Sunday, November 12, 2017

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : નવેમ્બર, ૨૦૧૭



સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો અન્ય ભાષાઓમાં
સલીલ ચૌધરી (જન્મ: ૧૯ નવેમ્બર, ૧૯૨૨; અવસાન: ૫ સપ્ટેમ્બર, ૧૯૯૫) બહુમુખી પારંગતતા ધરાવતી કળાપ્રતિભા હતા.

આપણે તેમણે રચેલાં હિંદી ફિલ્મનાં ગીત રત્નોને આજે પણ એટલી જ રસમધુર અભિભૂતિથી સાંભળીએ છીએ. સાથે સાથે તેઓ તો એક સારા કવિ અને નાટ્યલેખક પણ હતા. તેમનાં ઘણાં કાવ્યોને તેમણે ગૈરફિલ્મી બંગાળી ગીતોમાં ઢાળ્યાં હતાં. એ સમયના લગભગ દરેક જાણીતા ગાયકોએ તેમનાં ગીતોને સ્વર આપ્યો છે. તેમણે ૨૦ જ વર્ષની ઉમરે રચેલ જ્ઞાનેર બૉધૂ ગીતે તો બંગાળી ગીતવિશ્વમાં નવું મોજું સર્જ્યું. તેમણે લખેલી વાર્તા રીક્ષાવાલા વાંચીને બીમલ રોયે તેમને દો બીઘા જમીનની પટકથા લખવાની જવાબદારી પણ સોંપી એ વાત તો હવે જેમને ખબર છે તેમને આ વાતનું આશ્ચર્ય નથી. જો કંઇ આશ્ચર્ય છે તો એ વાતનું છે કે તેમણે આ દિશામાં તેમની કારકીર્દી આગળ કેમ ન વધારી.
સંગીતમાં નવોન્મેષની તેમની ખોજને તેમણે રચેલા ફિલ્મસંગીતનાં મેઘધનુષ્યમાં  એક છેડે  આપણને મોઝાર્ટ જેવા સર્જકોનાં શાસ્ત્રીય પાશ્ચાત્ય સંગીત તો બીજે છેડે બંગાળ અને પૂર્વ ભારતનાં કેટલાય પ્રદેશોની લોકધુનો પર આધારીત અનેક ગીતો સાંભળ્યાં છે. આંખ બંધ કરીને 'મધુમતી'(૧૯૫૮)નું લાજવાબ યુગલ ગીત 'દિલ તડપ તડપ કર કહ રહા હૈ આભી જા તૂ હમસે આંખ ના ચુરા તુઝે કસમ હૈ આભી જા' યાદ કરો અને પછી સાંભળો તેની પ્રેરણાસ્રોત સમું, લગભગ ૧૫૦થી પણ વધારે વર્ષ જૂનું, સીલેસીયન (દક્ષિણ - પશ્ચિમ) પૉલીશ લોક ગીત Szla dzieweczka do laseczka (કિશોરી જંગલ કેડે જવા નીકળી).
એ સંગીતકારોની એવી શ્રેણીના સંગીતકાર હતા જે ફિલ્મ ગીતમાં સંગીતને પ્રાધાન્ય આપવામાં બાંધછોડ ન કરતા. આથી, ગીતની ધુનની રૂપરેખા પહેલાં બનાવતા અને પછી ગીતકાર પાસે તેને અનુરૂપ ગીતની રચના કરાવતા. આ બધાં ઉપરાંત તેઓ એક બહુ ઉત્કૃષ્ટ વાદ્યસજાવટ ઍરેન્જર હતા અને વાંસળી, પિયાનો, એસરાજ જેવાં વાદ્યો વગાડવામાં નિપુણ હતા.

 સલીલ ચૌધરીએ ૭૫ જેટલી હિંદી ફિલ્મોની સાથે સાથે ૪૦થી પણ વધારે બંગાળી ફિલ્મોનાં ગીતો રચ્યાં છે તે તો હિંદી ફિલ્મ સંગીતના મોટા ભાગના ચાહકોને ખબર છે. ઘણાં લોકો એ પણ જાણે છે કે તેમણે ૨૭ જેટલી મલયાલમ ફીલ્મોનાં ગીતોની પણ રચના કરી હતી. એવા સુજ્ઞ ચાહકોનો પણ તોટો નથી જેમને ખબર છે કે તેમણે ગુજરાતી, તમિળ, તેલુગુ, કન્નડ, ઓડીયા, આસામી, મરાઠી જેવી ભાષાઓની ફિલ્મોનાં સંગીતની પણ રચના કરી છે.
આજના આ અંકમાં આપણે આવા ખૂબ પ્રતિભાશીલ, પ્રયોગશાળી સંગીતકાર સલીલ ચૌધરીનાં વિસારે ચડેલાં  એવાં એક એક ગીતોને યાદ કરીશું જે આ ભાષાઓમાં પણ રચવામાં આવ્યાં છે.

[આજની પૉસ્ટના વિચારનાં હાર્દસમી માહિતીના સ્રોત તરીકે મેં સલીલ ચૌધરીનાં ફિલ્મ સંગીત  પ્રદાનના સૌથી વધારે સંપૂર્ણ કહી શકાય એવા ઓનલાઈન ખજાના World of Salil Chowdhuryનો મેં આધાર લીધો છે તે વાતની સાભાર નોંધ આ તબક્કે લઈશ. 
સલીલ ચૌધરીના પ્રશંસક અને જાતે પણ ઘણા વાદ્યોના નિપુણ કળાકાર એવા ગૌતમ ચૌધરીએ અહીં સલીલ ચૌધરીનાં બધાં જ ગીતોની સૉફ્ટ લિંક દસ્તાવેજ કરવાની સાથે સાથે એ ગીતનાં અન્ય ભાષાનાં વર્ઝનને આમને સામને શોધી શકાય તેવી લિંક પણ આપી છે. એ લિંક પર ક્લિક કરવાથી ઑડીયો ગીત સાંભળી શકાય તેવી બીજી બારી ખૂલી જશે.
સલીલ ચૌધરીનાં ગીતો પરથી તેમણે જ જૂદાં જૂદાં વાદ્યો પર રચેલી રચનાઓનાં કેટલાંક આલ્બમ્સ પણ બહાર પડ્યાં છે. પ્રસ્તુત છે એવી એક રચનાઃ 

તો આવો સલીલ ચૌધરીનાં વિસારે પડેલાં ગીતો અને તેની અન્ય ભાષાઓનાં રૂપાંતરણો યાદ કરીએ :
અનેક હિંદી-બંગાળી (કે બંગાળી- હિંદી[!]) ગીતો
દિલ મેરા...ના જાને રે ના જાને રે - બિરાજ બહૂ (૧૯૫૪) - શમશાદ બેગમ – ગીતકાર: પ્રેમધવન 
શમશાદ બેગમે મુજરા નૃત્યને જે માદકતા બક્ષી છે તેવી જ મોહક અપીલ ગાયત્રી બસુએ બંગાળી ફિલ્મ આજ સંધાએ૧૯૫૪)માં ગીતનાં રૂપાંતરણ ના જાની રે ના જાની રે'માં પણ જાળવી રાખી છે.
(બંગાળી-)હિંદી - મલયાલમ ગીતો
ધીતાંગ ધીતાંગ બોલે, દિલ તેરે લિયે ડોલે - આવાઝ (૧૯૫૬) - લતા મંગેશકર – ગીતકાર: પ્રેમધવન
આ ગીતનું મલયાલમ રૂપાંતરણ ૧૯૭૫ની ફિલ્મ 'નીલોપોનમ'માં પી સુશીલા અને પી જયચંદ્રનના યુગલ સ્વરોમાં રચિત 'થૈયામ થૈયામ'માં સાંભળવા મળ્યું.
બન્નેનું મૂળ તો ૧૯૫૪ની હેમંત કુમારના સ્વરમાં ગવાયેલ એક ક્લાસિક બંગાળી ગૈરફિલ્મી ગીત ધીતાંગ ધીતાંગ બોલે છે,જેની સ્વર રચના વળી સાવ અલગ છે.
(બંગાળી-)હિંદી તેલુગુ ગીતો
કઈ બાર યૂં ભી દેખા હૈ યે મનકી જો સીમા રેખા હૈ - રજનીગંધા (૧૯૭૪) - મૂકેશ – ગીતકાર: યોગેશ
આ ગીતનું  એ વર્ષે જ તેલુગુ વર્ઝન પણ જોવા મળે છે Nayanalu Kalise Toli Saari  - ચેરમેન ચલામય્યા(૧૯૭૪)- પી. સુશીલા અને એસ પી બાલાસુબ્રમનીઅનનું યુગલ ગીત
આ ધુનનાં ત્રણ બંગાળી ગૈરફિલ્મી વર્ઝન પણ છે.


હિંદી - તમિળ ગીતો
અય મેરે દિલ ગા પ્યારકી ધુન પર - દિલકા સાથી (૧૯૮૨) - એસ જાનકી અને સાથીઓ – ગીતકાર: મનોહર
આમ તો આ ફિલ્મ મલયાલમ ફિલ્મનું ડબીંગ વર્ઝન હતુ. મલયાલમ ફિલ્મ એટલી સફળ રહી હતી કે તેનું તમિળ અને તેલુગુમાં પણ ડબીંગ થયેલું.
તમિ વર્ઝન પારૂવમઝાઈ (૧૯૭૮)માં આ હિન્દી ગીતની ધુન Thenmalar Kannikal માં સાંભળવા  મળે છે, જે પણ એસ જાનકીના સ્વરમાં જ છે.
મલયાલમ અને તેલુગુ વર્ઝન પણ બાકી થોડાં રખાશે !

  • Eemalarkayakal -  Madanolsavam (૧૯૭૭) (મલયાલમ) - એસ જાનકી અને સાથીઓ
  • Ne Priyuraliki  - અમર પ્રેમ (૧૯૭૮) (તેલુગુ) - પી સુશીલા

આટલું પૂરતું નહોતું તે ક્યાંકથી સાવ જાણીતી ન હોય એવી હિંદી ફિલ્મ (મેરા દામાદ - ૧૯૯૫માં રીલીઝ) જેમાં આ હિંદી ગીત છે. ગૌતમ ચૌધરી કહે છે : કોઈક વાર મને એમ લાગે છે સલીલ ચૌધરી પોતે જ બનાવેલાં વર્ઝનનાં કોષ્ટકને નથી જોતા જણાતા - ઝિર ઝિર બરસે આજ ગગન સે  - અનુરાધા પૌડવાલ, સબીતા ચૌધરી, અમિત કુમાર અને શૈલેન્દ્ર સિંઘ 
(બંગાળી-)હિંદી - કન્નડ ગીતો
નામ મેરા નિમ્મો મુક઼ામ લુધીયાના - સપન સુહાને (૧૯૬૧) - લતા મંગેશકર, મન્ના ડે, દ્વિજેન મુખર્જી – ગીતકાર: શૈલેન્દ્ર  એકદમ દ્રૂત તાલનાં લોક નૃત્ય ગીતનાં સ્વરૂપે ફિલ્માવાયેલાં ગીતમાં લતા મંગેશકરને મન્ના ડે અને દ્વિજેન મુખર્જી બહુ અનોખી રીતે સાથ આપે છે.
આ ધુન ફરી એકવાર વાપરવા માટે સલીલ ચૌધરીને ૧૯૭૧ની એક કન્નડ ફિલ્મ, સમસ્યાફલ,માં કૅબરે નૃત્યની સીચ્યુએશનની તક મળે ત્યાં સુધી રાહ જોવી પડી હોય એમ લાગે છે. એ ગીત છે:  એલ આર એશ્વરીના સ્વરમાં "Dooradinda bandanta sundaraanga jANa". ગીતની ધુનનાં માળખાં સિવાય ગીતનાં બધાં રૂપ બદલી ગયાં છે.ગૌતમ ચૌધરી નોંધે છે કે કન્નડ્ડ ફિલ્મનાં ગીતો પર નિયમિતપણે લખનારા લેખક સ્રીધર રાજન્નાએ લખ્યું હતું કે આ ગીત એશ્વરીએ ગાયેલાં કેબરે ગીતોમાં શ્રેષ્ઠ ગણી શકાય. ગીતમાં રૉક અને રૉલ શૈલીની ગિટારનો પ્રયોગ પણ  બહુ અનોખો છે. ….ગીત આજે પણ પણ ઓરકેસ્ટ્રાવાળાઓ વગાડે છે અને આકાશવાણી પર પણ આવતું રહે.
આ બધાંનાં મૂળમાં બંગાળી લોકધુન હશે એવી અપેક્ષા પણ ખોટી નથી ઠરતી. મૂળ ધુનની બારીકીઓને રેકર્ડ કરઈ લેવા માટે સલીલ ચૌધરીને બંગાળી ગૈરફિલ્મી ગીતનાં માધ્યમમાં વધારે મોકળાશ અનુભવાતી હશે. - Jhilmil jhauer boney. (સબિતા ચૌધરી, ૧૯૬૩).
(બંગાળી-)હિંદી - ઉડીયા ગીતો
સલીલ ચૌધરીએ એક જ ઉડીયા ફિલ્મ સંગીતબધ્ધ કરી હતી - Batasi Jhada (1981). ફિલ્મમાં સબિતા ચૌધરીના સ્વરમાં ગીત છે  Rimjhimi Nishaa Bharaaye Raakhi.
સમયના ક્રમ અનુસાર આ ગીતનું આ પહેલાંનું વર્ઝન બંગાળી ફિલ્મ આંતરઘાત (૧૯૮૦)નું ગીત Jaanina jaanina  - કહી શકાય, જે આશા ભોસલેના સ્વરમાં છે.
હિંદી વર્ઝન છેક ૧૯૮૯માં આવેલી સાવ ઓછી જાણીતી ફિલ્મ 'આખરી બદલા'માં સાંભળવા મળ્યું. ગીતના બોલ હતા - જાને કૈસા જાદૂ યે ચલ ગયા, જે આશા ભોસલેએ ગાયું છે.
અહીં જે વિડીયો  છે તે કેબરે-નૃત્ય જણાય છે. એટલે એમ માની શકાય કે બંગાળી અને ઉડીયા વર્ઝન ગીતોની સીચ્યુએશન કંઈક આવા જ પ્રકારની હશે.
(બંગાળી-)હિંદી મરાઠી ગીતો
સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલ એક માત્ર મરાઠી ફિલ્મ હતી હતી હૃદયનાથ મંગેશકર નિર્મિત સુનબાઈ (૧૯૮૨). ગૌતમ ચૌધરી લખે છે : પોતાનું પ્રિય ગીત લતાને મરાઠીમાં પણ ગાવું હતું. એ ગીત તેણે બધું મળીને ત્રણ વાર ત્રણ જૂદી જૂદી ભાષાઓમાં ગાયું. મરાઠી ગીત પ્રીત ખૂલે માંજી સોનેરી પણ બહુ સ-રસ બન્યું છે.
૧૯૬૧માં રેકોર્ડ થયેલ મૂળ બંગાળી ગીત સાત ભાઈ ચમ્પા જાગો રે ને તો બધાં ક્લાસિક ગીત માને છે, જે પાછું સિંહાલી લોક ધુન પરથી પ્રેરિત થયેલ લાગે છે.
હિંદીમાં તેનું વર્ઝન, ફિલ્મ મેરે ભૈયામાં ધીમી લયમાં સાંભળવા મળે છે - પ્યાસ લિયે મનવા 
આસામી ગીતો
સલીલ ચૌધરીએ ૧૯૭૦માં અને ૧૯૮૫માં  એમ બે આસામી ફિલ્મોમાં ગીત રચના કરી છે,જેમાંથી કોઈ ગીતનું હિંદી વર્ઝન થયું જણાતું નથી.
ગુજરાતી ગીતો
ગુજરાતીમાં સલીલ ચૌધરીએ એક જ ફિલ્મમાં સંગીત આપ્યું છે - ૧૯૭૮ની ઘર સંસાર. આ ફિલ્મમાં ગુજરાતી લોકગીત ગાયક પ્રફુલ્લ દવે પાસે એમણે વેણીભાઈ પૂરોહિતે લખેલ  હો હાલો હંસા હાલો રે ગવડાવ્યું હતું.
૧૯૮૦માં આ ગીતનું તેમણે બંગાળી વર્ઝન, આશા ભોસલેના સ્વરમાં, 'પરાબેશ'માં કર્યું - O Ghoomer Moyna Paakhi
જે ૧૯૭૫ની મલયાલમ ફિલ્મ 'રાગમ'માં પી. સુશીલાના સ્વરમાં Omanathinkal  સ્વરૂપે થયેલું જોઈ શકાય છે.
અને હવે આજના અંકના અંતની શરૂઆત કરીએ સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલ મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ માયા (૧૯૬૧)નાં મજરૂહ સુલ્તાનપુરીએ લખેલ ગીત ઝિંદગી હૈ ક્યા સુન મેરી જાં પ્યાર ભરા દિલ મીઠી જુબાં
કહેવાય છે કે આ ગીતનો પ્રેરણાસ્ત્રોત હતો ચાર્લી ચેપ્લીનની ફિલ્મ 'મુનલાઈટ'નું થીમ સંગીત.
આ ગીતનું ગૈર ફિલ્મી બંગાળી વર્ઝન Jhar Jhar More, જે સલીલ ચૌધરીએ હિંદી ફિલ્મોમાં 'બીસ સાલ બાદ'થી પદાર્પણ કરેલ બંગાળી નાયક બિશ્વજીતના કંઠમાં રેકોર્ડ કરેલ હતું.
સચિન દેવ બર્મન સિવાય એ સમયના બંગાળી સંગીતકારોએ મોહમ્મદ રફીનો ખપ પૂરતોજ ઉપયોગ કર્યો હતો. આજના અંકનું છેલ્લું ગીત સાંભળીએ સલીલ ચૌધરીએ છેક છેલ્લા ઉપાય તરીકે મોહમ્મદ રફી પાસે ગવડાવ્યું હતું એમ કહેવાતું  શૈલેન્દ્રનું લખેલું 'પૂનમ કી રાત(૧૯૬૫)નું દિલ તડપે તડપાયે જિનકે મિલનકો તરસે વો તો ન આયે
 

બંગાળીમાં સલીલ ચૌધરીએ આ ગીત બે ગાયકો પાસે ગવડાવ્યું છે
શ્યામલ મિત્ર
અને દેબબ્રત બિશ્વાસ .


આવતા મહિનાના બીજા રવિવારે આપણી યાદમાં વિસરાતાં જતાં બીજાં આવાં જ અવિસ્મરણિય ગીતો સાથે ફરી મળીશું...તમને આવાં અવિસ્મરણીય ગીતો યાદ આવે તો જરૂરથી જણાવશો……


Thursday, November 9, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : રાજકુમારી



૧૯૪૮નાં વર્ષનાં સ્ત્રી સૉલો ગીતોમાં આપણે સુરૈયા, ગીતા રોય અને શમશાદ બેગમનાં
સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળી ચૂક્યાં છીએ. આજના આ અંકમાં આપણે રાજકુમારીનાં સૉલો ગીતો સાંભળીશું.. રાજકુમારીનો બહુ સક્રિય કાળ મહદ અંશે વીન્ટેજ એરામાં વધારે રહ્યો હતો. તેમ છતાં વીન્ટેજ એરાથી સુવર્ણ કાળના સંક્રાંતિ કાળનાં વર્ષો દરમ્યાન પણ તેમની હાજરી નોંધપાત્ર રહી છે.
આપણે હજૂ સુધી સાંભળી ચૂકેલ સ્ત્રી પાર્શ્વગાયકોની સરખામણીમાં ૧૯૪૮નાં વર્ષ દરમ્યાન રાજકુમારીનાં ગીતો સંખ્યાની દૃષ્ટિએ ઓછાં જરૂર કહી શકાય, પરંતુ વીન્ટેજ એરા તેમ જ સુવર્ણ કાળ એમ બન્ને સમયગાળાનાં હિંદી ફિલ્મનાં ચાહકોને આજના અંકનાં ગીતો સંભાળવાનું ગમશે જરૂર તેટલું તો ચોક્કસપણે કહી શકાય.
વો પૂછતે રહે હમ હાલ-એ-દિલ બતા ન શકે - આપ બીતી - હરિ ભાઈ - જી.એસ. નેપાલી 
મોપે ડારો ના તીરછી નજ઼રિયા, મોરે અંગના આઓ પરદેસીયા - હુઆ સવેરા - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
ચાર દિનો કા મેલા સાજન જરા બાલમ જરા મેલા દેખ લો - હુઆ સવેરા  - જ્ઞાન દત્ત - ભગવતી પ્રસાદ બાજપેયી
દીવાના બના ડાલા હો દીવાના બના ડાલા - રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી 
મૈં હો ગયી દીવાની તેરી યાદ મેં - સત્યનારાયણ - હંસરાજ બહલ - સેવક
મન મેં લાગી આગ સજનવા મન મેં લાગી આગ - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
દુખ કે દર્દ કે મારોં કા કૌન સૂને ફસાના -  ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
છોટા સા મન્દિર હૈ કહીં ભૂલ ના જાના - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - અન્જુમ પીલીભીતી
ન કીસીકી આંખ કા નૂર હૂં - ટૂટે તારે - શૌકત દહેલવી (નાશાદ) - મુઝ્તર ખૈરાબાદી 
આટલાં ગીતો હિંદી ફિલ્મ ગીત કોશમાં જોવા મળ્યાં, પણ તેની સૉફ્ટ લિંક નથી મળી શકી
જુગ જુગ જિયે હો લલ્લા હમારા - આપ બીતી - હરિ ભાઈ - હસરત લખનવી
છાયી વૃંદાવનમેં ભોર ઊઠા કે ઘૂંઘટ શ્યામ નિશા કા - અમર પ્રેમ - દત્તા ઠાકર - મોહન મિશ્રા એમ. એ.
પ્રેમી કી નિશાની રાતોં કો નીંદ ન આયે - રંગીન ઝમાના - પંડિત ગોવીંદ રામ - પંડિત ફણી મૈં ઝૂલુંગી ઝૂલા સખીયોં બોલો કૌન ઝૂલાયે હો - સત્યનારાયણ - હંસરાજ બહલ – સેવક
હવે પછીના અંકમાં આપણે ૧૯૪૮ના વર્ષનાં સુરીન્દર કૌરનાં  સૉલો ગીતો સાંભળીશું.

Sunday, November 5, 2017

એક ગીતનાં અનેક સ્વરૂપ - ૭ - પુરુષ / સ્ત્રી સ્વરનાં સૉલો / યુગલ કે કોરસ ગીતના ત્રણ કે વધારે વર્ઝન [૧]



'એકગીતનાં અનેક સ્વરૂપ' શ્રેણીમાં આપણે પુરુષ સૉલો ગીત અને તેનું સૉલો કે યુગલ વર્ઝન અને તેજ રીતે સ્ત્રી સૉલો ગીત અને તેનું સૉલો અથવા તો યુગલ વર્ઝન એટલા જૂદાં જૂદાં સ્વરૂપનાં કેટલાંક ગીતો સાંભળી ચૂક્યાં છીએ.
ઘણી વાર એક જ ગીતનું આ બે પ્રકારનું બીજું ઉપરાંત ત્રીજું વર્ઝન પણ હોય છે. દરેક અલગ વર્ઝન રજૂ કરવા માટે એક ખાસ સીચ્યુએસન હોય છે જેનું મૂળ સૌથી પહેલાં ગીત સાથે સંકળાતું હોય.
આજે હવે સૉલો કે યુગલ ગીતનાં ત્રણ સૉલો કે યુગલ કે કોરસ વર્ઝન એક જ ફિલ્મમાં હોય એવાં કેટલાંક ગીતો સાંભળીશું.

છોડ બાબુલ કા ઘર - બાબુલ (૧૯૫૦)- સંગીતકાર નૌશાદ ગીતકાર શકીલ બદાયુની

મોટા ભાગના લગ્ન પ્રસંગમાં કન્યા વિદાય સમયે બેન્ડવાળા આ ગીતની ધૂન જ વગાડે એવી જબરદસ્ત લોકપ્રિયતા આ કન્યાવિદાય ગીતની હતી.

'બાબુલ' ટાઈટલ પણ ગીતના શબ્દોમાં વણી લઈને ગીતને ફિલ્મમાં થીમ સોંગની જેમ રજૂ કરાતું રહ્યું છે.અહીં ક્લિપમાં પહેલાં આપણે ગીતને જે સ્વરૂપે સૌથી વધારે ઓળખીયે છીએ તે સ્વરૂપે ટાઈટલ્સમાં આવે છે. પછી દિલીપકુમાર નરગીસને પરિણયમાં લગનની મીઠાશ ભળે તો કેવું લાગશે તે કહે છે. એ પછીનાં વર્ઝનમાં નરગીસ અને તેની સહેલીઓ લગ્નની કલ્પનામાં મહાલવા ગરબા શૈલીનાં નૂત્યમાં આ ગીતને જ યાદ કરે છે. હજૂ પણ આગળ જતાં આ જ ગીતને લગ્નગીત તરીકે પણ ગવાયું છે. તે પછી કન્યાની ઘરમાંથી વિદાય સમયે ગીત બેકગ્રાઉન્ડમાં વાગે છે. એ પછી પ્રેમીઓ પોતાના વિચારપ્રદેશમાં કોવાઈ ગયેલ છે ત્યારે એક્દમ મંદમંદ લયમાં તલત મહમૂદના સ્વરમાં ગીત ગવાયું છે. અને છેલ્લે ફિલ્મના અંતમાં  બહુજ આગવા અંદાજમાં રફીના બુલંદ સ્વરમાં ગીત ફરી એકવાર રજૂ થાય છે -

બચપન કે દિન ભૂલા ન દેના - દીદાર (૧૯૫૧) – સંગીતકાર: નૌશાદગીતકાર: શકીલ બદાયુની
રેકર્ડ ઉપર જે ગીત સાંભળવા મળે છે તે આપણે બધાંએ ખૂબ જ સાંભળેલુંં લતા મંગેશકર અને શમશાદ બેગમનું યુગલ ગીત છે. ફિલ્મનાં મુખ્ય પાત્રો નોકરના દીકરા દિલીપ કુમાર અને રઈસ બાપની બેટી નરગીસનાં સામાજિક સ્તરની અસમાનતા વચ્ચે બાલ્યપણમાં પાંગરેલી મિત્રતાને યાદ રાખવાની દુહાઈ ગીતના શબ્દોમાં વણી લેવાઈ છે. ગીત પૂરૂં થતાંમાં તો અકસ્માત થાય છે અને ફિલ્મની વાર્તા રંગ પકડવા લાગે છે.
બન્ને જણાં મોટાં થવા લાગ્યાં છે. સમયના આ પ્રવાહને ફિલ્મને પરદે બદલતી ઋતુઓ અને ફરતા જતા ઘડિયાળના કાંટા દ્વારા રજૂ કરાય છે. તે સાથે નાના દિલીપકુમારના સ્વરમાં શમશાદ બેગમમાંથી યુવાન દિલીપકુમારના સ્વરમાં મોહમ્મદ રફી બચપનના દિનને યાદ કરે છે.
+
એ પછી ફિલ્મની વાર્તામાં અનેક વળાંકો આવે છે. એક વળાંકમાં આંખનું ઑપરેશન કરીને દેખતો થયેલો દિલીપકુમાર બગીમાં પાછળ બેઠો છે. બાજૂમાંથી કોઈકને ઘોડા પર સવારી કરતું જૂએ છે અને તેની યાદ તડપી ઊઠે છે. ગીતનું આ સ્વરૂપમાં દિલીપકુમારના પલટાતા ભાવને મોહમ્મદ રફીએ પોતાના સ્વરની નજ઼ાકત વડે પણ જીવંત કરેલ છે. 

અય મેરે દિલ કહીં ઔર ચલ, ગ઼મકી દુનિયા સે દિલ ભર ગયા - દાગ (૧૯૫૨) – સંગીતકાર: શંકર જયકિશન ગીતકાર: શૈલેન્દ્ર
ફિલ્મમાં આ ગીત ત્રણ વર્ઝનમાં સાંભળવા મળે છે અને ત્રણે ત્રણ વર્ઝન રેકર્ડ્સ પર પણ ઉપલ્બધ રહ્યાં છે. પહેલાં બન્ને વર્ઝન તલત મહમૂદનાં સૉલો ગીતો સ્વરૂપે છે.
પહેલું વર્ઝન છે ખુશીનું. દિલીપકુમાર ઉતાવળી ચાલે પોતાના ગામ ભણી આવી રહ્યો છે અને તેના સ્વરમાંથી નીકળી પડતાં ગીતમાં પણ જ્યાં હવે ગ઼મ ન હોય એવી જગ્યાએ જવાનો આનંદ છલકે છે.
હિંદી ફિલ્મમાં આનંદના સમયની પાછળ દુઃખ પણ આવીને જ ઊભું હોય. એ સમયની ફિલ્મોમાં એ દુઃખ ભુલાવવા નાયક શરાબનો સહારો લે અને પછી એ નશામાં એક કરૂણ ગીત છેડે. અહીં આપણે જે ગીતની વાત કરી રહ્યાં છીએ તે ફરીથી મુકાયું છે. ગીતના શબ્દોની પરદા પર દિલીપકુમાર જે રીતે રજૂઆત કરે છે તેમાં તેની નિરાશામાં પણ ઊંડે ઊંડે ક્યાંક ગ઼મની દુનિયાથી દૂર જઈ શકવાનો આશાવાદ છે.
ત્રીજાં વર્ઝનમાં દીકરાનો વિરહ અને ગરીબીએ સર્જેલી શારીરીક બીમારીની પથારીમાં પણ માને દીકરો જે ગીત ગાતો તે સાંભળવું છે. દીકરાની પ્રેમિકા ખૂબ આનાકાની માની એ ઈચ્છા પૂરી કરે છે. આમ ત્રીજું વર્ઝન લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું સૉલો ગીત છે.
રાહી મતવાલે તૂ છેડ એક બાર મન કા સિતાર - વારીસ (૧૯૫૪) – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: ક઼મર જલાલાબાદી
એક યુગલ ને બે સૉલો વર્ઝનમાં રચાયેલું આ ગીત જૂદી જૂદી સીચ્યુએશનને પ્રતિબિંબીત કરે છે.
પહેલાં, યુગલ, વર્ઝનમાં તલત મહમૂદ અને સુરૈયા અકસ્માત ટ્રેનના ડબ્બામાં ભેગાં થઈ જાય છે અને ટ્રેનની ગતિની લય તલત મહમૂદને આ આનંદનું ગીત છેડવા પ્રેરે છે. સુરૈયા પણ ગીતની મસ્તીમાં ઝૂમવા લાગે છે. આવા સંજોગોમાં જ્યારે નૈનો સે નૈના હો ચારનું તારામૈત્રક થાય એવા શબ્દો તલતના હોઠો પરથી નીકળે છે તો સુરૈયા પણ તેમાં સાથ પૂરાવવા લાગી જાય છે. દિથી દિલ મળી જાય છે અને ગીતના અંતમાં યુગલ સ્વરો એકસ્વર બની રહે છે.
ફિલ્મની કહાનીએ લીધેલ કરવટમાં સુરૈયા તેના પુત્ર સાથે હવે એકલી પડી ગઈ છે. પુત્રને આ ગીત યાદ છે.તેની એ યાદ સુરૈયાના હોઠ પર હવે છેડ એક બાર મનકા સિતારને બદલે સૂની હૈ સિતાર તૂ આ જા એક બારના કરૂણ સ્વરમાં વહી રહે છે.

આ કરૂણ વર્ઝન પર રવિન્દ્ર સંગીતમાં રચાયેલા મૂળ બંગાળી ગીત ઓરે ગૃહોબાસી (શ્રબોની સેન)ની સામ્યતા છતી થાય છે.
બંગાળી ગીત તો અનેક ગાયકોએ પોતપોતાની રીતે ગાયું છે.
દેવતા હો તુમ મેરા સહારા - દાયરા (૧૯૫૩) - સંગીતકાર જમાલ સેન ગીતકાર કૈફ ભોપાલી
મુબારક બેગમ, મોહમ્મ્દ રફી અને સાથીઓના સ્વરમાં આ ગીત ફિલ્મમાં જૂદા જૂદા સંદર્ભમાં રજૂ થતું રહ્યું છે. ગીતની સીચ્યુએશન પ્રમાણે ગીતના શબ્દોમાં નાના ફેરફાર પણ કરાયા છે. દરેક વર્ઝનને બન્ને ગાયકોએ બહુ સૂક્ષ્મપણે અલગ અલગ અંદાજમાં રજૂ પણ કર્યું છે. ગીતનાં ત્રીજાં વર્ઝનમાં જ્યારે મુબારક બેગમ ફરી ફરીને કહે છે કે યે વચન દો કે મૈં હૂં તુમ્હારા ત્યારે પ્રતિભાવમાં રફી માત્ર મૈં હૂ તુમારા જે ભાવથી કહે છે એ તો આ ગીતની જ નહીં પણ ગાયકીની શૈલીની પણ ચરમસીમા જ કહી શકાય.

કમાલ અમરોહી નિર્મિત 'દાયરા'નું આ ગીત એ સમયનાં ફિલ્મી ગીતોના દિલી ચાહકોને રૂંવાડાં ઊભાં કરી દેતું. આજે પણ આંખ બંધ કરીને આ ગીત સાંભળીએ છીએ ત્યારે મંત્રમુગ્ધ અવસ્થામાં સરી પડાય છે. (અને એટલે જ આજના અંકને આ ગીત સાથે આજના અંકને સમાપ્ત પણ કરીએ છીએ)

હવે પછીના અંકમાં એક ગીતનાં અનેક સ્વરૂપમાં બેથી વધારે  વર્ઝનમાં રજૂ થયેલાં ગીતોની યાદી પૂરી કરીશું.