Thursday, December 18, 2025

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ: બીજો તબક્કો - અમદાવાદઃ લાલ મિલ કોલોની અને એચ કોલોની - ૧૯૬૧ થી ૧૯૬૬

 માર્ચ ૧૯૬૧ની આસપાસ મહેશભાઈની બદલી અમદાવાદ થઈ. મારામાં હજુ નહોતી તો એટલી સમજણ આવી કે નહોતી તો એટલી પરિપક્વતા કે હું રાજકોટ કે અમદાવાદ રહેવાની (અ)મારી જીવનશૈલી કે વિચારસરણી પર શું અસર પડે તે વિચારી શકું. મારા માટે તો સૌથી મોટી વાત એ હતી કે રાજકોટથી અમદાવાદની ટ્રેનની મુસાફરી અમે જીવનમાં પહેલ વહેલી વાર  ફર્સ્ટ ક્લાસમાં કરવાનાં હતાં. જોકે, મુસાફરીના આગલા દિવસે જ એ આનંદ રોળાઈ ગયો.  બન્યું એવું કે આ જે પર્સમાં ટિકિટો રાખી હતી એ પર્સ પણ ટ્રકમાં લઈ જવાના સામાનમાં પેક થઈ ગયું હતું. તેથી, મહેશભાઈએ, હવે પોતાના ખીસ્સાના ખર્ચે, નવી ટિકિટો ખરીદવી પડી.

મહેશભાઈની બદલી થઈ ત્યારે હું ૭મા ધોરણમાં હતો. શૈક્ષણિક વર્ષની બધી પરીક્ષાઓ દરમિયાન દરેક વિષયમાં અમુક ટકાવારી કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને વિરાણી હાઈસ્કૂલમાં અંતિમ પરીક્ષામાં હાજર રહેવામાંથી છૂટ હતી. પરંતુ છેલ્લી પરીક્ષામાં ગણિતમાં મને ઓછા માર્ક આવ્યા. એટલે મારે એક વિષયની વાર્ષિક પરીક્ષા તો આપવી પડે તેમ હતું. મહેશ્ભાઈ માટે નવી જગ્યાએ જોડાવામાં મોડું કરવું શક્ય નહીં હોય, અને અમારે મારી ગણિતની પરીક્ષા પતે ત્યાં સુધી એકલાં પાછળ રાજકોટ રહી જવાનું પણ શક્ય નહીં હોય એટલે એમ નક્કી થયું કે પહેલાં તો અમદાવાદ પહોંચી જવું. 

જ્યારે રાજકોટ જવાનો સમય આવ્યો, ત્યારે મહેશભાઈએ નક્કી કર્યું કે મારે એકલા જવું જોઈએ. મહેશભાઈએ એવી ગોઠવણ કરી કે તેઓ અમદાવાદના બસ સ્ટેશને મુકવા અને પછી લેવા અને બચુભાઈ (બકુલભાઈ ડોલરરાય વૈદ્ય, જેનો ઉલ્લેખ પહેલા કર્યો છે એ મુક્તાફાઈના પુત્ર ) મને રાજકોટ બસ સ્ટેશન પર લેવા અને મુકવા આવે. બસમાં ખાવા માટે મને ટીમણ સાથે આપ્યું હતું, એટલે વચ્ચે ક્યાંય બસમાંથી ઉતરવાનો તો પ્રશ્ન જ નહોતો. રાજકોટમાં હું જનાર્દનભાઈ વૈદ્યને ઘરે રહ્યો. આમ દેખીતી રીતે મેં રાજકોટની બસ મુસાફરી અને એક વિષયની વાર્ષિક પરીક્ષા સ્વબળે આપી. જોકે, પશ્ચાત નજરે જોઊં છું તો એમ કહેવાનું મન થાય છે કે આ પહેલો પ્રસંગ હતો જેમાં મહેશભાઈએ મારા પગ પર ઊભા રહેવાની મારી ક્ષમતા પર પોતાનો વિશ્વાસ મૂક્યો, અને મેં તેમને નિરાશ પણ ન કર્યા.

તે સાથે એટલું પણ હવે કહી શકાય તેમ છે કે એ નિર્ણયે મને મને સ્વતંત્ર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પછીથી જ્યારે બે બસ બદલીને એચ કોલોનીથી ગોમતીપુરમાં શાળાએ જવું પડ્યું, કે મારાં પ્રિ. સાયન્સનાં (વર્ષ વર્ષ ૧૯૬૫ - ૬૬) દરમ્યાન વિદ્યાનગર સુધી જાતે આવજા કરવી પડી અને હોસ્ટેલમાં રહેવું પડ્યું ત્યારે મને અને મહેશભાઈને, તેમજ બેનને પણ, મારી ક્ષમતા પર પૂરો વિશ્વાસ હતો કે હું બધે પહોંચી વળીશ.

અમદાવાદમાં અમારું પહેલું ઘર પૂર્વ અમદાવાદમાં, ગોમતીપુર નજીક આવેલ, રાજપુર - હીરપુર (લાલ મિલ્સ) સરકારી વસાહતનું એક રૂમ રસોડાનું ક્વાર્ટર હતું. અહીં હું ખરેખર મારા સમવયસ્ક મિત્રોના સાથમાં આવ્યો અને શરીરને કસે એવી બહારી, ખડતલ, રમતો રમતો થયો. મહેશભાઈએ ગોમતીપુરની ડેમોક્રેટિક હાઇસ્કૂલમાં નવમા ધોરણમાં મારો પ્રવેશ મેળવ્યો. સ્કૂલ લાલ મિલ કોલોનીથી બે એક કિલોમીટર દૂર હતું. તેથી, અમે લોકો ચાલીને જ સ્કૂલે જતા.

લાલ મિલનાં ઘરમાં જેવાં સ્થાયી થયાં તે સાથે જ મહેશ્ભાઈએ પોતાનાં અધુરાં રહી ગયેલાં પોસ્ટ-ગ્રેજ્યુએશનના સ્વપ્ન માટે પ્રવેશ મેળવી લીધો. તે સમયે તો હું તે નિર્ણયનું મહત્વ સમજવા માટે ખૂબ જ કાચો હતો. પરંતુ જ્યારે હું પૂરતો સમજણો થયો, ત્યારે મને સમજાયું કે ગ્રેજ્યુએશન પછી જ તેમને પોસ્ટ - ગ્રેજ્યુએશન કરવું હતું. એ સમયે જ બાપુ (તેમના પિતા) સેવાનિવૃત્ત થયા હતા. તેથી, તરત નોકરીમાં જોડાઈ જવું એ મહેશભાઈ માટે વધારે મહત્વનું હતું. નોકરી અને લગ્ન સાથેનું તેમનું ગૃહસ્થજીવન ભુજમાં થવાને કારણે પોસ્ટ -ગ્રેજ્યુએશન તો તેમણે કદાચ સાવ માડી વાળ્યું હશે. જોકે, મહેશભાઈ જેવી વ્યક્તિ પ્રત્યે નિયતિ પણ બહુ નિષ્ઠુર ન બની શકે ! અમદાવાદની બદલીના રૂપમાં નિયતિએ મહેશભાઈને તક આપી જેને મહેશભાઈએ ઝડપી લેવામાં હવે જરા પણ વિલંબ ન કર્યો. થોડા વર્ષો પછી, ગોરાકાકા (તેમના નાના ભાઈ, જનાર્દનભાઈ) ને પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી તરત જ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવા માટે મહેશભાઈના આગ્રહ હતો. તે સમયે પણ, હું મહેશભાઈ માટે પોસ્ટ ગ્રેજ્યુએશન કેટલું પ્રિય હતું તેનું મહત્વ સમજી શક્યો ન હતો. જોકે, મહેશભાઈ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનનું મૂલ્ય કેટલું મહત્વનું હતું તેની વાસ્તવિક સમજ મને ત્યારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે હું પોતે તે તબક્કે પહોંચ્યો.[1]

તેર વર્ષના વિરામ પછી ઉચ્ચ સ્તરનો અભ્યાસ કરવા માટે મહેશભાઈને માનસિક અને બૌદ્ધિક તો કેટલો શ્રમ પડ્યો હશે તે તો હવે કલ્પનાનો જ વિષય છે. પરંતુ શારીરિક રીતે આ ઉપક્રમ કેવી કસોટી હતી તે તો સાવ દેખીતું હતું. સિવિલ હોસ્પિટલ, અસારવા નજીક મેન્ટલ હોસ્પિટલ પરિસરમાં આવેલી તેમની ઓફિસે તેઓ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં ઘરેથી નીકળી જતા હતા. તે સમયની પ્રચલિત પ્રથા મુજબ, તેઓ ઘરેથી જમીને જતા. ઓફિસનો સમય પુરો થાય એટલે સાંજની કૉલેજમાંહાજરી આપે. તે ઉપરાંતસંદર્ભ સામગ્રી વગેરે માટે એમ જે લાઇબ્રેરી (એલિસ બ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬) પણ જતા. રાત્રે ઘરે પહોંચે ત્યારે ૯ - ૯.૩૦ વાગી જાય. તે પછી, લગભગ બાર કલાક પછી રાતનાં જમવા ભેગા થાય. આખા દિવસમાં એકાદ કપ ચાપણ નહીં પીતા હોય. પોતાના સ્વપ્નને સિદ્ધ કરવા તેમણે જે શારીરિક પરિશ્રમ ઉઠાવ્યો અને કષ્ટનો સામનો કર્યો હશે તે એ હકીકત પરથી અંદાજ લગાવી શકાય છે કે અમારું ઘર, મહેશભાઈની ઑફિસ અને એમ જે લાઇબ્રેરી એક ત્રિકોણના ત્રણ ખૂણા હતા, જેની દરેક બાજુ છ થી આઠ કિલોમીટર સુધીની હતી. દરરોજ આટલાં અંતરની દડમજલ તેઓ જાહેર પરિવહનની બસ દ્વારા જ કરતા !

મહેશભાઈ દર રવિવારે એલિસ બ્રિજ નીચે ભરાતા ગુજરી બજારમાંથી પાઠ્યપુસ્તકો અને સંદર્ભ પુસ્તકો ખરીદવા જતા. મહેશભાઈ ઘરે વાંચવા માટે ઈકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ ફોરમ ઑફ ફ્રી એંટરપ્રાઈઝની પુસ્તિકાઓ વગેરે સાહિત્ય તેઓ લઈ આવતા. આવાં સામયિકો અને અર્થકારણને લગતાં સમાચારપત્રોનાં નામોની મને ઓળખાણ થઈ, પણ એ વાંચવાની સમજણ હું BITS માં જોડાયો (૧૯૭૧ - ૧૯૭૩), ત્યારે મારામાં કેળવાઈ[2].  

મારાં નવમા ધોરણના શૈક્ષણિક વર્ષના અંતમાં, અમે પોલિટેકનિક (પાંજરાપોળ, અમદાવાદ) નજીક સરકારી કર્મચારી ક્વાર્ટર્સ સંકુલમાં આવેલ એચ કોલોની (૫૫/૧)માં રહેવા ગયાં. ગુજરાત સરકારનું સચિવાલય એ સમયે પોલિટેકનીકનાં પરિસરમાં હતું. લગભગ એક દોઢ મહિના સુધી, હું જાહેર પરિવહન સેવા દ્વારા એચ કોલોનીથી ડેમોક્રેટિક હાઇસ્કૂલ જતો હતો. શાળાએ જતી વખતે, મારે પોલિટેકનિકથી જાહેર બસ સેવા લેવી પડતી હતી અને લાલ દરવાજાથી ગોમતીપુર જવાના બીજા રૂટ પર જવું પડતું હતું. પરત ફરવાની મુસાફરી તે ક્રમને ઉલટાવીને થતી હતી. તે અનુભવે પણ મારામાં આપબળની ભાવના જગાવવામાં મદદ કરી.

તે સમયે મહેશભાઈની ઓફિસ પાલડી (સરદાર બ્રિજ પાસે) ખાતે કૃષિ ખાતાંનાં પોતાના પરિસરમાં શરૂ થઈ. પરિણામે, ઑફિસ આવવા-જવાના સમયના વ્યયમાં તેમને ઘણી રાહત મળી હશે!

મહેશભાઈ - તેમના સહકર્મીઓ સાથે

મારાં પાયાનાં ઘડતરમાં મહેશભાઈના પ્રભાવના સંદર્ભમાં, એચ કોલોનીના અમારા રહેવાસની બે યાદોની અહીં ખાસ નોંધ લઈશઃ 

પહેલી વાત મહેશભાઈના વાંચનના શોખ અને  તેના મારા પરના પ્રભાવની છે.

લાલ મિલમાં પણ મહેશભાઈ એક અંગ્રેજી (ઇન્ડીયન એક્ષપ્રેસ) અને એક ગુજરાતી (જનસત્તા) એમ બે અખબારપત્રો ઘરે મંગાવતા.  મારો વાંચનનો શોખ હજુ એ પ્રકારનાં વાંચનની કક્ષાએ નહોતો પહોંચ્યો. પરંતુ, લાલ મિલમાં મારે લાયક બીજું વાંચન મળતું નહીં એટલે એ બન્નેમાં ક્રિકેટના સમાચાર અને લેખો વાંચતો. જોકે, ઇન્ડીયન એક્ષપ્રેસ તો હું માત્ર વાંચતો જ, તેના અંગ્રેજીમાં મને જરાય સમજણ ન પડતી. એચ કોલોનીમાં આવ્યા પછી મહેશભાઈ અને બેન ગુજરીમાં ઘરવખરી ખરીદવા જતાં. એ મુલાકાતનો ઉપયોગ મહેશભાઈ તે સમયે બે ચાર આનામાં મળતી પેરી મેસનની જૂની પૉકેટબુક્સ ખરીદવામાં કરી લેતા. એવી એક મુલાકાતમાં તેઓ મારા માટે ઓક્ષ્ફર્ડ પ્રેસનો અંગ્રેજી - ગુજરાતી શબ્દકોશ લઈ આવ્યા. એ શબ્દકોશની મદદથી હવે ઇન્ડીયન એક્ષપ્રેસ વાંચતી વખતે ન સમજાય એ બધા અંગ્રેજી શબ્દોનો અર્થ એ શબ્દકોશમાં જોવાની મને ટેવ પડી. પરિણામે, માત્ર વધારે અંગ્રેજી શબ્દો શીખવા મળે એટલે પણ ઇન્ડીયન એક્ષપ્રેસનું મારૂં વાંચન વધ્યું. જોકે તેને રસપૂર્વકનું વાંચન તો એન્જિનીયરિંગમાં પહોંચ્યા પછી જ શરૂ થયું. અગિયારમા ધોરણમાં પહોંચ્યો ત્યાં સુધી ઇન્ડિયન એક્ષપ્રેસ વાંચવાની થોડી ફાવટ આવવા લાગી હતી. એટલે મેં પેરી મેસનનાં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યુ. હવે મને સમજાય છે કે પેરી મેસન મહેશભાઈ પોતા માટે કરતાં વધારે મારૂં અંગ્રેજી સુધરે એ માટે વધારે ખરીદતા હશે.

પુસ્તકો જોવા (અને ખરીદવા ) મળશે એ આકર્ષણે હું પણ મહેશભાઈ અને બેન સાથે ગુજરી બજારની મુલાકાતે જતો. એમ કરતાં, મહેશભાઈએ મારો પરિચય 'કુમાર' સાથે કરાવ્યો. 'કુમાર'ના જૂના માસિક અંક બે એક આનામાં મલતા અને વિશેષ અંકો ચાર આનાની આસપાસ મળી જતા. બહુ થોડા સમયમાં, અમે 'કુમાર'ના જૂના અંકોનો ખાસ્સો મોટો સંગ્રહ ઊભો કરી લીધો હતો. 

મહેશભાઈનો વાંચન પ્રત્યેનો શોખ એક નવતર પ્રયોગમાં પ્રગટ થયો હતો. એ પ્રયોગનું મૂળ, કદાચ, તે મારા માસા ડોલરકાકા (મારી માતાની મોટી બહેન ભાનુમાસીના પતિ ડોલરરાય એમ અંજારિયા) સાથે દૈનિક ગુજરાતી અખબારોની આપ-લે કરવાની પ્રથાથી શરૂ થયો હતો એમ કહી શકાય. મહેશભાઈએ ફરતી લાઇબ્રેરીના વિચારની કલ્પનાને મૂર્ત કરી અને એ લાયબ્રેરીને સફળતાપૂર્વક ચલાવી પણ. એચ અને એલ કોલોનૉમાં રહેતા સાત કે આઠ પરિવારોને આ યોજનામાં જોડવા માટે તેમણે સમજાવ્યા. દરેક સભ્ય દર મહિને એક ગુજરાતી મેગેઝિન ખરીદવા માટે જેટલી રકમ સભ્યપદ તરીકે જોડે, અને એ કુલ રકમમાંથી જેટલાં મેગેઝિન મંગાવાય તે વારાફરતી, એક પછી એક પરિવારને ત્રણ ચાર દિવસ વાંચવા માટે મળે. જૂનાં મેગેઝિન લાંબો સમય વાંચવા માટે રાખી શકાય. આમ, દરેક પરિવારને દર મહિને આઠ થી દસ મેગેઝિન વાંચવા મળતાં. નવચેતન, અખંડ આનંદ, સવિતા, ચાંદની, બીજ, જી, કુમાર જેવાં તે સમયના બધા મુખ્ય ગુજરાતી માસિક, ઉપરાંત ધર્મયુગ, ઇલસ્ટ્રેટેડ વીકલી, સ્પોર્ટ્સ અને પાસ્ટાઈમ વગેરે બધાંને વાંચવા મળવા લાગ્યાં..

બીજો મામલો મારા પ્રિ -સાયન્સ અને એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં પ્રવેશ સાથે સંબંધિત છે.

પ્રિ -સાયન્સમાં પ્રવેશનો કિસ્સોઃ હું પંદર વર્ષનો હતો ત્યારે મેં ૧૧મું ધોરણ પાસ કર્યું હતું. તે સમયે ૧૧મું ધોરણ રાજ્ય સ્તરની બોર્ડ પરીક્ષા હતી. જોકે, મેં ૧૫ વર્ષ પુરાં કર્યા ન હોવાથી, હું ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજોમાં પ્રિ-સાયન્સ માટે પ્રવેશ માટે લાયક નહોતો. બદુભાઈ વોરાએ મહેશભાઈ સાથે મળીને તે વયમર્યાદામાંથી મુક્તિ મેળવવા માટે અવિરત લડત ચલાવી. બદુભાઈ વિસ્તૃત આવેદન પત્રો તૈયાર કરતા, તેને ટાઇપ કરાવતા અને મહેશભાઈ રજિસ્ટર્ડ મેઇલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી, રાજ્ય શિક્ષણ વિભાગ, રાજ્ય સચિવાલય અને કેન્દ્ર શિક્ષણ વિભાગ અને મંત્રાલયોના પણ દરેક લાગતા વળગતા સત્તાવાળાને પોસ્ટ કરવાની વ્યવસ્થા કરતા. બદુભાઈએ ચારથી પાંચ ટાઇપ કરેલા કાનૂની પાનાના કદના આ આવેદન પત્રો માટે બદુભાઈની શૈલી ક્લાસિક બ્રિટિશ વહીવટી શૈલીના અંગ્રેજીમાં હતી. મને આજે પણ બરાબર સમજાય છે કે બદુભાઈ માટે જે શૈલી બહુ જ સ્વાભાવિક અને સરળ રહી હશે તે ની એ તે, કદાચ, એ આવેદનપત્રોના મોટાભાગના વાંચકોની સમજણની બહાર હતી! આટલી બધી મહેનતનો પ્રતિભાવ અમલદારશાહીના વ્યવહારકુશળ શબ્દોમાં જવાબો રૂપે આવતો. જોકે બદુભાઈએ એવા 'શુષ્ક' નકારના જવાબ આક્રમકતાથી આપતા રહ્યા. ભીંત સાથે માથાં પછાડવા જેવું આ 'પત્ર યુદ્ધ' અણધારી રીતે સમાપ્ત થયું. આ બધા પ્રયાસોમાંથી એક એવી માહિતી બહાર આવી હતી જેણે આ મડાગાંઠમાં છટકબારી બતાવી, ગુજરાતમાં તે સમયે વડોદરામાં એમએસ યુનિવર્સિટી અને આણંદ નજીક વલ્લભ વિદ્યાનગર ખાતે એસ પી યુનિવર્સિટી એમ બીજી બે યુનિવર્સિટીઓ હતી. આ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે `૧૬ વર્ષની લઘુતમ વયમર્યાદા સ્નાતક કક્ષાના પ્રવેશ સમયે લાગુ પડતી હતી. સીધી ભાષામાં કહીએ તો પ્રિ-સાયન્સ કક્ષાએ નહીં પણ સ્નાતક કક્ષાના પહેલાં વર્ષ - ફર્સ્ટ યર બી એસસી. વગેરે-માં પ્રવેશ સમયે ૧૬ વર્ષ પુરાં થયાં હોવાં જૉઇએ. મહેશભાઈએ બંને  યુનિવર્સિટીઓની રૂબરૂ મુલાકાત કરી.  છેવટે એસપી યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર સાથે જોડાયેલી વીપી સાયન્સ કોલેજમાં મને પ્રિ-સાયન્સ માટે પ્રવેશ મળ્યો.

એન્જિનિયરિંગમાં પ્રવેશનો કિસ્સો: મારા પ્રિ - સાયન્સના પરિણામના આધારે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના મેડિકલ વિદ્યાશાખામાં પ્રવેશ માટે મળી શકે તેમ હતો. હું મેડિકલમાં ન જવા બાબતે બહુ સ્પષ્ટ અને મક્ક્મ હતો.[3] મેં જાતે લીધો હોય એવો આ પહેલો નિર્ણય હતો. મહેશભાઈ સાથેની ચર્ચા દરમિયાન, મને લાગ્યું કે હું મેડિકલમાં જોડાઉં તે કદાચ તેમને પસંદ હતું. પરંતુ તેમણે પોતાનો મત મને સ્પષ્ટપણે જણાવ્યો નહીં. તેના બદલે, તેમણે બહુ જ સારી રીતે મારા દૃષ્ટિકોણને સમજ્યો અને પૂરા દિલથી મને ટેકો આપ્યો.

આ પછીથી તો ઘણી વાર એવું બન્યું કે મારા અને મહેશભાઈના વિચારો અલગ હોય. જોકે, સામેનાના દૃષ્ટિકોણને સમજવાના તેમના સ્વભાવને કારણે, આ દરેક કિસ્સામાં અમે એકબીજાના દૃષ્ટિકોણની ભાવના અને પ્રક્રિયામાં સહમતિ આપવા માટે અસંમત થઈ શક્યા. ત્યારથી, મેં મહેશભાઈની વ્યક્ત, કે અવ્યક્ત, વિચાર પ્રક્રિયાને હું વધુ સારી રીતે સમજવા લાગ્યો. તે જ રીતે હું મારા દૃષ્ટિકોણને પણ તેમની દૃષ્ટિથી જોઈ શકવા લાગ્યો.

૧૯૬૪માં, એચ કોલોનીમાં અમારા રહેવાસ દરમિયાન, મહેશભાઈએ તેમના પિતા (પ્રાણલાલ વાઘજી વૈષ્ણવ - અમારા બધા માટે, બાપુ) ગુમાવ્યા.


હવે પછીઃ તબક્કો ત્રીજોઃ એલ કોલોની અને નવસારી - ૧૯૬૬ થી ૧૯૭૩



No comments: