરીકે ગણીએ છતાં દરેકમાં મર્યાદા જોવા મળે છે. અને છતાં દરેક સીદ્ધાંતની એક વીશીષ્ટતા પણ છે.
આમાનાં કોઈ એક સીદ્ધાંતને પકડીને અનુવાદ થઈ જ ન શકે – બધા સીદ્ધાંતોને ધ્યાનમાં લઈને વધુમાં વધુ મુળ કૃતીને ન્યાય આપનારો અનુવાદ જ શ્રેષ્ઠ ઠરે છે. (અપુર્ણ)સાભાર સૌજન્યઃ સર્જનાત્મક સાહીત્યનો અનુવાદ – ૧ | NET-ગુર્જરી
No comments:
Post a Comment