Sunday, January 4, 2026

મારા પિતા - મહેશભાઈ પ્રાણલાલ વૈષ્ણવ : તબક્કો ત્રીજોઃ એલ કોલોની અને નવસારી - ૧૯૬૬ થી ૧૯૭૩

 મારા LDCE માં જોડાવાની સાથે જ અમે એલ કોલોની (૪૦/૧) માં રહેવા ગયાં. .

મારા એન્જિનીયરિંગના અભ્યાસના ખર્ચની જોગવાઈ કરવા માટે મહેશભાઈએ લોન શિષ્યવૃત્તિ લેવાનો માર્ગ લેવાનું નક્કી કર્યું. લોન શિષ્યવૃત્તિ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે યોજના હતી, એ યોજના હાલ ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીને બેંકો દ્વારા અપાતી શૈક્ષણિક લોન જેવી જ હતી. લોનની રકમ દર વર્ષે રૂ. ૮૫૦ના હિસાબે મળવાની હતી. પહેલા વર્ષમાં, મને ગુલાબભાઈ (ગુલાબરાય એન મહેતા, વેસ્ટર્ન રેલ્વે, બરોડાના તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અને મારા માનાં મોટાં બહેન મીનમાસી – લક્ષ્મીબેન- ના પતિ) પાસેથી એન્જિનિઅરિંગ કંપાસ, સ્લાઇડ રૂલ અને ડ્રોઇંગ બોર્ડ વગેરે જેવાં એન્જિનિઅરિંગ ડ્રોઇંગના સાધનો પૂરાં પાડ્યાં. નાગર મંડળ- અમારી ન્યાતનું સંગઠન -ની બુક બેંક અને અન્ય અમદાવાદમાં સેકન્ડ હેન્ડ બુક શોપમાંથી કેટલાક પુસ્તકો મેળવી શક્યા. બીજા વર્ષ દરમિયાન પણ એકાંદ બે પાઠ્યપુસ્તકો સિવાય, મોટાભાગના પુસ્તકો બુક બેંક અને સેકન્ડ હેન્ડ પુસ્તક બજારમાંથી મેળવી શકાયાં. આમ, પહેલા અને બીજા વર્ષની ટ્યુશન ફી ચૂકવ્યા પછી પણ લોન સ્કોલરશીપના પહેલા અને બીજા હપ્તામાંથી થોડી રકમ હજુ પણ બચી હતી. મહેશભાઈ અને બેને મારા માટે કૉલેજ જવા માટે સાયકલ ખરીદવા માટે એ બચતનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

અમે રાજકોટમાં તંતી નિવાસમાં રહેતાં હતાં ત્યારે ઘરેથી ઓફિસ જવા માટે સાયકલ ખરીદી હતી. તે સાયકલની સીટ અને પેડલ વચ્ચેનું અંતર મહેશભાઈની ઊંચાઈ કરતા ઘણું વધારે હતું. મારી સાઈકલ ખરીદતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું ! કદાચ સીટ અને પેડલ વચ્ચેના ઘણાં અંતરને કારણે જ તે સાયકલ ખરીદ્યાના લગભગ છ કે નવ મહિના પછી ભારે વાહન સાથે મહેશભાઈનો અકસ્માત થયો હતો. ત્યાર પછીથી તેમણે ક્યારેય સાયકલ ચલાવી નહીં. જોકે, ગોરાકાકા (જનાર્દનભાઈ વૈષ્ણવ, મહેશભાઈના નાના ભાઈ) એ ઘણા વર્ષો સુધી એ સાઈકલનો ઉપયોગ કર્યો. જ્યારે મેં ઘરે જવા માટે 'મારી' સાયકલ ચલાવવાની તૈયારી બતાવી, ત્યારે મહેશભાઈ એક ક્ષણ માટે પણ અચકાયા નહીં. મારામાં આત્મવિશ્વાસ જગાડવા માટેની તાલીમ માટે જોખમ લેવાની પોતાના અનુભવને બાજુએ મૂકી શકવા તેઑ તૈયાર હતા !

મારા એન્જિનિઅરિંગના ચોથા વર્ષના શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં, મહેશભાઈની બદલી નવસારીની કૃષિ વિજ્ઞાન કૉલેજમાં થઈ. તેથી, એન્જિનિઅરિંગનું પાંચમું વર્ષ મેં હોસ્ટેલમાં રહીને પુરૂં કર્યું. ઘર બદલટી વખતે બીજી બધી ઘરવખરી સાથે, અમારી પાસે મહેશભાઈએ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાંથી ખરીદેલ પુસ્તકો અને કુમાર, ધ ઇલસ્ટ્રેટેડ વીકલી, સ્પોર્ટ્સ એન્ડ પેસ્ટાઈમ, ઇન્દ્રજલ કોમિક્સ વગેરે સામયિકોના જૂના અંકો ભરેલાં બે મોટા બોક્સ હતાં. મહેશભાઈની ફરીથી અમદાવાદ બદલી થઈ ત્યારે શરૂઆતમાં મળેલું ભાડાનું ઘર ફક્ત એક ઓરડો અને એક રસોડું હતું. તેમાં ઘરની ઘરવખરી પણ સમાય તેમ નહોતું. તેથી ખૂબ જ ભારે હૃદયે, મહેશભાઈએ અને મેં તેમાંથી પુસ્તકો સિવાય બીજું બધું છોડી જવાનું નક્કી કર્યું.

નવસારીમાં, અમારૂં ભાડાનું ઘર, નવસારીનાં પરાં જેવાં, કાલિયાવાડી ગામમાં હતું. મહેશભાઈની કૉલેજના ચાર પાંચ પ્રોફેસરો પણ અમારા પડોશી હતા. તે બધા કૃષિ વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં પીએચ.ડી. થયા હતા. સરકારી કૃષિ કોલેજોના ફેકલ્ટીના કૌશલ્યના પાયાને વધારે સમર્થ કરવા માટે સરકારની યોજના હેઠળ તેઓએ અમેરિકન યુનિવર્સિટીઓમાં ડોક્ટરેટનો અભ્યાસ કર્યો હતો. મને તેમની સાથે સમય વિતાવવાની સારી તક મળી. મારા વેકેશન દરમિયાન તેમના સંશોધન ફાર્મની મુલાકાતનો સાવ નવો જ અનુભવ પણ મને મળ્યો.

મારા એન્જિનિઅરિંગના પાંચમા વર્ષના મધ્યમાં મહેશભાઈને તેમના મોટા ભાઈ કમળભાઈના નિધનનો આઘાત સહન કરવાનો આવ્યો.

મહેશભાઈના નવસારીના રહેવાસનાં બીજાં વર્ષની શરૂઆતમાં, મારો સ્નાતક કક્ષાનો એન્જિનીયરીંગનો અભ્યાસ પુરો થયો અને મેં BITS, પિલાણી, માં મૅનેજમૅન્ટ વિદ્યાશાખાના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો. શાળા કક્ષા સુધીના મારા અભ્યાસ માટે જે જે તબક્કે પ્રવેશ માટે નિર્ણયો લેવાના હતા કે પ્રવેશ અંગે જે મહેનત કરવાની આવી તેનો બધો ભાર મહેશભાઇ પર હતો. એન્જિનિઅરિંગ અને મૅનેજમૅન્ટના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવાના મારા નિર્ણયો મહદ્‍ અંશે મારા પોતાના હતા અને તે માટેની જરૂરી પ્રવેશ પ્રક્રિયા પણ મેં પુરી કરી હતી. શાળા કક્ષાના અભ્યાસ સુધી મારો મહેશભાઈ સાથેનો સંબંધ એક પુત્રનો તેના પિતા સાથેનો હોય એવો જ રહ્યો. પરંતુ એન્જિનિઅરિંગ અને મૅનેજમૅન્ટના અભ્યાસક્રમોના પ્રવેશનાં ઘટના ચક્રને પરિણામે અમારા સંબંધનું સમીકરણ તાત્વિક રીતે બદલી ગયું. એન્જિનિઅરિંગ માં પવેશ સમયે અમારાં મંતવ્યો અલગ હતાં છતાં જે રીતે મહેશભાઈનો મને ટેકો મળ્યો તેનાથી અમે એકબીજાંને વધારે સમજી શકવા લાગ્યા. મૅનેજમૅન્ટના અભ્યાસક્રમમાં પ્રવેશનો નિર્ણય મહેશભાઈના અનુસ્નાતક કક્ષાના અભ્યાસ માટેનાં સ્વપ્નને પુરૂં કરવાના ઉદ્દેશ્યથી જ લેવાયો હતો એમ તો નહોતું. પણ હા, BITS માટેની પ્રવેશ કસોટીને લગતા નિર્ણયો સમયે તેમના અભિગમમાં પોતાનાં સ્વપ્નની પૂર્તિનો સંતોષ મેં બહુ સ્પષ્ટપણે અનુભવ્યો હતો.[1]

એમબીએના પહેલા વર્ષના અંતે ઉનાળામાં ઇન્ટર્નશિપ માટે મારે મુંબઈ રહેવાનું હતું. મહેશભાઈએ તેમના ભાણેજ હર્ષવદન (મહેશભાઈના માસીનાં દીકરી, સારીબેનફાઈ, (કિશોરબાળા પદ્માકાંત વૈષ્ણવના પુત્ર) ને લખેલા એક પોસ્ટકાર્ડે મારાં માટેના એ કપરાં લાગતાં ચડાણને એક બહુ જ સુખદ અને સમૃદ્ધ અનુભવમાં ફેરવી નાખ્યો. મુંબઈમાં મારા રોકાણ માટે હર્ષવદનભાઈએ મને જે બધી મદદ અને માર્ગદર્શન આપ્યું, તેમાં મોટા ભાઈની હૂંફ અને સંભાળ હતી. પોણાબે મહિનાના એ રોકાણના અંત સુધીમાં, તેમની સાથેનો મોટા ભાઈનો સંબંધ ખૂબ જ ગાઢ મૈત્રીપૂર્ણ ભાઈ તરીકેના સંબંધનાં મૂળિયાં નાખી ચૂક્યો હતો અને મારા જીવનની મૂડીનો એક બહુ જ મહત્વનો હિસ્સો બની રહ્યો.

૧૯૭૩માં મહેશભાઈની ફરી અમદાવાદ બદલી થઈ અને BITS, પિલાનીમાં મૅનેજમૅન્ટના અભ્યાસનું મારું અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ પુરૂં થયું, અમદાવાદ પહોંચ્યા પછી હું ગુજરાત સ્ટીલ ટ્યુબ્સ લિ.માં જોડાયો.

9હવે પછીઃ તબક્કો ચોથો – પ્રગતિનગર : ૧૯૭૩ – ૧૯૮૩



[1] આખા ઘટનાક્રમને 'પિલાણી ભણી - BITS, પિલાણી - વર્ષ ૧૯૭૧-૧૯૭૩ - મને કેમ વિસરે રે….'માં વિગતે વર્ણવ્યો છે.

1 comment:

Samir Dhoakia said...

ત્રણેય હપ્તા એકી સાથે વાંચી ગયો 

એક વસ્તુ સ્પષ્ટ તરી આવે છે મહેશભાઈ મેં જોયેલા વડીલો માં સૌથી વધારે સરળ હતા. તેમની બોડી લેન્ગવેજ પણ એ જ વાત કહેતી હતી.

હું ૨૨-૪-૧૯૬૪ ના અમદાવાદ આવ્યો ત્યારે સાંજે નમ્રતાબેન મને (હાલ ના મુળ રસ્તા જે ગાંધી પાર્ક ની સામે છે) લેંઘો પહેરી ને ક્રિકેટ રમતા અશોક વૈષ્ણવ નો મને પરિચય થયો. પછી મહેશભાઈ અને કિરણબેન નો પણ પરિચય થયો. તમે સાઇકલ લીધી ત્યારે સંજય ને મુળ સીટ પર બેસાડી પાછળ થી ચલાવતા અશોક અને સંજય નો આનંદ મને આજ જેવો યાદ છે.

મહેશભાઈ ની રાજકોટ , જુનાગઢ અને નવસારી ની લાઇફ વિશે મને આછો પાતળો ખ્યાલ હતો. હવે વધારે જાણવા મળ્યું. તેમણે ખૂબ સંઘર્ષ કર્યો હતો પણ સરળતા થી હસતા હસતા. મેં તેમને ગંભીર ભાગ્યેજ જોયા છે. હા તમે વિદ્યાનગર ગયા તે વખત ની તેમની તકલીફ વિશે અછડતો ખ્યાલ છે. પુત્ર દુર જાય તે કોને ગમે.

હું ૧૯૮૫ માં ડીસા ગયો ત્યારે દાંતીવાડા થી આવતા એજન્ટો નો મહેશભાઈ માટે ખૂબ ઊંચો અભિપ્રાય હતો. અહીં એક વાત ખાસ કરવાની કે તમે મારા કરતા વધુ સ્વતંત્ર બુધ્ધિ થી વિચારી શકતા અને જે પરિપક્વતા હતી તેના મૂળ માં મહેશભાઈ હતા. તેણે તમને જે છૂટ આપી છે તે અકપલ્ય છે.( રાજકોટ એકલા જવું કે બે બસ બદલાવી ને જવું તે અત્યારે પણ તમારી તે વખત ની ઉંમર જોતા અઘરું લાગે છે.)

પણ આ ગાળા વિશે તમારો ચોથો હપ્તો વાંચ્યા પછી મારા વધારા ના પ્રતિભાવ આપીશ