Sunday, February 19, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - ફેબ્રુઆરી ૨૦૨૩

 

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  ફેબ્રુઆરી ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે.

આપણા કેંદ્રવર્તી વિષયની ઊંડાણમાં ઉતરવાની શરૂઆત આપણે ભાવિ સ્પર્ધાત્મકતાની ટુંક ચર્ચાથી કરીશું.

બજારમાં ચાલતી સ્પર્ધાને અસરકારક રીતે ખાળવા પાછળ સંસ્થાનો મુખ્ય આશય તેના હરીફો કરતાં, ટુંકા ગાળે તેમ જ લાંબા ગાળે, વધારે નફાકારક સ્પર્ધાત્મક સરસાઈ જાળવી રાખવાનો હોય છે. આ સ્પર્ધાત્મક સરસાઈ મેળવવા, તેમજ જાળવી રાખવા, માટે સંસ્થા તેના ફરીફોની સરખામણીમાં પોતાનાં નિર્ધારીત ગ્રાહક સમુહ (કે કોઈ પણ અન્ય હિતધારક)ની અનુભૂતિમાં કંઈક અલગ - અનોખું - પ્રદાન કરવુંઅને એ વર્ગને તેની સચોટ જાણ પણ થતી રહે તેમ કરવું, આવશ્યક બની રહે છે. [1]

 


જો માણસ. તેના પડોશી કરતાં વધારે સારૂં ઉંદર  પકડવાનું પાંજરૂં  ન બનાવી શકે તો , વેરાન વગડામાં પણ ભલે તે ઘર બાંધે, દુનિયા તો ત્યાં સુધી પહોંચી જવાના રસ્તા ખોળી જ લેશે.'. એમર્સનના ૧૯મી સદીનાં વ્યકતવ્યોનાં આ કથનમાં વીસમી સદીની પણ ચેતવણી - અનોખાપણું કેળવો, વિશિષ્ટ સામર્થ્ય વિકસાવો, અને સ્પર્ધાત્મક સરસાઈ પેદા કરો -નો સુર સાંભળી શકાય છે. [2]

સંચાલન તંત્રવ્યવસ્થામાં જુના નિયમો પર આધારીત નાના નાના ફેરફારો હવે અસરકારક બની શકે. આજના (આદર્શ દૃષ્ટિએ તો ભવિષ્યના) નિયમોને અનુરૂપ સંસ્થાને ઘડતા રહેવાનો સમય પાકી ગયો છે. [3] 



વિભિન્નતા, ખર્ચાઓમાં લાભકારકતા અને ધ્યેય પર ધ્યાન આપવા માટેના સાનુકૂળ સંજોગોની સરસાઈ એ ત્રણ મુખ્ય સ્પર્ધાત્મક સરસાઈ છે.[4]

પોતાનાં ભવિષ્ય માટે નવેસરથી કલ્પનાચિત્ર વિચારવા માટે મેકકિંસી આપણે કોણ છીએ? આપણે કામગીરીની રીતરસમો કઈ છે? અને આપણે કેમ વિકાસ કરીએ છીએ? એ ત્રણ મૂળભૂત પ્રશ્નોનું મોડેલ રજૂ કરે છે. [5]


વધારાનું વાંચન : Future of work

હવે પછીના અંકોમાં આપણે સ્પર્ધાત્મક સરસાઈ વિશે વધારે વાત કરતાં રહીશું.

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Effective 21st Century Quality Leadership - ઓકલૅંડ કંસલ્ટિંગના મૅનેજિંગ પાર્ટનર, માઈક ટર્નર,૨૧મી સદીના વ્યાપાર ઉદ્યોગના પડકારોના સંદર્ભમાં તેમની સામે કામ લેવા માટે ગુણવત્તા વ્યાવસાયિકોનો પ્રતિસાદ કેવો હવો જોઇએ તેની ચર્ચા કરે છે.

આ મહિને Jim L. Smithની Jim’s Gems અને Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' માં કોઈ નવો લેખ ઉમેરાયો નથી એટલે આપણે Speaking of Quality | Duke Okes નો એક તાજો સાંદર્ભિક લેખ ધ્યાન પર લઈશું

  • The Multidimensionality of Quality - ગુણવત્તા વ્યવસાયની બહારનાં લોકો તેને કદાચ નકારાત્મક, બહુ ટુંકી દૃષ્ટિથી માત્ર ભુલો કાઢવામાં જ રસ હોય તેવા વ્યવસાય તરીકે જૂએ છે. પરંતુ આ વ્યવસાયની ભેખની લઈને બેસનારાં વ્યાવસાયિકો તેને સંસ્થાની , તેનાં કર્મચારીઓની,
    ગ્રાહકોની તથા પુરવઠાકારોની સફળતા માટે સતત કંઈક્ને કંઇક શીખવાડતા રહેતા, અને તેમાં યોગદાન કરવાની તક આપતા રહેતા, વ્ય્વસાયની નજરે જૂએ છે.ગુણવત્તા એ કોઇ એકલું અટલું ક્ષેત્ર નથી, પરંતુ વિજ્ઞાન, ટેક્નોલોજિ, મૅનેજમેંટ જેવાં અનેક ક્ષેત્રોનાં જ્ઞાનનું સંકલન છે.મૂળતઃ, ગુણવત્તા સંસ્થાનાં હિતધારકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ સંતોષવા માટે આવશ્યક રીતે સંસ્થાની પ્રક્રિયાનું અસરકારક સંચાલન છે.  … પરંતુ દરેક ગ્રાહક, કે હિતધારક , સંસ્થા, તેનાં ઉત્પાદનોનાં, પ્રક્રિયાઓનાં કે લોકોનાં જીવન ચક્રો દરમ્યાન તેમની સાથે  જ્યારે પણ સંપર્કમાં આવે છે ત્યારે ગુવવત્તા માટેની તેમની અપેક્ષા, અને વ્યાખ્યા અલગ જ હોય છે.   ..આ અનેકવિધ પરિમાણો દરેક ગુણવત્તા વ્યાવસાયિકને પોતાના રસ મુજબનું ટેક્નોલોજિનું, કે મૅનેજમેંટમાંની ભૂમિકાનું, આગવું વાતાવરણ સર્જી લેવાની એવી તક આપે છે જેના વડે તેને પોતાને પણ સંપોષિત ઉત્પાદકતાયુક્ત કામગીરી કરતાં રહેવાની સાથે  સંતોષ મળે છે.ઉદ્યોગોનો જેમ જેમ વિકાસ થતો જશે તેમ તેમ જાણીતા મેનેજમૅંટ સિદ્ધાંતો અને ટેક્નોલોજિઓનું નવાં ઉત્પાદનોનાં સર્જન માટે અનુકૂલન વધારતાં જવું પડશે.ટેક્નોલોજિ પણ ગુણવત્તા સંચાલનનાં ઘણાં પાસાઓને સુધારવામાં મદદરૂપ બની શકે  છે. બીજાં મદદરૂપ કાર્યક્ષેત્રોની જેમ ગુણવત્તા વ્યાવસાયિકો પણ માપાંકન (calibration) કે પ્રક્રિયા સુધારણા પગલાં  (corrective action) જેવાં મહત્ત્વનાં કામો કરીને બેસી નહીં રહે પણ ગુણવત્તા વિચારધારા અને પદ્ધતિઓને સંસ્થાના મૂળ કામો સાથે વણી લેવા ટેક્નોલોજિ દ્વારા હસ્તાંતરણનાં માધ્યમ બની રહેશે.તેમને નેતૃત્વની કે ટેક્નોલોજિસ્ટની કે સુગમતાના વાહક જેવી જે કોઈ પણ ભૂમિકા ભજવવી હશે, તકોની વિપુલતા બાબતે ક્યારેય ખોટ નહીં પડે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, February 12, 2023

વિસરાતી યાદો...સદા યાદ રહેતાં ગીતો : ૮મું સંસ્કરણ - ફેબ્રુઆરી ૨૦૨૩

 

તલત મહેમૂદનાં યુગલ ગીતો:  આશા ભોસલે સાથે - ૧૯૫૧, ૧૯૫૨ અને ૧૯૫૩

તલત મહેમૂદ (૨૪ ફેબ્રુઆરી ૧૯૨૪ - ૯ મે ૧૯૯૬)ની હિંદી ફિલ્મ જગતની કારકિર્દીની  આમ તો ૧૯૪૫ થી ૧૯૮૧ સુધી સક્રિય રહી ગણાય, પણ તેની કળાનો સિતારાની ચમક્દમક '૫૦ના દાયકામાં સોળે કળાએ પ્રકાસહતી રહી ગણાય. યોગાનુયોગ છે કે '૫૦ના દાયકામાં બીજા બે ગાયક સિતારાઓ - અમેરિકામાં એલ્વીસ પ્રિસ્લી અને ઈંગ્લૅંડમાં ક્લિફ રિચાર્ડ - પણ એવી જ રીતે નિખરતા રહ્યા હતા.  પોતપોતાના અવાજની અદ્ભૂત સંમોહિની ઉપરાંત તેઓમાં ખુબ દેખાવડા હોવાનું, હંમેશ સુંદર અને આક્રર્ષક વસ્ત્ર પરિધાનથી સજ્જજ રહેવાનું પણ અજબ સામ્ય હતું.

 તલત મહમુદે તેમની કારકિર્દી દરમ્યાન ૭૫૦ જેટલાં ગીતો ગાયાં હશે જે પૈકી તેમના સમયનાં લગભગ દરેક ગાયિકા સાથેનાં યુગલ ગીતોમાં તલત મહેમૂદની ગાયકીની અલગ અલગ ઝાંય વર્તાતી રહી છે. એટલે જ એમના જન્મ દિવસના મહિનામાં તેમનાં ગીતોને યાદ કરવાના આપણા ઉપક્રમમાં આપણે ઓછાં સાભળવા મળતાં તલત મહેમૂદનાં યુગલ ગીતોની સફરની કેડી પકડી છે.

તે અનુસાર, આપણે

૨૦૧૭માં તલત મહેમૂદનાં વિસારે પડેલાં કેટલાંક યુગલ ગીતો

૨૦૧૮માં તલત મહેમૂદ: ઓછો સંગાથ થયેલાં સહકલાકારો સાથેનાં યુગલ ગીતો

૨૦૧૯માં તલત મહમુદનાં મુબારક બેગમ અને મધુબાલા ઝવેરી સાથેનાં યુગલ ગીતો,

૨૦૨૦માં તલત મહેમૂદનાં યુગલ ગીતો - ગીતા (રોય) દત્ત સાથે - ૧૯૫૦થી ૧૯૫૨

૨૦૨૧માં તલત મહેમૂદનાં યુગલ ગીતો  ગીતા દત્ત સાથે - ૧૯૫૪ થી ૧૯૫૭, અને

૨૦૨૨માં તલત મહેમૂદ અને શમશાદ બેગમનાં યુગલ ગીતો 

સાંભળ્યાં છે 

હવે પછી આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળીશું.


તલત મહેમૂદની કારકિર્દીનો સિતારો જ્યારે બુલંદ હતો એ '૫૦નો દાયકો આશા ભોસલેના લતા મંગેશકરના પડછાયામાંથી બહાર નીકળીને પોતાનાં અલગ અસ્તિત્વને પ્રસ્થાપિત કરવાના સંઘર્ષનો હતો.  તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની કુલ સંખ્યા વિશે આધારભૂત માહિતી નથી મળી શકી પરંતુ એ યુગલ ગીતોમાંથી ૧૯૫૧થી ૧૯૫૯ના તલત મહેમૂદના સુવર્ણ કાળ અને આઅશા ભોસલેનાં સંઘર્ષનાં વર્ષોમાં બન્નેએ ૫૧ જેટલાં જે યુગલ ગીતો ગાયાં છે તે યુગલ ગીતોને યાદ કરવાં એ જ એક અનોખો અનુભવ  બની રહે એ વાતની પ્રતીતિ આપણે જાતે જ કરી લઈએ.

આજના અંકમાં આપણે તલત મહેમૂદ અને આશા ભોસલેની વર્ષ ૧૯૫૧થી શરૂ થયેલ યુગલ ગીતોની સફરનાં ૧૯૫૧માં બે, ૧૯૫૨નું એક અને ૧૯૫૩નાં  યુગલ ગીતો સાંભળીશું. 

૫૦ના દાયકામાં જે સંગીતકારોએ તલત મહેમૂદનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા તે લતા મંગેશકરના સ્વર સાથેના પ્રયોગો કરી અને પોત પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવા પર વધારે ધ્યાન આપી રહ્યા હતા. એ સંજોગોમાં આશા ભોસલે માટે જે કંઈ તકો મળતી હતી તે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન મેળવી ચુકેલા (કે રહેલા) સંગીતકારો સિવાયના સંગીતકારો પાસેથી જ મળતી હતી. આ વલણ '૫૧ -'૫૯નાં તલત મહેમૂદ - આશા ભોસલેનાં યુગલ ગીતોમાં સ્પષ્ટપણે વર્તાઈ રહે છે.    

મેરા મન ઝૂમ ઝૂમ લહરાયે  - તિતલી  (ફૉર લેડિઝ ઑન્લી) (૧૯૫૧) – ગીતકાર: મનોહર સિંગ સહરાઈ – સંગીત: વિનોદ

તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો સાંભળવાની શરૂઆત આ યુગલ ગીતથી વધારે સારી ન થઈ શકી હોત. '

આ રમતિયાળ ગીતમાં આશા ભોસલેને પોતાના સ્વરની મસ્તીની ખુબીઓ રજુ કરવાની તક મળે છે અને તલત મહેમૂદ પણ ગીતનાં એ રમતિયાળ અંગોને એટલી જ સહજતાથી ન્યાય આપે છે.


તુમ બડે વો હો મુહબ્બતકા મઝા ક્યા જાનો - ઈમાન (૧૯૫૧) - રજુઆત ન પામેલ ફિલ્મ - ગીતકાર: હસરત જયપુરી  - સંગીત: મોતી રામ

ગીતના બોલ વાંચતાં સાથે જ ગીત ગીતનો ભાવ પ્રેમીઓના વાર્તાલાપની સોમેંટિક પળોનો હશે તે સમજાઈ જાય. આશા ભોસલે જેટલાં રમતિયાળ અનુભવાય છે તેના પ્રમાણમાં તલત મહેમૂદ કંઈક અંશે ઓછા ખુલતા અનુભવાય છે. જોકે એકંદરે ગીત સાંભળવું જરૂર ગમે છે.    


પ્યાર ભી આતા હૈ ગુસ્સાભી આતા હૈ, તુમ હી કહો ઐસે કોઈ કિસી કો છોડકે ભી જાતા હૈ  - ગુંજ (૧૯૫૨) -  ગીતકાર:ડી એન મધોક - સંગીત: સાર્દુલ ક્વાત્રા

પોતાનાં ગીતોમાં લોક ગીતોના તાલને ખુબ સહજતાથી વણી લેતા સાર્દુલ ક્વાત્રા પણ હિંદી ફિલ્મોમાં અપેક્ષિત સફળતા ન મેળવી શક્યા.

ફિલ્મમાં છેલ્લે ન સ્વીકારાયેલાં  કહેવાતાં આ યુગલ ગીતમાં તલત મહેમૂદ પોતાના મુલાયમ સ્વરને પણ નિર્ભેળ રોમાંસના આનંદમાં વહેતો મુકી શક્યા છે. 


કિસીને નઝર સે નઝર જબ મિલા દી મેરી ઝિંદગી.. ઝૂમ કે મુસ્કુરા દી - હમસફર (૧૯૫૩) - ગીતકાર: સાહિર લુધીયાનવી - સંગીત: અલી અકબર ખાન

બન્ને પ્રેમીઓ નજર મિલાપના સંમોહનમાં છે.  તલત મહમૂદે ગાયેલા ભાગમાં તેમનાં એ સમયનાં ગૈર ફિલ્મી ગીતોની છાંટ અનુભવાયા વિના નથી રહેવાતું.

આ યુગલ ગીત વિશે ની બીજી એક ખાસ વાત એ છે કે ફિલ્મમાં બીજાં ગીતોમાં પુરુષ સ્વર કિશોર કુમારનો અને સ્ત્રી સ્વરો લતા મંગેશકર કે ગીતા દત્તના છે !  


એસ ડી બર્મન જેમ જેમ સફળ થતા ગયા તેમ તેમ તેઓ મોહમ્મદ રફી કે કિશોર કુમારના તેમ જ લતા મંગેશકરના સ્વરોને બધારે વાપરતા થયા. અશા ભોસલેનો પણ તેઓએ મુખ્ય ગાયિકા તરીકે ઉપયોગ લતા મંગેશકર સાથેના અણબનાવનાં વર્ષો દરમ્યાન જ વધારે કર્યો. આવા જ બધા સંજોગોને કારણે એ સમયના પ્રથમ હરોળમાં સ્થાન પામતા સંગીતકારો પાસેથી આપણને તલત મહેમૂદ અને આશા ભોસલેનાં  બહુ જૂજ યુગલ ગીતો મળે છે.

ચાહે કિતના તુમ મુઝે બુલાઓગે નહીં બોલુંગી .... બોલ ન બોલ અય જાનેવાલે સુન તો લે અય દિવાનોંકી - અરમાન (૧૯૫૩) - ગીતકાર: સાહિર લુધીયાનવી - સંગીત: એસ ડી બર્મન 

બન્ને પ્રેમીઓ અલગ પડી જવાનાં દુઃખને પોતપોતાની રીતે વ્યક્ત કરે છે. 

અહીં આશા ભોસલેની ગાયકીમાં ગીતા દત્તની શૈલી છાંટ અનુભવાય છે.

તલત મહેમૂદનું સૉલો વર્ઝન પણ છે -


આડવાતઃ

૧૯૫૩ની 'બાબલા' અને 'અરમાન' સાથે સાહિર લુધીયાનવી અને એસ ડી બર્મનની ૧૮ ફિલ્મોની સળંગ સફળ સહયાત્રા શરૂ થઈ જે ૧૯૫૭ની 'પ્યાસા' સાથે થંભી ગઈ. 

તેરી મર્ઝી હૈ જહાં મુઝે લે ચલ તુ વહાં - ઘર  બાર (૧૯૫૩) - ગીતકાર: ઈંદીવર - સંગીત: વસંત પ્રભુ

મરાઠી ફિલ્મોના ખુબ સફળ સંગીતકાર વસંત પ્રભુએ આ એક માત્ર હિંદી ફિલ્મ માટે સંગીત આપ્યું છે.

ગીતનો ઉપાડ આશા ભોસલેના સ્વરમાં નૃત્ય ગીતની શૈલીમાં થાય છે તો તલત મહેમૂદ ધીર ગંભીર રહે છે. જોકે તે પછી તલત મહેમૂદ પણ ગીતના આનંદના ભાવમાં પળોટાયાએલા રહે હે. 


બહારોંકી દુનિયા પુકારે તુ આ જા .. તેરે મુંઝિર હૈ સિતારે આ જા -  લૈલા મજનુ (૧૯૫૩) -  ગીતકાર: શકીલ બદાયુની - સંગીત: સરદાર મલિક 

શમ્મી કપુરની શરૂઆતની ફિલ્મોમાં જ્યારે તલત મહમુદ તેમનો પાર્શ્વસ્વર હતા એ સમયનું એક ખુબ લોકપ્રિય યુગલ ગીત આજે પણ એટલું જ સાંભળવું ગમે છે.


દેખ લી તેરી અય તેરી મહેરબાની દેખ લી -  લૈલા મજનુ (૧૯૫૩) -  ગીતકાર: શકીલ બદાયુની - સંગીત: સરદાર મલિક  

પૂર્ણતઃ કરૂણ ભાવનાં આ યુગલ ગીતમાં આશા ભોસલે પણ તલત મહેમૂદની બરાબરી કરવામાં પાછાં નથી પડી રહ્યાં.


રાત ચાંદની સાથ તુમ્હારા રંગ મુહબ્બત લાયી, કભી નજ઼રમેં તુમ લહરાયેં, કભી નજ઼ર લહરાઈ - પેહલી શાદી (૧૯૫૩) - ગીતકાર: કૈફ ઈર્ફાની - સંગીત: રોબિન બેનર્જી 

ચાંદની રાતમાં બે પ્રેમીઓ સાથે હોય તો દિલ ખુશીથી કેવું ઊછળવા લાગે એ ભાવ સંગીતકારે ધુનમાં અને બન્ને ગાયકોએ ગાયકીમાં તાદૃશ કરી આપેલ છે. 


આજના અંક માટે ૧૯૫૩નાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતો ખોળતાં ખોળતાં આ બન્નેએ ગાયેલું એક પંજાબી યુગલ ગીત હાથ લાગી ગયું.

મેરે દિલ દી સેજ દીયે રાનીયે ની - લારા લપ્પા ૧૯૫૩) - ગીતકાર: એમ એસ સેહરાઈ - સંગીત: ધનીરામ 

ધનીરામ વિશે વિગતે પરિચય  આવતા અંકમાં તેમનાં 'ડાક બાબુ' (૧૯૫૪)નાં તલત મહેમૂદ - આશા ભોસલેનાં યુગલ ગીતને સાંભળતી વખતે કરીશું અત્યારે તો તેમનાં લડકી (૧૯૫૩)નાં એક બહુ જાણીતાં ગીત - મૈં હું ભારતકી એક નાર લડને મરને કો તૈયાર -ને યાદ કરીને તેમને યાદ કરી લઈએ.  

ધનીરામનાં સંગીતમાં જેટલું પ્રાધાન્ય શાસ્ત્રીય સંગીતનું જોવા મળે છે, એટલું જ પ્રાધાન્ય પ્રસંગોચિત ઉત્તર પ્રદેશ ને પંજાબનાં લોક સંગીતનું જોવા મળે છે. જેમકે પ્રસ્તુત ગીતમાં તેમણે પંજાબી લોકધુનને કેટલી અસરકારક રીતે વણી લીધી છે.


હવે પછીના અંકમાં તલત મહેમૂદ અને આશા ભોસલેનાં યુગલ ગીતોની આ સફર આગળ ધપાવીશું.


આવતા મહિનાના બીજા રવિવારે, વિસરાતી યાદોનાં ઊંડાણોમાં છૂપાઈ રહેલાં સદા જીવંત ગીતોની યાદને નવપલ્લવિત કરવા, ફરી એક વાર મળીશું.

નોંધ - અહીં સંદર્ભે લીધેલી બધી તસ્વીરોના પ્રકાશાનાધિકારો તેના મૂળ રચયિતાના અબાધિત રહે છે. અહીં આ તસ્વીરો નેટ પરથી, સાભાર, લીધેલ છે.

Sunday, February 5, 2023

૧૯૬૬-૧૯૭૧ : કેવાં હતાં એ ઘટનાસભર પાંચ વર્ષો …. - પ્રેક્ટિકલ્સ : સિવિલ એંજિનિયરિંગ - પ્રાયોગિકી કઠણાઈઓનું આનંદ અવસરમાં રૂપાંતરણ (!) - [૨]

 

'ચંદ્રભાગા નદીનાં કોતરો'માં થિયોડોલાઈટ માપણી પ્રેક્ટિકલ - ખોદ્યું કોતર અને નીકળ્યો રહસ્યમય ખજાનો

સિવિલમાં બીજો પણ એક સ્થળ  ઉપર જઈને કરવાનો બીજો એક પ્રેક્ટિક્લ થિયોડાલાઈટ વડે માપણીની હતો.  એ માટે સાબરમતી આશ્રમની પાસેના દાંડી પુલ (જે પરિક્ષિતલાલ મજુમદાર પુલ તરીકે પણ ઓળખાય છે) પાસે સાબરમતી નદીને મળતી ચંદ્રભાગા નદીનાં બહુ ઊંડા ભલે નહીં તો પણ પાણીનાં વહેણને કારણે પડી ગયેલાં કોતરોનાં ભુતળની માપણી કરવાનો હતો. 

'ચંદ્રભાગા નદીનાં કોતરો' શબ્દપ્રયોગને વાંકા અક્ષરોમાં દર્શાવવા માટેની કારણ એ છે કે એ કોતરો એવી અનેક પૈકી એક ભૌગોલિક વાસ્તવિકતા છે જેમને અમદાવાદના '૫૦ અને '૬૦ના દાયકા સુધીના તાજા ભૌગોલિક ભૂતકાળની વાસ્તવિકતાઓને '૮૦ના દાયકા પછી અમદાવાદના 'વિકાસ'ની સદાય અતૃપ્ત રહેનારી રાક્ષસી ભૂખે કાયમ માટે ભુંસી નાખી છે.


ચંદ્રભાગાનાં એ કોતરોને સાથે ઉગી નીકળેલાં કોંક્રિટના જંગલોની આજની સ્થિતિ અહીં રજુ કરેલાં તાજાં સૅટેલાઈટ ચિત્રમાં જોઈ શકાય છે. આ ચિત્રમાં ચંદ્રભાગાનાં એ કોતરોના કંઈક અવશેશૉ ભલે દેખાય છે પણ જમીની વાસ્તવિકતામાં તો તે હવે સાબરમતીને નદીને સતત પ્રદૂષિત કરતાં અનેક ગંદા પાણીનાં નાળાંઓમાં જ પરિવર્તીત થઈને રહી ગયાં છે. ભારતના સ્વાતંત્ય સંગ્રામમાં જેનું ઐતિહાસિક મહત્ત્વ કહી શકાય એવા દાંડી પુલને પણ આપણી (જાહેર) બેકાળજીના ભરડાએ મરણતોલ દશામાં તો લાવી મુકેલ જ છે. 

ખેર, એ અફસોસોને બાજુએ રાખીને આપણે આપણા આજના વિષય પર પાછાં ફરીએ.

સાબરમતી આશ્રમને અડી પસાર થતા આશ્રમ રોડની પેલે પાર આવેલાં આ કોતરોના લગભગ હજારેક ચોરસ વારના વિસ્તારની ભૂતલીય માપણી અમારે કરવાની હતી.  કોઅતરો સાથેના ચંદ્રભાગાના પટનાં રડ્યાંખડ્યાં ક્યાંક હરિયાળાં ક્યાં સુકાઈ ગયેલાં ઝાડી ઝાંખરાંઓને બદલે જો કોઇ અન્ય 'હરિયાળા' 'ઉભારો'ની કોતરોની માપણી કરવા મળી હોત તો આ ફિલ્ડ પ્રેક્ટિકલની પિકનિક કેવી  માણવા લાયક બની રહી હોત એ અફસોસને મમળાવતા અમે બધા એ કોતરોમાં ફેલાવા લાગ્યા.   

 

જો કે અમારી નિયતિએ આ ક્રૂરતાની સાથે થોડી દયાના અંશની પણ જોગવાઈ રાખી હશે એટલે અમારો એ દિવસ સાવ નીરસ તો ન જ રહ્યો.

થોડેક દુર ગયા પછી અમુક અમુક કોતરોમાં અમે ક્યાંક માટલાંઓ અને તેની આસપાસનાં કોઈક ઠરી ગયેલાં કોઇક ચાલુ તાપણાંઓ જેવું ભાળ્યું. અમારી એ ખોજની જાણ અમારા સુપરવાઈઝર સાહેબોને થતાં વેંત અમને કડક શબ્દોમાં ચેતાવણી મળી ગઈ કે આપણે એ બધાંથી દુર રહીને આપણું કામ કરવાનું છે. એ દરમ્યાન આમારામાંના કેટલાક જાણતલ જોશીડાઓએ તો આ 'કૌતુકો'ને દેશી દારૂ ગાળવાના 'ગૃહ ઉદ્યોગો"ની ભઠ્ઠીઓ તરીકે ઓળખી કાઢ્યાં હતાં

એટલે તેની સાથે ચેડાં કરવાનાં જોખમો વિષે આછો પાતળૉ ખયાલ હોવા છતાં, આસપાસ કોઈ માનવ હાજરી દેખાતી નહોતી એટલે અમારામાંના કેટલાક ઉત્સાહી પરાક્રમીઓએ એકાદ માટલાંને તોડી જોયું. તે સાથે જ એમાંથી  માથું ભમાવી દેનારી દુર્ગંધ અમને અને વિસ્તારને ઘેરી વળી. અમારે હવે તો એ દુર્ગંધથી જ અમારો જીવ બચાવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ, એટલે હવે સાવચેતી અને બહાદૂરીથી અમે બધા ત્યાંથી આઘાપાછા થઈ  ગયા.

એ પછી અમારા એ પ્રયોગના બધા જ સમય દરમિયાન એ વસ્તુઓથી વગર કહ્યે જ અમે સલામત અંતર જ જાળવાતા રહ્યા એ તો કહેવાપણું જ ન હોય!

ચેઈન લિંક માપણી પ્રેક્ટિકલની જેમ અમે અમારો થિયોડોલાઈટ પ્રેક્ટિકલ પણ ખોડંગાતે ખોડંગાતે પુરો તો કર્યો એ પણ વણકહ્યે જ સમજાઈ ગયું હશે. !!   

 

હવે પછીના મણકામાં એંજિનિયરિંગ ડ્રોઈંગના પ્રેક્ટિકલોની ખાટીમીઠી યાદોને તાજી કરીશું.