Sunday, February 21, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના ફેબ્રુઆરી, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણને મેક્કિન્સી.કોમ પરનો Kevin Sneader  અને Shubham Singhal નો લેખ, The next normal arrives: Trends that will define 2021—and beyond, વ્યાપાર ઉદ્યોગ નાં વર્તમાન વાતાવરણ વિષે સર્વગ્રાહી દૃષ્ટિકોણ પુરો પાડે છે.

લેખમાંથી લીધેલ અવતરણો -

અવતરણ શરૂ

ટનલને બીજે છેડે પ્રકાશનો આછો આભાસ કળાય છે, જેનાથી, કમસે કમ, એમ તો ખબર પડે છે કે હાલ તુરત બીજી ટ્રેન તો આપણા ઉપર ધસી  નથી આવતી….

જો કોઈ બીજી આકસ્મિક દુર્ઘટના ન થાય તો, લોકો, કે વ્યાપાર ઉદ્યોગ કે સમાજ, વર્તમાનમાં ઘુટાવાનું બંધ કરીને, પોતપોતાનાં ભવિષ્યને ઘડવા વિશે વિચારવાનું શરૂ કરી શકે. હવે 'પછીની સામાન્ય સ્થિતિ' હશે જુદી જ. ૨૦૧૯માં જે પરિસ્થિતિ હતી ત્યાં તો પાછાં નહીં જ ફરી શકાય. વીસમી સદી વિશે વિશ્વયુધ્ધ પહેલાં અને વિશ્વયુધ્ધ પછી  જેમ કહેવાતું રહ્યું છે તેમ હવે પછીની પેઢી 'કોવિડ-૧૯ પહેલાં' અને 'કોવિડ-૧૯ પછી' એમ જ વાત કરશે.…

આ કટોકટીને કારણે નવોત્થાનનાં તો મોજાં ઉછળી રહ્યાં છે, જેણે ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને જન્મ આપવાનું કામ કર્યું છે. …એમાં હવે પાછું વળીને જોવાપણું પણ નહીં રહે. ટેક્નોલોજિ, ડિજિટાઈઝેશન અને કામ કરવાનાં નવાં સ્વરૂપ જે ઝડપથી અમલમાં મુકાયાં છે તે તો ચાલુ જ રહેશે.

પુરવઠા સાંકળ - પુનઃસંતુલન અને સ્થિત્યંતર

નવી પરિસ્થિતિને 'સમયસર ઉપરાંત'કહી શકાય. અહીં 'ઉપરાંત'નો અર્થ 'કદાચ આમ થાય તો' કરવાનો રહે, એટલે કે જોખમનું વધારે વ્યવહારદક્ષ સંચાલન કરવું. … કોઈ એક દેશ, કે પછી કોઈ એક જ કારખાનું અંધકારમાં સરી પડે, તો પણ મહત્વના કોઈ એકાદ ભાગના અભાવને કારણે આપણું ઉત્પાદન ઠપ થઈ જઈ શકે છે. સચાલકોએ હવે કસમ ખાધી છે આવું બીજીવાર તો નહીં જ થવા દેવાય.…. પોતાની પુરવઠા સાંકળ શી રીતે કામ કરે છે તેનો નવેસરથી અભ્યાસ કરવાથી ત્રણ બાબતો સમજાઈ છે. પહેલું,વિક્ષેપો અસામાન્ય નથી બની રહેવાના. બીજું, વિકસેલ અને ઘણા વિકસતા દેશો વચ્ચેનો ઉત્પાદન ખર્ચનો ફરક ઘટતો જશે. જે ઉત્પાદન કંપનીઓ માહિતીસામગ્રીના ઉપયોગ, વિશ્લેષકો, માણસ-મશીનના આપસના વ્યવહારો, આધુનિક રોબોટિક્સ કે ૩-ડી પ્રિન્ટિંગ જેવા ઇન્ડસ્ટ્રી ૪.૦ સિધ્ધાંતોને વ્યવહારમાં વધારેને વધારે મુકી શકશે, તે ચીન જેવા વધુ ઝડપથી વિકસી રહેલ દેશ સાથેના મજુરી ખર્ચના ફરકને અડધો તો કરી જ શકશે. અલગ અલગ વ્યવહારોનાં ખર્ચની ગણતરી કરવાની જડતાને બદલે એક છેડાથી બીજા છેડાના વ્યવહારને વાસ્તવિક સ્તરે ન્યુનતમ રાખવામાં આવે તો આ ફરક હજુ વધારે ઓછો જણાશે. ત્રીજું, પુરવઠા સાંકળનાં નીચે નીચેનાં સ્તરે શું ચાલી રહ્યું છે તેનો મોટા ભાગનાં વધારે સારો અંદાજ નથી હોતો, કેમકે ઘણી વાર એક સ્તર નીચેનું કે તેનાથી નીચેના સ્તરનું એક એકમ જ મહત્ત્વની કડી બની રહેતું હોય છે. મોટા ભાગના વિક્ષેપ આવાં કોઈ બહુ જ નીચેનાં નાનાં અમથાં એકમથી શરૂ થતા હોય છે. બેતૃતિયાંશ કંપનીઓનું કહેવું છે કે પોતાની કામગીરીનું સાતત્ય પહેલી જ કક્ષાની કડીઓનાં સ્તરે જ સુનિશ્ચિત કરવાના દિવસો હવે નથી રહ્યા. કૃત્રિમ પ્રજ્ઞા અને માહિતીસામગ્રી વિશ્લેષકોની મદદથી ઉંડે ઊંડે રહેલી કડીઓની કડીઓ વિશે વધારે માહિતી ઉપલબ્ધ શક્ય બને છે, જેના પરથી વધારે અસરકારક ઑડીટ અને જોડાણો વડે આખી પુરવઠા સાંકળ વિક્ષેપ નિવારવામાં વધારે અનુકૂલનક્ષમ બની રહી શકે છે.

પટારામાંની ગોઠવણનાં પુનર્ગઠનમાં વેગ આવ્યો

પહેલાંની મદીના સમયોમાં,  જે કંઈ સબળ હતું તે વધારે સબળ બનતું અને નબળું હતું તે વધારે નબળું બનતું, કે ડૂબી જતું કે ખરીદાઈ જતું. અલગ તરી આવતો ફરક  છે સ્થિતિસ્થાપકતાનો - માત્ર આંચકા સહન કરી શકવાની શક્તિ જ નહીં પણ તેને સ્પર્ધાત્મક સરસાઈમાં ફેરવી શકવાની ક્ષમતાનો.…. તાત્પર્ય એ છે ફરી બેઠા થયા પછી આગળ વધવાની કઈ સ્થિતિમાં આવો છો તે વધારે મહત્ત્વનું છે. પહેલાંની મંદીઓની જેમ, ઉચ્ચ કામગીરી કરી બતાવનાર સ્તરની સંસ્થાઓ પોતાનાં સબળાં પાસાંઓને ભરોસે બેસી ન રહેવાને બદલે તેને ભવિષ્ય માટે વધારે સબળ કરવાની દિશામાં વિચારે છે.

બદામી રંગના સ્પર્શ સાથે હવે હરિયાળો રંગ ફરી બેઠા થવા માટેનો રંગ છે

વિશ્વના દરેક ભાગમાં, પ્રદૂષણની કિંમત અને પર્યાવરણીય સંપોષિતતાના ફાયદાનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે.

કોવિડ-૧૯ને કારણે સંસ્થાઓને તેમની કામગીરીનાં પુનર્ગઠનનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. દરેક વિક્ષેપમાં હવે તેમને નવનિર્માણની તક દેખાય છે. આ બાબતે જે કંઈ કરી શકાશે તે ઉપાદકતામાં વધારો કરનારૂં જ નીવડશે.

અવતરણ પુરૂં

હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું -

  • Remote Auditing - હાલના સંજોગોમાં કંપનીઓને સ્વતંત્ર ઑડીટરોને ઓનલાઈન ઓડીટીંગ ની વ્યવહારીકતા વધારે સુગમ જણાવા લાગી છે. ASQના પ્રશિક્ષક, અને Full Moon Consultingના મુખ્ય ઓડીટર લાન્સ કૉલમૅન ઓનલાઈન ઑડીટ્ના ફાયદા ગણાવે છે અને ઉચ્ચ સંચાલન મંડળને તે સ્વીકાર્ય કરવા માટે શું કરવું તેમ જ ઓનલાઈન ઑડીટ કેમ કરવું તે વિશે ચર્ચા કરે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-  

Fail Successfully - ખુબ સફળ લોકોની ખાસ નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે નવું નવું કરતાં રહેવાનો


તેમનો અભિગમ. મુશ્કેલ જણાય તેવાં લક્ષ્યાંકો નક્કી કરવાં અને સફળતા મેળવવા માટેની તેમની પ્રતિબધ્ધતા. અસફળ થવાની સંભાવનાઓ તો રહે જ છે, પણ તે લોકો એ જોખમને તકની નજરે જૂએ છે. ખરેખર તો, કંઈ નવું કરવાની કોશિશ પણ ન કરવી  એ જ તેમના માટે મોટી નિષ્ફળતા છે.…. સામાન્યપણે નિષ્ફળતાઓને જીવનનાં નકારાત્મક પાસાં તરીકે જોવામાં આવે છે, પણ સફળ  લોકો તેમાં સકારાત્મકતા જૂએ છે. તેમની નજરે નિષ્ફળ જવું એટલે કે કંઈક નવું કરવાનો પ્રયાસ તો કર્યો જ; એ પરિણામો ભવિષ્યની સફળતાઓ માટેના બોધપાઠ પુરા પાડશે. નિષ્ફળતાનું બીજું એક પાસું એ છે કે સફળ લોકોને એક વધારે પ્રમાણ મળે છે કે આખરે તો લોકો તમારી નિષ્ફળતાઓને નહીં પણ તમારી સફળતાઓને જ યાદ રાખે છે. એટલે તેમાંથી જલદી નવું શીખો, અને આગળ વધો.… એક વાત તો નિશ્ચિત છે: જો કંઈ જ નહીં કરો તો પાછળ તો રહી જ જશો.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ,ની કૉલમ From the Editor' નો નવો લેખ

Leaders and Followers - જેના કોઈ જ અનુઅયાયીઓ નથી એ નેતાને માટે શું કહીશું? - એકલો ચાલ્યો જતો માણસ ….વ્યાપક અર્થમાં એમ કહી શકાય કે બીજાંનાં પગલે પગલે ચાલવાનું મહત્ત્વ તેનાથી ફલિત થાય છે.. એટલે ક નેતાઓને નવી કેડી કંડારનારાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બીજાં માટે પથદર્શક નીવડી શકે છે.... કેડી કંડારવાની બાબતનું એક મહત્ત્વનું પાસું હતું - અને છે પણ - દસ્તાવેજીકરણ.…આજના સમયમં દસ્તાવેજઈ કરણ વડે કેડી કંડારવી એટલે એવી પ્રમાણદર્શક કાર્યપધ્ધતિઓ અને ઉત્તમ કાર્યરીતીઓ ઘડવી..…જે ગ્રાહકો ને અને અન્ય હિતધારકોને ટેક્નોલોજિઓના વધારે સરકારક ઉપયોગમાં મદદરૂપ બને અને પ્રક્રિયાઓને સરળતાથી અનુસરવાની એવી રચનાત્મક ભૂમિકા ભજવે જેના દ્વારા વૃદ્ધિ, નવીનીકરણ અને સફળતાના નવા રસ્તા તરફ દિશાસુચન થાય

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

.                                   આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: