-
નસ્સીમ નિકોલસ તાલેબ (ઍરેબિક : نسيم نيقولا نجيب طالب) લિબનીઝ-અમેરિકન નિબંધકાર, તજજ્ઞ અને આંકડાશાસ્ત્રી છે. યાદૃચ્છિકતા, સંભાવના અને અનિશ્ચિતતા તેમનાં અભ્યાસ, વ્યવસાય અને લખાણોમાં કેન્દ્રસ્થાને રહે છે. તેમનું સહુથી વધારે જાણીતું પુસ્તક 'ધ બ્લૅક સ્વાન' બીજા વિશ્વયુદ્ધ પછી પ્રકાશિત થયેલ સહુથી વધારે પ્રભાવશાળી ૧૨ પુસ્તકોમાં ગણના પામે છે. તેમનાં બધાં જ પુસ્તકો અને લેખો બહુ જ વંચાય અને ચર્ચાય છે.
તેમણે ઘણી યુનિવર્સિટીઓમાં અધ્યાપન પણ કર્યું છે. પરંતુ તેમના મૂળ વ્યવસાયની શરૂઆત બજારોમાં લેવેચના સોદા કરતા ડેરિવેટીવ ટ્રેડર તરીકે થયેલી. આગળ જતાં હેજ ફંડ મૅનેજર, ગાણિતિક નાણાંશાસ્ત્રના તજજ્ઞ જેવી ભૂમિકાઓ પણ ભજવી. રિસ્ક એન્જિનિયરીંગ તેમનો પ્રિય વિષય રહ્યો છે. સંભાવના [Probability] અંગેની પ્રાયોગિક, ગાણિતિક અને દાર્શનિક સમસ્યાઓ તેમનાં કામના કેન્દ્રમાં છે. રાજકીય સ્થિરતા, જોખમ અંગેનાં પગલાંઓનું કેન્દ્રાભિસરણ, આંકડાકીય યંત્રવિજ્ઞાન, મનોવૈજ્ઞાનિક પૂર્વગ્રહો અને નીતિને લગતી જોખમ-આધારિત તંત્રવ્યવસ્થાઓ જેવા વિષયો, જોખમ અંગેનાં તેમનાં કામમાં પ્રધાન સ્થાને છે.
તેઓ વર્તમાન નાણાકીય વિશ્વની રિસ્ક મૅનેજમેન્ટની પદ્ધતિઓના બહુ જ આકરા આલોચક રહ્યા છે. કોઈપણ આદર્શ બજાર વ્યવસ્થામાં યાદૃચ્છિકતાનાં મહત્ત્વને અવગણીને સુરેખ રૂખની મદદથી કરાતી આગાહીઓ માટેનો આગ્રહ તેમની નાપસંદનો કેન્દ્રવર્તી દૃષ્ટિકોણ રહ્યો છે.તેમના ટ્રેડીંગના દિવસોમાં તેમણે આ આગાહીવાદીઓથી અલગ હટીને કરેલા સોદાઓની અઢળક કમાણીને કારણે જ તેમની પાસે ફુરસદનો સમય આવી શક્યો તેવું તેઓ દરેક મંચ પર ભારપૂર્વક કહેતા રહ્યા છે. એ રીતે મળી ગયેલ અનઅપેક્ષિત ફુરસદના સમયને કારણે જ તેઓ ડૉકટરેટ સુધીનો અભ્યાસ અને આટલું બધું લખી/ વિચારી શક્યા છે, તે ખુદ પણ એક કાળા હંસ સમાન ઘટના જ છે તેમ પણ તેઓ હળવી ગંભીરતાથી કહેતા રહે છે.
આગાહી કરવી મુશ્કેલ હોય તેવી ઘટનાને સારી રીતે જીરવી શકતો હોય તેવા સમાજની તેઓ ખેવના કરે છે. તેઓ તંત્ર વ્યવસ્થાઓમાં 'પ્રતિનાજુકતા' [Antifragility]ના પ્રખર હિમાયતી છે. તેઓ એવાં તંત્ર વ્યવસ્થાપનની તરફેણ કરે છે જે અમુક કક્ષાની યાદૃચ્છિક ઘટનાઓ, ભૂલો કે વધઘટની ઉથલપાથલોને કારણે ફાયદામાં રહે અને તેના કારણે વિકસે. તેઓ બહિર્મુખ ખાંખાંખોળાની વૈજ્ઞાનિક શોધખોળની એવા મહત્ત્વના માર્ગ તરીકે હિમાયત કરે છે, જેમાં દિશાનિર્દિષ્ટ સંશોધનને બદલે અનેકવિધ વિકલ્પ વ્યવસ્થાના પ્રયોગો પણ યાદૃચ્છિક સંભાવનાઓના બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં ઉપયોગમાં લેવાતા હોય.
= = =
કૌટુંબિક પશ્ચાદ્ભૂમિકા અને અભ્યાસ
યુવાન નસીમ |
નસ્સીમ તાલેબ બહુ ભાષાઓના જાણકાર છે. અંગ્રેજી ફ્રેંચ,અને પ્રાચીન ઍરેબિકમાં તેઓ પ્રાવીણ્ય ધરાવે છે, તો તે સાથે ઇટાલિયન અને સ્પેનિશ ભાષાઓમાં વાતચીત કરવા જેટલી અને ગ્રીક, લેટિન, ઍરેબિક અને પ્રાચીન હિબ્રુના પ્રાચીન ગ્રંથો વાંચી શકવાની કુશળતા ધરાવે છે.
0000
નસ્સીમ નિકોલસ તાલેબનાં પુસ્તકો બહુ જ વંચાયાં અને ચર્ચાયાં છે.
તાલેબનાં લખાણોમાં જે તાજગી જોવા મળે છે તેનું એક કારણ ક્દાચ એ પણ છે કે આ પ્રકારનાં પુસ્તકોના અન્ય લેખકો કરતાં તેમની પશ્ચાદભૂમિકા મહદ્ અંશે અલગ છે - મોટી કંપનીની નોકરી તેમણે લાંબા સમય પહેલાં છોડી દીધી છે, શિક્ષણ જગત સાથે તેમનો સંબંધ બહુ ગાઢ નથી, પત્રકારત્વ તેમનો વ્યવસાય નથી, તેમનાં લખાણનું પ્રાથમિક ધ્યેય આર્થિક ઉપાર્જન પણ નથી. પોતે જે અનુભવ્યું તેને પોતાનાં લખાણો અને વિચારો દ્વારા લોકો સાથે વહેંચવું તેને તેમની પ્રેરણાનું મૂળ કહી શકાય.
‘એન્ટીફ્રેજાઈલ’, ‘ધ બેડ ઑફ પ્રોક્રસ્ટીઝ’, ‘ધ બ્લેક સ્વાન’, અને ‘ફૂલ્ડ બાય રેન્ડમનેસ’ – પોતાનાં આ ચાર પુસ્તકસમૂહને તાલેબ ઇટાલિયન ભાષાના શબ્દ પ્રયોગ, INCERTO [જેનું બહુ જ નજીકનું ગુજરાતી "અનિશ્ચિતતા' કરી શકાય] વડે વર્ણવે છે. અપારદર્શકતા, નસીબ,અનિશ્ચિતતા, સંભાવના, માનવીય ત્રુટિઓ અને જ્યારે આપણને કંઈ જ સમજણ ન પડતી હોય ત્યારે લેવાતા નિર્ણયોની તપાસની, એક બીજાથી અલગ રીતે, દાર્શનિક, ઐતિહાસિક અને વૈજ્ઞાનિક ચર્ચાઓને આવરી લેતાં આ ચાર પુસ્તકોની શૈલી, આ પ્રકારના વિષયની ગંભીર ચર્ચા માટે ઘણી જ નવી કહી શકાય તેવી આત્મકથાનક વાતો અને બોધકથાઓનાં સ્વરૂપની છે.
Incertoનું મુક્તપણે ડાઉનલોડ કરાઈ શકે તેવું સમાંતર ગાણિતિક સ્વરૂપ Silent Risk પણ તેમણે રજૂ કરેલ છે, જેની એક સંક્ષિપ્ત કહી શકાય તેવી ટીવી ચર્ચા અહીં જોઈ શકાય છે.
નસ્સીમ તાલેબની વિચારસરણીને સમજવા માટે આપણે તેમનાં આ ચાર પુસ્તકોની સંક્ષિપ્ત ચર્ચા કરીશું.
યાદૃચ્છિકતાની છેતરામણી- (આકસ્મિક) ઘટનાનું જિંદગી અને બજારમાં મહત્ત્વ\ Fooled by Randomness: The Hidden Role of Chance in Life and in the Markets [2005]
‘યાદૃચ્છિકતાની છેતરામણી \ Fooled by Randomnessમાં નસ્સીમ તાલેબ તેમની ધારદાર ભાષાની લાક્ષણિક શૈલીમાં યાદૃચ્છિકતા સાથે સંલગ્ન, મૂળભૂત ગણી શકાય, એવા પાંચ સિદ્ધાંતો રજૂ કરે છે :
૧. ભાવિ અપેક્ષાનો સિધ્ધાંત : લોકો તેમની સંપત્તિમાં થનારા કુલ વધારા-ઘટાડાને બદલે એક સમયથી બીજા સમયમાં થતા સાપેક્ષ ફરકને જ મહત્ત્વ આપે છે, જેમ કે રૂ. ૧૦,૦૦૦ની મૂડી ૯,૦૦૦ કે ૧૧,૦૦૦ થશે તેને બદલે રૂ. ૧૦૦૦નાં નુકસાન કે નફાનો જ વિચાર કરશે. આના પરિણામે આપણાં આર્થિક લક્ષ્ય કે આયોજનના તાર્કીક સંદર્ભને બદલે આપણું ધ્યાન બજારમાં થતા વધારા-ઘટાડાની ચાલ તરફ દોરવાઈ જાય છે.
2. યાદૃચ્છિકતાનું ધોરણ નક્કી કરવાની લાક્ષણિકતા વડે, રોકાણકાર તેની મૂડીના પોર્ટફોલિઓની કેટકેટલા સમયે સમીક્ષા કરતો રહે છે તેના પર તેના પોર્ટફોલિઓની કામગીરી આધાર રાખે છે, એટલે કે બજારમાં થતી ઉથલપાથલના ઘોંધાટના કારણે નિશ્ચિત સમયે પોતાના પોર્ટફોલિઓની જોવી જોઈએ તે કામગીરી પર ધ્યાન આપવાને બદલે રોકાણકાર તેના પોર્ટફોલિઓને પણ એ ઉથલપુથલના વમળમાં ભેરવી પાડે છે.
3. આકસ્મિક ઘટનાઓ - બજારને અસર કરતી હોય કે ન કરતી હોય તેવી કોઈ પણ ઘટનાઓને બજારની કલાકકલાકની ઉથલથપાલ સાથે સાંકળી લેવા માટે તો બજારની ગતિવિધિઓના નિષ્ણાતો વ્યસ્ત રહે છે, અને બીજાંને વ્યસ્ત રાખે છે ! ખરેખર અસર કરનારી ઘટનાઓની અસર તો બજાર ક્યાં તો બહુ પહેલાં પચાવી ચૂક્યું હોય છે અથવા તો ઘટના થઈ ગયા પછીથી ભુરાયું થતું હોય છે. એટલે જ 'ડાહ્યાં લોકો અર્થઘટનોના ઘોંઘાટ સાથે નહીં, પણ પરિણામોની ફળશ્રુતિ સાથે નિસ્બત રાખે છે.'
૪. જીવન સીધી લીટીમાં ચાલતું જ નથી. તેથી જ, હવે પછી શું થશે તે નિશ્ચિતપણે કોઈ કહી નથી શકતું. આપણે આમ કરીશું તો આટલા સમય પછી પેલું તેમ કરશે એમ વિચારવા માટે આપણે પ્રશિક્ષિત કરાતાં રહીએ છીએ,પણ વાસ્તવિક જીવનમાં સફળતા કે નિષ્ફળતા અણધારી થતી વધારે જોવા મળે છે. એટલે જ બધી જ શક્યતાઓ માટે દરવાજા ખુલ્લા તો રાખવા જ જોઈએ.
૫. કોઈપણ વસ્તુ એક ભાવે ખરીદ્યા પછી જો તેનો ભાવ બમણો થઈ જશે, તો બહુ સસ્તું ખરીદી શકાયાનો આનંદ થશે અને વસ્તુ હવે બહુ કિંમતી જણાશે; પણ એ જ ‘કિંમતી’ વસ્તુ હવે આજના ભાવે ખરીદવાની હામ નહીં હોય. રોકાણનો મૂળભૂત સિધ્ધાંત તો એ છે કે જો ખરીદવા ધારેલી વસ્તુ ખરેખર મૂલ્યવાન હોય, તો જે ભાવે ખરીદવા જેટલું તેમાં મૂલ્ય ન હોય તો એ ભાવે તેને વેચી કાઢવી જોઈએ.
સરવાળે, તાલેબનું કહેવું છે કે
§ બજારમાં મળેલી સફળતાની પાછળ બજારનાં વલણ અને પ્રવાહને પારખી શકવાની આવડતની સાથે આપણે યોગ્ય સમયે યોગ્ય ભાવે કંઈપણ ખરીદી કે વેચી શક્યાં છીએ તે વાત ભૂલવી ન જોઈએ; અને
§ જ્યારે આપણી તાલીમ, આવડત અને તંત્રવ્યવ્સ્થા આપણને સાથ ન આપવનું ચાલુ કરે, ત્યારે શું કરવું તેનું આપત્તિકાલ- આયોજન હાથવગું રાખવું જોઈએ; જેથી આકસ્મિક ઘટનાની સાથે તાલમેલ રાખી શકાય.
= = = =
કાળો હંસઃ સાવ જ અસંભવ શક્યતાની અસરો\The Black Swan: TheImpact oftheHighly Improbable [2007]ઑસ્ટ્રેલિયાની શોધ થઈ તે પહેલાંની જૂની દુનિયા તો એમ જ માનતી હતી કે બધા જ હંસ ધવલ જ હોય. આપણાં સરસ્વતીદેવીના વાહનને યાદ કરીએ ! કોઈ પક્ષીવિદે પહેલો "કાળો હંસ' જોયો હશે, ત્યારે તેને જે અકલ્પ્ય આશ્ચર્ય થયું હશે; તે આશ્ચર્યની વાત નસ્સીમ તાલેબ નથી કરવા માગતા. તેઓ તો સદીઓથી થતાં રહેતાં અવલોકનો પરથી ઘડાતા આપણા અનુભવો અને તેના પરથી સર્જાતાં આપણાં જ્ઞાનનાં તકલાદીપણાં અને મર્યાદાઓની વાત માંડે છે. તાત્ત્વિક-તાર્કિકતા સવાલને પેલે પાર જઈને તેઓ આકસ્મિક ઘટનાને એક આનુભાવિક {empirical} વાસ્તવિકતા તરીકે રજૂ કરે છે.
તેઓ"કાળા હંસ" સિધ્ધાંતની ત્રણ ખાસિયતો ગણાવે છે -
- એક તો છે, એનું પરાયાપણું -ભૂતકાળની કોઈ જ ઘટનાઓ તેની હવે પછી થવાની સામાન્ય અપેક્ષાઓની સીમાની બહાર છે.
- બીજું, તેની અસરો બહુ જ ગંભીર તેમ જ આત્યંતિક હોય છે; અને
- ત્રીજું, આપણી માન્યતાની સાવ જ બહાર હોવા છતાં તેના થવા સાથે જ આપણે તાર્કિક ખુલાસાઓ વડે તેની થવાની શકયતા સમજાવી શકાય અને ભાખી શકાય છે એવી રજૂઆતો કરતાં થઈ જઈએ છીએ.
કોઈ સિધ્ધાંત કે ધર્મની સફળતા, ઐતિહાસિક ઘટનાઓનાં ગતિવિધાનો, આપણા અંગત જીવનમાં થતી ઘટનાઓ આ "કાળા હંસ"ના સિધ્ધાંતનાં વિવિધ ઉદાહરણો છે. જેમ આપણે પ્રગતિ(!) કરતાં ગયાં છીએ, તેમ તેમ "કાળા હંસ" ઘટનાઓ, સંખ્યામાં તેમ જ જટિલતાઓ અને આત્યંતિક અસરોના પરિમાણોના સંદર્ભે, વધારે પ્રવેગથી થતી જણાય છે. આને પરિણામે "સામાન્ય" સંજોગોમાં બનતી રહેતી ઘટનાઓનું મહત્ત્વ પણ ઓછું થતું જઈ રહ્યું છે. લોકજુવાળને કારણે ઇજિપ્તમાં, ચાર વર્ષમાં બે વાર સત્તાપલટો થશે એવું કોઈએ કલ્પ્યું હતું ? હિટલરની ચડતી અને તે પછીનાં યુધ્ધ અને એ યુધ્ધની વ્યાપકતા, કે પછી ઈન્ટરનેટનો આટલી હદે ફેલાવો, કે ૨૦૦૮ના સબપ્રાઈમ કડાકામાં અમેરિકાની થોકબંધ બેંકોનું બેસી જવું, કે સંયુક્ત સોવિયેત રશિયાનું આયુષ્ય એક સદી પણ નહીં રહે એ બધું ક્યાં કોઈ કલ્પી શક્યું હતું ! આપણી આસપાસ થતી બધી જ 'બહુ મહત્ત્વ'ની લગભગ બધી જ ઘટનાઓ હવે તો "કાળા હંસ"ના સિધ્ધાંતને જ અનુસરે છે એમ કહેવું પણ વધારે પડતું નથી જણાવા લાગ્યું.
આ પુસ્તકની કેન્દ્રવર્તી ચિંતા યાદૃચ્છિકતા તરફ આપણી દૃષ્ટિવિહીનતા છે. આપણા જ જીવનકાળમાં બનેલી મહત્ત્વની ટેક્નોલોજિને લગતી શોધ કે કોઈપણ મહત્ત્વની સામાજિક ઘટના, કે આપણી કારકીર્દીના મહત્ત્વના વળાંકોને યાદ કરીને વિચારો, કે તે પૈકી શું શું કોઈ એક પૂર્વ નિયત (ભાખેલા) સમય પ્રમાણે થયું હતું ?
આપણે જે જાણીએ છીએ તેના કરતાં જે નથી જાણતાં તેને "કાળા હંસ"નો તર્ક વધુ પ્રસ્તુત બનાવે છે. ભાતભાતની તૈયારીઓ છતાં આતંકવાદી હુમલાની સામે આપણી પાસે કોઈ રક્ષણ અનુભવાય છે ખરું ? આપણા વિરોધીને જેવી ખબર પડે કે તેની મહત્ત્વની ચાલની આપણને ખબર છે તેવું જ ચાલનું મહત્ત્વ ધૂળધાણી થઈ જાય છે, એટલે કે આવી વ્યુહાત્મક સાઠમારીમાં આપણે જે કંઈ જાણતાં હોઈએ છીએ તે બધું જ બિનમહત્ત્વનું બની રહે છે.
આવું જ વ્યાપાર ઉદ્યોગ જગતમાં પણ છે. કોઈ પણ વ્યૂહાત્મક ચાલની સફળતા એટલી જ વધારે, જેટલી એ ઓછામાં ઓછા લોકોએ કલ્પી શકેલ હોય. સામાન્ય રીતે, કોઈ પણ માનવીય પુરુષાર્થનું વળતર તેનાં ફળના મહત્ત્વની અપેક્ષાના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. ઉત્તરાખંડ દેવભૂમિમાં કુદરતનાં તાંડવને આવતું જોઈ શકાયું હોત, તો તેને કારણે થયેલું નુકસાન બહુ જ ઓછું હોત. આપણને જેના વિશે ખબર છે, તેનાથી આપણને બહુ મોટાં નુકસાન નથી થતાં, જેમ કે બહુ જ વારંવાર થતા ભૂકંપ કે વાવાઝોડાં પ્રભાવિત ક્ષેત્રોમાં માનવ જાનહાનિનું પ્રમાણ ઘણી હદે ઘટાડી નાખી શકાયું છે. હાલમાં કાશ્મીરમાં આવેલાં - ૫૦ વર્ષમાં પહેલી વાર થવાની વાત ઘટનાની આકસ્મિકતા સૂચવે છે - પૂરની જાણ થયે જે કંઈ પગલાં લેવાયાં હોત તે પુરુષાર્થની સામે હવે તેની અસરોને બેઅસર કરવાની ટૂંકા અને લાંબા ગાળાની કવાયત બહુ જ મોંઘી પડવાની છે.
‘ધ બ્લૅક સ્વાન’ની બીજી આવૃત્તિમાં તેઓ જણાવે છે કે જથ્થાત્મક અર્થશાસ્ત્ર [Quantitative Economics]નો પાયો જ ખામીયુક્ત અને સ્વસંદર્ભીય છે. તેઓ આંકડાશાસ્ત્રને પણ મૂળભૂત રીતે ખામીયુક્ત ગણે છે, કારણ કે જે દરથી, અને સંખ્યામાં, આક્સ્મિક ઘટનાઓ થતી રહે છે તેની સરખામણીમાં એવી ઘટનાઓ થવાની અને તેનાં જોખમનાં મહત્ત્વની આગાહી કરવા માટેનાં માતબર પ્રાવધાનો તેમાં નથી. ગણિતશાસ્ત્રી રાફૈલ ડૌડીની સાથે તેઓ આ સમસ્યાને આંકડાકીય અનિર્ણાયત્મકતા[statistical undecidability] કહે છે.
નસ્સીમ નિકોલસ તાલેબની વિચારધારા, તેમનાં હવે પછીનાં પુસ્તકોમાં નાણાકીય વ્યવહારોથી આગળ નીકળીને વધારે વ્યાપક ફલક પર વિસ્તરવા લાગી છે. આપણે તેની વાત આ લેખના ઉત્તરાર્ધમાં, ૨૭ નવેમ્બર ૨૦૧૪ના રોજ કરીશું.
વેબ ગુર્જરી પર પ્રકાશન તારીખઃ ૧૯-૯-૨૦૧૪
No comments:
Post a Comment