Sunday, August 7, 2022

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - ઘરથી કૉલેજ અને કૉલેજથી ઘર સુધીની આવનજાવન : ચલતે હી જાના, ઔર આના ભી

 અમે લોકો એ દિવસોમાં હાલનાં સરકારી પોલિટેકનીક - એ સમયનું સચિવાલય-ની પાસે આવેલી એચ/એલ કોલોની તરીકે ઓળખાતી સરકારી કર્મચારી વસાહતમાં રહેતાં હતાં. એ સમયે એ વિસ્તારમાં કૉલેજ જનારાં મોટા ભાગનાં વિદ્યાર્થીઓ સેંટ ઝેવિયર્સ કે એમ જી સાયન્સ કૉલેજ, કે એલ ડી આર્ટ્સ કૉલેજ જતાં. એકાદ સમુહ ગુજરાત કૉલેજ કે એચ એ કોમર્સ કૉલેજ (લૉ ગાર્ડન)માં પણ ભણતો. એ સમયમાં બધાં પાસે સાઈકલ હોય તે જરૂરી નહોતું. વળી અ મ્યુ ટ્રા સની બસમાં જાઓ કે ચાલતાં જાઓ, સમયની બહુ બચત પણ ન થતી. એટલે જેમની પાસે સાઈકલ ન હોય એ બધાં પોતપોતાનું ગ્રૂપ બનાવી લેતાં અને કૉલેજ ચાલતાં આવતાં/જતાં.

૧૯૬૬માં એલ ડી ઍન્જી.માં મેં પ્રવેશ લીધો ત્યારે મારાથી ત્રણ વર્ષ આગળ એવા મારા ખાસ મિત્ર, કુસુમાકર ધોળકિયા, તો ત્રણ વર્ષનાં અભ્યાસક્રમના બીજાં વર્ષમાં હતા. વળી બીજા એક ખાસ મિત્ર, મહેશ માંકડ પણ એ સમયે એલ ડીના કેમ્પસમાં સ્થિત સરકારી પોલિટેકનીકમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો ડિપ્લોમા કરી રહ્યા હતા. એ લોકો તો ચાલતા જ જતા હતા. એટલે એલ ડી આવવજવા માટે ચાલતા જવું  એ મારે બહુ જ સરળ પસંદગી જ હતી. પછીથી અમારા વિસ્તારના બીજા બે ત્રણ મિત્રો પણ આ પદયાત્રામાં અમારા સાથીદાર બની રહેલ.

એ દિવસોમાં એલ કોલોનીથી પાંજરાપોળ તરફ  બહાર નીકળો એટલે સાવ ખુલ્લુ મેદાન જ હતું. આગળ જઈને (તે સમયનાં) સચિવાલયથી અટિરા તરફનો મુખ્ય રસ્તો ઓળંગો એટલે પાછું સાવ જ ખુલ્લું મેદાન જોવા મળે. એલ ડીની દિશા તરફ નજર કરો એટલે દૃષ્ટિમાં સૌ પહેલાં વરિષ્ઠ સરકારી ઑફિસરો માટેના ફ્લૅટ્સ નજરે પડે. તેની પાછળ દેખાતી વનરાજીમાં એલ ડીનો કેમ્પસ આવેલો હતો. એ મેદાન હવે ગીચ રહેણાક વસવાટથી વસી ગયેલો છે. સચિવાલયવાળો મુખ્ય રસ્તો પાર કરીને વિકર્ણની નાકની દાંડીએ ચાલવાનું શરૂ કરો એટલે પહેલાં સરકારી આવાસ પહોંચાય અને તેની બરાબર પાછળ એલ ડીના કેમ્પસના પછવાડેથી દાખલ થવાનો રસ્તો પડતો. અંતર ચારેક કીલોમીટરનું કદાચ થતું હશે, પાકું યાદ નથી .

જતી વખતે અમે લોકો તો સમૂહમાં કંઇકને કંઈક અલારમલારની વાતોમાં ચાલતા હોઈએ એટલે યાદ પણ નથી આવતું કે અમે અર્ધો કલાક ચાલતા હશું કે પોણોએક કલાક ચાલતા હશું ! આજે જ્યારે હવે એ બાબતનો વિચાર કરું છું ત્યારે સમજાય છે કે એક વિસ્તારમાં રહેતા, કદાચ અમુક રમતો સાથે રમતા અને આમ સાથે કૉલેજ વગેરે જતા સમવયસ્કો વચ્ચેનાં જોડાણનાં તંતુઓથી કેવી પારદર્શક બિનઔપચારિકતાની 'મિત્રતા' બંધાઈ જતી હશે કે ચારેક કીલોમીટરનાં એ અંતરને પાર કરવામાં જે સમય વીતતો હશે તે સાવ પલકારામાં જ વીતી જતો અનુભવાતો હતો !

એ સહપદયાત્રાની બીજી એક બહુ રસપ્રદ ખુબી પણ અત્યારે યાદ આવે છે. જે જમાનામાં લેન્ડલાઈન ફોન પણ આખી કૉલોનીમાં  દસ બાર ઘરોમાં કદાચ હશે, એ દિવસોમાં જે જે મિત્રો ચાલતા જવાના હોય તે એલ કોલોની પુરી થવા આવે એ જગ્યાએ એકાદ મિનિટનાં સમય અંતરમાં જ અચુક એકઠા થઈ જતા ! એ સમય પણ કોઇએ બહુ વિચારીને નક્કી કર્યો હોય એમ પણ નહોતું, બસ, એ એક ચોક્કસ સમય ગોઠવાઈ જ ગયો હતો. એ સમયે જો કોઈ આવતો નજરે ન પડે તો તે બીજી કોઈ રીતે જવાનો હશે એમ માનીને જેટલા પણ એકઠા થયા હોય તે બધા આગળ નીકળી જતા.

એલ કોલોની છોડ્યા પછી એ બધા મિત્રો પોતપોતાના રસ્તે એવા વીખરાઈ ગયા કે એકાદ અપવાદને બાદ કરતાં ફરી પાછા મળ્યા પણ નથી !

એ દિવસોમાં ચોમાસામાં એકાદ બે ઈંચ વરસાદ પડે એટલે ઠેર ઠેર પાણીઓ પણ ભરાઈ જઈ શકે એવી તો કોઈને કલ્પના પણ નહીં આવતી હોય. આયોજિત નગરવ્યવસ્થાનો માનવીય હસ્તક્ષેપ હજુ જે જે જગ્યાએ પહોંચ્યો નહોતો ત્યાં વરસાદનું જે કંઇ પણ પાણી પડે તે આપો આપ જ પોતાના કુદરતી માર્ગોએ વહી જતું. હા, એલ કોલોનીના અંત અને સચિવાલય-અટિરા ધોરી માર્ગ વચ્ચેનું, પાંજરાપોળનાં પછવાડાંવાળું, મેદાન થોડું વધારે કાદવવાળું હોય એવું ક્યારેક બનતું. એ સમયે અમે લોકો સચિવાલય થઈને કોલોનીમાં આવતી પાકી સડકના 'થોડા લાંબા રસ્તા'ની તકલીફ સહજ પણે ભોગવી લેતા !   

સમુહમાં સાથે જતા મિત્રો મોટા ભાગે કૉલેજથી ઘરે પાછા તો એકલા જ આવતા. સાથે પાછા આવી શકાય કે કેમ એવી કોઈ યોજના પણ વિચારવાની કોઈને આવશ્યકતા પણ એ સમયે નહીં જણાઈ હોય. ક્યારેક કોઇ એકાદ બે ભેગા થઈ પણ ગયા પણ હોય તો તે એ સમયનો આકસ્મિક યોગાનુયોગ માત્ર જ રહેતો.

જીવનની આવી આવી નાની નાની સહજ ખુશીઓને કારણે મન હંમેશાં પ્રફુલ્લિત  જ રહેતું !

એ સમય બીજું વર્ષ હશે કે ત્રીજું એ પાકું પાદ નથી પણ પાછા ફરવાના સમયે કોઈ કોઈ વાર પ્રો. એન વી વસાણી કે પી કે પટેલ કે એન આર દવે પણ સાથે  થઈ જાય એવું બનતું. હું જો પાછળ હોઉં અને તેમને થોડા આગળ જતાં જોઉં તો ચાલવાની ઝડપ થોડી વધારીને તેમની સાથે થઈ જતો. માનદર્શક એકાદ વાક્યની તેમની સાથે લાગણીભરી ઔપચારિકતા પુરી થાય એટલે પછી ઝડપ થોડી વધારીને આગળ નીકળી જતો. આ ત્રણેય પ્રોફેસરો અમારા જ વિસ્તારમાં રહેતા હતા છતાં કૉલેજ સમય દરમ્યાન ઘરે પાછા જતાં સાથે થઈ જવાની 'ઓળખાણ'નો ઉલ્લેખ ઉભયપક્ષે ન થતો. સંબંધ વધારવા માટે નવાં વર્ષ જેવા વાર તહેવારને બહાને તેમને ઘરે ન તો અમે જતા કે ન તો તેમણે કદી એવી અપેક્ષા પણ કરી હશે. ગુરુ-શિષ્યના સંબંધનાં એ ઔપચારિક અંતરમાં એ સંબંધની ગરીમા હતી.

બીજે વર્ષે મને સાઈકલ અપાવવામાં આવી ત્યારે પણ મેં મોટા ભાગે તો ચાલતા જ આવવા જવાનું ચાલુ રાખેલું. કદાચ ક્યારેક કૉલેજ છૂટ્યા પછી સાઈકલનો ઉપયોગ કરવો પડે એવું કંઈ આયોજન હો યતો સવારે હું સાઈકલ લઈને નીકળું ખરો પણ સાઈકલ અમારી પદયાત્રામાં  સંગાથી જ બની રહેતી ! 

(નોંધઃ કૉલેજ સમય દરમ્યાન કે છૂટ્યા પછી સાઈકલના એક 'વિશેષ' ફાયદાઓની વાત પણ એક આખા અલગ જ મણકાનો વિષય છે. એટલે એ વાત આગળ જતાં ઉખેળીશું.)  

2 comments:

Anand Patel said...

Memories are reconstituted with excellence. The college life is the best period of life.

સુરેશ જાની said...

યાદગાર દિવસો . કુસુમાકર ભાઈ મારા કાર્યકાળના સાથી . એ દિવસો કદી ન ભૂલાય