
સામાજિક કે લોકજીવનની કોઇ પણ વ્યાપક ઘટનાની જેમ આ પ્રથાનું સહુથી પ્રબળ પ્રતિબિંબ જે તે સમયની ફિલ્મોનાં ગીતોમાં ઝીલાવું એ બહુ જ નૈસર્ગીક ઘટના તો છે જ, પણ તે સાથે સાથે તે આ પ્રણાલિકાની લોકપ્રિયતાનો માપદંડ પણ છે..
આજના આ લેખમાં ગીત ગાતાં ગાતાં વેપાર કરતાં જવાની (કે વેપાર કરતાં કરતાં ગીત ગાતાં જવાની) એ લોકપ્રણાલિકાનાં પ્રતિબિંબોની રજૂઆત ને માણીશું છે. અહીં મૂળ લેખમાં રજૂ થયેલાં ગીતોની સાથે વાચકોએ પણ ખોળી ખોળીને આ વિષયની રજૂઆતને સમૃદ્ધ કરતાં ગીતો પણ સમાવી લીધાં છે.
૧. લે લો ચુડીયાં લે લો - અછૂત કન્યા (૧૯૩૬)| ગાયક સુનીતા દેવી - મુમતાઝ અલી | સંગીતકાર – સરસ્વતીદેવી | ગીતકાર - જે એસ કશ્યપ
નાટકમાં ચુડીયાં વેંચવાવાળાનો પાઠ ભજવાવાનો હોય ત્યારે પ્રેક્ષકોની ભીડમાં ચુડીયાં ખરીદવાવાળીઓ ભીડમાં વધારો કરે…!
૨. કોઇ લે લો .. મૈં મીઠા દૂધ લાઇ - બ્રાંડી કી બોટલ (૧૯૩૯) | સંગીતકાર -દાદા ચંદેકર
ફિલ્મનું નામ બ્રાંડીની બૉટલ અને ગીતમાં કૃષ્ણની શોભાયાત્રામાં ગોપીઓના વેશમાં દૂધનું વેંચવુ ! હા, બૉસના દીકરાને સાજો કરવા એક બોટલ બ્રાંડીની શોધમાં નીકળી પડતા નાયકની દાસ્તાનની કહાણી છે
૩. તેરા ખિલોના ટૂટા બાલક- અનમોલ ઘડી (૧૯૪૬) | ગાયક - મોહમ્મદ રફી | સંગીતકાર - નૌશાદ
ગીતમાં ફીલોસોફી ભારોભાર ભરી છે: ઉપર બેઠેલાના હાથની,કોડી કોડીમાં મળતી, કઠપુતળીઓ છીએ આપણે.
ઉપરવાળાના ખેલમાં મોહમ્મદ રફીનું આ ગીત સહુ પ્રથમ હીટ ગીત તરીકે લખાયું હશે, તે તો નક્કી જ હતું.
૪. લેલો લેલો દો ફૂલ જાની લેલો - જાદૂ (૧૯૫૧) |ગાયક : શમશાદ બેગમ , જોહરાબાઇ અંબાલાવાલી, મોહમ્મદ રફી | સંગીતકાર : નૌશાદ | ગીતકાર : શકીલ બદાયુની
આ ગીત પ્રકારની લોકપ્રિયતા તો જૂઓ - સ્ટેજ શૉ માટેની નૃત્ય નાટિકા માટે પણ વિષય તરીકે પસંદ પામે છે. અને ગીતની સીચ્યુએશન શકીલ બદાયુની જેવા 'ગંભીર' કવિ પાસેથી પણ કેવા હળવા શબ્દોમાં ભાવ રજૂ કરાવડાવે છે !
૫. ચુડીયાં લે લે ગોરી - પાપી (૧૯૫૩) | ગાયક - મોહમ્મદ રફી | સંગીતકાર - એસ. મોહિન્દર
રાજ કપુર જેવો બંગડી વેંચવાવાળો હોય અને ખરીદવા માટે નરગીસ કે મીના કુમારી કે ગીતાબાલી જેવાં દેખાવાનું આકર્ષણ હોય તો પછી માલ તો ચુટકી વગાડતાં જ વેંચાઇ જવો જોઇએ
૬. લે લો જી હમારે ગુબ્બારે - બંદીશ (૧૯૫૫) |ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : હેમંત કુમાર | ગીતકાર : રાજા મહેંદી અલી ખાન
હવામાં છોડી મૂકેલા ફુગ્ગાઓને ધરતી પરનાં ફુલોને આકાશમાં વીખેરી મૂકેલા તારાઓ સાથે સરખાવી દીધા છે
૭. ઠહર જરા ઓ જાનેવાલે, બાબુ મિસ્ટર ગોરે કાલે, હમ મતવાલે પાલિસવાલે - બુટપોલિસ (૧૯૫૪) |ગાયક : આશા ભોસલે, મધુબાલા ઝવેરી, મન્ના ડે | સંગીતકાર : શંકર જયકિશન
રાજકપુરે તો ક્યારનાં આશા રાખીને બેઠેલાં બાળકોની આંખમાં ભવિષ્યનાં સ્વપ્નાંઓની વ્યથાને વાચા આપી દીધી હતી. સીધી નજરે આ બધી ફિલ્મો રાજ કપુરે ખુદ નિર્દેશીત નહોતી કરી, પણ તેનો આગવો સ્પર્શ છૂપો પણ નથી રહેતો
૮. અંધેરી નગરી ચૌપટ રાજા - અંધેરી નગરી ચૌપટ રાજા (૧૯૫૫) | ગાયક શમશાદ બેગમ | સંગીતકાર: અવિનાશ વ્યાસ | ગીતકાર: ભરત વ્યાસ
અંધારી નગરી હોય અને ચૌપટ રાજા હોય તો ટકે શેર (પુરી)ભાજી અને ટકે શેર ખાજાંની બોલબાલા હોય તેમાં નવાઇ શેની..
૯. ચણા જોર ગરમ બાબુ - નયા અંદાજ (૧૯૫૬) | ગાયક : શમશાદ બેગમ અને કિશોર કુમાર |સંગીતકાર: ઓ પી નય્યર | ગીતકાર જાન્નિસાર અખ્તર
ચણા જોર ગરમ પણ લારીમાં શેરીએ શેરીએ વેંચાતી વસ્તુઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. તેની સાથે ગરમ ગરમ મુંગફળી પણ લારીઓ ભરી ભરીને વેંચાઇ જાય…..
અને ગામે ગામની ખાસ વાનગીઓની લહાણ પણ એક જ ગીતમાં માણવા મળશે
"જિસને ખાયા એક ભી દાના, આયા ઉસકો દિલ લગાના" પરથી જ આજની જાહેરાતોના કૉપીરાઈટરોને "અબકડ" બ્રાંડનાં બનયાન ચડાવી લેવાથી ગુંડાઓનાં ટોળાંને પાડી દઇ પ્રેમિકાનું દિલ જીતી લેવાવાળા આઈડીયા મળતા લાગે છે !
૧૦. આયા રે આયા ભાજીવાલા - તૂફાન ઔર દિયા (૧૯૫૬) | ગાયિકા ગીતા રોય | સંગીતકાર : વસંત દેસાઇ | ગીતકાર: ભરત વ્યાસ
નાનકડો ભાજીવાળો બહુજ ખુમારી અને આવડતથી શાકને ફેરી કરે છે
૧૧. ફુલોંકે હાર લે લો - ઇન્સ્પેક્ટર (૧૯૫૬) | ગાયક અને સંગીતકાર હેમંત કુમાર
અહીં અશોકકુમાર છદ્મવેશમાં ફુલો વેંચે છે
૧૨. સર જો તેરા ચકરાયે, યા દિલ ડૂબા જાયે, કાહે ગભરાયે.. તેલ માલિશ..ચં....પ્પીઇઇઇ- પ્યાસા (૧૯૫૭) | ગાયક : મોહમ્મદ રફી | સંગીતકાર : સચીન દેવ બર્મન | ગીતકાર સાહિત લુધ્યાનવી
ફિલ્મમાં જ્હૉની વૉકરની હાજરીની તકિયા કલામ સાહેદીનું આ ગીત લખવા કે રચવા ગીતકાર કે સંગીતકાર તૈયાર નહોતો એટલો ફિલ્મનો વિષય ગંભીર છે. પણ જ્હૉનૉ વૉકરનાં પાત્રને યથાર્થતા બક્ષવા તેને તેલ માલિશનો વ્યવસાયી બતાવવો એ દિગ્દર્શકની સૂઝની કમાલ તો છે જ. મુંબઇની ચોપાટીની જેટલી આજે ભેળ મશહૂર છે એટલી જ એક જમાનામાં 'તે..લ..માલિશ..ચં..પ્પીઇઇઇ'ની મધુર પુકાર પણ મશહૂર હતી.
નૌકર હો યા માલિક, લીડર હો યા પબ્લીક,
અપને આગે સભી ઝૂકે હૈ, ક્યા રાજા ક્યા સૈનિક
માં સાહીર લુધ્યાનવીનાં તળ સામ્યવાદી દિલની ઉંડાઇઓમાં કૂટ કૂટ ભરેલી ભાવનાઓને પણ તેલ માલિશની ચંપીએ હળવી કરીને બહાર નીખરાવી નાખી છે.
નાના નાના રોજગાર કરતાં કરતાં મોટા મોટા આઈડીયાઓ રજૂ કરી નાખતાં ગીતોનો પ્રકાર ફિલ્મી સંગીતમાં એટલી હદે પ્રચલિત હતો કે આપણી પાસે આ વિષય પર ત્રણ પૉસ્ટ થઇ શકે તેટલી સામગ્રી તો છે.
આપ સહુ પણ હવે પછીના લેખ પૂરા થઇ જાય ત્યારે હજૂ પણ જો આવાં ગીત અહીં મૂકવાનાં બાકી રહી ગયાં હોય તો જરૂરથી જાણ કરજો.
ભાગ ૨ માટે ૭ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ મળીશું.
[This Singing Businessને ગુજરાતીમાં અનુવાદિત કરવા માટે સંમતિ આપવા બદલ 'હાર્વેપામ'સ બ્લૉગ'નો હૃદયપૂર્વક આભાર.]
- વેબ ગુર્જરી પર ૩ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ છે.
No comments:
Post a Comment