Sunday, January 8, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : સિવિલ એંજિનિયરિંગ - પ્રાયોગિકી કઠણાઈઓનું આનંદ અવસરમાં રૂપાંતરણ (!) - [૧]

 ઇલેક્ટ્રિકલ એંજિનિયરિંગના પ્રેક્ટિકલ જો મારે માટે ગૂઢ કોયડા હતા તો સિવિલ એંજિનિયરિંગના પ્રેક્ટિકલ મારાં સૈદ્ધાંતિક જ્ઞાનના વ્યવહારૂ અમલનાં કૌશલ્યની અગ્નિપરીક્ષા હતી.  અમુક વિસ્તારોમાં જઈને કરવાના થયેલા બે પ્રયોગો - ચેઇન લિંક માપણી અને થિયોડોલાઈટ સર્વે - સિવાય સિવિલ લૅબમાં અમે શું કર્યું હશે તે યાદ નથી રહ્યું. જોકે, મારે એકરાર કરવો જોઈએ કે બન્ને પ્રેક્ટિક્લ યાદ રહેવા માટેનાં કારણો બહુ ગર્વ લેવા જેવાં તો નથી જ !

ચેઇન લિંક માપણી - જેના છેડા જ ભેગા ન થયા

ચેઈન લિંક માપણી પ્રેક્ટિક્લ માટે અમારે એચ એલ કૉમર્સ કૉલેજની સામેના વિસ્તારમાં આવેલ સ્વસ્તિક સોસાયટીમાં જવાનું હતું.  મને એવું યાદ છે કે આ પ્રેક્ટિક્લ માટે આ એક ખાસ્સું નિયમિતપણે પસંદ કરાતું સ્થળ હતું.


નક્કી થયેલ દિવસે અમે લોકો અમને સુચવવામાં આવેલ સ્થળે વહેલી સવારથી જ એક્ઠા થઈ ગયા હતા. પ્રેક્ટિક્લ માટે જરૂરી સાધનોની હેરફેર કેમ કરાઈ કે ખુદ પ્રેક્ટિક્લ જ અમે લોકોએ કેટલી તૈઆયારી અને સમજણ સાથે કર્યો તેની વિગતો તો હવે સ્મૃતિશેષ થઈ ગઈ છે પણ અમે તે દિવસે અમારા મજા કરવાન મુડમાં ત્યાંના સ્થાનિકોને કનડગત થયેલ જે બેહુદું કહી શકાય તેવું વર્તન કરી બેઠા હતા તેની યાદ આજે પણ મનને કોરી ખાય છે.

જે દિવસથી અમને આ પ્રેક્ટિકલ વિશે માહિતી આપવામાં આવી હતી તે જ દિવસથી અમે તો કૉલેજની બહાર જઈને કંઈ 'ભણવા' મળશે તે  અવસરને એક ઉત્સુકતાસભર પ્રસંગ જ ધારીને બેઠા હતા - જોકે એ ઉત્સુકતા અમારી વ્યવાહારિક અમલીકરણ આવડતને ચકાસવાની તક મળશે તે અંગેની નહીં પણ મજા કરવાના એક દિવસની પિકનિકના ઉત્સવની લોટરી લાગ્યાની વધારે હતી. પરિણામે સ્થળ પર પગ મુકતાંવેંત જ અમે, કોઈ પણ એક ભદ્ર, શાંત રહેઠાણ વિસ્તાર માટે સરાસર સાવ જ અયોગ્ય એવા શોરબકોરમય મસ્તીના મુડમાં રંગાયેલ હતા.  અમારો એ શોરબકોર એ શાંત સોસાયટીનાં ઘરોમાં રહેતાં લોકોને માટે કેટલો ત્રાસદાયક રહ્યો હશે તેની કલ્પના આજે પણ મને નર્વસ કરી મુકે છે. અમને આવી અસભ્ય વર્તણૂક માટે અમારાં શિક્ષકો તરફથી કોઈ નસીહત મળી હતી અને મળી પણ હશે તો અમે તેને માટે કેમ દુર્લક્ષ્ય સેવી શક્યા હઈશું તે તો યાદ નથી આવતું. પરંતુ, જેમની સહનશીલતાની (અને સભ્યતાની) હદ વળોટાઈ ચુકી હતા એવાં બે ત્રણ વડીલ રહેવાસી બાનુઓની અમારાં જેવાં મસ્તીને હિલોળે ભાન ભુલેલાઓની પણ સાન ઠેકાણે લાવી દે એવી બહુ જ સભ્ય  છતાં આરપાર ઉતરી જાય એવી ધારદાર કડકાઈના જે બબ્બે ત્રણ ત્રણ વાક્યોના ચાબખા વીંજ્યા તેની યાદે તો આજે પણ ગાત્રો ઠંડાબોળ થઈ જાય છે.  અમારી સામે કૉલેજમાં ફરિયાદ કેમ ન થઈ કે કૉલેજના કોઇ પણ વિદ્યાર્થીને  એ વિસ્તારમાં જ કાયમ માટેની પ્રવેશબંધી કેમ થઈ નહીં હોય તે તો આજે પણ સમજાતું નથી. 

મને લાગે છે કે અમે રખડ દખડ કરતાં પણ એ દિવસનું કામ તો પુરું કરી આવ્યા હતા. પરંતુ તે દિવસે લીધેલાં માપ વગેરેને સ્કેલબધ્ધ ડ્રોઈંગમાં મુકતા જતાં બીજા છેડા સુધી પહોચ્યા ત્યારે અમારી બેદરકારી અને નિષ્કાળજી મોં ફાડીને સામે ઊભી રહી. ચેઇન લિંક્નો બીજો છેડો એટલો દુર આવેલો દેખાતો હતો કે જાણે અમે પાચ છ શેરી છોડીને બીજી જ સોસાયટીમાં પહોંચીને એ માપ લીધાં હોય! તેથી પણ વધારે નવાઈ તો ત્યારે લાગી જ્યારે પ્રેક્ટિકલના અમારા શિક્ષકો તો આમ થશે જ તે બાબતે સાવ તૈયાર જ હતા. થોડી ઘણી ખેંચતાણ પછી તેમણે અમને આવું થાય ત્યારે 'વ્યવહારૂ આવડત' કેમ વાપરી શકાય તેની બે ચાર શીખ આપીને વિખૂટા પડી ગયેલા અમારા પ્રેક્ટિકલના છેડાઓ મેળવી તો આપ્યા!

દિલીપ વ્યાસના આ અનુભવનો રંગ પણ કંઈક આવો જ રહ્યો હતો - જોકે તેમ થવાથી અમારે સંતોષ માની લેવો કે એ તો આમ જ થાય એ વિષે કંઈ ટિપ્પણી કરવી ઉચિત નથી

મિકેનીકલ વિદ્યાશાખામાં પ્રવેશ મળ્યો હતો એટલે મારે સિવિલ એંજિનિયરિંગ તો એક વર્ષ પુરતું  જ ભણવાનું હતું.  સિવિલ એંજિનિયરિંગના પ્રાથમિક પાઠમાં લગભગ ફરજિયાત ગણી શકાય એવો ચેઇન અને કંપાસ સર્વે અમારે જુલાઈ /ઓગસ્ટ મહિનાઓમાં કરવાનો આવેલો એવું યાદ આવે છે. વિદ્યાર્થીઓની આખી બૅચ અને અમારા શિક્ષકો એ માટે કોઈ જે તે જગ્યાએ તો ન જ જઈ શકે, એટલે જ્યાં વિવિધ માપણીઓ કરવાનું શીખવા મળી શકે તેવો - મારાં તો ઘર આંગણાં સમાન - એચ કોલોનીનો વિસ્તાર પસંદ કરાયો હતો. નક્કી કરાયેલા સર્વેના દિવસે કૉલેજ જવાનું નહોતું.  પ્રેક્ટિક્લ વહેલી સવારથી જ શરૂ કરવાનો હતો. તેમાં પાછા અમે તો મિકેનીકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ એટલે સિવિલના પ્રેક્ટિકલ્સ સાથે આપણને આગળ જતાં આમ પણ ક્યાં લેણાદેણી રહેવાની છે એવી ભાવનાથી પ્રેરિત , લગભગ સાવ ધરાર કહી શકાય એવી બેફિકરાઈથી અમે મેદાન પર ઉતર્યા હતા. આજે હવે જેં કંઈ અનુભવ જ્ઞાન મળ્યું છે તે પરથી અમે એ સમયે કેટલા ખોટા હતા તે તો સમજાય છે. અઢાર વર્ષની ઉમરની અર્ધપરિપક્વતાનું ગરમ જોશ અને રાજ્યની શ્રેષ્ઠ કૉલેજની શ્રેષ્ઠ વિદ્યાશાખા - અમદાવાદ મિકેનીકલ એ સમયમાં ગુજરાતની અમદાવાદ, મોરબી અને સુરત એ ત્રણ કૉલેજો અને દરેકની ત્રણ ત્રણ વિદ્યાશાખાઓમાં શિરમોર સ્થાને ગણાતું) માં પ્રવેશ મળ્યાના ફાંકાની હવા ભરી હોવાને કારણે આવી મુર્ખામીઓ જ થતી જ હશે એમ લાગે છે.

ખેર, જમ્યા કર્યા વિના બપોરના બે વાગ્યા સુધીમાં તો અમે અમારાં માપણીનાં કામોથી પરવારી ગયા. એટલે બાકી રહેલ અર્ધા દિવસની રજાની પુરેપુરી મજાનો લાભ લેવા અમારાંના કેટલાકે એ દિવસોમાં નવાં જ ખુલેલાં રૂપાલી સિનેમામાં ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. ૭૦ મિ. મિ.નો પડદો અને 'માય ફેર લેડી' જેવી ફિલ્મ  એ બન્ને તો પાછાં ન રોકી શકાય તેવાં આકર્ષણો તો હતાં જ - જોકે 'માય ફેર લેડી' એ તો સૌથી ઉત્કૃષ્ટ સ્થાનનું માન મેળવેલ કૃતિ હતી એ સમજ તો બહુ મોડેથી આવેલી.  જોકે, આખો દિવસ ખાધાપીધા વિના આકરા તડકાં કામ કર્યા પછી કડક્ડતાં ઠંડાં એ સી થિયેટરમાં ફિલ્મ જોતાં જોતાં મને તો સખત માથું દુઃખી આવ્યું. પાછી મજાની સજા આટલેથી જ ન અટકી. એ દિવસે લીધેલાં માપ પરથી સિવિલ એંજિનિયરિંગ ડ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું ત્યારે સરૂઆત અને અંતના છેડા વચ્ચે ખાસ્સું બે સે. મીં. છેટું પડી ગયેલું જોવા મળ્યું ! નસીબ એટલાં સારાં હતાં કે અમારા શિક્ષક સહાનુભૂતિ ધરાવતા નીકળ્યા અને તેમણે એ ભુલ સુધારવાનો નુસ્ખો બતાવ્યો. (યોગાનુયોગ અમારા એ શિક્ષકને ઈમિગ્રેશન પર અમેરિકા જવાના વિસા મળી ગયા હતા એટલે તેઓ પણ જવાની તૈયારીઓ જ કરતા હતા.)

એ પ્રોજેક્ટ તો સુખેથી પત્યો. જોકે  એડ્રોઈંગ કરવાની આખી પ્રક્રિયા ને ડ્રોઈંગના બીજા પ્રોજેટ્સ અપનેઆપમાં રસપ્રદ કહાનીઓ છે,જેની વાત પછી ક્યારેક.

હવે જાણવા મળે છે કે અંતરોની આવી માપણી કરવા માટે ચેઇન લિંક પદ્ધતિની આવશ્યકતા નથી રહી. લેઝર જેવી ટેક્નોલોજિથી સજ્જ એવાં સાધનોથી બે સ્થળો વચ્ચેનાં, અને તે પણ  ખુબ જ ચોકસાઈ પૂર્વક, માપ કાઢતા મેં ઘણા સર્વેયરોને કામ કરતા જોયા છે. “

થિયોડોલાઈટ પ્રોજેકટ તો વળી એક દિલધડક ઘટના નીવડી.

તેની વાત આવતા મણકામાં . . . . 

No comments: