'એક ગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત
અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તે જ રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા
તો યુગલ વર્ઝન અને એવાં જૂદાં જૂદાં સ્વરૂપનાં વર્ઝન ગીતો સાંભળી ચૂક્યાં છીએ. દરેક
વર્ઝનની સિચ્યુએશન અનુસાર, અહીં પણ અંતરાના બોલમાં ફરક હતો, તો આ દરેક પ્રકારમાં એક સમાનતા પણ હતી - દરેક વર્ઝન એક જ
ફિલ્મમાં પ્રયોજાયું હતું.
આજે આપણે થોડો જૂદો
પ્રકાર ખેડીશું.
આજે જે અલગ અલગ
વર્ઝનવાળાં ગીતોની વાત કરવા માગીએ છીએ તે અલગ અલગ ફિલ્મોમાં પ્રયોજાયાં છે. મોટા
ભાગના કિસ્સાઓમાં એમાં સમાનતા માત્ર ગીતના મુખડા (કે મુખડાના પણ અમુક જ, ખાસ કરીને શરૂઆતના બોલ)માં જ જોવા મળે. અંતરાના બોલ અલગ જ હોય. આપણે વેબ
ગુર્જરી પર શ્રી નીતિનભાઈ વ્યાસ દ્વારા સંકલિત 'બંદિશ એક, રૂપ અનેક' શ્રેણી કરીએ છીએ, તેમાં મૂળ બંદિશને બીજાં બહુ બધાં કલાકારોએ પોતપોતાની શૈલીમાં રજૂ કરેલ હોય છે, જ્યારે અહીં જોવા મળતાં આ પ્રકારનાં વર્ઝન બે કે ત્રણથી વધારે નહીં હોય. વળી બંદિશની બાંધણી પણ
સ્વાભાવિકપણે અલગ ઢબની જ જોવા મળશે.
બહુ લોકપ્રિય થયેલ ગીતના
મુખડાને બીજાં ગીતમાં પૅરોડી તરીકે પણ વાપરવાના પ્રયોગ બહુ અસરકારક પણે થતા રહ્યા
છે. આપણે આ વિષય પર અલગ શ્રેણી અગાઉ કરી ચૂકેલ છીએ. અહીં આપણે પૅરોડી સ્વરૂપે
ગીતના મુખડાને ફરીથી પ્રયોજેલ હોય તેવાં ગીતોને, કેટલાક અપવાદને બાદ કરતાં, સામેલ નથી કર્યાં.
[૧]
તેરી ગઠરીમેં લાગા ચોર, તૂ જાગ જરા - ધૂપ છાંવ (૧૯૩૫) – સંગીતકાર: આર સી બોરાલ
કે સી ડેના સ્વરમાં ગવાયેલું આ ભજન વિન્ટેજ એરાનાં ગીતોમાં
બહુખ્યાત ગીતોમાં સ્થાન શોભાવતું રહ્યું હતું.
સ્વાભાવિક છે કે યોગ્ય મોકો મળે તો તેમના જ ભત્રીજા, મન્ના ડે, એ ભજનને રજૂ કરીને પોતાના કાકાને અંજલિ આપે.
૧૯૯૧ની ફિલ્મ 'નંબરી આદમી'માં અમિત કુમાર, સપના મુકર્જી અને
બપ્પી લાહીરી ગાયેલ એક ગીતમાં આ મુખડાનો ઉપયોગ કરાયો છે. ગીતની રજૂઆત જોતાં તેને પૅરોડી
કહેવી તો જોઈએ, પણ સામાન્યતં પૅરોડીમાં પણ જે એક ઉદ્દેશ્ય જળવાતું હોય તેવું પણ અહીં તો
થયેલું નથી જણાતું.
ઈન્હીં
લોગોને લે લીના દુપટ્ટા મેરા
ઇન્ટરનેટ પર ફિલ્મનાં ગીતોની
ઉપલ્બધિની સરળતા અને વિપુલતાને કારણે આ પરંપરાગત મુખડાના બોલનાં જૂનાં વર્ઝન હવે
જાણીતાં થયાં છે.
સૌથી પહેલું વર્ઝન ૧૯૪૧ની ફિલ્મ
'હિમ્મત'માં જોવા મળે
છે. ગીતની સ્વરરચના પંડિત ગોવિંદરામની છે અને પાર્શ્વસ્વર શમશાદ બેગમનો છે.
નોંધ:
આ ક્લિપ પરની ચર્ચામાં એમ ફલિત
થતું જણાય છે કે ગીત સાથે જે વિડીયો ક્લિપ જોવા મળે છે તે મૂળ ગીતનું દૃશ્ય નથી. આ
ટેકનીકલ બાબતની ખરાઈ કરી શકાય એવાં મારી પાસે કોઈ અન્ય સંસાધનો નથી.
'આબરૂ' (૧૯૪૩)માં સંગીતકાર પંડિત ગોવિંદ રામે આ મુખડાને એક પૅરોડી
સ્વરૂપે રજૂ કરેલ છે જે કોમેડીયન યાકુબના સ્વરમાં હતી.
મોટા ભાગનાં ફિલ્મ સંગીત
રસીકોને જે યાદ હશે તે રચના 'પાકીઝા'
(૧૯૭૨)ની છે, જેના બોલ
લખ્યા છે મજરૂહ સુલ્તાનપુરીએ અને લતા મંગેશકરના સ્વરમાં ગુલામ મોહમ્મદે. સંગીતબધ્ધ
કરેલ.
ઝુમકા ગિરા
રે મોરા બરૈલીકે બજ઼ારમેં
મુખડાના આટલા શબ્દો કોઈ
લોકગીતના મુખડાના શબ્દો લાગે છે. આ બોલનો ફિલ્મનાં ગીતમાં પ્રયોગ પહેલ વહેલો
૧૯૪૭ની ફિલ્મ 'દેખોજી'માં સાંભળવા
મળે છે. ગીતકાર વલી સાહેબના બોલને સંગીતકાર તુફૈલ ફારૂક઼ીએ શમશાદ બેગમ અને સાથીઓના
સ્વરમાં સંગીતબધ્ધ કરેલ છે.
૧૯૬૬ની ફિલ્મ 'મેરા સાયા'માં મદન મોહને સ્વરબધ્ધ કરેલ
રાજા મહેંદી અલી ખાનના બોલની આશા ભોસલેના સ્વરમાં રજૂ થયેલ વધારે મસ્તીખોર જણાતી
પ્રસ્તુતિ મોટા ભાગનાં ફિલ્મ સંગીતપ્રેમીઓને વધારે યાદ હોય એ સ્વાભાવિક કહી શકાય.
કદમ કદમ બઢાયે જા
૧૯૫૦ની ફિલ્મ 'સમાધિ'નાં આ
દેશપ્રેમનાં ગીતમાં સી રામચંદ્રએ પોતાના જ સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણએ લખેલા બોલ
દ્વારા સુભાષચંદ્ર બોઝ દ્વારા લોકજીભે ચઢેલ દેશપ્રેમના જુવાળની રજૂઆત કરેલ છે.
આ જ મુખડાને શ્યામ બેનેગલ દ્વાર દિગ્દર્શિત 'નેતાજી સુભાષચંદ્ર બોઝ- ધ ફરગોટન હીરો'માં એ આર રહેમાને પણ કૂચની જ ધુનમાં પૂર્ણ
રૂપે કોરસમાં ઢાળેલ છે..
'કદમ બઢાયેજા' એટલા જ શબ્દોનો ઉપયોગ કરીને એહસાન
રીઝ્વીની રચનાને ‘બડા ભાઈ’ (૧૯૫૭)માં સંગીતકાર નાશાદે મોહમ્મદ રફીના સ્વરમાં સૉલો
અને મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં એક યુગલ ગીતનું
જોડીદાર વર્ઝન પણ રેકોર્ડ કરેલ છે. ગીતનો મૂળ ઉદ્દેશ્ય પ્રેરણાત્મક છે પરંતુ ગીતના
અંતમાં લશ્કરની એક ટુકડીની કૂચ સાથે પણ બોલને સાંકળી લેવામાં આવ્યા છે.
ઘિર ઘિર આયે બદરવા
૧૯૫૪ની કિશોર શાહુએ એ દિગ્દર્શિત કરેલી ફિલ્મ 'હેમ્લેટ'નું
આ મુખડા પરનું રમેશ નાયડુ દ્વારા સંગીતબધ્ધ કરાયેલ હસરત જયપુરીનું ગીત તેનાં
ફિલ્માંકનને લીધે થોડી નોખી ભાત પાડે છે. ગીતના દૃશ્યમાં મોહમ્મદ રફી અને જગમોહન
બક્ષીના પાર્શ્વ સ્વરોને પરદા પર ભજવી રહેલ બે અભિનેતાઓ ખોદે છે તો કબર પણ ગીત
એટલા ભાવથી ગાય છે કે જાણે પહેલા વરસાદનાં આગમનની રાહ જોતાં ખેડૂત પોતાનું ખેતર
ખેડતો હોય!
એ જ વર્ષની બીજી ફિલ્મ 'ડાક બાબુ'માં
સંગીતકાર ધનીરામે તલત મહમૂદ અને મુબારક બેગમના યુગલ સ્વરોમાં ઘીર ઘીર આવતાં
બદરીયાંને સંગીતબધ્ધ કરેલ છે.
૧૯૯૭ની શ્યામ બેનેગલ દિગ્દર્શિત ફિલ્મ 'સરદારી બેગમ'માં વનરાજ ભાટિયાએ પણ આ પરંપરાગત કહી શકાય એવા મુખડા
પરથી જાવેદ અખ્તરે રચેલ રચનાને આરતી અંકળીકરના સ્વરમાં સંગીતબધ્ધ કરેલ છે.
પનઘટ પે મોરે શ્યામ - બિલ્વમંગલ (૧૯૫૪) - ગાયક
સી એચ આત્મા - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર ડી એન મધોક
સી એચ આત્માનાં ચાહકોને પણ આ ગીત બહુ યાદ નહીં હોય. પણ આપણે તેને યાદ એટલા
સારૂ કર્યું ચે કે આ ગીતના મુખડામાં 'પનધટ' અને 'શ્યામ'નું
જે જોડાણ વણી લેવાયું છે તે ભાવનાએ આ
પછીથી એક તો બહુ જ જાણીતું થયેલ ગીત આપ્યું . આ ગીતની લોકપ્રિયતાએ સીમાપારની
ફિલ્મમાં પણ ગીતને જન્મ આપ્યો.
આપણે વાત કરીએ છીએ - મોહે
પનઘટ પે નંદલાલ છેડ ગયો રે, મોરી નાજુક કલ્હાઈયાં મરોડ ગયો રે (મુગલ-એ-આઝમ, ૧૯૬૦ - ગાયક લતા મંગેશકર - સંગીતકાર નૌશાદ
- ગીતકાર શકીલ બદાયુની)
આડવાત :આપણા મિત્ર શ્રી સુમન્ત વાશી (દાદુ, શિકાગો) જણાવે છે કે આ રચનાના મૂળ રચયિતા આપણા ગુજરાત (નડિયાદ)ના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ હતા. 'મુગલ-એ-આઝમ'માં ન તો આ મૂળ રચનાકારને કે આ શાસ્ત્રીય રચનાને ક્રેડીટ અપાઈ.
આ રચનાનું મૂળ શાસ્ત્રીય
ગાયન સ્વરૂપ- ઈન્દુબાલાના સ્વરમાં
આ રચનાની
લોકપ્રિયતા સીમા પારની ફિલ્મોને પણ સ્પર્શી ગઈ હતી. ૧૯૭૬ની પાકિસ્તાની ફિલ્મ 'ઝીનત'માં આ રચના એક મહેફિલમાં નૃત્ય સ્વરૂપે
રજૂ કરાઈ છે.
અહીં આ
રચનાને એક ફિલ્મનાં ગીત તરીકે થોડી સરળ કરી નખાઈ હોય એવું જણાય છે કેમકે મહેંદી
હસન સાહેબના જ અવાજમાં એક બીજી ક્લિપ પણ મળે છે જેમાં તેમણે આ રચનાને તેમના અનોખા
અંદાજમાં યથોચિત ન્યાય કરેલ છે.
એક જ મુખડાને અલગ ફિલ્મોમાં અલગ અલગ રીતે રજૂ કરાતી જોવા માટેની આપણી આ સફરના હવે પછીના અંકમાં આ સીધી રેખામાં ચાલતી દડમજલને થોડા વળાંક આપીશું.
No comments:
Post a Comment