Sunday, April 10, 2016

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : એપ્રિલ, ૨૦૧૬ગયે મહિને ઊજવેલ હોળીના રંગોની અસર આજના આ અંક સુધી પણ ગઈ નથી. કેટલાક મિત્રોએ હોળી પરનાં ગીતોની યાદ તાજી કરાવી આપી, તો સોંગ્સ ઑફ યૉર પર હોળીના સંદર્ભમાં રજૂ કરાયેલી પૉસ્ટનાં ગીતો એ અન્ય યાદોને તાજી કરી આપવાનો મોકો પૂરો પાડ્યો. એટલે આજના અંકની શરૂઆત એ યાદોને તાજી કરીને જ કરીશું. 
(દાદુ) સુમન્તભાઈએ આ વખતે બહુ બધાં ગીતોને યાદ કરાવી આપ્યાં તેમાંથી આજના અંકમાં તો આપણે તેમણે મોકલેલ બે ગીતોને સાંભળીએ -
પહેલું ગીત છે ૧૯૩૯ની ફિલ્મ 'હોલી'નું ખેમચંદ પ્રકાશ દ્વારા સ્વરબદ્ધ કરેલ સિતારા દેવી અને અમૃતલાલનું યુગલ ગીત ફાગુનકી ઋત આયી રે


અને બીજું છે ૧૯૪૪ની ફિલ્મ 'ગાલી'નું પંડિત હનુમાન પ્રસાદે સ્વરબદ્ધ કરેલ, કુમારી મંજુએ ગાયેલ હોલી મૈં ખેલુંગી ઉન સંગ .

સમીર ધોળકિયાએ સદાનંદ કામથની પૉસ્ટ - Jab Phaagun Rang Jhamakte Hon-ને યાદ કરી છે. આ પૉસ્ટમાં સદાનંદ કામથે નઝીર અકબરાબાદી (૧૭૪૦-૧૮૩૦; મૂળ નામ શૈખ વલી મોહમદ)ની નઝ્મોની યાદ તાજી કરેલ છે. એ બધી નઝ્મોમાંથી હોળીના ઉત્સવના સંદર્ભમાં તેમણે જબ ફાગુન રંગ ઝમકતે હોને ખાસ યાદ કરી છે. ૨૦૦૧ના એક સમારોહ - હુસ્ન-એ-જાના-માં મુઝફ્ફર અલીની સ્વરરચનાને છાયા ગાંગુલીએ પેશ કરી હતી. એ પછીથી પ્રસિદ્ધ થયેલ આલ્બમ 'હુસ્ન-એ-જાના'માં પણ તે સાંભળાવા મળે છે. 


Ode to the Great Indian Familyમાં હોળીના તહેવારનું એક બીજું સામાજિક મહત્ત્વ યાદ કરાયું છે. અન્ય પ્રદેશોમાં વસતાં લોકો હોળીના તહેવારના દિવસો તો પોતાનાં વતનમાં, પોતાનાં દાદાદાદી નાનાનાની, ભાઈબહેન, દેરાણીજેઠાણી ને નણંદો, મામામાસી, કાકા ફઇ અને પિતરાઇ તેમ જ મામેરી ભાઈઓ બહેનો અને તેમનાં પણ સાસરીયાં સાથે જ ઉજવવા પહોંચી જતાં હોય છે.સંદેશા વ્યવહારની ટેક્નોલોજીએ ભૌતિક અંતરોને નાનાં કરી નાખ્યાં હોવા છતાં  પોતાનાં, બૃહદ,કુટુંબ સાથે તહેવારોની ખરી મજા માણવાનું મહત્ત્વ હજૂ એટલું ઓછું નથી થયું. પણ નાનાં થતાં જતાં કુટુંબોમાં હવે અમુક સગપણો તો અસ્તિત્વમાં જ નથી રહ્યાં. તેમાં પણ અંકલ આંટી જેવાં , સગપણોને એક જ અંગ્રેજી સૂરમાં બોલાવવાનાં, ચલણને કારણે તો જે સગપણો બચ્યાં હશે તેનાં પણ આવાં વૈવિધ્યપૂર્ણ સમ્બોધનોને અશ્મિભૂત થતાં હવે વધારે સમય નહીં લાગે! એટલે સોંગ્સ ઑફ યૉરની પોસ્ટ અને તેના પરની ચર્ચામાંથી આપણે એવાં કેટલાંક ગીતોને યાદ કરીશું જે  ઘસાતાં જતાં સગપણોને તેમને યાદ કરતાં ગીતોને યાદ કરવાનાં માધ્યમ વડે યાદ રાખવામાં મદદરૂપ પણ થશે.  આપણી પાસે ગીતો તો બહુ બધાં થઈ ગયાં છે, તેથી ૧૯૫૦ના દાયકાનાં ગીતો આપણે હવે પછીના અંકમાં લઈશું .  સગપણોને યાદ રાખવાની સાથે ગીતોને સાંભળવાની પૂરેપૂરી મજા માણવા માટે કરીને અહીં એ ગીતોની સાથે જોડાયેલાં સગપણોનો સીધેસીધો ઉલ્લેખ ટાળ્યો છે.
કાકા અબ્બા બડે ખિલાડી - પડોશી (૧૯૪૧) - ગોપાલ, બાલક્રમ, બલવંતસિંગ - માસ્ટર ક્રિશ્ન રાવ - પંડિત સુદર્શન 


બાંકે નૈનોં સે કરકે ઈશારે હાયે મોરા છોટા સા દેવર પુકારે - તદબીર (૧૯૪૫) - નસીમ અખ્તર - લાલ મોહમ્મદ - સ્વામી રામાનન્દ સરસ્વતી

મેરી આયી હૈ તીન ભાભીયાં - હમ એક હૈં (૧૯૪૬) - ઝોહરાબાઈ અંબાલેવાલી, રાજકુમારી - હુસ્નલાલ ભગતરામ - પી એલ સંતોષી
નાના સે કહેતી થી નાની હમારી - રેણુકા (૧૯૪૭)-બેબી શૈલા અને અજાણ પુરુષ સ્વર -સરદાર મલિક - ક઼મર જલાલાબાદી 

તુને જહાં બનાકે અહેસાન કિયા હૈ - મા કા પ્યાર (૧૯૪૯) - લતા મંગેશકર - પંડિત ગોવીંદરામ - આઈ સી કપૂર


આપણે હવે આપણા અન્ય મિત્રોએ આ અંકમાટે યાદ કરેલાં અન્ય ગીતોને પણ સાંભળીએ.
આપણે કે એલ સાયગલનાં બે સદાબહાર ગીતોને માણીશું
સુનો સુનો એ ક્રિશન કાલા - સાયગલે ભજન ગાયકીના પ્રયોગ પણ બહુ સફળપણે કર્યા હતા તેનો એક પુરાવો

પંછી કાહે હોત ઉદાસ (માય સિસ્ટર) - પંકજ મલિકનાં સંગીતમાં સાયગલે ગાયેલાં ગીતોના ખજાનાને ક્યારે પણ વિસ્મૃતિની અસર  થશે જ નહીં

૧૯૫૦ના દાયકાઓનાં ગીતોની ખોજમાં આપણે આજના અંકમાં પીયૂશ શર્માની પૉસ્ટ, The Magic of the Melodies of Roshan and Chitraguptની મુલાકાત કરીશું. રોશન અને ચિત્રગુપ્તનાં ગીતની વાત માંડી હોય એટલે મોટા ભાગનાં ગીતો એવાં જ હોય જેની યાદ જરા પણ ઝાંખી ન પડી હોય. આજના અંકમાં આપણે ચિત્રગુપ્તનાં બહુ ન સાંભળવા મળેલ ગીતોની ઝલક કરીશું, જ્યારે રોશનનાં એ કક્ષાનાં ગીતો આવતા મહિનાના અંકમાં ખોળીશું. હિંદી ફિલ્મ સંગીત જગતમાં સ્વતંત્રપણે સંગીત આપવાનું શરૂ કર્યા પછીનાં પહેલાં ચાર-પાંચ વર્ષ ચિત્રગુપ્ત માટે બહુ સંઘર્ષપૂર્ણ રહ્યાં. ૧૯૫૨માં તેમનાં સંગીત સાથેની ફિલ્મ થકી -સિંદબાદ ધ સેલર- ચિત્રગુપ્તને ખ્યાતિ અને શોહરત બંને મળ્યાં. સિંદબાદના દીકરા અને દીકરી પર ૧૯૫૮માં નાનાભાઈ ભટ્ટે જે ફિલ્મો બનાવી તેમાં ચિત્રગુપ્તનું સંગીત જ હોય તે તો જાણે સ્વાભાવિક જ હતું.
આ ત્રણે ફિલ્મોમાંથી આપણે એક એક ગીત સાંભળીએ -
તેરા મેરા મેરા તેરા - સિંદબાદ ધ સેલર (૧૯૫૨)- કિશોર કુમાર, શમશાદ બેગમ

સુનિયે સુનિયે હમારા ફસાના - ડૉટર ઑફ સિંદબાદ (૧૯૫૮)- ગીતા દત્ત, મોહમ્મદ રફી
છેડો જી આજ કોઈ પ્યાર કા તરાના - સન ઑફ સિંદબાદ (૧૯૫૮) - ગીતા દત્ત, લતા મંગેશકર
Obscure songs from an unreleased film માં ડૉલી કાત્રક (ક્વાત્રા)નાં ૧૯૫૮માં રજૂ ન થઈ શકેલી ફિલ્મ 'તીર'નાં બે ગીતો - આવો કભી મિલને મેરી ગલી અને ઝમાને કે ડર સે ન દામન છૂડાના-ને યાદ કરાયાં છે. ફિલ્મનું સંગીત પણ એવા જ કોઈ ઓછા જાણીતા સંગીતકાર સુલેમાન દફરાનીએ આપેલું છે. આમ વિપરિત સંજોગોને કારણે સારાં કહી શકાય એવાં ગીતોની યાદને તરત જ ભૂંસી નાખી હશે.
ઝમાને કે ડર સે ન દામન છૂડાના

૧૯૫૯ની ફિલ્મ,'ઉજાલા'માં શંકર  જયકિશને સુરજ ઝરા આ પાસ આ આજ સપનોંકી રોટી પકાયેંગે હમમાં મન્ના ડેના અવાજમાં જે યુવાનીનો રણકાર પારખ્યો છે તેને નરેશ માંકડે  યાદ કરેલ છે. ગીતમાં જે વ્યંજનો બનાવવાની વાત છે તેને કારણે તો મોમાં પાણી છૂટે તે તો વલી વધારામાં
આલૂ  ટમાટરકા સાગ
ઈમલીકી ચટની બને (સસસસસસ)
રોટી કરારી સેકેં
ઘી ઉસપે અસલી લગે J
જેમની પાસે ભૌતિકપણે ખાવાપીવાના સ્વાદ પૂરા કરી શકાય તેમ નથી તેવા સમાજનાં બાળકોની મનોકાંક્ષાઓને શૈલેન્દ્રએ જે સરળ રીતે રજૂ કરી છે તેના માટે તેમને સલામ !


૧૯૬૦ના દાયકાનાં ગીતોમાં સમીર ધોળકિયા એ જેમાં મદન મોહનની શૈલીની છાંટ જોઈ એવાં જાલ (૧૯૬૭)નાં મેરી ઝીંદગી કે ચરાગ કો તેરી બેરૂખીને બુઝા દિયા (લતા મંગેશકર, લક્ષ્મીકાંત પ્યારેલાલ) સાંભળીએ.

આજના અંકનાં સમાપનમાં આપણે હંમેશ મુજબ મોહમ્મદ રફીનાં ગીતો યાદ કરીશું. આજનાં આ બે ગીતો બંને સંગીતકારોના સાંધ્ય કાળનાં પણ,  અલગ અલગ સમયનાં સાવ અલગ પ્રકારનાં,છે.
પહેલું ગીત છે અનિલ બિશ્વાસે સ્વરબદ્ધ કરેલ, ૧૯૫૭ની ફિલ્મ 'અભિમાન'નું, આશા ભોસલે સાથેનું યુગલ ગીત ચલી જવાની ઠોકર ખાને, દુનિયા કે બાઝાર મેં
બીજાં ગીત માટે આપણે લગભગ બે દાયકાનો સમય પસાર કરીશું. બહુ જાણીતી ન થયેલી ફિલ્મ 'આલિંગન' (૧૯૭૪)માં રોમેશ શર્મા અને  ઝાહીરા પર ફિલ્માવાયેલું, જાં નિસ્સાર અખ્તરનું લખેલું ગીત - ઈસ તરાહ જાઓ નહીં -  જયદેવે સ્વરબદ્ધ કર્યું છે.

આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……
Post a Comment