'સાર્થક જલસો'ના નિયમિત વાંચકોના દર છ મહિને પરાકાષ્ટાએ
પહોંચતા ઈંતઝારનો અંત લાવતો 'સાર્થક
જલસો'નો ૧૦મો અંક મે, ૨૦૧૮માં પ્રકાશિત થઈ ચૂક્યો છે. દર છ મહિને
પ્રકાશિત કરવાની, વેંચાણ માટે
લવાજમનાં માધ્યમનો ઉપયોગ કર્યા સિવાય અને વર્તમાનમાં પ્રકાશન પામતાં ગુજરાતી
સામયિકોમાં સામાન્યતઃ જોવા ન મળે એવા વિષયોની સામગ્રી જેવી બીનપરંપરાગત સંપાદન
નીતિને પાંચ વર્ષથી સંન્નિષ્ઠતાથી અનુસરીને અંકની સંખ્યાને બે આંકડાનું સીમાચિહ્ન
પાર કરી રહી છે.
તો ચાલો, આપણે પણ ૨૦ વર્ષથી ૮૦
વર્ષની વય ધરાવતા, અત્યાર સુધીના જુદા જુદા ૭૬ લેખકોનું
પ્રતિનિધિત્વ કરતા ૧૫ લેખકોના ૧૫ લેખોનો સંક્ષિપ્ત પરિચય 'સાર્થક જલસો'ના ૧૦ અંકમાં કરીએ.
ગુજરાતની છેલ્લી ચાર પાંચ પેઢી 'બકોર પટેલ' નામથી પરિચિત હોવાની જેટલી શક્યતા છે તેની સામે તેના
સર્જક, હરિપ્રસાદ વ્યાસ, વિષે ભાગ્યે જ કોઈને કંઈ માહિતી હશે. તેનું એક
કારણ તો એ કે હરિપ્રસાદ વ્યાસ વિષે પધ્ધતિસરનું ખાસ દસ્તાવેજીકરણ જ નથી થયું.'સુપરહિટ પાત્ર બકોર પટેલના સર્જક હરિપ્રસાદ
વ્યાસ'માં ઉર્વીશ કોઠારી આ
બહુ મોટી પુરી કરી આપે છે. ખુબ ખંત અને કાળજીપૂર્વક હરિપ્રસાદ વ્યાસનાં અંગત જીવન
વિષેની, દુર્લભ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ સાથેની માહિતી અહીં
ગ્રંથસ્થ થયેલ છે.
હસમુખ પટેલ બહુ જ પ્રામાણિકતાથી તેમની ચારેક
દાયકાની રચના અને સંઘર્ષની જાહેરજીવનની કામગીરીના 'રાજકીય-બીનરાજકીય
ગાંધીજમાતના મારા અનુભવો'માં વણાયેલ આદર, આશ્ચર્ય, આધાત..ની કેફીયત રજૂ કરે છે. ગાંધીજીએ જ્યારે કોઈ પોતાના નામે 'વાદ'નું સમર્થન નથી કર્યું એટલે લેખક 'ગાંધીવાદ'ને સાચાંખોટાં કારણોસર ઓળખાયેલ પ્રતિક તરીકે
લેખના વિષયના સંદર્ભમાં વાપરે છે. આ તથાકથિત વિચારધારા સાથે સંકળાયેલાં અનેક
જાણીતાં પાત્રોને ઘણાં નજ્દીકથી જોવા જાણવાને કારણે એ પાત્રો અને તેમની
કર્તવ્યભૂમિકાઓનાં સારાંનરસાં પાસાંઓમાં નબળાં પાસાંઓને જોવા અનુભવવાનું લેખકને પણ
થયું છે. સમાજમાં 'કોમવાદી અને પ્રજાવિરોધી પરિબળો'ની જાણ્યેઅજાણ્યે બાહ્ય
ધ્યેયસમાનતાની સામે અસરકારક પડકાર તરીકે આજે ઉભરવા માટે 'ગાંધીજનો' કે 'રૂઢ ગાંધીબિરાદરી'ના સમાજ-પરિવર્તનના
પ્રયાસોમાં અનુબધ્ધ સંકલનની અપેક્ષા લેખક રાખે છે.
મુખ્ય પાત્રના ઉજાસની પાછળ ઢંકાઈ જવાને કારણે,
પિયૂષ એમ પંડ્યાએ દસ્તાવેજ કરેલી 'ગુમનામીમાં અસ્ત પામેલ' સિતારા 'સુરેન્દ્રરાય મેઢ'ની દાસ્તાન પણ એટલી જ માહિતીપ્રદ છે. એ સમયનાં સાત
ભાઈબહેનોનાં માતાપિતાનાં 'ખાતાંપીતાં'
કુટુંબના ત્રીજાં સંતાન સુરેન્દ્રરાય
મેઢનાં બાલ્યકાળ કે કિશોરાવસ્થાની બહુ વિગતો પ્રાપ્ય નથી. ૨૦ વર્ષની ઉંમરે,
સન ૧૮૯૮માં, દક્ષિણ આફ્રિકાની વાટ પકડનાર સુરેન્દ્રરાય, ૧૮૯૯થી
૧૯૦૨ દરમ્યાનના બોર-એંગ્લો યુધ્ધમાં સૈનિકોને તબીબી સેવામાં મદદ કરતાં કરતાં
ગાંધીજીના એક સમર્પિત સાથીદાર બની ગયા. જાહેરજીવનની તડકી છાંયડીઓ વચ્ચે એક આદર્શ
વ્યક્તિત્ત્વના ઓપે ઘડાઈ ચૂકેલા સુરેન્દ્રરાય લગભગ ૪૦ વર્ષની વયે સાંસારિક જીવનની
ગાંઠે બંધાયા. બન્ને અલગ પ્રકારનાં જીવનના પ્રવાહોમાં તેઓ કદાચ એક પણ કિનારાને
અસરકારક રીતે પામી ન શક્યા.એમના અંતિમ દિવસોમાં એમને જોનારાં કહે છે કે પોતાના
મકાનની રવેશમાં શૂન્ય તરફ તાકતા એ એકલાઅટૂલા બેસી રહેતા. આવી અવસ્થામાં ૧૯૫૮માં
તેઓ અવસાન પામ્યા. જાહેર અને અંગત જીવનની સાવ જ જૂદા પ્રકારની તકલીફો વચ્ચે તેઓ
કેમ સમતુલા નહી જાળવી શક્યા હોય ? જાહેર
જીવનના આદર્શો અને સિધ્ધાંતો અને અંગત જીવનની વ્યાવહારિકતાઓ એકબીજાની વિરૂદ્ધ જ
રહે? વ્ય્કતિની વ્યક્તિગત સફળતા
કે નિષ્ફળતામાં તેમનાં કૌટુંબિક પરિબળોનો ફાળો કેટલો? કેટલાં લોકોનાં જીવનમાં આવા અનેક સવાલો અનુત્તર રહી
જતા હશે ?
જીવનમાં કેટલીક ઘટનાઓ કે સંબંધોમાં
જાણ્યેઅજાણ્યે રહસ્યો ઘુંટાઈ જતાં હોય છે. બીરેન કોઠારીના કૉલેજ કાળ દરમ્યાન પણ મહેમદાવાદથી
નડીયાદ અપડાઉન કરતાં કરતાં 'વાત
એક સીધા સાદા રહ્યસ્યની' વિકસે
છે વાતના આ ઘટનાક્રમનું મુખ્ય પાત્ર છે 'હરેન્દ્રભાઈ'. જે સંબંધની સીમા અપડાઉન ગ્રૂપ પૂરતી જ રહે એટલું જ
ઈચ્છવા છતાં હરેન્દ્રભાઈ તેને એકપક્ષી
ધોરણે ઘર સુધી ક્યારે પહોંચાડી ગયા એ ખયાલ જ નથી આવતો. ઘટનાક્રમ વિકસે છે
આલ્ફ્રેડ હિચકોકના 'હવે પછી શું
થશે?'ની શૈલીમાં અને દસેક વર્ષ
પછી અંત પણ એકપક્ષે જ હરેન્દ્રભાઈની પહેલી પુણ્યતિથિની જાણ થવાથી. જીવન દરમ્યાન
જેમની આસપાસની ઘટનાઓનો તાળો મેળવવા પ્રયાસ
નહોતો કરાયો એમની આકસ્મિક, નાટ્યાત્મક,
રહસ્યમય વિદાય પછી રહી જાય છે માનવમનના
આટાપાટાઓનું વણઉકલેલ રહસ્ય.
'એકબીજાને ક્યારેય ના નહીં કહેવાની' જેવી કોલેજના મિત્રો
વચ્ચે રમત રમતમાં લેવાયેલી એક પ્રતિજ્ઞા પોતપોતાની કારકીર્દીઓમાં સેટલ થયેલા
મિત્રો ફરી પાછા એક મિત્રની દીકરીના લગ્નસમારંભમાં યાદ આવી જાય છે. તેની સાથે એ
પ્રતિજ્ઞા સાથે જોડાયેલી કેટલીય નાની મોટી ઘટનાઓ પણ સ્મરણપટમાં ખુલવા લાગે છે. બેમાંથી
એક પક્ષ જે સૂચન કે ફરમાન કે વિનંતિ કરે
તેને બિનશરતી માન્ય કરી લેવાના આશય સાથેની આ
'છોટી સી બાત' વિશે વિચારતાં દીપક
સોલિયાને સમજાય છે કે જગતના કોઈપણ સુંદર રીતે વિકસેલા સંબંધની પાછળ આ પ્રતિજ્ઞાની
પેદાશ સમો ભરોસો પાયામાં રહેલો જોવા મળશે. લેખકને હવે એ પણ સમજાય છે કે વ્યાપક
જણાતા આ ભરોસાને હલબલાવી નાખે છે અવિશ્વાસ-કુસંપ-યુધ્ધ જેવા અપવાદો. પરંતુ જ્યારે
આપણને ખાતરી થઈ જાય છે કે કોઈ તો આપણી સાથે જ છે અને સાથે જ રહેશે ત્યારે આ
રમતિયાળ પ્રતિજ્ઞા બહુ મહામૂલી બની રહે છે.
પોતાની સક્રિય કારકીર્દીના સમયમાં ફરીથી પોતાનાં
કૌટુંબિક વતન મહેમદાવાદમાં રહેવાનું આવ્યું ત્યારે તળ માનવવાદી, બૌધ્ધિક એવા બિપિન શ્રોફ (પરીખ)ને મળેલ ગામ, તાલુકા અને જિલ્લાના
ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ અને જ્ઞાતિઆધારિત સત્તાલક્ષી રાજકારણને નજદીકથી
જોવાની તક મળી. 'સાકાર થયેલા એક અનોખાસ્વપ્નની વાત'નો મુખ્ય કાર્યકાળ લગભગ ૧૯૭૪થી ૧૯૮૪ના દસકો ગણી શકાય. 'ભારતીય ખેડૂત દેવામાં જન્મે છે, દેવા તળે જીવે છે અને
વારસામાં દેવું આપીને મૃત્યુ પામે છે' વાળી પરિસ્થિતિના
ખેડૂતોના પાયા પ્રશ્નો ઉકેલવાની તેમની વ્યક્તિકથાની રસપ્રદ, પણ આપણા જેવા મહદ અંશે શહેરી લોકોને આંચકા લાગે, તેવી ઘટનાઓની રજૂઆત છે. પ્રસ્તુત લેખ લખતાં પહેલાં લેખકે આ વિસ્તારોની
ચાલુ વર્ષના શરૂઆતના મહિનાઓમાં ફેરમુલાકાત લીધી. જે ગામોમાં પાક-ધિરાણ યોજના
સફળતાપૂર્વક અમલ થઈ શકી છે એ ગામોમાં શહેરીકરણના સામાજિક અને આર્થિક ફેરફારો ઊડીને
આંખે વળગે તેવા જોવા મળ્યા. તો બીજી તરફ જે તરફનાં ગામોમાં અતિ મર્યાદિત પ્રમાણમાં
પાક-ધિરાણ બાબતે જાગૃતિ રહી છે એ ગામોમાં હજૂ સમય થંભી ગયેલો લાગે છે. આખો લેખ
વાંચી રહ્યા પછી જાણે આપણા દેશનાં સાંપ્રત આર્થિક ચિત્રનું ટ્રેલર જોતાં હોઇએ તેવો
ભાવ મનમાં ફરી વળે છે.
ચેતન પગી
એંશી-પંચાશી પહેલાં જન્મેલ પેઢીને 'પોસ્ટકાર્ડ લખવાના' અને 'ફેસબુક' પર પણ
લખવાના મહાવરાવાળી પેઢી કહે છે. તેમના જીવનકાળનો 'પોસ્ટકાર્ડકાળ'માં તે
ગોધરામાં અંકુરિત થઈને વિકસ્યા હતા અને આજે હવે પત્રકારત્વના વ્યવસાયની કારકીર્દીએ
અમદાવાદમાં 'કાઢી રહ્યા છે'. અમદાવાદમાં રહ્યે રહ્યે
પણ તેમના માટે ગોધરા સુધીનું અંતર જણાય છે તો 'શૂન્ય કિલોમીટર' જેટલું, પણ વચ્ચે
વચ્ચે ગોધરા જવા મળે છે તે 'આજીવન જેલની સજા ભોગવી રહેલા કેદીને
પેરોલ' મળવા જેવું લાગે છે. આ મનોભાવની નજરે તેઓ 'ગોધરા -
એવરી બડી લવ્સ એ ગુડ રાયટ'માં તેમનાં બાલ્ય-કિશોર-કૉલેજકાળનાં
ગોધરાનાં જીવનના અનુભવો મમળાવે છે. એ સમયે પણ પરંપરાગત મુસ્લિમ પરિવારમાં લગ્ન
પ્રસંગે કુટુંબની મહિલાઓ અંબે માના ગરબા રમતી પણ તેમણે જોઈ છે. આજે જ્યારે
ગોધરા જાય છે ત્યારે સુલેમાનને ઠેલે આમ્લેટ ખાતાં ખાતાં તેમને એ
સમયના ગ્રાહકને ગળગળા થઈને અનુભવાતી મહેમાન-નવાજીમાં તેમને ટનલના છેડે પ્રકાશનું
કિરણ દેખાડી રહે છે.
જીવનના બીજા
દાયકાના બીજા મધ્યભાગની વયનાં આરતી નાયર વયના
તફાવતને કારણે થતા મતભેદ તરીકે ઓળખાતા 'જનરેશન ગૅપ'નાં 'બદલાયેલાં
સમીકરણ' આપણી સમક્ષ રજૂ કરે છે. ગઈ સદીમાં, '૨૦-'૩૦માં
જન્મેલાં પતિપત્ની વચ્ચે જ દસેક વર્ષનો તફાવત બહુ સામાન્ય વાત હતી તો તેમનાં
સંતાનોમાં જ સૌથી મોટાં અને નાનાં વચ્ચે પણ દસબાર વર્ષનો તફાવત પણ રહેતો. જ્યારે
આજે હવે લેખિકાનો પિતરાઈ ભાઈ પાંચેક વર્ષના તફાવતમાં જ પસંદનાપસંદના નોંધપાત્ર ફરક
જૂએ છે. આજના ડિજિટલ યુગના ખુબ ઝડપથી થતા ફેરફારો ઊમરના તફાવતનાં સમીકરણો તો
બદલાતાં જોવાશે, પણ તે સાથે જનરેશન ગૅપના પ્રકારો અને વિષયોમાં
પણ ઝડપથી ફેરફારો થશે. એટલે, 'આપણે આપણને ગમતું કરીએ અને બીજાંની
પસંદગીમાં માથું' ન મારીએ તો જનરેશન ગૅપ સહ્ય અને સ્વીકાર્ય બની
રહી શકશે. દરેક પેઢી માટે આક્થનને અમલમાં ઉતારવું મુશ્કેલ રહ્યું છે.
૧૯૫૭માં એચ
એલ કૉલેજ ઑફ કોમર્સની બૉય્ઝ હૉસ્ટેલમાં પાંગરેલી મિત્રતાની યાદોનાં ઉમટેલાં પૂરના
પરિપાક રૂપે ઉમટી આવેલ વાતો રજનીકુમાર પંડ્યા તેમની રસાળ શૈલીમાં આપણી સાથે 'બેતાબ થા
દિલ, બેચેન નઝર, અંજામ ન થા
માલૂમ જીસે'માં કહે છે. ખુબ જ આત્મીય ભાવસાથે જે રીતે
રજનીકુમારભાઈ જે રીતે ઘટ્નાક્રમની ઝીણી ઝીણી બાબતો રજૂ કરે છે તેને કારણે આપણી
સમક્ષ પણ એ ભાવજગત તાદૃશ થઈ જાય છે.
ઈન્ટરનેટ, ઓનલાઈન
અખબારો અને ઈન્ડિયન ન્યૂઝ ચેનલો વડે સલિલ
દલાલને કેનેડા બેઠાં બેઠાં, લાઉડસ્પીકરો પર મંદિરોના ઘંટારવ, મસ્જિદોની
આઝાનો કે લગ્નોના વરઘોડામાં ગવાતાં ગીતો, બંધ રેલ્વે
ક્રોસિંગની નીચેથી નીકળીને ૧૮૦ સેકંડ જેવા મહામૂલા સમયને બચાવવા મથતો સ્કુટર
સવાર જેવી, કેટકેટલી 'વો સબ યાદ
આયે બહોત યાદ આયે'.
ચા પીવી એ જ
નહીં પણ ચામાં બોળીને ખાવું એ પણ ચા બનાવવા જેટલી જ ઍટીકૅટ માગી લે છે. ચાની
ચાહતને આશિષ કક્કડ 'ચા દેવી - સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા'માં લહેજતથી
માણે છે અને આપણને પણ તેની સોડમથી તરબતર કરે છે.
'અર્થશાસ્ત્ર
અઘરું નથી' એ સમજી જવા માટે જરૂરી કેટલાક મૂળભૂત
સિધ્ધાંતોને કાર્તિકેય ભટ્ટ અનોખી સરળતાથી સમજાવે છે, જેથી એ
વિષયની ચર્ચાઓમાં ભલે છવાઈ ન જઈએ પણ માણસનાં વર્તનની પાછળ એ સિધ્ધાંતો શી રીતે
પોતાની અસર કરે છે એ વિષે તારણો કાઢવામાં આપણો અભિગમ તાર્કિક બની શકે.
ગુજરાતી
ભાષામાં જ્ઞાનવિજ્ઞાનનું ખેડાણ અપવાદ રૂપે જ થયું છે એવું મહેણું ગુજરાતીઓને સદી
ગયું છે! વિજ્ઞાન સાહિત્યના અભ્યાસી ડૉ. સુશ્રુત પટેલ 'ગુજરાતીના
કેટલાક 'સુપરસ્ટાર' વિજ્ઞાનલેખકો
અને તેમની ખ્યાત કૃતિઓ'માં એવા લેખકો અને તેમની રચનાઓને રજૂ
કરી છે જે કાળક્રમે ગુમનામીની ગર્તમાં વિસરાઈ ચૂક્યા છે. અહીં જે પુસ્તકો પસંદ
કરવામાટે એ પુસ્તક મૌલિક હોય, લોકભોગ્ય હોય, એ વિષય
પૂરતું ગુજરાતીમાં સંભવતઃ પહેલું હોય અને હાલમાં અપ્રાપ્ય હોય એવાં ધોરણ અપનાવવાને
કારણે પ્રસ્તુત લેખ વિજ્ઞાનના વિષયના ચાહકો માટે સંગ્રહ કરવા જેટલો મહત્ત્વનો બની
રહે છે.
એક સમય હતો
જ્યારે સમાજના અમુક જ વર્ગની સ્ત્રીઓ અર્થોપાજનમાટે ઘરની બહાર જતી. એ સમયમાં કામ
કરનારનું અનેક રીતે કામ કરાવનાર શોષણ કરતાં. એ સમાજની વર્ગવ્યવસ્થામાં આ પ્રકારનાં
શોષણ મહદ અંશે સહન કરી લેવાતાં. પરંતુ આજે હવે એ પરિસ્થિતિ બદલી ચૂકી છે. કામ
કરનાર વર્ગને અનેક વિધ કાયદાઓથી શક્ય તેટલું રક્ષણ આપવા માટે આજની સરકારો
પ્રયત્નશીલ રહે છે. પોતાની કામગીરી રૂપે સ્ત્રીઓ જે જગ્યાએ જતી હોય ત્યાં તેમને
કામુકતાભરી સતામણી સામે સંસદમાં ઘડાયેલ Sexual Harassment of Women at
Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013 / કાર્યસ્થળે
મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિરાકરણ) અધિનિયમ, 2013 કાયદાની
કેટલીક પ્રાથમિક વ્યવસ્થાઓ અને જોગવાઈઓ વિષે હજૂ જોઈએ એટલી જાણકારી જોવા નથી મળતી.
માર્ગી પરીખ 'કાર્યાલયમાં સ્ત્રીઓની કામુકતાપ્રેરિત સતામણી
અને આપણાં આંખમિચામણાં"માં આ વિષય પરની શારીરીક સતામણી સિવાય અન્ય સતામણીની ઘટનાઓ, કાયદાનો
વ્યાપ અને ફરિયાદ સમિતિની ભૂમિકા જેવી કેટલીક સામાન્ય બાબતો ભણી આપણું ધ્યાન દોરે
છે.
પ્રસ્તુત
અંકના સંપાદકીય અગ્રલેખમાં જણાવાયું છે કે 'સાર્થક જલસો'માં
પ્રકાશિત થતો દરેક લેખ બધા જ સંપાદકોને એક સરખો ગમે તો જ તે લેખને સમાવવામાં આવે
છે. 'સાર્થક
પ્રકાશન'ની વેબસાઈટ પર 'જલસો ૧૦'ની શીર્ષ ટેગલાઇનમાં
કરાયેલ 'વાચનસમૃદ્ધિનું સાતત્ય' પ્રયોગને આ દસમા અંકમાં એક વાર ફરીથી
સાર્થક થતો માણવા માટે દરેક લેખને ખૂબ ધ્યાનથી જરૂરથી વાંચશો.....
/\/\/\/\/\/\
‘સાર્થક જલસો – ૧૦’
પ્રાપ્તિ સ્રોત:
- બુક શેલ્ફ (ફોન : +૯૧ ૭૯ ૨૬૪૪૧૮૨૬। વૉટ્સ એપ્પ : +૯૧ ૯૦૦૦૯૦૦૦૩૬૨ ।www.gujaratibookshelf.com), અથવા કાર્તિક શાહ: વોટ્સ એપ્પ; +91 98252 90796
- પૃષ્ઠસંખ્યા: 144, કિમત; 70/- (પોસ્ટેજ સહિત)
- ઓનલાઈન મેળવવા માટેની વધારે વિગતો સાર્થક જલસો [SaarthakJalso]પર જોઈ શકાય છે.
No comments:
Post a Comment