Thursday, November 14, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - યુગલ ગીતો - મને સૌથી વધુ ગમેલાં યુગલ ગીતો


ચર્ચાની એરણે જેમ જેમ ૧૯૪૬નાં યુગલ ગીતો સાંભળવાનું થતું ગયું તેમ તેમ પહેલવહેલી વાર સાંભળવા મળતાં ગીતોમાંથી અમુક ગીતો પહેલી વાર સાંભળતાંની સાથે જ ગમી ગયાં.
અહીં એવાં પહેલી જ વાર સાંભળતાંની સાથે ગમી ગયેલાં ગીતોની નોંધ લીધી છે
મોહમ્મદ રફી, હમીદા બાનુ - રૂખી સુખી મૈં ખા લુંગી, પાસ બુલા લો મેરે રાજા - ઈન્સાફ – સંગીતકાર:  એચ પી દાસ – ગીતકાર: ડી એન મધોક
સોંગ્સ ઑફ યોરના સંચાલક શ્રી એકેજી આ ગીત માટે પોતાનો જે પ્રતિભાવ આપ્યો હતો - મુહમ્મદ રફી હમીદા બાનુના નક્શે કદમ પર જ ચાલી રહ્યા છે, પણ તેમની શૈલીના આગવા વળાંક અહીં અછતા નથી રહેતા - તેની જોડે મારી પણ પૂર્ણ સહમતિ છે.
મોહમ્મદ રફી, શમશાદ બેગમ - યે નયન ક્યું શરમાયે - રસીલી – સંગીતકાર: હનુમાન પ્રસાદ – ગીતકાર: ગ઼ાફિલ હરયાણવી 
મુહમ્મ્દ રફીના સ્વરમાં ફૂટતી યુવાનીની સુગંધનો પમરાટ માણવાની જવલ્લે જ મળતી મજા અહંઈ મોકળા મને માણી શકાય છે.
મોહમ્મદ રફી, અમીરબાઈ કર્ણાટકી - મનકી સુની નગરિયા સુહાની બની - સોના ચાંદી – સંગીતકાર: તુફૈલ ફારૂક઼ી – ગીતકાર: ખવાર જુમાં
સોંગ્સ ઑફ યોરના સંચાલક શ્રી એકેજી આ ગીત માટે પોતાનો જે પ્રતિભાવ આપ્યો હતો - અમીરબાઈ કર્ણાટકીના સ્વાભાવિક ઊંચા સ્વરની તીવ્રતા મુહમ્મદ રફીના પૌરુષ સ્વર પર હાવી થતી હોય એમ જણાય, પાંચ વર્ષ પછી બીખરે મોતી (૧૯૫૧)નાં આંસુ થી મેરી ઝિંદગીમાં પણ અમીરબાઈનો સ્વર હાવી થતો જણાય, પણ હવે રફી પણ તેમની આગવી શૈલીમાં પોતાનું સ્થાન બનાવી રાખી શકતા સંભળાય છે - તેની જોડે પણ  મારી  પૂર્ણ સહમતિ છે.
મુકેશ, હમીદા બાનુ - જા પરવાને જા કહીં શમા જલ રહી હૈ - રાજપૂતાની - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર  પંડીત ઈન્દ્ર
અહીં પણ હમીદા બાનુ વિન્ટેજ એરાની ગાયકીમાં વધારે પ્રચલિત એવા અંદાઝમાં ગીતનો સુર પકડે છે પણ તે સાથે ગીતનું માધુર્ય પણ અદ્‍ભૂત રીતે તેમાં ભળી રહે છે. મૂકેશ પણ તેમાં પોતાના સ્વરના માર્દવનો ઉમેરો કરે છે.
અશોક કુમાર, અમીરબાઈ કર્ણાટકી - હર દિન હૈ નયા, હર રાત નિરાલી હૈ - શિકારી - સંગીતકાર એસ ડી બર્મન
ઠીક  ઠીક ઊંચા જતા સુરમાં પણ અશોક કુમાર જે રીતે પોતાના  સ્વરને જાળવી રહે છે તે આ ગીતની આગવી ખાસિયત બની રહે છે.
સુરેન્દ્ર, નૂર જહાં - આવાઝ દે કહાં હૈ, દુનિયા મેરી જવાં હૈ - અનમોલ ઘડી - સંગીતકાર નૌશાદ અલી - ગીતકાર તનવીર નક઼્વી
ફિલ્મ સંગીત સાંભળવા માટેનાં દરેક દાયકામાં બદલાયેલાં માધ્યમોમાં પણ 'અનમોલ ઘડી'નાં ગીતો તો ચોક્કસ પણે સંભળાતાં રહ્યાં હતાં, જેનો સ્વાભાવિક લાભ આ યુગલ ગીતને પણ મળે એટલી આ યુગલ ગીતની પોતાની લાક્ષણિકતા રહી જ છે.
રેવાશંકર + ઝોહરાબાઈ અંબાલેવાલી - હમારી ગલી આના હમસે અખિયાં મિલાના - મહારાણા પ્રતાપ – સંગીતકાર: રામ ગાંગુલી – ગીતકાર: સ્વામી રામાનન્દ
દીતનું દરેક અંગ વિન્ટેજ એરાનાં ફિલ્મ સંગીતની તરાહ અનુસાર ઘડાયું છે, તે સાથે ગીતના ભાવની અભિવ્યક્તિ અને ગીતનું માર્દવ પણ અકબંધ રહ્યાં છે.
ફિરોઝ દસ્તુર + અમીરબાઈ કર્ણાટકી - નૈનો મેં આ કે ચલે જાના ના કર કે બહાના - પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ
ખાસ્સી પ્રભાવક તાલ વાદ્યના ઠેકાની બાંધણી સાથે  ગીત સાંભળવું વધારે ગમે છે.
એ આર ઓઝા + અમીરબાઈ કર્ણાટકીપતંગા ચલા હૈ દીપક કી ઔર, મનમેં લે કર પ્રેમકી આશા – પુજારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: વલી સાહબ
ગીતનો જે ભાગ ઠીક ઠીક ઉંચા સુરમાં છે તેમાં પણ અને પછીથી બીજા અંતરામાં નીચા સુરમાં જતા રહ્યા પછી પણ, ગાયનની અદાયગી સ્પષ્ટ રહે છે.
યશવંત ભટ્ટ + હુસ્નબાનુ - અય ફૂલ બતા કૈસા હોગા મેરા પિયા સજન પ્યારા - રોયલ મેલ – સંગીતકાર: નારાયણ રાવ – ગીતકાર: મુસ્તફા એન ઉસ્માની
નીચા સુરમાં ગીતની ગુંથણી હોવા છતાં પણ ગીત સાંભળતાંની સાથે જ ગમવા લાગે છે.
ઝોહરાબાઈ અંબાલેવાલી, શમશાદ બેગમ - ઊડન ખટોલે પે ઊડ જાઉં તેરે હાથ ન આઉં - અનમોલ ઘડી – સંગીતકાર: નૌશાદ અલી – ગીતકાર: તન્વીર નક઼્વી
નૌશાદની આ પ્રકારનાં ગીતોની પેટંટનું મૂળ ગીત ગણી શકાય. મજાની વાત એ છે કે એમનાં આ પ્રકારનાં બધાં જ સ્ત્રી-સ્ત્રી યુગલ ગીત સફળ રહ્યાં.
મોહનતારા તલપડે, હમીદા બાનુ - ઊંચી હવેલી, બના દો મુનીમજી, હવેલીકો શીશે લગા દો મુનીમજી - ફૂલવારી – સંગીતકાર: હંસરાજ બહલ – ગીતકાર: પંડિત ઈન્દ્ર
માગણીઓની યાદીનો પટારો જેમ જેમ ખુલતો જાય છે તેમ તેમ ગીત વધારે મજેદાર બનતું જાય છે.
એસ ડી બર્મન, એસ એલ પુરી - બાબુ...રે, દિલકો બચાના તેરે દિલ કો બચાના - આઠ દિન – સંગીતકાર: એસ ડી બર્મન 
ખુબ રમતિયાળ યુગલ ગીત ! જૂદ જૂદા સંદર્ભમાં એસ ડી બર્મનનાં ૧૯૫૦ પહેલાંના ગીતોના પરિચયના જે જે પ્રસંગ પડ્યા તે દરેક સમયે આ ગીત અચૂક સાંભળવા મળ્યું, આમ તાજા પરિચયની ગાઢતાનો સીધો લાભ પણ આ ગીતની પસંદગીમાં જોવા મળે છે.
૧૯૪૬નાં આટલાં ગમી ગયેલાં યુગલ ગીતોમાં મને સૌથી વધારે ગમેલું યુગલ ગીત તો બેશક (મુકેશ, હમીદા બાનુ ) જા પરવાને જા કહીં શમા જલ રહી હૈ - રાજપૂતાની - સંગીતકાર બુલો સી રાની - ગીતકાર  પંડીત ઈન્દ્ર -   છે.
હવે પછીના અંકમાં આપણે ૧૦૪૬ના મને પસંદ પડેલા સંગીતકારોની ચર્ચા સાથે ૧૯૪૬નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર   સમાપ્ત કરીશું.

No comments: