Sunday, May 21, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - મે ૨૦૨૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  મે ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે. આજના અંકમાં આપણે સતત સુધારણામાંથી સતત નવિનીકરણ તરફની સફરનું રૂપાંતરણ ની ટુંક ચર્ચા કરીશું.

નવિનીકરણની પાઠ્યપુસ્તક વ્યાખ્યા મુજબ એ નવાં વિચારબીજો અને જ્ઞાનનું નવાં ઉત્પાદનો, સેવાઓ અથવા પ્રક્રિયાઓમાં એવું સફળ રૂપાંતર છે જે ગ્રાહકને નવાં મૂલ્યને પ્રદાન કરે છે. દાખલા તરીકે, સૌથી તેજથી સળગતી મીણબત્તી બનાવવાના પ્રયાસમાં લગાવવામાં આવેલ તમામ સમય અને પ્રયત્નો હજુ પણ માત્ર મીણબત્તીમા  જ પરિણમશે.. વીજળીના ઉપયોગથી પ્રકાશ આપનારો બલ્બ બનાવવા માટે નવિનીકરણનો વિચાર આવશ્યક બની રહે છે..

સતત સુધારણા (CI) કામ કરવાની વર્તમાન પદ્ધતિને ને વધારે સુવ્યવસ્થિત કરવા અને પ્રક્રિયાઓમાંના બિનજરૂરી વ્યયને ઘટાડવા માટેની તકોને ઓળખવાની પદ્ધતિ છે.
જ્યારે નવિનીકરણ વિચારોને સાકાર કરીને નવાં મૂલ્યોનું અસરકારક સર્જન કરવા વિશે છે, તો સતત સુધારણા પ્રક્રિયાઓને કાર્યક્ષમ બનાવવા માટે વર્તમાન મૂલ્યને વધારે સક્ષમ કરવાનો પ્રયાસ કરે છે. નવિનીકરણ  પરિણામોમાં અસરકારક રીતે સુધારો કરે છે અને સુધારણા કાર્યક્ષમ વધારે કાર્યક્ષમ પ્રક્રિયાઓ આપે છે.

સુધારણાનો માનસિક અભિગમ હાલની તંત્રવ્યવસ્થાઓને ઉચિતતમ કરવા અને ખામીઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ, નવિનીકરણ માટે જે આપણે પહેલાં અનુભવ્યું છે તેના કરતાં મૂળભૂત રીતે નવું અને અલગ જ કંઈક બનાવવું એવા અલગ માનસિક અભિગમ છે. નવિનીકરણ એક અલગ પ્રક્રિયા અથવા નવાં અંતિમ પરિણામનું સર્જંન કરે છે, જેને પછીથી સતત  સુધારણાનો ઉપયોગ કરીને વધુ ઉચિત અને કાર્યક્ષમ બનાવી શકાય છે.

ઉત્પાદન, પ્રક્રિયા અથવા બિઝનેસ-મૉડલમાં નવિનીકરણ સબબ ઉચ્ચ પ્રદર્શન કરનારી દરેક મોટી કંપનીમાં આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે જોવા મળતી, આઠ આવશ્યક વિશેષતાઓનો સમૂહ અહીં ઉપર પ્રસ્તુત છે.


ચીવટપૂર્વક અવલોકન કરવું એ સારા સંશોધક બનવાની ચાવી છે.  હકારાત્મક અથવા નકારાત્મક વિચલનો પર નજર રાખો. નોંધપાત્ર હોય તેવાં બાહ્ય પરિબળો શોધી કાઢો અથવા તંત્ર વ્યવસ્થા અંગે આપણી સમજમાં ઉમેરો કે સ્પષ્ટતા કરતી પ્રક્રિયાઓને ઓળખો. આમ કરવાથી તંત્રવ્યવસ્થાને  બહેતર બનાવવા માટે મદદ મળી રહેશે.
રોજિંદા જીવનમાં, જ્યારે તમે રેસ્ટોરન્ટમાં જાઓ અથવા એરપોર્ટ પર લાઇનમાં ઉભા રહો છો, ત્યારે એવી બાબતો ધ્યાન આપો જે તમને લાગે છે કે ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે અથવા, તેનાથી વિપરીત, અત્યંત ખરાબ રીતે કરવામાં આવી રહી છે. તમે અત્યારે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો તેનો ઉકેલ લાવવા માટે આવાં ઉદાહરણો તમને મદદ કરવા માટે શીખ આપી જઈ શકે છે. આપણી રોજિંદા કામકાજની રીતભાતમાં અથવા કાર્યસ્થળની બહાર આપણા જીવનમાં જો આપણે સજાગપણે થોભી ને પછી આવાં બધાં અવલોકનો પર ચિંતન કરીશું તો આપણે આપણી હાલની કાર્યપદ્ધતિમાં અર્થપૂર્ણ, મહત્વપૂર્ણ સુધારાઓ અથવા નવીનતાઓ લાવી શકીએ છીએ. નવીન વિચારસરણી સરળ છતાં દેખીતાં કરતા અવલોકનોથી આગળ જુએ છે જે એક નવી માનસિકતા અને સંસ્થાકીય કાર્યરીતી બની ને એક એવી ધરી પણ બની શકે છે જે પ્રગતિ તરફ દોરી જાય છે.
સુનિયોજિત રીતે સંગઠિત કરેલ નવિનીકરણ અભિગમ સામાન્ય રીતે આ ચાર કેન્દ્રવર્તી વિષયો પર આધારિત હોય છે:

¾    સંસાધનો અને જ્ઞાનનો પુનઃઉપયોગ

¾    નવિનીકરણનાં જીવનચક્રને સંપૂર્ણપણે અપનાવવું

¾    ચોક્કસ અને સમયસરની માહિતી સામગ્રીપર આધારિત નિર્ણય પ્રક્રિયા

¾    ગ્રાહકને કેન્દ્રમાં રાખતી વિચારસરણી અને વ્યુહરચનાનું અમલીકરણ

આગામી અંકોમાં નવિનીકરણ જીવનચક્ર અને સુનિયોજિત રીતે સંગઠિત કરેલ નવિનીકરણ અભિગમ પર વિગતવાર ચર્ચા કરીશું. 

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Innovation and Process Approach - ISO તકનીકી સમિતિ ૧૭૬ (TAG 176) ના અમેરિકી સલાહકારી સમુહના લાંબા સમયથી સભ્ય અને TAG 176ના ભૂતપૂર્વ પ્રમુખ 'જૅક' વેસ્ટ ISO ૯૦૦૧ઃ૨૦૧૫ના સંદર્ભમાં નવિનીકરણ અને પ્રક્રિયા અભિગમની ચર્ચા કરે છે.  

ક્વૉલિટી મેગેઝિનના Next Gen Quality Analytics વિભાગનો લેખ From Vision to Reality: How to Implement a Continuous Improvement Program આજે વિચારણા પર લઈશું. - સતત સુધારણા કાર્યક્રમોના અમલ માટે સાધનો અને ટેક્નોલોજિ માત્ર પુરતાં નથી. એ માટે કામકાજ સંબંધિત રીતભાત અને સમીક્ષા પ્રણાલીઓની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ દરેક હિતધારકોના તાલીમ અને શિક્ષણ દ્વારા શક્ય એવા નવા જ સાંસ્કૃતિક અભિગમની જરૂર છે. 

સૌ પ્રથમ તો ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર અને તેની સાથે સંકળાયેલ લક્ષ્યોની પુરી સમજ પ્રસ્થાપિત કરવાં રહે છે. એ માટે સુધારણા માટેનાં કાર્યક્ષેત્ર ખોળી કાઢી સંસ્થાકીય ઉદ્દેશો સાથે ચોક્કસપણે  સંબંધિત  માપી શકાય તેવાં અસંદિગ્ધ લક્ષ્યો નક્કી કરવાનાં રહે..

આ માટે સંસ્થાના દરેક સ્તરે સંબંધિત હોય એવાં દરેક કર્મચારીને સહભાગી બનાવવાં જોઇએ.

તે પછી, સુધારણાંનાં નક્કી કરાયેલ કાર્યક્ષેત્રોની સાથે સંબંધિત એવી ચોક્કસને વિશ્વાસપાત્ર માહિતી સામગ્રી મળી શકે તેવા સ્રોતો ખોળી કાઢવાના રહેશે. 

છેલ્લે, સુધારણા કાર્યક્રમ લાંબા સમય સુધી સંપોષિત રહે તે મહત્ત્વનું છે. આ માટે સુધારણા કાર્યક્રમો સંસ્થાની વર્તમાન  તથા ભવિષ્યની વ્યુહરચનાઓનાં પોત સાથે વણાઈ જેવું તેવું વાતવરણ બની રહેવું પણ આવશ્યક છે. 

સપ્ષ્ટ ઉદ્દેશો. દરેક ટીંઓ દ્વારા કાર્યક્રમોની સંપૂર્ણ સ્વીકાર્ય માનસિકતાનો માટેનો વ્યુહાત્મક અભિગમ અને માહિતી સામગ્રી પ્રત્યે જાગ્રત દૃષ્ટિકોણ દ્વારા સંસ્થા કાર્યસાધકતા અને નફાકરકતામં બહુ મોટા ફાયદાઓ સિધ્ધ કરતી રહી શકે છે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: