Sunday, July 10, 2016

સ્ત્રી અવાજમાં ગવાયેલ એક આનંદ અને બીજું કરૂણ ભાવ એવાં જોડીદાર - એકલ [Solo] – ગીતો - ૧



એક ગીતનાં અનેક સ્વરૂપ શૄંખલાના પહેલા પડાવમાં પુરુષ -સ્વરમાં ગવાયેલ જોડીદાર એકલ ગીતોના અલગ અલગ પ્રકારોને આપણે જુદાં જુદાં ગીતોનો ઉદાહરણો વડે માણી ચૂક્યાં છીએ..
હવે આપણે બીજા પડાવમાં સ્ત્રી-સ્વરમાં ગવાયેલ જોડીદાર એકલ ગીતો ગીતોના અલગ અલગ પ્રકારોની વાત કરીશું.
બંને સ્વરૂપનાં ગીતોમાં સ્વર તો એ જ પાર્શ્વગાયકનો જ હોય તે વધારે પ્રચલિત પદ્ધતિ રહી છે, પણ એમાં ક્યાંક અપવાદ પણ જોવા મળે છે.
અભી તો મૈં જવાન હૂં
આમ તો આ શૃંખલામાં આપણે એક જ ફિલ્મમાં ફિલ્માવાયેલાં ગીતનાં વિવિધ સ્વરૂપને જ સામેલ કરેલ છે. પણ એક બંદિશનાં વિવિધ સ્વરૂપમાં સ્ત્રી સ્વરમાં ગવાયેલું એક ગીત એવું છે જેની વાત સૌથી પહેલી જ ન કરીએ તો પછીની આખી શ્રેણીમાં કંઈ ખૂટ્યા જ કરતું હોય તેમ લાગે. એ ગીત છે - અભી તો મૈં જવાન હૂં.
જો કે એક વાત તો ચોક્કસ જ છે કે અપણે અમજદ ખાને નિર્દેશિત કરેલ ૧૯૮૯ની આ જ શીર્ષક પરની ફિલ્મ કે તેની ૨૦૧૩માં બનેલી રીમેકની વાત તો નથી જ કરી રહ્યાં.
આ ગીતનાં વિવિધ સ્વરૂપોને સમાવવા માટે એક અલગ લેખ જ આમ તો કરી શકાય. પણ અહીં આપણે ચાર મુખ્ય સ્વરૂપ ગીતોને યાદ કરીશું.
ખુસીયોં કે દિન મનાએ જા, દિલ કે તરાને ગાએ જા, તુઝ કો જવાનીકી ક઼સમ, દિલકી લગી બુઝાએ જા.... આજા પિયા આજા પિયા, અભી તો મૈં જવાન હૂં - લતા મંગેશકર - અફસાના (૧૯૫૫) - હુસ્નલાલ ભગતરામ - ઘફી હરયાણવી
આ સાથેની વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ગીતને @૧.૩૦ પછીથી કોઈ અલગ અંધાજમાં જ ફિલ્માવાયું છે.નાયિકા નૃત્ય નાટિકા જૂએ છે જેમાં આ ગીતને વાદ્યસૂરમાં ભજવાય છે, અને નાયિકાની યાદોને તાજી કરી જાય છે.
 
મલિકા પુખરાજ - હફીઝ જાલન્ધરીની (મૂળ) રચના [હાફીઝ જાલન્ધરી પાકિસ્તાનના રાષ્ટ્રગીતના સર્જ્ક તરીકે ખ્યાત છે.]
હિંદી ફિલ્મોના ચાહક વર્ગ માટે જેટલું લતા મંગેશકરના સ્વરવાળું ગીત જવાન લાગે તેટલું શાસ્ત્રીય ગ઼ઝલ ગાયકીના ચાહકોને માટે અ ગીત જવાન મલિકા પુખરાજના સ્વરમાં છે. અહીં મરજૂ કરેલી ક્લિપમાં તેમની દૂરદર્શન માટેની ખાસ લાઈવ રજૂઆત છે.

તાહિરા સયૈદ - મલિકા પુખરાજનાં પુત્રી - એક લાઈવ કન્સર્ટમાં – 
 
નુરજહાન - પાકિસ્તાની ફિલ્મ 'અભી તો મૈં જવાન હું'માં  -  આ ક્લિપ સાથેની માહિતી મુજબ આ ગીત ૧૯૭૮માં રજૂ થયું હતું.. જે ગીતની 'અભી તો મૈં જવાન' દાવાની કેફિયત ગણી શકાય...

એક ગીત આનંદ અને બીજું ગીત કરૂણ ભાવને વ્યકત કરતું હોય
બરસાતમેં હમ સે મિલે તુમ.. બરસાતમેં.. તક ધિના ધિન..- બરસાત (૧૯૪૯) - લતા મંગેશકર (અને સાથીઓ) - શંકર જયકિશન
ગીતની ધુન, ઢોલકની તાલ વાદ્ય તરીકે સંગત, શંકર જયકિશનનાં ગીતોની આગવી પહેચાન બની જનાર પ્રીલ્યુડ તેમ જ અંતરાની વાદ્યસજ્જા... પહેલી જ ફિલ્મમાં પોતાનાં આગમનની સવારીનાં ડંકા નિશાન તરીકે નીખરી ઊઠે એવું છટાદાર ગીત

મિલન અને પ્રેમની સાથે વિરહની વેદના વગર હિંદી ફિલ્મોમાં અધુરાશ જ રહી જતી જણાય.. કરૂણ ભાવનાં ગીતમાં લય, વાદ્ય સજ્જા અને લતા મંગેશકરની ગાયકી શૈલીને જુદાં જ સ્વરૂપે રજૂ કરાયેલ છે.


આડવાત :
૧) રાજ કપુર અને શંકર જયકિશન દ્વારા તેમની ફિલ્મોનાં ટાઈટલ ગીતનો ઉપયોગ ફિલ્મના ક્લાઈમેક્ષને ખૂબજ નાટકીય રીતે પેશ કરવાનો પ્રયોગ પણ આ ગીત દ્વારા જ કરાયો હતો.
૨) કહેવાય છે કે 'બરસાત' પહેલાં શૈલેન્દ્ર બહુ નાણાંકીય ભીડમાં હતા. રાજ કપુર તેમને નાની મોટી મદદ તો કરતા રહેતા, પણ તે સાથે પોતાની ફિલ્મ માટે ગીત લખવા માટે પણ સમજાવતા રહેતા. શૈલેન્દ્રને વાત બહુ જચતી નહોતી. આખરે જ્યારે તેઓ તૈયાર થયા ત્યારે ફિલ્મનાં બીજાં બધાં ગીતો તો હસરત જયપુરી લખી ચૂક્યા હતા. પણ શૈલેન્દ્રનાં નસીબમાં તેમની કાયમ માટેની આગવી ઓળખ ઊભી કરવાની તક તેમના દરવાજે રાહ જોતી હશે ! તેમણે ફિલ્મનાં ટાઈટલને સમાવી લેતો આ મુખડો ઊભા ઊભ જ રચી નાખ્યો. અને બસ તે પછી તો તેમના બારે મેહ કાયમ ખાંઘા થઈને બરસતા જ રહ્યા....  

આયી આયી રાત સુહાની, સુન લે ખુશીકી કહાની - પુનમ (૧૯૫૨) - લતા મંગેશકર - શંકર જયકિશન
ગીતનાં પહેલાં વર્ઝનમાં નાયિકા બાળકને સુવરાવી રહી છે

જ્યારે બીજાં વર્ઝનમાં પિયાનો વગાડતાં વગાડતાં, જાણે કોઇની રાહ જોઈ રહે તેમ પોતાના વિચારોમાં ખોવાયેલ છે. પણ એ અજાણ જ્ણાય છે કે પેલું બાળક તો નાયકના ખોળામાં મૃત્યુ પામી ચૂક્યું છે અને હવે તે ઘરે લાવવાની તૈયારીઓ ચાલી રહે છે.

યે ઝીન્દગી ઉસીકી હૈ, જો કિસીકા હો ગયા, પ્યાર હી મેં ખો ગયા - અનારકલી (૧૯૫૩)- લતા મંગેશકર - સી. રામચંદ્ર
ફિલ્મમાં આ વર્ઝન અભિસારના ભાવને વ્યક્ત કરતી સીચ્યુએશનમાં ફિલ્માવાયું છે.  ગીતના શબ્દોમાં આમ તો કરૂણાના ભાવ છુપાયેલ છે, પણ શરૂઆતથી ગાયકીમાં જ આનંદ ડોકાતો રહે છે.

બીજું વર્ઝન તો અનારકલીના રાજા અને સામાન્ય માનવીના વર્ગભેદમાંથી ઊઠતા આર્તનાદના સુર જ વહાવે છે
અત્યાર સુધી હલકાં ફુલકાં ગીતો બનાવનાર, તેમાં પણ પાશ્ચાત્ય ધુનનો વધારે ઉપયોગ કરનાર સંગીતકારની ઊભી થયેલી છાપમાં સી રામચંદ્રની અસલી ઓળખ વાદળાંઓમાં છૂપાયેલા ચંદ્રની જેમ ક્યારેક ઝલકતી રહેતી હતી, તે 'અનારકલી'માં અજવાળીયાંની પુનમના થાળી જેવા ચંદ્રની જેમ પ્રકાશી ઊઠી.    
જો મૈં જાનતી ઉનકે લિયે - આહ (૧૯૫૩) - લતા મંગેશકર - શંકર જયકિશન
સામાન્યતઃ આનંદના ભાવવાળું વર્ઝન જ સાંભળવા મળતું હોય છે.

પણ ફિલ્મટ્રેક માટેજ કરૂણ વર્ઝન પણ બનાવાયું છે.


અપના બતા દે યા મેરે પાસ આ જા - શફુગા (૧૯૫૩) - લતા મંગેશકર - સી રામચંદ્ર
પહેલાં વર્ઝનમાં તો આનંદના ભાવ બહુ સહજતાથી વણી લેવામાં આવેલ છે.

બીજાં વર્ઝનમાં દર્દની ઊંડાઈઓમાંથી નીકળતા આલાપનો પ્રીલ્યુડ ગીતના ભાવ માટેનું વાતાવરણ ખડું કરી આપે છે, તે પછીથી ગીતની લય પણ ભાવને અનુરૂપ બની રહે છે.

ઓ જાને વાલે રાહી ઈક પલ રૂક જાના - રાહી (૧૯૫૩) - લતા મંગેશકર - અનિલ બિશ્વાસ - પ્રેમ ધવન

મોટા ભાગે આ ગીતનું કરૂણ વર્ઝન જ આપણે સાંભળ્યું છે. ફિલ્મમાં ગીતને આનંદના ભાવમાં પણ રજૂ કરાયેલ છે. છેક છેલ્લે ગીત એક નવાં જ સ્વરૂપે પ્રસરી રહે છે.

બંને વર્ઝન એક જ ક્લિપમાં


ચલો ચલે માં.. સપનોં કે ગાંવમેં, કાંટો સે દૂર કહીં, તારોંકી છાંવમેં - જાગૃતિ (૧૯૫૪) - આશા ભોસલે - હેમંત કુમાર

કુમાર વયનાં કુમળાં બાળકની આંખોમાં પોતાની માને હાલની પરેશાનીઓથી દૂર દૂર સ્વપનાનાં પ્રદેશમાં લઇ જવાનો આશાવાદ છતો કરાયો છે.


પણ વાસ્તવિક દુનિયા સ્વપનાંને સિદ્ધ થવા દેવા પહેલાં મુશ્કેલીઓના પહાડ ખડકી દે ત્યારે કુમાર મનમાં કરૂણામય હતાશા પણ છવાઇ જાય....


કૈસી લગી કરેજવા કટાર - ફેરી(૧૯૫૪)

'હિંદી ફિલ્મ ગીત કોશ'માં પણ આ ગીતની ગાયિકાનું નામ નથી જણાવાયું.



આજે આપણે અહીં વિરામ લઈશું. ૧૯૫૪ પછીનાં એક આનંદ અને બીજું કરૂણ વર્ઝનવાળાં સ્ત્રી સૉલો ગીતોને હવે પછીના અંકમાં સાંભળીશું

No comments: