Sunday, February 20, 2022

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૦મું - ફેબ્રુઆરી ૨૦૨૨

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  ફેબ્રુઆરી ૨૦૨૨ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૦માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકનો કેન્દ્રવર્તી વિષય 'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' પસંદ કરેલ છે.

આ મહિને પ્રબુદ્ધ ભારતના જાન્યુઆરી, ૨૦૨૨ના ખાસ અંકમાંથી સ્વામી સત્યપ્રિયનંદના લેખ જીવનના ડિજિટલ પ્રવાહમાં સમાલતપણે જીવવું /Living safely in the digital પસંદ કરેલ છે.

અહીં પ્રસ્તુત છે એ લેખનો સંક્ષિપ્ત અંશ:

સુખી, સંતોષી આધ્યાત્મિક જીવન જીવવાની ચાવી તમારી સામે દેખાતી બધી જ ઍપ્સના શોખના મોહમાં પડ્યા સિવાય જે આવશ્યક જ છે તે જરૂરિયાતોને પ્રાધાન્ય આપવામાં છે. ડિજિટલ પધ્ધતિનાં જીવનની પરિભાષામાં આનો અર્થ છે 'મફત' મળતી જણાતી ઍપ્સને આડેધડ ડાઉનલોડ કરવાને બદલે તેમને કામમાં મદદરૂપ થાય એટલી અને એવી જ ઍપ્સ વાપરો. જોકે આમ કરવા માટે જીવનની ડિજિટલ પધ્ધતિને. તેના સલામત અને અસરકારક ઉપયોગ કરવાના સંદર્ભમાં,  સારી રીતે સમજી લેવી વધારે જરૂરી છે.

આમ કરવા માટે, પ્રસ્તુત લેખ જીવનની ડિજિટલ પધ્ધતિનાં કેટલાંક પાસાંઓની મૂળભૂત બાબતોને સમજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે:

ડિજિટલ દુનિયા:  વધારેમાં વધારે 'માહિતીસામગ્રી' પર કામ કરીને તેમાંથી જરૂરી ડિજિટલ 'માહિતી' ચાળી લાવી અને અનેકવિધ વિકલ્પ દ્વારા વધારેમાં વધારે ઝડપથી ઉપલબ્ધ કરવી અને અન્ય લોકો સાથે, વધારે ઝડપથી, ત્વરિત નિર્ણયો લઈ શકાય એ માટે, અને એ રીતે, વહેંચવી એ ડિજિટલ દુનિયાની લાક્ષણિકતા છે. જોકે ,ડિજિટલ દુનિયામાં, બહારની દુનિયા સાથે, એટલાં સહેલાઈથી અને ઝડપથી આપણે સંકળાવાં લાગી ગયાં છીએ કે આપણી બાજુમાં જ બેઠેલાં કુટુંબના સભ્ય સાથેના આપણા સંપર્કો જાળવવામાં  ડિજીટલ સાધનોનો આ અતિવ્યાપક વપરાશ જ અવરોધ બનવા લાગેલ છે. 

ડિજિટલ વિશ્વના તાણાવાણાની તંત્રવ્યવસ્થા:  ડિજિટલ વિશ્વની તંત્રવ્યવસ્થાનાં ઘડતરની ઈંટોની ભુમિકામાં પહેલી નજરે પડે છે જેના દ્વારા આપણે ડિજિટલ દુનિયાની જોડાઈએ છીએ તે ઉપકરણો (હાર્ડવેર), તેમાં પરદા પાછળ રહીને કામ કરતાં સોફ્ટવેર (ઍપ્સ), જેના દ્વારા જોડાઈએ છીએ તે માધ્યમ- ઇન્ટરનેટ, ક્લાઉડ કમ્પ્યુટિંગનાં ડેટા પ્રોસેસ સેન્ટરો, કેમેરા જેવાં અનેકવિધ સાધનો, અલગ અલગ ઉપકરણો અને સાધનોને જોડવા માટેનાં એકયુએટર્સ, સેન્સર, ડ્રોન જેવાં સ્વયંસંચાલિત પરિવહન સાધનો, રૉબોટ્સ અને  એ બધાંને જીવંત થવાનો આભાસ કરતા કૃત્રિમ પ્રજ્ઞા (AI) સોફ્ટવેર વગેરે. આજના સમયમાં મોટા ભાગનાં ઉપકરણોમાં સાહજિક અંતર્જ્ઞાન વ્યાપક બની ગયેલ છે જે આ ઉપકરણોના ઉપયોગને ભ્રામક સ્તરે સરળ બનાવી રહે છે. પરંતુ એમ કરવા માટે જે એપ્સ કામ કરે છે તેમની ડિઝાઇનનું ઘડતર એટલું જ સંકુલ હોય છે. આજની જીંદગીનું પણ એવું જ છે ને, તેને સાધનોની મદદથી જેટલી સરળ દેખાતી કરી મુકી છે એટલી આ જ ઉપકરણોની ડગલે અને પગલે, વધારે પડતી, હાજરીની અનિવાર્યતાથી જીવનમાં નવી નવી  મુશ્કેલીઓ ઉમેરાતી જ જાય છે.

કૃત્રિમ પ્રજ્ઞા : AI સોફ્ટવેરને કારણે બધાં ઉપકરણો વધારે 'સ્માર્ટ' બનવા લાગ્યાં છે, કેમકે માનવ મન કેમ વિચારે છે  / વિચારશે તેનું તે અદ્દલ અનુકરણ કરી શકે છે. જોકે દરેક સોફ્ટવેરની જેમ  AI અલ્ગોરિધમ પણ તેના સર્જકના મનના ભાવો, માન્યતાઓ અને પૂર્વગ્રહોની અસરમાં કંઈક અંશે તો રંગાયેલ હોય જ છે, તે તેની સાહજિક મર્યાદા છે.

ડિજિટલ જીવન પધ્ધતિનાં અન્ય પાસાંઓની સામાન્ય ચર્ચા પણ ખાસ્સી તકનીકી બાજુએ વળી જઈ શકે તેમ છે, એટલે અહીં તેની રજૂઆત અપ્રસ્તુત બની રહે છે. 

તે સાથે એ હકીકતની પણ નોંધ લેવી જ જોઈએ કે આ બધી સગવડો અને શોધોને કારણે, ઈ-શાસન વ્યવસ્થા, ઈ-બેન્કિંગ, ઈ-આરોગ્યસેવાઓ, ઈ-શિક્ષણ, ઈ-મનોરંજન અને ઈ-પ્રત્યાયનો કે ઈ-ફોટોગ્રાફી જેવી  જીવનની લગભગ દરેક પ્રવૃતિઓ હવે એટલી હદે ડિજિટલ સ્વરૂપે થવા લાગી છે કે એ પહેલાં આપણે આ બધાં કામ શી રીતે કરતાં હતાં તે પણ યાદ નથી રહ્યું.

આ બધી સેવાઓ વાપરવા માટેનું સૌથી મોહક છટકું છે તેમનું વિના કિંમતે ઉપલબ્ધ હોવું. જોકે એમ કરવા માટે જે ખર્ચ ભોગવવું પડે છે તેની કિંમત વસુલ કરવા વપરાશકારોની અંગત માહિતીસામગ્રીને નિશ્ચિત પ્રકારની જાહેરાતો માટે, રાજકીય / ધાર્મિક કે સામાજિક વિચારધારાઓના પ્રચાર અર્થે ઠોકી બેસાડવું કે પછી ખોટા સમાચારો અને અફવાઓ ફેલાવવા કે પછી અવનવી રીતોથી છેતરપીંડીઓ કરવાના દુરુપયોગ સુધીની કિંમત વપરાશકારે જાણ્યેઅજાણ્યે ચુકવવી પડે છે.

આ ઉપકરણો અને ઍપ્સનો ઉપયોગ કરવો એ વાઘની ઉપર સવારી કરવા બરાબર છે. ક્યાંક નાની ચુક થઈ કે ગાફેલ રહેવાયું તો તેમારી મહત્ત્વની માહિતીસામગ્રી તો ચોરાઈ જ જાય, પણ ક્યારેક બહુ મોટાં આર્થિક નુકસાનના ખાડામાં પણ ભરવાઈ જવાના વારા આવી શકે છે. અને આવું કદાચ ન થાય તેની પુરેપુરી તકેદારી પણ રાખો તો વધારે પડતા  વપરાશથી આંખો કે સ્નાયુઓનાં દર્દથી લઈને ડિપ્રેશન જેવાં દર્દોના શિકાર થવાની શક્યતા તો તોળાયેલી જ રહે છે.

આજના વિશ્વની ડિજીટલ પદ્ધતિમય જીવનશૈલીમાં સલામત રહેવા માટે જે કેટલાક સોનેરી નિયમો છે તેમાંના પાયાના નિયમો આ મુજબ કહી શકાય :

·        ડિજિટલ ઍપ્સમાં સાવ જ જરૂરી હોય તો જ, અને તેટલી જ , અંગત માહિતી મુકો

·        લોભામણી લાલચોમાં બિલકુલ લેવાઈ ન જાઓ

·        તમારા સમય અને તમારા કામના અમલના આયોજનની લગામ, દરેક સંજોગોમાં, તમારા હાથમાં જ રાખો.

·        સ્વયંસંચાલિત- નોટીફિકેશન તો બંધ જ કરી દો. જમતી વખતે અને ઊંઘી જતી વખતે તમારો ફોન તમારાથી દૂર જ રાખો.

·        ઍપ્સમાં સલામતી અને સુરક્ષા માટે જે સુચનાઓ આપેલ હોય છે તે ધ્યાનથી સમજો અને તેનો બરાબર અમલ કરો.

હવે પછીથી એક કટુ સત્ય આપણે યાદ રાખવાનું રહેશે કે જેમ માનવી બહારનાં પરિબળોથી પ્રભાવિત થાય છે તેમ જ ડિજિટલ ઉપકરણો તેમાં બેસાડેલાં એસથી જ દોરવાય છે. ફર્ક માત્ર એટલો છે કે માનવી પાસે સ્વતંત્રપણે કામ કરતું તેનું પોતાનું મગજ છે જ્યારે ઉપકરણો તો નિર્જીવ મશીનો છે. (ઝડપથી બદલતાં જતાં વિશ્વમાં) કહેવાતા વિકાસ સાથે કદમ મીલાવતા રહેવાના ધખારામાં આપણે આપણી પાસે રહેલ અમર્યાદિત શક્તિઓને આ નિર્જીવ મશીનોના હવાલે ન કરી બેસીએ.

દરેક વ્યક્તિએ પોતાનાં જીવનના દરેક તબક્કાનાં લક્ષ્યો સ્પષ્ટપણે નિશ્ચિત કરતાં રહેવું જોઇએ અને તેની સિદ્ધિ માટે જ કાર્યરત રહેવું તે જીવનમંત્ર બનાવી લેવો જોઈએ. ડિજિટલ જીવન પદ્ધતિનો ઉપયોગ આ કાર્યમાં જો અને જેટલી મદદરૂપ હોય એટલો જ મર્યાદિત રાખીએ. યાદ રહે આ ખેલ ચાલાક ઉપકરણો અને ચતુર માનવી વચ્ચેની સર્વોપરિતાનો છે. કોનો વિજય થવા દેવો એ તો તમારા, અને માત્ર તમારા જ,, હાથની વાત છે.

બીજા શબ્દોમાં કહીએ તો, આપણાં જીવનમાં સલામત અને શાંતિથી રહેવા માટે ડિજિટલ પધ્ધતિનાં વિવિધ પાસાંઓથી સજ્જ સ્માર્ટ ઉપકરણોની ચાલાકીઓનો ઉપયોગ કરીએ પણ તેનાં ગુલામ ન બની બેસીએ.

ડિજિટલ પદ્ધતિમય જીવનમાં સલામત રહેવા બાબતે સાંપ્રત શાહિત્યની શોધ કરીશું તો પોતાને ડિજિટલ વિશ્વમાં સલામત કેમ રાખવી, અને તેની સાથે સંલગ્ન સાયબરગુનાઓથી કેમ બચવું, કે ઓનલાઈન વ્યવહારોમાં સલામત કેમ રહેવું જેવા વિષયો પર બહુ જ અર્થપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપતાં સાહિત્યની મદદ મળી રહેશે. TED.com જેવાં માધ્યમો પર પણ આવી આવી વ્યાવહારિક માર્ગદર્શક ચર્ચાઓ પણ મળી રહેશે –

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Changing World, Adapting Improvement Models (Lean and Six Sigma) -  QPSના સ્થાપક, મુખ્ય સંચાલક અને પ્રેસિડેન્ટ જય પટેલ લીન અને સિક્ષ સિગ્મા કાર્યપધ્ધતિઓનાં મૂળભૂત અંગોની ચર્ચા કરવાની સાથે તમારાં કામમાં કે પ્રોજેક્ટમાં બેમાંથી વધારે ઉપયોગી શું નીવડી શકે તે નક્કી કરવા વિશે સમજાવે છે.

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Focus on What's Important -.   બધુ બરાબર થાય એટલી રાહ જોઇએ તો એ દિઅવસ કદાચ ક્યારેય નહીં આવે. એટલે આપણી પાસે જે છે, ભલે તે ગમે તેટલું ખામીયુક્ત કે અધુરું હોય,તો પણ ઘણા મોટા સુધારાઓની તરફ આપણે આગળ ધપવા લાગીશું. … આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂઆત કરવાની છે અને પછી જે કંઈ કરવું જ જોઈએ તે પુરા ખંતથી, વણથંભ્યે ચાલુ રાખવાનું છે.'જેટલું શક્ય છે તેટલું જ બધું કરી શકાશે, પણ જેટલું થઈ શકે તે બધું જ કરવું જ પુરતું છે.'આપણે જાતે જ ઊભી કરેલી સીમાઓના વાડા એક વાર ઓળંગી જઈશું તો પછી આપણી પ્રગતિની કોઈ સીમા નહીં હોય.

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો લેખ

  • Indecision: From Aristotle and Buridan to Metastability and Digital Circuits - પૃથ્વી ગોળાકાર છે એટલે તેની પર લાગુ પડતાં બધાં દબાણો એક સરખાં લાગે છે. પરિણામે તે ગતિમાં ન આવી શકવાથી સ્થિર જ છે. આવાં વિધાન માટે એરિસ્ટોટલે કટાક્ષમાં કહેલું કે ' આ તો એટલું જ વાહિયાત છે જેટલું કોઈ ભુખ્યા અને તરસ્યા માણસને ખોરાક અને પાણીથી સરખા અંતરે ઊભો રાખો તો શું પહેલું લેવું એ અનિર્ણયાત્મક સ્થિતિમાં એ ભુખ્યો મરે.'

તે જ પ્રમાણે, બુરીદીઆન વિરોધાભાસનો ગધેડો પણ સરખે અંતરે રાખેલી ઘાસની ગંજીમાંથી પહેલાં કઈ ખાવી તે નક્કી ન કરી શકવાથી ભુખ્યો જ મરે છે.

યુનિવર્સિટી ઑફ એક્ષ્ટર્ના ફિલૉસોફીના એસોશિએટ પ્રોફેસર મીકૈલ હૌસકેલર અનેક ઉદાહરણો દ્વારા સમજાવે છે કે આપણે જે નિર્ણયો કરી છીએ (કે નથી કરી શકતાં) તે  માટે આપણા અનુભવો, લાગણીઓ અને પસંદ-નાપસંદ પર આધારિત કારણો હોય છે જે આપણે જાણ હોય પણ કે ન પણ હોય. આ તરફનો કે પેલી તરફનો, નિર્ણય લેવાની ફરજ પડવાનું સૌથી મોટું કારણ વાસ્તવિકતા, અને સમયનો તકાજો, છે.

રોજબરોજના નિર્ણયો લેવામાં મદદરૂપ થવા માટે બીલ ટેન્ડલર સૂચવે છે કે આપણે GD&T, Grim, Depressing & Troublesome - સુષ્ક, નિરાશાજનક અને તકલીફદાયક ને  Grand, Delightful & Tantalizing -ભવ્ય, આનંદદાયક અને , ઉત્સાહવર્ધક ટળવળાટપૂર્ણમાં ફેરવી નાખવું જોઈએ.”

[સંકલનકારની નોંધ

આપણે જ્યારે ઉપકરણોની ચાલાકી કરતાં ચતુરાઈમાં એક ડગલું આગળ રહીએ છીએ ત્યારે ડિજિટલ પધ્ધતિમય જીવન પણ GD&T, Grim, Depressing & Troublesome - સુષ્ક, નિરાશાજનક અને તકલીફદાયક ને  બદલે Grand, Delightful & Tantalizing -ભવ્ય, આનંદદાયક અને , ઉત્સાહવર્ધક ટળવળાટપૂર્ણ બની રહે છે..]


'ડિજિટલ વિશ્વમાં અર્થપૂર્ણ જીવન' વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: